ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે દેશમાં કેમ જાણે બે જ મુખ્ય રાજકીય છાવણીઓ જણાતી હતી : કૉંગ્રેસ-યુપીએ અને ભાજપ-એનડીએ. પણ તરત જ દેવે ગૌડાએ ત્રીજા મોરચાની જાહેરાત કરી; અને પછી તો લાલુમુલાયમપાસવાને પોતે ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાથે મળીને લડશે એવી જાહેરાત સાથે લગભગ ચોથા મોરચા જેવી એક નવી પરિસ્થિતિ સરજી છે. તેઓ કેન્દ્રમાં અલબત્ત સોનિયા-મનમોહનની સાથે છે, પણ રાજ્યમાં જુદા છે. દરમ્યાન, ડાબેરી પક્ષો સાથે છેડો ફાડી ચૂકેલી કૉંગ્રેસના નેતા પ્રણવ મુખરજી – એમના ગૃહરાજ્યમાં કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ ભેગાં લડી રહ્યાંનો સંકેત આપતાં સોનિયા ને મમતાનાં સહિયારાં પોસ્ટરો મોટે પાયે દેખાઈ રહ્યાં હોવા છતાં – ચૂંટણી પરિણામો પછી ડાબેરી સમર્થનની સંભાવનાઓ બાબત ખુલ્લા પેશ આવી રહ્યા છે. શરદ પવાર (એનસીપી) કૉંગ્રેસ અર્થાત્ યુપીએની સાથે છે, અને ઓરિસ્સામાં બીજુ જનતા દળ સાથે ચૂંટણીસમજૂતી વાટે ત્રીજા મોરચા સાથે !
સાફ જાહેર છે કે કોઈ ચૂંટણીપૂર્વ સમજૂતી કરતાં વધુ તો સંબંધિત સૌનો મદાર ચૂંટણી પછીના સંજોગો ઉપર છે. મિશ્ર સરકારના રાજકારણથી પરહેજ તો અલબત્ત કરી શકાય તેમ નથી; પણ તે ચૂંટણીપશ્ચાત્ હશે. એક રીતે આપણું રાજકારણ ૧૯૯૬નાં ચૂંટણી પરિણામ પછી દેશમાં સંયુક્ત મોરચાનો જે પ્રયોગ શક્ય અને જરૂરી બન્યો હતો તે તરફ પાછું જઈ રહ્યું છે.
પણ દેશનાં વિવિધ રાજ્યોમાં ચૂંટણીપશ્ચાત્ ગણતરીઓનાં ઉપરછલ્લાં ગણિતોથી હટીને એક પ્રવાહ અને પ્રક્રિયા તરીકે આ બધું શું બની રહ્યું છે તે સમજવાનો વિચાર કરીએ તો ખયાલમાં આવે છે કે ગાંધીનેહરુપટેલના વારાની જે સર્વસમાવેશક કૉંગ્રેસ હતી તેના જેવું કાંક સાધવાની ભલે ઉભડક તો ઉભડક પણ આ કોશિશ છે. દલિત-બહુજન મતબૅન્ક અંકે કરીને માયાવતીએ સર્વસમાજની ફોર્મ્યુલા વાટે ઉત્તર પ્રદેશનું શાસન હાંસલ કર્યું તે પછી મુલાયમસિંહ સામે મોટો પડકાર ઊભો થયો છે અને કૉંગ્રેસ તેમજ ભાજપ હવે ત્રીજાચોથા ક્રમ માટે લડી રહ્યાં છે.
સર્વસમાવેશક કૉંગ્રેસમાં ૧૯૬૯માં ભાગલા પડ્યા તે પછીના ઇંદિરાઈ રાજકારણમાં દલિતો અને મુસ્લિમોને મતબૅન્ક તરીકે પોતાની પાંખમાં લેવા પર ભાર હતો. એક પા માયાવતી તો બીજી પા મુલાયમ પ્રકારનાં પરિબળો આ બૅન્કોમાં વડાં ભાગિયાં તરીકે ઉભર્યાં એ જાણીતું છે. લાલુએ બિહારમાં સિદ્ધ કરેલું 'માય' (મુસ્લિમ-યાદવ) જોડાણ પણ જાણીતું છે.
એક પક્ષ પ્રભાવ પ્રથાના કાળે કૉંગ્રેસ સૌનો પક્ષ હતી, પણ એમાંથી ઓબીસી તબકાને મુલાયમસિંહ ખેંચી ગયા તો દલિત તબકાને માયાવતી લઈ ગયાં. બાકી રહ્યો ઉજળિયાત મધ્યમવર્ગ જેમાં કૉંગ્રેસ સાથે ભાજપની સ્પર્ધા રહી. પરિણામે બેઉ આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ત્રીજાચોથા સ્થાનની ફિરાકમાં છે. અલબત્ત, બિહારમાં નીતીશકુમાર અને જનતા દળ ( યુ)ની બાંય પકડીને ભાજપ કંઈ આશ્વસ્ત હોય એ જુદી વાત છે.
૧૯૯૨ના બાબરીધ્વંસ સાથે પોતાને ટોચ પર માનતો ભાજપ તે પછી ૧૯૯૩ની રાજ્યચૂંટણીમાં કદ મુજબ વેતરાઈ ગયો, કેમકે ત્યારે મુલાયમસિંહ અને માયાવતી ભેગાં થઈ ગયાં હતાં. કૉંગ્રેસ તો ભાજપે ખેંચેલ શહેરી મધ્યમવર્ગ અને મુલાયમે ખેંચેલ ઓબીસી તો માયાવતીએ ખેંચેલ દલિતને કારણે કદ મુજબ વેતરાયેલ હતી જ.
ઉજળિયાત મધ્યમ વર્ગ તેમજ ઓબીસી અને દલિત, દરેકને નામે અલગ અલગ રાજકીય દુકાનદારીએ વિખંડિત જનાદેશ અને વિખંડિત રાજકારણનો માહોલ બનાવ્યો છે. ભાજપે દાખલ કરેલ 'હિંદુ' પરિમાણમાં એનો જવાબ નથી; કેમકે તે વળી હિંદુ વિ. મુસ્લિમ તરેહના ખાનામાં લોકને વહેંચી નવું વિખંડન સરજે છે. યુપીએ અને એનડીએ પોતપોતાની રીતે આ વિખંડનને બદલે 'સર્વ' માટેની કોશિશો છે જે આપણને માયાવતી-બહુજનસમાજ પાર્ટીની સર્વસમાજ ફોર્મ્યુલામાં પણ અનુભવાય છે.
તેથી ચૂંટણીપશ્ચાત્ જે પણ સામસામા જમાવડા સરજાય એમણે ગૃહના અંકગણિત સાથે કામ પાડવા ઉપરાંત જે મનોગણિત જોડે કામ પાડવાનું છે તે વ્યાપક સામાજિક સંકલનાના રાજકારણના નિર્માણનું હોવું જોઈશે. અડવાણીના મંદિરવાદે અને વીપીના મંડલવાદે, જે કરવાનું હતું તે કર્યું. નમોના મંડલમંદિર સંમિશ્ર અભિગમે પણ જે કરવાનું હતું તે કર્યું. પાયાનો સવાલ, સમતામંડિત એવા નવા સમાજ માટે સૌના રાજકારણને ધોરણે વિકલ્પ તરીકે ઉભરવાનો છે. ત્રીજાચોથા મોરચાઓ કે બીજા (કૉંગ્રેસ સાથે મળીને/ ટેકાથી) આવું વલણ કેળવી શકશે કે કેમ તે બાબતે આપણે સ્વાભાવિક જ ચોક્કસ નથી. ૨૦૦૯ ની સંભવિત મોરચા સરકાર અને ૨૦૧૨ લગીમાં સંભવિત નવી ચૂંટણી વચ્ચે સામાજિક સંકલનાનું ગાંધીનેહરુપટેલ કે પછી ગાંધીલોહિયાજેપીઆંબેડકર એવા કોઈ રાજકીય સંગઠન-સંકલનની ભૂમિકા બનશે ? ન જાને.