માર્ચ ઊતરતે અને એપ્રિલ બેસતે લાહોર અને નવી દિલ્હી, પ્રકારાન્તરે પાકિસ્તાન અને ભારત કેવીક વિલક્ષણ સહોપસ્થિતિનાં તેમજ પરસ્પર વિરોધનાં ચિત્રો રચી રહે છે ! માર્ચ બેસતે લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટુકડી પરના આતંકી હુમલા સાથે વિશ્વક્રિકેટના સંદર્ભમાં આ ઉપખંડની જાણે કે પથારી ફરી ગઈ હતી; અને માર્ચ ઊતરતે લાહોર કને પાક પોલીસ એકેડેમી પરની આતંકવાદી કારવાઈ સાથે પાકિસ્તાનમાં હજુ કેટલું બધું સમુંનમું કરવાનું રહે છે તે અધોરેખિતપણે સમજાઈ રહે છે.
લાહોરના બંને ઘટનાક્રમ સંદર્ભે એક સરસ સચોટ ટિપ્પણી આ કલાકોમાં 'ડોન' (કરાચી)ના વરિષ્ઠ તંત્રી મુર્તઝા રઝવીએ કરી છે કે દેશમાં શાસનને નામે જે શૂન્ય (શિયર ઍબ્સન્સ ઑફ ગવર્નન્સ) પ્રવર્તે છે એની જ એક ઓર સાહેદી એમાંથી મળી રહે છે. રઝવીની ટિપ્પણીને પાકિસ્તાનના સંદર્ભમાં જેમ નજીકની તેમ દૂરના ઇતિહાસનાયે સંદર્ભમાં જોઈ શકાય. મુશર્રફને સ્થાને ઝરદારીનું બેસવું, એક રીતે લશ્કરી ઓથાર અને ઓછાયાથી સ્વતંત્ર થવા ભણીનું પગલું હતું અને છે. એક પા લાલ મસ્જિદ પર કારવાઈ કરવાનું મન બનાવી શકતા મુશર્રફ તો બીજી પા સર્વોચ્ચ અદાલત સાથેની એમના એકાધિકારવાદી ચેષ્ટા સામે રસ્તા પર ઊતરી આવતા વકીલો, આ બેઉ મળીને પાકિસ્તાનમાં બદલાઈ શકતી કરવટનું એક અચ્છું નિદર્શન આપતા હતા. પણ મુશર્રફ અને વકીલો, લોકશાહી લેબાસમાં લશ્કરશાહ અને કાળે ડગલે સજ્જ નાગરિક સમાજ, બેઉ સ્વાભાવિક જ સાથે જઈ શકે એમ નહોતા. છેવટે મુશર્રફે જવાની નોબત આવી; અને ઝરદારીએ સૂત્રો સંભાળ્યાં, પણ એમણે સર્વોચ્ચ અદાલત સાથેની તાનાશાહી ચેષ્ટામાં દુરસ્તી કરીને વાસ્તવિક સત્તાપરિવર્તનનો કોઈ સંકેત આપવાની તાકીદ ન જોઈ. છેવટે 'લૉંગ માર્ચ' અને નવાઝ શરીફની હિલચાલે ઝરદારીને દુરસ્તીની ફરજ પાડી. પણ જ્યાં સુધી ધારાધોરણસરના શાસનની રગ ન આવે અને નાગરિક સમાજ તથા શાસન વચ્ચે સાર્થક આંતરક્રિયા ન રચાય ત્યાં સુધી બધું સખળડખળ ચાલ્યા કરવાનું એ સાફ છે. લશ્કરની પકડમાંથી મુક્ત થવા ઇચ્છતી લોકશાહી માટે આ વર્ષોમાં – કેમકે પાકિસ્તાન આતંકવાદને પેદાશી પનાહ આપતું rouge state બની ગયું છે – હજુ લાંબી, ખાસી લાંબી મજલ કાપવાની રહે છે.
પાકિસ્તાન અને ભારત બેઉ, એક દિવસના ટેકનિકલ ફેરે, સાથે જ આઝાદ થયાં. ઝીણાએ પ્રારંભે પુનર્વિચારનો સંકેત આપ્યો પણ એમણે ઝનૂની વિચારધારાવાદની રાજનીતિ સાથે જે બધાં ભાગલાવાદી અને જીર્ણમતિ બળોને બાટલીમાંના જીન પેઠે બહાર કાઢ્યાં હતાં તે એમના કહ્યામાં રહે શાનાં. બીજી પાસ, ગાંધીનેહરુપટેલની છત્રછાયામાં ભારતીય નેતૃત્વે જે બંધારણીય રાહ લીધો એમાં લોકશાહી ખુલ્લાપણાની કાળજી અને સાંપ્રદાયિક ઝનૂનનો અભાવ, આ બે વાનાંની ઠીક ઠીક માવજત શક્ય હતી. પરિણામે, ચડતાંપડતાં, કટોકટીરાજનો બોગદો વટાવીને પણ આપણે આજે એક નવી લોકસભા રચવા ભણી જવાને સક્ષમ છીએ. પાકિસ્તાને પાછલા છ દાયકાનો ખાસો એવો બોજ, જે લગભગ એના અસ્તિત્વનો ભાગ થઈ ગયો છે, ઉતારવાનો છે. દેખીતી રીતે જ, આ પ્રક્રિયા લાંબી, અતિલાંબી હોવાની છે અને એમાં કોઈ ટૂંકો રસ્તો હોવાનો નથી. આમ પણ આવી બાબતોમાં શૉર્ટ કટ અંગીકારતી પ્રજાઓને લમણે અંતે લાંબા થઈ જવાનું જ રહેતું હોય છે.
હમણાં કહ્યું કે આપણે લોકશાહી રાજવટ મુજબ નવી લોકસભા ભણી જઈ રહ્યા છીએ અને કટોકટીરાજ શા બોગદાની બહાર પણ નીકળી શક્યા છીએ. પાકિસ્તાનની સરખામણીમાં આ ચિત્ર જરૂર આશ્વસ્તકારી પણ અનુભવાય છે. પણ ધોરણસરનું શાસન કહો, કાયદાનું શાસન કહો, એ કસોટીએ આપણે ક્યાં છીએ તે તપાસવામાં ગાફેલ રહેવાની જરૂર નથી. પહેલાં પણ પ્રશ્નો હતા, અને રાજકીય-શાસકીય અગ્રવર્ગ પરત્વે જો કંઈક કદર તો તો ફરિયાદમુદ્દા પણ ખાસા હતા. પરંતુ તેમ છતાં એક એકંદરમતી એવી જરૂર હતી જે નાગરિક સમાજને બાંધવામાં સહાયરૂપ હોઈ શકે. આ એકંદરમતી, અડવાણીની રથયાત્રા અને 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ની રાજનીતિ સાથે ખરાબ રીતે તૂટી. જે મૂલ્યો અને રસમો એમાંથી ઉભર્યાં તે બધાંમાં રહેલ દૂરિત અને અનિષ્ટને વિચારધારાનું રૂપાળું ઝભલું પહેરાવાતું રહ્યું અને આ પ્રક્રિયામાં ધોરણસરના શાસનનો 'રુલ ઑફ લૉ' ના સાંસ્થાનિક – સ્વરાજી વારસાનો) જે થોડોકે અમલ આપણે ત્યાં હતો તે ઓજપાતો ગયો.
