Opinion Magazine
Number of visits: 9448346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી

દીપક મહેતા|Opinion - Opinion|21 April 2022

લેખાંક-૧

૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખ એટલે ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ, વગેરે માટે એક સપરમો દિવસ. કારણ માત્ર એ નહિ, કે એ દિવસે એક ગુજરાતી અખબારનો જન્મ થયો. હા, એ દિવસે આપણી ભાષાના પહેલવહેલા અખબાર ‘મુંબઈ સમાચાર’ની શરૂઆત થઈ એ તો ખરું જ. પણ તે સાથે ગુજરાતી પત્રકારત્વનો પણ જન્મ થયો. અખબારો દ્વારા આપણે દેશ અને દુનિયાના બીજા ભાગો સાથે નિકટતાથી સંકળાયા. આપણાં ભાષા-સાહિત્યને પ્રતાપે પત્રકારત્વનો વિકાસ થયો, તો બીજી બાજુ અખબારો અને સામયિકોએ ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો.

ગુજરાતીમાં પહેલવહેલું અખબાર શરૂ થયું તે પછી ચાર વરસે, ૧૮૨૬ના મે મહિનાની ૩૦મી તારીખે રાષ્ટ્રભાષા હિન્દીના પહેલા અખબાર ‘ઉદન્ત માર્તન્ડ’નો કલકત્તામાં જન્મ થયો. એનું આયુષ્ય બે વરસ કરતાં ય ઓછું. છેલ્લો અંક ૧૮૨૭ના ડિસેમ્બરની ચોથી તારીખે બહાર પડ્યો. મુંબઈ ઇલાકાની વાત કરીએ તો મરાઠીનું પહેલું વૃત્તપત્ર (મરાઠીમાં અખબાર માટે વપરાતો શબ્દ) ગુજરાતી પછી લગભગ દસ વરસે, ૧૮૩૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે શરૂ થયું, ‘દર્પણ.’ એ દ્વિભાષી હતું. દરેક પાને મરાઠી અને અંગ્રેજી મજકૂર બે કોલમમાં સામસામે છપાતા. એના સ્થાપક તંત્રી હતા પ્રખ્યાત વિદ્વાન બાળશાસ્ત્રી જામ્ભેકર. ૧૮૪૦ના જૂન મહિનાની ૨૬મી તારીખે તેનો છેલ્લો અંક પ્રગટ થયો. હિન્દી ભાષીઓ ઉદન્ત માર્તન્ડ શરૂ થયું એ દિવસને ‘હિન્દી પત્રકારિતા દિવસ’ તરીકે ઉજવે છે. બાળશાસ્ત્રી જામ્ભેકરના જન્મ દિવસ, ૬ જાન્યુઆરીને મહારાષ્ટ્ર સરકારે મરાઠી પત્રકાર દિવસ જાહેર કર્યો છે. અને આપણે?

હા, ગુજરાતી અખબારો અને પત્રકારત્વની ભવ્ય ઇમારત રચાઈ તે બીજાં સો વરસમાં. પણ તેનો મજબૂત, ઊંડો, ધરખમ પાયો નખાયો તે ૧૮૨૨ પછીનાં સો વરસમાં. આપણી ભાષાનાં અખબારો, સામયિકોની સળંગ, વ્યવસ્થિત ફાઈલો દુર્લભ. કેટલાં ય પત્રો વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયાં છે. દસ્તાવેજીકરણમાં આપણને રસ ઓછો. એટલે પૂરી વિગતો પણ સચવાઈ નથી. પણ જે સચવાયું છે, જે શોધતાં મળે છે, તેને આધારે ગુજરાતી અખબારો અને પત્રકારત્વના વિકાસનાં પહેલાં સો વરસ અંગે થોડી વાતો આ લેખમાળામાં કરવા ધાર્યું છે.

અંગ્રેજીના News paper માટે આપણી ભાષામાં ત્રણ શબ્દો વપરાય છે : વર્તમાનપત્ર, અખબાર, અને છાપું. તેમાં ‘છાપું’ શબ્દ સૌથી વધુ અર્થસમર્પક છે. જે છાપેલું છે તે છાપું. એટલે કે પહેલાં છાપકામ આવ્યું, પછી છાપું. અને ગુજરાતી છાપકામના શ્રીગણેશ કરવાનું માન જાય છે મુંબઈના એક પારસી નબીરાને. એમનું નામ બહેરામજી જીજીભાઈ છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝીટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. આ બોમ્બે કુરિયર તે મુંબઈનું બીજું છાપું, જે ૧૭૯૦માં શરૂ થયેલું. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ બહેરામજી આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય.

પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. એક : બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું : ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એટલું નક્કી.

પણ એના કરતાં ય વધુ ભરોસાપાત્ર છે ખુદ લુક એશબર્નરની વાત. પોતાના છાપાના ૧૨ નવેમ્બર ૧૭૯૬ના અંકના પહેલે પાને એક જાહેરાત છાપી છે જેમાં જણાવ્યું છે કે બહેરામજીએ કુરિયર પ્રેસ માટે ગુજરાતી બીબાં બનાવ્યાં છે એટલે હવે પછી આ પ્રેસમાં ગુજરાતીમાં છાપવાનું કામ કરી આપવામાં આવશે. અંગ્રેજીમાં જેને right from the horse’s mouth કહે છે એવી આ સાબિતી છે. આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ.

પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં બહેરામજી છાપગરે. પણ ગુજરાતી મુદ્રણનો પાયો નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એમનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. અને મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાયબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? ૧૮૧૨માં કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તકો છાપ્યાં : ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’

અને પછી એ જ પ્રેસમાં છાપીને ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે શરૂ કર્યું અઠવાડિક ‘શ્રી મુમબઈનાં શમાચાર’ જે આજે પણ ‘મુંબઈ સમાચાર’ નામે પ્રગટ થાય છે. માત્ર આપણી ભાષામાં નહિ, માત્ર આપાણા દેશમાં નહિ, આખા એશિયા ખંડમાં આજે પ્રગટ થતાં બધી ભાષાનાં અખબારોમાં સૌથી જૂનું અખબાર. તે વખતે માસિક લવાજમ રાખેલું બે રૂપિયા. પહેલો અંક છપાયો તે પહેલાં ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા. પછીના દસ વરસમાં ફરદુનજી અને તેમના છાપાની પ્રતિષ્ઠા વધી, વાચકો વધ્યા. જાહોજલાલી વધી. પણ પછી કેટલાક વિરોધીઓએ ઊભા કરેલા વિપરીત આર્થિક સંજોગોને કારણે, પાયમાલ થયા અને બધી માલમિલકત વેચીને કાયમ માટે મુંબઈ છોડી દમણ જઈ વસ્યા. પૂરાં દસ વરસ અને ૪૪ દિવસ સુપેરે ચલાવ્યા પછી તેમણે પોતાનું વહાલું અખબાર તેહમૂલજી રુસ્તમજી મિર્ઝાને સોંપ્યું. ૧૮૪૧ના માર્ચની ૨૩મી તારીખે ફરદુનજી દમણમાં જ બેહસ્તનશીન થયા.

ફરદુનજી પાસે તાલીમ લીધેલા નવરોજી દોરાબજી ચાનદારુએ ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી પોતાનું છાપું કાઢ્યું. તેનાં પહેલાં બે નામ બદલ્યા પછી નામ રાખ્યું ‘મુંબઈના ચાબુક.’ તેમાં નવરોજી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર આડેધડ ચાબુક વિંઝતા – યોગ્ય રીતે તેમ જ અયોગ્ય રીતે પણ. તેમનું છાપું અને એ વખતનું મુંબઈ સમાચાર, બંને પારસી પંચાયતના ઉગ્ર વિરોધી. આ બંનેનો પ્રતિકાર કરી પંચાયતની બાજુ રજૂ કરવા માટે સર જમશેદજી જીજીભાઈએ પડદા પાછળ રહીને શરૂ કરાવ્યું ‘જામે જમશેદ.’ ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે તેનો પહેલો અંક પ્રગટ થયો ત્યારે તેનું નામ હતું ‘શ્રી મુમબઈનાં જામે જમશેદ.’ પેસ્તનજી માણેકજી મોતીવાલા એના પહેલા તંત્રી. ડોસાભાઈ ફરામજી કરાકા, કેખુશરો કાબરાજી, વગેરે તેના જાણીતા તંત્રીઓ. ૧૮૮૭માં જેહાંગીરજી બેહરામજી ફરદુનજી મર્ઝબાન અને કાવસજી સરાફ તેના જોડિયા માલિકો બન્યા. પણ થોડા જ વખતમાં કાવસજી વેપાર અર્થે જાપાનમાં સ્થાયી થયા અને ફરદુનજીના પૌત્ર તેના એકમાત્ર માલિક બન્યા. તેમના પછી તેમના બેટા ફિરોઝશાહ ‘પીજામ’ માલિક-તંત્રી બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ જામે સાથે સંકળાયેલા રહ્યા. તેઓ ફરદુનજીની ચોથી પેઢી. પીજામ પછી તેમના દીકરા અરદેશર જામેના તંત્રી બન્યા. આ અરદેશર તે ગુજરાતી નાટક, રંગભૂમિ, રેડિયો, ટેલીવિઝન, દ્વારા ઘેર ઘેર જાણીતા થયેલા પ્રખ્યાત રંગકર્મી અદી મર્ઝબાન. અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમણે જામેનું તંત્રીપદ છેવટ સુધી સંભાળ્યું. અદી તે મર્ઝબાન કુટુંબની પાંચમી પેઢી. ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭માં. પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબના નબીરાઓ એક યા બીજી રીતે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે તો નહીં જ પણ દેશની કે દુનિયાની બીજી કોઈ ભાષાના પત્રકારત્વમાં પણ આવી અનોખી ઘટના ભાગ્યે જ જોવા મળશે.

“જેટલાં મુંબાઈનાં વરતમાન અથવા ચોપાંનીઆં આવે છે તેને લોકો ગપાઊંસ છે કેહે છે.” બુદ્ધિપ્રકાશના ૧૫ મે ૧૮૫૦ના રોજ પ્રગટ થયેલા પહેલા અંકના ‘પ્રસ્તાવના અથવા દીબાચો’માંના આ શબ્દો એટલું તો સ્પષ્ટપણે દર્શાવે છે કે બુદ્ધિપ્રકાશ શરૂ થયું તે પહેલાં પણ મુંબઈથી ગુજરાતી ચોપાનિયાં (સામયિકો માટે તે વખતે વપરાતો શબ્દ) પ્રગટ થતાં હતાં. એટલું જ નહિ, ટ્રેન પહેલાંના એ જમાનામાં અમદાવાદ સુધી પહોચતાં હતાં. ૧૮૪૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખે મુંબઈથી નવરોજી ફરદુનજીએ ‘વિદ્યાસાગર’ નામનું માસિક શરૂ કરેલું. ૧૮૪૬ના ડિસેમ્બરમાં તે બંધ પડ્યું. નવરોજીના સમકાલીન સોરાબજી શાપુરજી બંગાળીએ લખ્યું છેઃ ‘ગુજરાતી જુબાનમાં વીદીઆ (વિદ્યા) અને હુનર સંબંધી માહાવારી ચોપાનીઆં આગલ પરગટ થાતાંતાં નહીં. એ કારણસર મિ. નવરોજીનું ‘વીદીઆ સાગર’ ચોપાનીઉં પહેલવહેલું જ નીકલીઉં હતું.’ (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) આ ‘વિદ્યાસાગર’ તે આપણી ભાષાનું પહેલું સામયિક. ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે શરૂ થયેલી જ્ઞાન પ્રસારક મંડળીએ ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘જ્ઞાનપ્રસારક’ નામનું માસિક શરૂ કરેલું. તે ૧૮૬૭ના ડિસેમ્બર સુધી ચાલતું રહ્યું. સોરાબજી શાપુરજી બંગાળીએ ૧૮૫૦ના જાન્યુઆરીની પહેલીથી ‘જગત મીતર’ માસિક શરૂ કરેલું જે ૧૮૫૫ સુધી ચાલ્યું. આ ત્રણે સામયિકો ‘બુદ્ધિપ્રકાશ’નાં પુરોગામી. અલબત્ત, ત્રણેની આવરદા ટૂંકી.

અમદાવાદથી શરૂ થયેલા પહેલા ગુજરાતી અખબારથી શરૂ થતા બીજા તબક્કાની વાત હવે પછી.

(ક્રમશ:)

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, ઍપ્રિલ 2022

Loading

21 April 2022 admin
← ચાલો, જાતને સવાલો કરીએ (4)
માબાપો તેમનાં સંતાનો કરતાં વધારે નાદાન છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved