Opinion Magazine
Number of visits: 9445743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હિંદુ’ એટલે?

ડૉ. એમ.એમ. ભમગરા|Opinion - Opinion|17 April 2022

૧. ‘હિંદુ’ એટલે?

“ગર્વ સે કહો હમ હિંદુ હૈં!”

આ સૂત્ર અમુક રાજકીય પક્ષે પ્રચલિત કર્યું ત્યારથી એની તરફેણમાં અને વિરોધમાં જોરશોરથી વાદવિવાદ શરૂ થઈ ગયો છે. બીજા રાજકીય પક્ષો “હિંદુ”ના કોમવાદની વિરુદ્ધમાં “હમ હિંદુસ્તાની પ્રથમ હૈં, ઔર હિંદુ યા મુસ્લિમ યા શીખ યા ઈસાઈ બાદમેં” એવા પ્રચારમાં સંલગ્ન છે. હિંદુત્વનાં ગુણગાન ગાનારાઓમાંથી ભાગ્યે જ કોઈને “હિંદુ”નો અર્થ ખબર છે. કોઈ પણ વિવાદમાં સંવાદ તો શક્ય હોતો જ નથી; વિવાદથી ગરમી પેદા થાય છે, પ્રકાશ નહીં, આપણે અહીં ગરમી પેદા ન થાય એ રીતે પ્રકાશ પ્રકટાવવા પ્રયત્ન કરીશું.

પહેલાં જ એક ચોખવટ કરી લેવી છે કે, આ લેખક કોઈ ધર્મ-અભ્યાસી નથી. એણે જાણી લીધું છે કે, ધર્મ તો ધારણ કરવાનો હોય છે, એ તો જીવવાનો છે. એનો અભ્યાસ કે વિશ્લેષણ કરવાથી કે એ વિષે વાંચન કે શ્રવણ કરવાથી જ કોઈ ધાર્મિક થયું નથી, કે થનાર નથી. હવે મૂળ મુદ્દા પર આવીએ.

તાજેતરમાં ભારતીય શાકાહારી કાઁગ્રેસના મદ્રાસથી નીકળતા ત્રિમાસિકમાં ઉદેપુર, રાજસ્થાનની એક સંસ્થા વિષે વાંચ્યા પછી આ પ્રશ્નમાં રસ જાગ્યો છે. આ સંસ્થાનું નામ ‘ગીતા-રામાયણ સેવા સંઘ’ છે. એના સંચાલક છે, બ્રહ્મજ્ઞઋષિ વિશ્વાત્મા બાવરા; જે અશોકનગરમાં રહે છે. આ સંઘ કહે છે કે, ‘હિંદુ’ શબ્દ બે ધાતુઓના સંયોજનથી બન્યો છે. “હિં” હિંસામાંથી આવ્યો છે અને “દુ”નો અર્થ છે “વેદના અનુભવવી.” હકીકતમાં “હિન્દુ” શબ્દ એ “હિંસયા દૂયતે” એ આખા શબ્દનું ટૂંકું સ્વરૂપ છે,  અને એનો ખરો અર્થ એ છે કે, જેનું હૃદય કોઈના પર થતી હિંસાથી દ્રવી ઊઠે તે હિંદુ! બ્રહ્મજ્ઞઋષિ બાવરા હિંસાની વ્યાખ્યા આપતાં કહે છે કે, કોઈ પણ જીવને શાબ્દિક, માનસિક કે શારીરિક ત્રાસ આપવો, અને એમાંથી પોતે લાભ કે આનંદ મેળવવો એ હિંસા છે.

