ગરીબનું / લાચારનું કોઈ નથી. તેમનું શોષણ શક્તિશાળી / સમર્થ / સત્તાવાળા કરતા રહે છે. ઝારખંડના રાંચી શહેરની ઘટના આંખ ખોલનારી છે. પૂર્વ IAS મહેશ્વર પાત્રાનાં પત્ની સીમા પાત્રાને નોકશાહીનો નશો હતો અને સત્તાપક્ષની મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્યસમિતિની સભ્ય હતી; એટલે ડબલ એન્જિન જેટલી શક્તિશાળી તુમાખી પણ હતી ! સીમાએ આદિવાસી મહિલા સુનિતાને (29) 10 વરસથી ઘરનોકર તરીકે રાખી હતી; પરંતુ ગુલામ સાથે પણ વર્તન ન કરે એવું વર્તન સીમા, સુનિતા સાથે કરતી હતી. સીમા સુનિતાને ગરમ તવાથી ડામ દેતી હતી; મારઝૂડના કારણે સુનિતાના દાંત તૂટી ગયા હતા ! સુનિતાને ખાવા-પીવાનું મળતું ન હતું; તેને રૂમમાં પૂરી રાખવામાં આવતી હતી; તે બેહોશ બની ઢળી પડતી અને તેને પેશાબ થઈ જતો ત્યારે જીભ વડે તે પેશાબ સુનિતા પાસે સીમા સાફ કરાવતી હતી ! સુનિતા ચાલી શકતી ન હતી. સારી વાત એ હતી કે સીમાના પુત્ર આયુષ્યમાને જ સુનિતાને રેસ્ક્યૂ કરવા પોતાના મિત્રને કહ્યું હતું; જેથી 22 ઓગષ્ટ 2022ના રોજ સુનિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સોશિયલ મીડિયામાં ઊહાપોહ થતાં સત્તાપક્ષે 30 ઓગષ્ટના રોજ પક્ષમાંથી સીમાને દૂર કરી દીધી ! NWC-નેશનલ વિમેન કમિશને સીમા સામે કાર્યવાહી કરવા ઝારખંડના DGPને જણાવ્યું છે. સીમા પાત્રા સામે IPC કલમ-323 (મારઝૂડ કરવી, સજા-1 વરસ સુધીની કેદ/દંડ); 325 (જાણીજોઈને ગંભીર ઈજા કરવી, સજા-7 વરસ સુધીની કેદ/દંડ); 346 (બંધક બનાવી ત્રાસ આપવો, સજા-2 વરસ સુધીની કેદ/દંડ); 374 (બળજબરીથી કામ કરાવવું, સજા-1 વરસ સુધીની કેદ/દંડ); તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(1) (a) (b) (h) (અખાદ્ય વસ્તુ ખવડાવવા બળજબરી કરવી/ મળ-કચરો ફેંકે/ ટોપલેલ-અર્ધનગ્ન કરે, સજા-5 વરસ સુધીની કેદ/દંડ) હેઠળ ગુનો દાખલ થયેલ છે અને પોલીસે સીમાને એરેસ્ટ કરેલ છે. આ પ્રકારની ઘટના; જો સીમા પાત્રા વિપક્ષ સાથે જોડાયેલી હોત તો ગોદી મીડિયાએ ઊહાપોહ મચાવી દીધો હોત ! પરંતુ સીમા સત્તાપક્ષ સાથે જોડાયેલી હતી એટલે ગોદી મીડિયાને સીમાનો અત્યાચાર ચર્ચા કરવા યોગ્ય લાગ્યો નહીં !
થોડાં મુદ્દાઓ :
[1] સીમા ઉચ્ચ અધિકારીની પત્ની અને સત્તાપક્ષની મહિલા વિંગ સાથે જોડાયેલ હતી; છતાં કોઈ અભણ વ્યક્તિ ન કરે તેવું ક્રૂર / જંગલી વર્તન સીમાએ કેમ કર્યું હશે? સત્તાનો નશો જ ને? મને કાયદો સ્પર્શી ન શકે; એવું જ સીમા માનતી જ હશે ને?
[2] સીમા IAS અધિકારીની પત્ની છે. શું ઘરમાં આદિવાસી મહિલા ઉપર થતા અત્યાચારની ગંધ મહેશ્વર પાત્રાને નહીં આવી હોય? શા માટે તેમણે સુનિતાને મુક્ત ન કરી? એક IAS અધિકારી તરીકે તેમણે રાજ્યના લોકોની કેવી ‘સેવા’ કરી હશે?
[3] શું આ એકાદ ઘટના હશે કે ઘરનોકરોનું / લાચાર વ્યક્તિઓનું વત્તાઓછા પ્રમાણમાં શોષણ થતું હશે? ગરીબ / લાચાર માણસોના ‘માનવ ગૌરવ’નું કેટલું હનન થતું હશે?
[4] સીમા સત્તાપક્ષ મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્યસમિતિ સાથે જોડાયેલ હતી; તેમણે મહિલા માટે કેવી ‘સેવા’ કરી હશે? એક મહિલા તરીકે, બીજી મહિલા ઉપર આટલી ક્રૂરતા કેમ કરી શકી હશે? શું તેમના મસ્તિકમાં ગોડસેના વિચારો ઘૂમતા હશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર