જ્યોત ૪ : સાહિત્ય મૂળે તો કહેવા અને સાંભળવા માટે છે.
માણસ લખે ત્યારે તેમ જ ટાઇપ કરે ત્યારે પણ લ-ખે જ છે. સવાલ એ છે કે એ લ-ખે છે શું? શબ્દો, વાક્યો, ભાષા. ભાષ્ = બોલવું = વાણી. માણસ વાણી લખે છે. વળી, આપણે જાણીએ છીએ કે બોલાયેલું સાંભળવા માટે હોય છે. તેથી ભાષા અથવા વાણી કથન માટે છે તેમ શ્રવણ માટે પણ છે.
વાણીના અનેક ગુણો છે. વાણી ક્રિયા છે, જીવન્ત ઘટના છે. એથી સંક્રમણ તુરન્ત થાય છે, કેમ કે વાણીમાં તત્ક્ષણતાનો ગુણ છે. વળી, વક્તા હાજર હોય, એ બોલતો હોય, તે દરમ્યાન એના સૂરમાં ક્યાંક ‘મહાપ્રાણત્વ’ ભળ્યું હોય, ક્યાંક ‘સ્વરભાર’ મુકાયો હોય, ક્યારેક ‘કાકુ’; વગેરે વગેરે વાણીનાં સુપ્રાસૅગ્મૅન્ટલ તત્ત્વો પણ એની વાણીમાં પ્રગટતાં હોય છે.
દાખલા રૂપે, કશા પૂર્વાનુબન્ધ વગર લખાયું હોય કે – ‘તું આવીશ.’ બોલનારે ઝખ્યું હોય કે જેને પોતે ‘તું’ કહે છે એણે જ આવવાનું છે. એણે ‘તું’ પર ભાર મૂક્યો હોય એટલે સાંભળનાર તો સમજે જ કે પોતે, ન કોઈ બીજું. પણ એ ભાર ‘તું આવીશ’ લખાણમાં ન દેખાય. મતલબ, લિપિ બધાં જ સુપ્રાસૅગ્મૅન્ટલ તત્ત્વો નથી દર્શાવી શકતી. એ દૃષ્ટિએ તો ગમે તેટલી સમર્થ લિપિને પણ અપૂર્ણ ગણવી જોઇશે.
વાણીનાં એ બધાં સહજ અથવા જન્મજાત ગુણલક્ષણો છે.
લેખન દરમ્યાન એ ગુણલક્ષણોને જ વીસરી જઇએ તો શું થાય? હસ્તાક્ષર મોતીના દાણા જેવા હોય પણ કશું જો ‘કહેતા’ ન હોય તો દાણા મોતીના ખરા પણ મૃત હોય છે. લેખકની ઘણાં પાનાંની હસ્તપ્રત ચૅંકા વિનાની નરી સ્વચ્છ હોય પણ જો કશું ‘કહેતી’ ન હોય તો એ કાગળિયાં કે ફરફરિયાંથી વિશેષ નથી. પૂછતાં, એટલે કે વાતચીત કરતાં, પણ્ડિત થવાય છે અને લખતાં, લહિયો થવાય છે. બને કે લહિયો થઈ ગયેલો જણ હમ્મેશને માટે એમાં જ ફસાયેલો રહે.
આ દૃષ્ટિદોર અનુસાર, સાહિત્ય પણ કહેવા-સાંભળવા માટે છે. લેખક લખે છે ત્યારે મનોમન પોતાને સાંભળતો ચાલે છે. તોલ બાંધે છે કે – આટલે લગી લખાયું તે બરાબર છે, અથવા નથી. લખાણ વિશેની હરેક શંકાના મૂળમાં દબાણ એ હોય છે કે બરાબર કહેવાયું નથી, સુધારવું જોઈશે, ઉકલે, સંભળાય, એવું કરવું જોઈશે.
લેખનની બિલ્ટ-ઇન શરત વાચન છે. પણ વાંચવું એટલે? ઉકેલવું. લખ્યા પાછળના અર્થને ઉકેલતાં ઉકેલતાં પામવો. મા કે શિક્ષક બાળકને ‘મોટેથી વાંચ’ એમ કહે છે ત્યારે લખેલું સાંભળવા કહે છે. કશુંક સ્મૃતિમાં સાચવી લેવું હોય ત્યારે એને ગોખીએ છીએ. ગોખીએ ત્યારે મનમાં કે મોટેથી વારંવાર બોલીએ છીએ ને સાંભળીએ છીએ.
ગુજરાતી ભાષામાં ‘સ’ ‘શ’ અને ‘ષ’ છે. હવે, જો પહેલેથી જ સગાં, મિત્રો કે પ્રિયા ‘સુભાશ સાહ’ કે ‘શુભાશ સાહ’ બોલતાં હોય, તો એ બાપડો ‘સુભાષ શાહ’ કેટલાને સુધારે? એનો તો જનમારો ખરચાાઈ જાય ! ગુજરાતી ભાષા આજકાલ અશુદ્ધ લખાય છે, જોડણી કે વ્યાકરણનાં ઠેકાણાં નથી હોતાં, એ અનવસ્થાના મૂળમાં શું છે? આવાં અશુદ્ધ ઉચ્ચારણો ! અને તેનાં ય કારણમાં અરધાંપરધાં અને ખોટાં શ્રવણો !
ચોખ્ખું બોલતો ન હોય, ચોખ્ખું સાંભળતો ન હોય, એ ચોખ્ખું શી રીતે લખવાનો હતો?
બાકી, ‘ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ …’ એ શું અમસ્તુ વાંચી જવા માટે છે? ના, ધ્યાનથી કહેવા-સાંભળવા માટે છે, ને પછી, ગાવા માટે પણ છે. બીજી રીતે કહેવાય કે, વાણીની શરતે બંધાવા માટે છે. આપણે સભાનપણે કે અભાનપણે વાણીની દિશામાં સંચરીએ છીએ.
આ બધી શાસ્ત્રીય પંચાત શેને માટે કરી? એટલા માટે કે સાહિત્ય ભલે લખાય-વંચાય, પણ સાહિત્યકારોએ જોવું જોઇશે કે પોતાની રચનામાં કહેવા-સાંભળવાના ગુણ ભળ્યા છે કે કેમ; અને બરાબર રસાઇ ગયા છે કે કેમ; પોતાની રચનાની તળ ભૂમિ વાણી છે કે કેમ.
કેમ કે વાણીના તળ વિનાનું લખાણ ખખડે છે, નમાલું ઠરે છે. તપાસીશું તો જણાશે કે આપણા સશક્ત અછાન્દસકારોની પણ કેટલીક રચનાઓ ખખડતી છે.
એ કસોટી છે. એ કસોટીએ સરજાતા સાહિત્યના ય તોલમોલ કરીએ.
= = =
(May 11, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર