અમે અહંકારનાં પૂતળાં છીએ
અમને જે નડે છે
તેને અમે ધ્વસ્ત કરીએ છીએ
અમે કોઈની ચામડી પહેરીને
તેને નામે
ચરી ખાઈએ છીએ
અમે ઘાસ ખાઈએ છીએ
કારણ અમે પૂતળાં છીએ
અમે કોઈનો ચહેરો પહેરીને ઊજળાં છીએ
પણ અમે કોઈનું નામ ઉજાળતાં નથી
અમે કરતાં કૈં નથી ને કોઈને કરવાય દેતાં નથી
અમે માત્ર અહંકાર પોષીએ છીએ
અમને એમ જ છે કે અમારું કોઈ કૈં બગાડી શકે એમ નથી
અમારું બગાડવા અમે જ પૂરતાં છીએ
અમારું સ્મશાન અમે જ છીએ
એટલે કોઈ ફૂંકી મારે એ શક્ય જ નથી
અમે જ અમારી રાખ છીએ
અમને રાખમાં છે એટલો રસ રંગમાં નથી
આંસુમાં છે એટલો સ્મિતમાં નથી
અમે કોઈને ખભે ઊભાં નથી
પણ ખભો બધાંને આપીએ છીએ
અમે માણસ નથી અહંકાર છીએ
અંધકાર છીએ
અમને તમે ધ્વસ્ત કરી શકો
ખસેડી શકો
પણ તેથી ફરક નહીં પડે
બીજા અનેક ઊભાં થશે
કોણે કહ્યું કે પૂતળામાં જીવ નથી હોતો
આ શું અમે ઊભાં છીએ જ ને …
000
e.mail : ravindra21111946@gmail.com