મારું એવું નહીં કે અમુકતમુક દિવસની રાહ જોયા પછી જ એને વિશે લખું. હું એવો તો તક-ઝડપું નથી. મારા માટે બધા જ દિવસ શુભ અને સ્મરણીય હોય છે.
આજે શુભાશિષ પાઠવું કે મારા વિદ્યાર્થી-શિક્ષકોની કારકિર્દી વધુ ને વધુ ઉજ્જવળ બને, એમને એ માટેનું સામર્થ્ય લાધે, એમ થાય એ માટેના અવસર રચાતા રહે.
સવિશેષ કહું કે —
== ભમરડા પાસેથી શીખ, જગ્યા ન મળે, તો તારા જ કેન્દ્રમાં ફર્યા કર ==
આજે શિક્ષક-દિવસ છે. હું એમાં ‘દિવસ’ જ લખું કેમ કે જોડણીની અરાજકતાના આ ભીષણ કાળમાં ‘દિન’ ‘દીન’ પણ થઈ જાય.
જો કે એવો ગોાટાળો કોઈએ સમજીને કર્યો હોય, તો એક રીતે બરાબર કહેવાય; એ રીતે કે શિક્ષક સ્વભાવે તો દીન ગરીબડો ને રાંક હોય જ છે.
સારો શિક્ષક એના વર્ગમાં ઘણું ઘણું શીખવતો હોય છે.
Pic courtesy : iStock
પણ આજે શિક્ષક-દિવસે મારે કહેવું જોઈએ કે હું વિદ્યાર્થીઓ પાસેથી પણ શીખ્યો છું. શું શીખ્યો છું? સ્વાનુભવની એ ચાર વસ્તુઓ આ રહી :
૧ : કોઇપણ સભામાં મૉડા ન જવું. જેથી એ સારા વક્તાએ કરેલી વિષયવસ્તુની સુન્દર પ્રસ્તાવના કે એનું અરધું ય વ્યાખ્યાન ચૂકી ન જવાય. ‘મે આઈ કમિન્ (સર)’ તો ક્હૅવું જ ન પડે. બસ ન મળી, સ્કૂટર બગડ્યું’તું, મમ્મીની તબિયત એકાએક બગડી ગયેલી, વગેરે પણ ક્હૅવું જ ન પડે.
૨ : કેટલાક વિદ્યાર્થીઓએ મને આ શીખવ્યું : વક્તા જો પોતાના તરફ અને વધારે જો એના વક્તવ્ય તરફ ધ્યાન ખૅંચી શકતો હોય, મારાથી એમ અનુભવાતો હોય, તો મારે આજુબાજુમાં ફાંફાં ન મારવાં. મારે કૉણીઓમાં મસ્તક ટેકવીને એનાં નયનદ્વારે થઈ એના ચિત્ત જોડે એકાકાર થવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવો. ભલે ને, મારી આસપાસમાં બીજાં કેટલાં ય આકર્ષણો કેમ નથી.
૩ : એવા રસિક સંજોગોમાં, હું જો નિદ્રાને વશ ઝોકાં ખાઉં કે બિલકુલ ઊંઘી પણ જઉં, તો વક્તાએ એને ગનીમત ગણવું જોઈશે, હું ગણતો એમ. કેમ કે કો’ક કો’ક મારી વિદ્યાર્થિનીઓએ મને એ બોધ આપેલો કે સર, નિદ્રા નિર્દોષ પ્રવૃત્તિ છે. એ દરમ્યાન નિદ્રસ્થનું અને એની આસપાસનાંનું જીવન સુખમય હોય છે. પણ વક્તાએ મને જોયા કરવાની ભૂલ ન કરવી, નહિતર એની બચારાની ‘લિન્ક’ તૂટી જાય. એ જો મારા પર ગુસ્સે ભરાય તો બીજાં સભાજનો એને તાકી રહેવાનાં – એવા ભાવથી કે કેવો ના – સમજ, અથવા મૂરખ છે.
૪ : વક્તા જો અગડમ્ બગડમ્ કરતો હોય; વારે વારે ‘માય નોટ્સ’ નામનાં ચીંથરેહાલ, કેમ કે વર્ષોજૂનાં, કાગળિયામાં મૉઢું ઘાલતો હોય; પોતાને પણ ખબર ન હોય એવું અગમનિગમનું બોલતો હોય; તો મારા કેટલાક જાગ્રત વિદ્યાર્થીઓએ પાસેથી હું નીચે પ્રમાણેનું પણ શીખ્યો છું :
બાજુવાળા શ્રોતાભાઇ કે શ્રોતાબાઇ જોડે પાટલી નીચે ફોન રાખીને ચૅટિન્ગ શરૂ કરી દેવું. ગઈ રાતે જોયેલા મૂવિની, શાહરૂખ, બચ્ચન કે દીપિકાની એમાં વાતો ચૅટવી.
એ અગવડભર્યું લાગે તો જૂતાં ફ્લોરથી ઘસવાનું ચાલુ કરી દેવું, ક્રમે ક્રમે અન્યો મારા એ કરણીય કૃત્યને અનુસરવાના.
એ પણ ન ફાવે તો સભા બ્હાર પગથિયે બેસી મિત્ર-મિત્રાણીઓની મારા અમુક વિદ્યાર્થીઓ રાહ જોતા, એમ કરવું. મિત્ર-મિત્રાણીઓ પણ આવી લાગવાનાં, કેમ કે એઓ પણ મને અનુસરવાની ફિરાકમાં હોવાનાં – એમ હોય જ ને? – અથવા, એમ જ હોય.
(September 5, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર