કોરોનાને કારણે ભારતમાં નિપજેલાં મૃત્યુનો આંકડો વિવાદાસ્પદ બન્યો છે. ભારતમાં સત્તાવાર અંદાજ પ્રમાણે કોરોનાને કારણે મૃત્યુ ૫.૨૩ લાખ થયા છે, પણ WHOના અંદાજ પ્રમાણે ભારતમાં ૪૭ લાખ મૃત્યુ થયાં છે. WHOનો અંદાજ દુનિયા માટે પણ મોટો છે. એના અંદાજ પ્રમાણે દુનિયામાં ૧.૩૩ કરોડથી ૧.૬૬ કરોડ મૃત્યુ થયાં છે. બીજી બાજુ, સત્તાવાર આંક પ્રમાણે કોરોનાથી નિપજેલા મૃત્યુની કહી સંખ્યા ૬૨થી ૬૩ લાખ છે. આ બાબતમાં એટલું કહી શકાય કે દુનિયાની બાબતમાં WHOનો અંદાજ સત્તાવાર અંદાજ કરતાં લગભગ બમણો છે, જ્યારે ભારતની બાબતમાં એ અંદાજ નવ ગણો છે. તેથી તે વધારે વિવાદાસ્પદ બન્યો છે.
ભારતની બાબતમાં બીજો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે. કોરોના પહેલાંનાં વર્ષમાં ભારતમાં મૃત્યુની સંખ્યા ૭૩ લાખ હતી. એ કોરોનાના વર્ષમાં ૮૧ લાખ થઈ. આના આધારે કોરોનાને કારણે ભારતમાં આઠ લાખ મૃત્યુ થયા એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં સત્તાવાર અંદાજ નહીં સ્વીકારવા માટે પૂરતું કારણ છે. ભારતમાં ગ્રામ વિસ્તારોમાં જે મૃત્યુ નોંધાયા છે, એનાં સાચા કારણો આપણે જાણી શકતા નથી, કારણ કે ભારતમાં ગ્રામવિસ્તારોમાં તબીબી સારવારનો લગભગ અભાવ પ્રવર્તે છે. બીજી બાજુ WHOએ પોતાની વ્યાખ્યા વિસ્તારથી કરી છે. એનો આશય મોટો આંકડો બતાવવાનો નથી, પણ જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર થાય અને આવી મહામારી ભવિષ્યમાં આવી પડે તો તેને પહોંચી વળાય એ દિશામાં વિકાસ કરવાનો છે.
ટૂંકમાં, સ્વાસ્થ્ય સેવાઓનો વિકાસ થાય એ હેતુથી એણે પોતાના અંદાજો તૈયાર કર્યા છે. એમાં કોરોનાથી મૃત્યુ નિપજ્યાં હોય એની વ્યાખ્યા એણે ઉદારતાથી કરી છે. એમાં મૃત્યુ થવાનું તત્કાળ કારણ બીજું કોઈ હોય તો પણ કોરોનાની હાજરીથી એ મૃત્યુનું કારણ કોરોનાનું ગણી લેવામાં આવ્યું છે.
આ કારણથી WHOના આંકડા બીજા સાથે સરખાવી શકાય નહીં. મેડીકલ સાયન્સની દૃષ્ટિએ બીજું કારણ હોય તો પણ WHOના અંદાજમાં એને કોરોના ખાતે ઉધારવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ ઉપર નોંધ્યું છે તેમ આવી મહામારીનો સામનો કરવાનો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 04