થાઉં થાઉં વડાપ્રધાન અડવાણી આ બધું નહીં જ સમજતા હોય એમ તો નથી. લાંબા સમય લગી એમના પક્ષમાં તેઓ સુરેખ અભિવ્યક્તિ (આર્ટિક્યુલેશન) માટે જાણીતા રહ્યા છે. એનડીએ શાસનનું પહેલું કે બીજું વરસ હશે ત્યારે એમણે વિચારધારાવાદને માપમાં રાખી રાજવટ (ગવર્નન્સ) પર ભાર મૂકવાની દૃષ્ટિએ પક્ષનાં વર્તુળોમાં કંઈક ઊહપોહ પણ કરવાનું નવસંદર્ભમાં ઉચિત લેખ્યું હતું. પણ આખરે તો એ ઝીણાના હિંદુ અડધિયા રહ્યા એટલે એમણે અયોધ્યાજ્વરમાં જે બધાં તત્ત્વોને મત્ત મહાલવા વકરવાનો અવસર આપ્યો હતો તે રાજવટના ખયાલને બદે શાનાં. ઊલટું, ગુજરાતમાં ૨૦૦૨માં જોવા મળ્યું તેમ રાજવટને રૂખસદ આપવામાં ગૌરવ જોવાની માનસિકતાને મોકળું મેદાન મળ્યું.
નવી દિલ્હીમાં તેઓ ભલે વડાપ્રધાનના દાવેદાર હોય (હતા), પણ ગાંધીનગરમાં તો નમોજીવી છે. નમો એમના સીઈઓ સ્વાંગની પૂંઠે ૨૦૦૨ને ભુલાવી દેવા માગતા હોય – પણ તીસ્તા સેતલવાડ જ નહીં, માયા કોડનાની સુધ્ધાં તે ભુલાવા ન દેતાં હોય – ત્યારે બાળ વરુણને પણ અંતરે એવા ઓરતા તો જાગે જ ને કે એકવાર પીલીભીતમાં ૨૦૦૨વાળી થઈ જાય તે પછી તો સીઈઓનો ખેલ ક્યાં નથી પાડી શકાતો.
અડવાણી મનમોહનસિંહને 'નબળા' ગણે છે – અને આ ક્ષણે મનમોહનસિંહની 'બ્રીફ' ઝાલવાનો કોઈ ખયાલ પણ અહીં નથી – પરંતુ અડવાણી પોતે નબળા નેતા છે કે સબળા એની એક કસોટી ભાજપના વરુણોદય તબક્કામાં તેઓ કેવી રીતે પેશ આવે છે તે પણ છે જ. પહેલાં એમણે વરુણની વાતોને પક્ષ તરફથી નકારી કાઢી અને તેના વિચારો બાબતે હાથ ઊંચા કરી દીધા. હવે એને 'ઉમેદવાર' તરીકે ખભે ચડાવી ફરવા મળો છે. આવું જ સાધ્વી પ્રજ્ઞાના પ્રકરણમાં બન્યું હતું. ઘડીક 'ઓન' અને ઘડીક 'ડિસ્ઓન' કરવાની એમની આ નિયતિ (અગર તો નિર્બળતા) એમને નેતા તરીકે સ્થપાવા ન દે એ દેખીતું છે; કેમકે એમણે એક જીર્ણમતિ આંદોલનકારથી ધોરણસરના વહીવટકાર વચ્ચેનું અંતર કાપવું રહે છે.
સ્વરાજના છ દાયકામાં પાકિસ્તાને જે ગળથૂથી-ગોથું ખાધું છે તે ગોથું ભારતને સ્વરાજની ચાલીસી પછી અડવાણીએ ખવડાવવાની કોશિશ કરી. એનું પરિણામ આજે દેશ અને તેઓ બંને ભોગવી રહ્યા છે. ધોરણસરની રાજવટનો મુદ્દો ફેંકાતો ફંગોળાતો જાય છે. પક્ષપ્રમુખ રાજનાથસિંહની હાજરીમાં ગાઝિયાબાદમાં ઉત્તર પ્રદેશના આઈએએસ એસોસિયેશને ૧૯૯૫માં જેને 'બીજા નંબરના સર્વાધિક ભ્રષ્ટ અફસર' કહ્યા હોય તેને ભાજપમાં પ્રવેશ આપવાનું આ જ કલાકોમાં બન્યું છે તે વરુણોદયની સહોપસ્થિતિમાં જોતાં બીજો શો સંદેશો આપી શકે, સિવાય કે રઝવી જેને 'શિયર ઍબ્સન્સ ઑફ ગવર્નન્સ' કહે છે તે તરફ જઈ રહ્યાનો.