જો આત્મનિરીક્ષણની ટેવ હોય તો સમજાશે કે આપણને કોઈ ગુલામ બનાવવા નવરું ન હતું, પણ સેંકડો વર્ષની ગુલામી ભારતે વહોરી છે તેને માટે વિદેશીઓ છે, તેનાં કરતાં આ દેશની પ્રજા વધારે જવાબદાર છે. વેપાર કરવા આવેલી પ્રજાએ જોયું કે કુસંપી ભારતીયોને ગુલામ બનાવી શકાય એમ છે. એમણે જોયું કે અહીંના રાજાઓ અંદરોઅંદર લડે છે, નાના નાના સ્વાર્થ માટે પ્રજા સંપને હોડમાં મૂકે છે, એકસૂત્રતા નથી, એ બધી બાબતોએ વિદેશી પ્રજાને પગપેસારો કરવા માટેનું મોકળું મેદાન પૂરું પાડ્યું અને એમ સૈકાઓની ગુલામી કરમે ચોંટી.
આ સ્થિતિ સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવા છતાં બહુ બદલાઈ નથી. લગભગ સાડા છ દાયકા દેશમાં કાઁગ્રેસનું શાસન રહ્યું એ દરમિયાન બહુમતીની અવગણના અને લઘુમતીની આળપંપાળનો ઉપક્રમ જ ‘કેન્દ્ર’માં રહ્યો. એમાં વિધર્મીઓને સારું એવું પ્રોત્સાહન મળ્યું. પરિણામે બહુમતી પ્રજાની વસતિની ટકાવારી ઘટી અને લઘુમતીની વધી. આ સ્થિતિ વધુ વકરી હોત, પણ બહુમતી હિન્દુઓને નસીબે કેન્દ્રમાં ને ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર આવી ને હિન્દુઓ તરફી કેટલીક વાતો અમલમાં આવી. વિધર્મીઓ સામેના વાંધા તીવ્ર બન્યા. આપણા દેશે ચીન, પાકિસ્તાન સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું. આતંકી હુમલાઓ વધ્યા અને વધુ સંરક્ષણાત્મક પ્રયત્નો પછી પણ આતંકી ભય નિર્મૂળ થયો નથી. લોકોનો ભા.જ.પ.માં ને હિન્દુત્વમાં વિશ્વાસ વધ્યો ને ભા.જ.પ.ની સરકાર બીજી વખત પણ કેન્દ્રમાં આવી. ભા.જ.પી. શાસનમાં એટલું થયું કે લઘુમતી અવાજો પર નિયંત્રણ આવ્યું. ઠેર ઠેર હિન્દુ તહેવારો અને હિન્દુ ધાર્મિક પરંપરાઓ ઉજાગર થઈ અને એમ હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસારની મોકળાશ વધી. આજે તો એ સ્થિતિ છે કે હિન્દુ ધર્મનો દેખાવ ને દેખાડો વધ્યા છે.
એક સમય હતો જ્યારે મોગલોએ શાસન દરમિયાન મંદિરો તોડીને મસ્જિદ બનાવી અને હવે રામમંદિરથી માંડીને અનેક મંદિરોને તેની મૂળ સ્થિતિમાં પાછા લાવવાની માંગ ઊઠી છે ને એના કોર્ટમાં કેસ ચાલે છે. એ ઉપરાંત ભા.જ.પ.નો આત્મવિશ્વાસ એટલો વકર્યો છે કે જ્યાં પણ ભા.જ.પ.નું શાસન નથી ત્યાં પણ વિપક્ષોને જોડીતોડીને ભા.જ.પ.નો મહિમા વધારવામાં આવી રહ્યો છે. આજે તો એક જ લક્ષ્ય ભા.જ.પ.નું રહ્યું છે ને તે કોઈ પણ રીતે પોતાની સ્થાપનાનો જ મહિમા કરવો. એને માટે જે કરવું પડે તે કરવાનો તેને વાંધો નથી. આજે તો હવા એવી છે કે ભારત, હિન્દુ રાષ્ટ્ર બનવાની ધારે આવીને ઊભું હોય એમ લાગે. આ સાચું લાગતું હોય તો પણ તે સાચું નથી. આજે પણ ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્રનો દરજ્જો જ ધરાવે છે. ભારતીય બંધારણ મુજબ તે ધર્મનિરપેક્ષતાને સ્વીકારે છે. એ ખરું કે આજે પણ ભારતમાં હિન્દુઓની બહુમતી છે, છતાં તેનાં દેવીદેવતાઓની અનેક વખત દેશમાં કે વિદેશમાં અવહેલના થતી રહી છે. તેનાં દેવીદેવતાઓનાં ચિત્રો એવી જગ્યાએ મુકાય છે જે હિન્દુઓની લાગણીને દૂભવે. કોઈ દેવી કે દેવતાને ચંપલ પર ચીતરે છે, જેથી તે પગ નીચે આવે. તો, કેટલાક દેવો શરાબની બાટલીઓ પર ચોંટાડાય છે, તો કોઈ વળી મંદિરની મૂર્તિ ખંડિત કરે છે તો કોઈ મંદિરમાં માંસ કે હાડકાં નાખી જાય છે ને એવું એવું તો ઘણું બધું થતું રહે છે. કોઈ વળી પોતાનો ભગવાન જ શ્રેષ્ઠ અને બીજા ભગવાનો નબળા એવું સ્થાપવાનો હલકો પ્રયત્ન કરે છે. કાલના જ સમાચાર છે કે તમિલનાડુના એક પાદરીએ કહ્યું કે ઈશુ ખ્રિસ્ત જ અસલી ભગવાન છે. એવી જ રીતે અન્ય ધર્મના ધર્મગુરુઓ પણ દાવો કરી શકે ને એમ પોતાના ભગવાનને અસલી અને શ્રેષ્ઠ પુરવાર કરી શકે. કોઈ ભગવાનને બીજા ધર્મના ભગવાન સાથે ન હોય એટલી સ્પર્ધા ધર્મગુરુઓને તેમના ભગવાન સંદર્ભે હોઈ શકે છે. આમ તો કોઈ ભગવાન બીજા ભગવાન સાથે સ્પર્ધામાં ન ઊતરે તો પણ ધર્મગુરુઓ ભગવાનોને લડાવી મારે તો આશ્ચર્ય ન થાય.
આવું વિધર્મીઓ તરફથી થાય તે સમજી શકાય, પણ એક હિન્દુ ધર્મી, બીજા હિન્દુ ધર્મીની કે તેનાં દેવતાઓની ટીકા કરે ત્યારે આઘાત જ લાગે. હિન્દુ સનાતન ધર્મે સાકાર અને નિરાકાર ઈશ્વરની કલ્પના કરી છે ને બંનેનું પોતપોતાની રીતે મહત્ત્વ આંકયું છે. પ્રમાણમાં હિન્દુ ધર્મ અન્ય ધર્મોની તુલનાએ વધુ સહિષ્ણુ ગણાયો છે. એ જ કારણે તેણે અન્ય ધર્મીઓનાં આક્રમણો વેઠ્યાં છે. પણ, હવે એ સ્થિતિ છે કે હિન્દુ ધર્મની ટીકા હિન્દુ ધર્મીઓ જ કરીને તેમની વચ્ચે સંપ નથી એના પુરાવા આપી રહ્યા છે. હિન્દુ ધર્મને તોડવા હવે અન્ય ધર્મીઓની જરૂર નથી રહી, એને તો હિન્દુ ધર્મીઓ જ પહોંચી વળે એમ છે.
કારણ ખબર નથી, પણ એક જાણીતા સંપ્રદાયના સંતોએ શિવ અને બ્રહ્મા વિષે હલકી કોટિની ટીકાઓ કરીને સંપ્રદાયના સ્વામીનું મહત્ત્વ વધારવાની ચેષ્ટા કરી છે. એક કાળે દક્ષિણમાં એવું બન્યું હતું કે શૈવ પંથીઓ અને વિષ્ણુ પંથીઓ વચ્ચે તીવ્ર વિરોધ ચાલ્યા કરતો હતો. એ મામલે ત્યાં હત્યાઓ પણ થઈ હતી. અહીં સવાલ એ થાય કે શિવ અને વિષ્ણુ હિન્દુ દેવતાઓ હોય તો એની સ્વીકૃતિ તમામ હિન્દુઓમાં કેમ નહીં? કોઈ વિષ્ણુને માને તો કોઈ ભલે શિવને માને, પણ તેથી હિંસક રીતે એક બીજાની સામે તો ન જ પડાય, છતાં પડે છે. ખબર નહીં, એમ કરવાથી હિન્દુ ધર્મની કેવીક સેવાઓ થાય છે! એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ હિન્દુ સંપ્રદાય હિન્દુ ધર્મની અગાઉ સ્થપાયો નથી. દેખીતું છે કે જે તે સંપ્રદાયના સ્થાપક પણ હિન્દુ ધર્મ પહેલાં પ્રગટ્યા નથી. મતલબ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, કોઈ પણ સ્થાપકની પહેલાં મૂળ દેવતાઓ તરીકે હિન્દુ ધર્મમાં સ્વીકૃતિ પામેલા છે. સંપ્રદાયના સ્થાપકને અઢીસો વર્ષ પણ ન થયા હોય ને તે પુરાણના દેવો કરતાં મહાન હોય ને એ દેવો વળી સ્થાપકના દાસ હોય એવું ચિત્ર ઊભું કરવામાં નથી તો સ્થાપકનું હિત સધાતું કે નથી તો હિન્દુ ધર્મનું કોઈ મહત્ત્વ એથી વધે છે. બ્રહ્મા વિષે તો એક સંતે ગંદી અને અભદ્ર ટિપ્પણી કરી છે. તો, બે સંતોએ શિવનું અપમાન કરી સ્થાપકનું માન વધારવાની બાલિશ ચેષ્ટા કરી છે. આમ પણ જે તે સંપ્રદાયના સ્થાપકને મૂળ દેવતાઓ કરતાં મહાન ચીતરવાની રાજ રમતો થતી રહે છે. મંદિરમાં સ્થાપકની મૂર્તિ મોટી ને અન્ય દેવતાઓની મૂર્તિ નાની કરવામાં આવે છે, પણ તેથી નારાયણને તો કોઈ ફેર પડતો નથી કે નથી તો એ સ્થાપક-સ્વામીને કશો ફેર પડતો, પણ એમને નામે કહેવાતા સંતો પોતાની સ્થાપના કરી લેતા હોય છે. પોતાની લીટી લાંબી કરવાનું આવું વલણ સંતોને શોભતું નથી. એ સંપ્રદાયમાં કેટલાક મહાન સંતો થયા જ છે ને દેશવિદેશમાં સંપ્રદાયનો ફેલાવો પણ થયો છે, અનેક મંદિરો તેનાં સ્થાપત્યને કારણે વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યાં છે, આખો સંપ્રદાય સ્થિતિ સંપન્ન છે, પછી કોઈ પણ દેવતાનું અપમાન કરવાની જરૂર જ કેમ ઊભી થાય છે તે નથી સમજાતું. આ અપમાન વિધર્મી નથી કરતો, પણ હિન્દુ ધર્મી જ કરે છે ને તેથી તે વધારે આઘાતજનક છે.
એ ચોક્કસ છે કે આવું કરવાથી જે તે સંપ્રદાય લોકચાહના ગુમાવે છે. છાપ એવી પડે છે કે હિન્દુ જ હિંદુનો વિરોધી છે. આ કમસે કમ હિન્દુઓની તરફેણમાં નથી જતું. મોટે ભાગના હિન્દુઓ પણ એ સમજે છે કે સ્થાપક, મૂળ હિન્દુ દેવો કરતાં મહાન નથી જ, એમનો ક્રમ કોઈ રીતે પણ એ દેવોની નજીકનો પણ નથી, પછી શિવ કે બ્રહ્માની સ્થાપક સાથેની ખોટી ટીકા કે તુલનાનો કોઈ અર્થ ખરો? એનાથી અભણ, ગરીબ પ્રજા થોડો વખત કદાચ છેતરાય, પણ તેથી સંપ્રદાયનું કોઈ હિત સધાતું હોય એવું લાગતું નથી ને સૌથી મહત્ત્વની વાત તો એ કે આવું થતાં હિન્દુ ધર્મમાં માનનારાઓ વચ્ચે જ તડ પડે છે ને એક જ ધર્મના લોકો વચ્ચે વિખવાદ વધે છે. આ ઈચ્છવા જેવું છે? સંપ્રદાયના આવાં ટીકાખોર સંતો કદાચ એવું માનતા હશે કે શિવ કે બ્રહ્મા સંપ્રદાયના દેવતાઓ નથી. નહીં તો એમનું અપમાન કરીને સંતો સ્થાપકનું મહત્ત્વ શું કામ વધારે? પણ એમણે, એ સ્થાપકે શિવ કે નારાયણ વિષે જે કહ્યું છે તે એકવાર જોઈ જવા જેવું છે. એટલું થશે તો તેમને જરૂર સમજાશે કે સ્વામી, નારાયણ કરતાં મહાન નથી.
તો સ્થિતિ આ છે –
આજે પણ હિન્દુઓ વચ્ચે સંપ નથી ને ધર્મ જેવી બાબતમાં પોતાનો જ કક્કો ખરો કરવામાં અંદરોઅંદર લડી મરવાનું જ તેમને વધારે અનુકૂળ આવે છે. ત્યારે, વિદેશીઓએ અને વિધર્મીઓએ આ કુસંપનો લાભ ઉઠાવ્યો, હવે રાજકારણીઓ ઉઠાવી રહ્યા છે. આ રાજકારણીઓ વિધર્મી નથી, તેમ છતાં તેઓ રાજકીય સ્વાર્થમાં એવા ધૃતરાષ્ટ્રો છે કે હિન્દુઓને જ હિન્દુઓ વિરુદ્ધ થતાં અટકાવી શકતાં નથી. કદાચ રાજકારણ અને ધર્મનો એક જ હેતુ બચ્યો છે ને તે છે શોષણ ! એમાં કોઈને કોઈ શરમ, સંકોચ નડતાં નથી ને દુખનું મુખ્ય કારણ એ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 સપ્ટેમ્બર 2022