ઘણી વાર એવું બને છે કે કોઈ વ્યક્તિએ આપણું ભલું કરવાની જ કોશિશ કરી હોય, તો પણ તે વ્યક્તિ આપણને નથી ગમતી ને ઘણીવાર એવું પણ બને છે કે કોઈ વ્યક્તિએ આપણું કૈં જ સારું ન કર્યું હોય, તો પણ તે વ્યક્તિ ગમતી હોય છે. આવું કેમ થાય છે? એનો જવાબ છે મન. મનને સારી વ્યક્તિ ન ગમે ને નઠારી વ્યક્તિ ગમે એ અશક્ય નથી. એમાં કોઈ તર્ક કામ ન કરતો હોય એવું પણ બને. ઘણીવાર એવું પણ બને છે કે કોઈને ટાળવાની પ્રમાણિક કોશિશો આપણે કરી હોય ને મન તેને જ ઇચ્છતું જ હોય, તો કોઈ ખરેખર હૃદય સુધી પહોંચવા માંગતુ હોય ને આપણે તેને નજીક પણ ફરકવા નથી દેતા. તેનો વાંક એટલો જ છે કે તે આપણને ઝંખે છે ને આપણે તેને ઝંખતા નથી ને આપણો વાંક એટલો છે કે જેને ઝંખીએ છીએ તેની ઝંખના આપણે નથી. તે બીજા જ કોઈને ઝંખે છે.
આજકાલ લગ્નેતર સંબંધો વધી રહ્યા છે. એ કોઈ વધારવા માંગે છે અને વધે છે, એવું નથી, પણ લગ્નેતર સંબંધો વધતા આવે છે તે હકીકત છે. એમાં જેને ટાઇમપાસ કરવો છે એની વાત જુદી છે. આમ તો એમાં કાયમી કશું નથી, પણ કેટલાંક એવાં પણ છે જે મનથી સંકળાય છે ને સંકળાવાની કશી ગણતરી કે કશી દાનત વગર સંકળાય છે, તેમની સ્થિતિ વધુ અસહ્ય હોય છે. એમને થતું પણ હોય છે કે પોતાને જીવનસાથી છે, બાળક છે, એવી કશી આર્થિક તંગી પણ નથી ને જરા ય ખબર ન પડે તેમ કોઈ અજાણી વ્યક્તિ હૈયે પ્રવેશી જાય છે. એવી ખબર હોય છે કે આ નથી બરાબર, ખોટું છે, આજ સુધી કશું ન સંતાડ્યું હોય પોતાની વ્યક્તિથી ને તેનાથી જ છુપાવવું પડે કે એ અજાણી વ્યક્તિને જિંદગીમાં પ્રવેશવા ન દેવા મનથી પ્રયત્નો કર્યા હોય ને એ વ્યક્તિ મનનો કબજો લઈ જ લે ત્યારે બધાં હથિયારો હેઠા પડે છે ને મન એ વ્યક્તિ તરફ જ રહી રહીને દોડતું રહે છે. આવું ઘણાંના જીવનમાં બને છે. એવા કેટલા ય કિસ્સાઓ હશે જેમાં આવી મળેલી વ્યક્તિ બધી રીતે સાધારણ હોય, ન દેખાવમાં કૈં હોય, ન ઉંમરનું કશું ઠેકાણું હોય, બીજી તરફ એના કરતાં જે જીવનસાથી હોય તે બધી રીતે ઉત્તમ હોય ને છતાં મન રહી રહીને પેલી અજાણી વ્યક્તિ તરફ જ ખેંચાતું રહે છે. એ પણ ખબર હોય છે કે જીવનસાથી સાથે ન્યાય નથી થઈ રહ્યો ને ન્યાય કરવાના બધા પ્રયત્નો છતાં નથી જ થઈ રહ્યો, ત્યારે શું કરવાનું એની મૂંઝવણ ઘણાંને થતી હોય છે. પેલી અજાણી વ્યક્તિથી પીછો છોડાવી દીધો હોય ને તેનું મોઢું ય ન જોવાનું અનેક વખત નક્કી કર્યું હોય ને એ વ્યક્તિ ખસે તે સાથે જ એની રાહ જોવાની શરૂ થઈ જતી હોય એવું પણ ઘણાં સંવેદનશીલોને વીતે છે, ત્યારે શું કરવું એનો કોઈ એક જવાબ નથી. એ બધાંને લાગુ પડે જ એવો આ સાર્વજનિક સંબંધ પણ નથી. વાત વ્યક્તિએ, વ્યક્તિએ જુદી હોય એમ બને. આ સમસ્યાથી છૂટવા, વ્યક્તિ છૂટી થઈ જાય કે જિંદગીથી હાથ ધોઈ નાખે કે અજાણી વ્યક્તિ સાથે નિર્મમ થઈને પૂરી પ્રમાણિકતાથી છેડો ફાડી નાખે ને પછી એની યાદમાં જ વીતી જવાય એવું પણ ક્યાં નથી બનતું? કેટલીક વખત સમય પર પણ આવાં સંબંધનો નિર્ણય છોડવામાં આવે છે. મતલબ કે ઘણાં આવી પડેલી સમસ્યાથી માર્ગ કાઢવા મથતાં હોય છે. બધાંને માર્ગ મળે જ એ પણ નક્કી નથી, છતાં જોઈ શકાશે કે જે સંવેદનશીલ છે તે જ આમાં સંડોવાય છે ને એને જ સૌથી વધુ વેઠવાનું આવે છે. આમાં એવું પણ બને છે કે ઘણાં મનથી આમાં પડતાં જ નથી. એ વધારે પ્રેક્ટિકલ હોય છે. એ જાતને સાચવી લે છે કે કામ પૂરતું એમાં દાખલ થાય છે ને પછી કામ નીકળી જાય કે નવી શોધ શરૂ થઈ જાય છે. આખો ઘાટ ‘ગરજ સરી કે વૈદ વેરી’ જેવો જ હોય છે, છતાં, હજી હૃદયથી ચાહનારાઓ છે જ, પણ મોટે ભાગના હવે પ્રેક્ટિકલ થઈ ગયા છે, કદાચ પ્રોફેશનલ થઈ ગયા છે. એ વાત જુદી કે આજના યુવાનોની સમસ્યા જ જુદી છે.
આજના યુવાનો આરોગ્ય બાબતે વધુ સભાન છે. તે ફિટ રહેવા કસરત કરે છે, જિમમાં જાય છે, એ સાથે જ સરસ દેખાવા બ્યૂટીપાર્લરમાં પણ જાય છે, પણ તે શારીરિક સૌંદર્ય પ્રાપ્ત કરવા જેટલું મથે છે, એટલું માનસિક સૌંદર્ય વધારવા ઉત્સુક નથી જ ! તે ટી.વી. પરની સૌંદર્ય પ્રસાધનની જાહેરાતો જુએ છે, ગેમ્સમાં રમતવીરોના કસાયેલાં શરીર જુએ છે, ફિલ્મ એક્ટ્રેસોનું આકર્ષક શરીર જુએ છે. આ બધાંને જોઈને કોઈ યુવક કે યુવતી પોતાને જુએ છે તો તેને પોતાની ખામીઓ, નબળાઈઓનો અહેસાસ થાય છે. તેને થાય છે કે સલમાનખાન કે આમિરખાન જેવાં તેનાં મસલ્સ નથી. તેમની બોડીની સામે પોતાનો તો કોઈ ક્લાસ જ નથી. પેલી આલિયા ભટ્ટ કે કરીના કપૂર કેટલી સરસ દેખાય છે ને પોતે તો જરા ય દેખાવડી નથી એવું ઘણી યુવતીઓ અનુભવતી હોય છે. આ બધાંને કારણે યુવાનો લઘુતાનો ભાવ અનુભવે છે. એને કારણે પોતાનામાં કશુંક સારું પણ છે તે વાત તરફ તેમનું ધ્યાન જ જતું નથી. એક વાત સ્પષ્ટ છે કે કુદરતે પોતાને જે દેહ આપ્યો છે તે બદલી શકાતો નથી. બજારમાંથી કપડાં લાવીને બદલી શકાય છે, પણ આલિયા ભટ્ટ કે ટાઈગર શ્રોફનું શરીર મળતું નથી કે તેની ઝેરોક્સ પણ મળતી નથી કે તેને લાવીને પહેરી શકાય.
બહુ બહુ તો શરીર કસરતથી થોડું સુડોળ કરી શકાય, પણ તેનો જે બાંધો છે, તેનો જે રંગ છે તેમાં બહુ ફેર પાડી શકાતો નથી. આજના યુવાનો ધ્યાન ખેંચવા માટેની જે યુક્તિ પ્રયુક્તિઓ પ્રચારમાં છે તેને અપનાવતા રહે છે, તે પાછી બધાં અપનાવી શકતાં નથી, એટલે પોતાને તેઓ પાછળ પડી ગયેલા અનુભવે છે. પોતાની કોઈ નોંધ લેતું નથી એ વાતની નોંધ સતત પોતે લેતાં રહે છે ને પોતાનામાં કશુંક ખૂટે છે એ વાતે મુંઝાતા રહે છે. એમાં જો કોઈ લેભાગુઓના હાથમાં તેઓ જઈ પડે છે તો પરિણામ વધારે દુ:ખી થવામાં જ આવે છે. આત્મવિશ્વાસ ગુમાવાતો જાય છે ને સ્થિતિ બદથી બદતર થતી જાય છે. એના ઘણા ઉપાયો હશે, પણ સાદી વાત એટલી જ છે કે વ્યક્તિએ પોતાનામાં ભરોસો મૂકવો જોઈએ અને આંતરિક સમૃદ્ધિ અને સૌંદર્ય પ્રમાણીને પોતાની જાત, બીજા માટે પછી, પણ પોતાને માટે તૈયાર કરવી જોઈએ. રોલ મોડેલ કે કલાકારો વ્યવસાય માટે જે જરૂરી છે તે બધું કરતા હોય છે, મેકઅપ કરીને સુંદર દેખાતા હોય છે, જાહેરાતોમાં 10 સેકંડમાં સ્ત્રીઓ સુંદર થઈ જતી દેખાય છે, એટલા સમયમાં ભગવાન પણ સુંદર થઈ શકતાં નથી, તો માણસ ઓછો સુંદર હોય તો તે ચિંતાનો વિષય ન બનવો જોઈએ. ખરેખર તો કોઈએ એક્ટર્સ કે એક્ટ્રેસ જેવા થવાની જરૂર જ નથી, સિવાય કે એક્ટ્રેસ કે એક્ટર તેણે ખરેખર થવું હોય. સલમાન કે શાહરુખ કરતાં વધારે સુંદર ને સશક્ત લોકો જગતમાં બીજા ઘણા છે. એને જોઈને જો સલમાન કે આમિર લઘુતા ન અનુભવતા હોય તો સલમાન અને આલિયાને જોઈને યુવાનોએ લઘુતા અનુભવવાની કોઈ જરૂર ખરી?
એ અત્યંત આશ્ચર્યજનક છે કે આજની યુવા પેઢી બાહ્ય ટાપટીપને જ જીવન માની બેઠી છે. સારા દેખાવા એ જેટલી મહેનત કરે છે એટલી એ સાચા દેખાવા ભાગ્યે જ કરે છે. તેનામાં કોન્ફિડન્સ ઓછો છે ને ઓવર કોન્ફિડન્સ વધારે હોવાનો દેખાવ તે કરતી રહે છે, પણ હકીકતે એ ભોંઠી પડે છે ને ઉતાવળિયા નિર્ણયો લઈને અકલ્પ્ય પરિણામો વહોરે છે. આજની યુવા પેઢીમાં હતાશા, નિરાશા વધારે છે, તેણે અગાઉની પેઢીઓ કરતાં વધારે પડકારો ઝીલવાના આવ્યા છે ને તેને કારણે એ પેઢીમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધારે છે. એવું નથી કે આ પેઢીમાં કોઈ જિનિયસ નથી. છે. ઘણા છે, પણ તે એક અંતિમે છે તો બીજા ઘણા સાધારણ છે. એવું દરેક પેઢીમાં વત્તુઓછું રહ્યું છે, પણ ટૂંકે રસ્તે વધુ મેળવી લેવાનું વધારે છે. ગમતા વિષયમાં ઊંડા ઉતરવાનું, ગંભીરતાથી કોઈ વાતને સમજવાનું વલણ ઓછું જ છે. પ્રશ્નો એને કારણે પણ વધે છે. ચિંતન, મંથન-મનન વગેરેમાં ગંભીરતાથી પ્રવૃત્ત થવાનું આજની પેઢીને ખાસ ફાવતું નથી. તેને બદલે કામચલાઉ રીતે ગણતરીપૂર્વક કે લાભ મેળવવા પૂરતું જ ધ્યાન આપવાનું વલણ ચિંત્ય છે. ગમતી બાબતો માટેની નિસ્બત ને પ્રમાણિકતા નવી પેઢી કેળવતી જાય એટલી અપેક્ષા રાખવામાં નથી લાગતું કે કોઈ ભૂલ થઈ રહી છે …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 11 સપ્ટેમ્બર 2022