શ્રી બાવરા એમ પણ કહે છે કે, હિંસક તે છે કે જે અજ્ઞાની છે; કારણ કે, અજ્ઞાની માને છે કે દુનિયામાં જે કાંઈ જીવિત કે અજીવિત છે, તે બધું માનવીનાં સુખચેન માટે બનેલું છે. એટલે માનવી તેને કોઈ પણ રીતે ભોગવે તેમાં કશું ખોટું નથી. એથી ઊલટું, જ્ઞાની વ્યક્તિ અહિંસક હોય છે; પોતાના રંજન ખાતર એ કોઈ પણ જીવને રંજ પહોંચાડતી નથી. શ્રી બાવરા એમ પણ કહે છે કે, જ્ઞાની યાને અહિંસક વ્યક્તિની ફરજ આટલેથી જ સમાપ્ત થતી નથી. નબળા જીવો, મૂક પ્રાણીઓ, કચડાયેલા માનવીઓ, અબળાઓ વગેરેનું રક્ષણ કરવાની પણ એની ફરજ બને છે. માત્ર ભક્ષણ જ હિંસા છે, એમ ન માનતાં, જ્ઞાની વ્યક્તિ કહે છે કે, શોષણ પણ હિંસા છે; અને જેને રક્ષણ આપવું જોઈએ તેને રક્ષણ ન આપવું એ પણ હિંસા છે. જ્ઞાની માનવીનો ધર્મ માનવધર્મ છે, જેને કરુણાધર્મ પણ કહી શકાય. તુલસીદાસજી કહી ગયા છે કે, “દયા ધરમ કા મૂલ હૈ” તે વાત જ્ઞાનીને જચે છે.

છેવટે … બ્રહ્મજ્ઞઋષિ બાવરા કહે છે કે, હિન્દુ તે છે કે જે આક્રમક નથી. હિન્દુ તે છે જેના આચાર, વિચાર અને વહેવાર સાત્ત્વિક છે. હિન્દુ કોઈ માન્યતાઓ માનતા સમૂહ પર ચોંટાડેલું લેબલ ભલે હોય; વાસ્તવમાં હિન્દુત્વ કોઈ અમુક ભગવાનને માનવા સાથે, અમુક મંદિરમાં પૂજા-પાઠ કરવા સાથે, કે અમુક તીર્થની યાત્રા કરવા સાથે સંબંધિત નથી. હિન્દુત્વ તો અહિંસા અને કરુણા સાથે જોડાયેલી સાત્ત્વિક જીવન-પ્રણાલી માત્ર છે.

“હિંદુ” કોણ? : જે અજ્ઞાની છે તે સામાન્ય રીતે લડાયક વૃત્તિવાળા હોય છે. એ લોકોને અહિંસાની વાતો નથી ખપતી. એ લોકો તો “હિન્દુ ધર્મ તો ખતરે મેં હૈ”નો હાઉ ઊભો કરી ખંજર, ભાલા, તલવાર કે બંદૂક ચલાવવા હંમેશાં તત્પર જ રહેવાના. એ લોકોનાં મગજમાં કદી એ વાત નહિ ઊતરે કે, ધર્મને કદી કોઈ ખતરો પહોંચતો જ નથી! ખતરો ફક્ત માન્યતાઓને પહોંચે છે; અને માન્યતાઓને ધર્મ સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. માન્યતાઓ ધાર્મિક હોય તો પણ એને ધર્મ સાથે કોઈ સ્નાનસૂતક હોતું નથી. ધર્મને વ્યક્તિનાં અંગત જીવન, આચાર, વિચાર અને વહેવાર-માત્ર સાથે સંબંધ છે. કોઈ મંદિર કે મસ્જિદ જવા સાથે, કોઈ ગીતા કે કુરાનનું પઠન કરવા સાથે, કોઈ જનોઈ કે પાઘડી પહેરવા સાથે, કે દાઢી વધારવા સાથે કે મુંડન કરાવવા સાથે કે જટા રાખવા સાથે, કે યાત્રા કે હજ કરવા સાથે ધર્મને સાચા અર્થમાં કોઈ લેવાદેવા નથી! માનવી ધાર્મિક બનવા લાગે એટલે પોતાની અંદરની યાત્રા શરૂ કરે. પોતાના ગુણદોષ જોતાં શીખે; પોતાનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે; વિચાર અને આચારને શુદ્ધ કરે, ક્ષમા, ઉદારતા, કરુણા અને અહિંસા અપનાવે અને પોતાના વિચારોનું પરીક્ષણ, નિરીક્ષણ સતત સજાગ રહીને કરતો રહે. ધાર્મિક મનુષ્ય એટલે અંદરથી સુંદર માનવી.

૨. ‘હિંદુ’ એટલે?

નવેમ્બર ૧૧, ૧૯૮૯ના “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”માં ચતુર્વેદી બદ્રીનાથ “હિંદુઝ ઍન્ડ હિંદુઇઝમ” વિષે લખતાં જણાવે છે કે, ““હિન્દુ” શબ્દ તો આપણાં શાસ્ત્રોમાં શોધ્યો જડતો નથી. ભારતની સંસ્કૃતિના મૂળમાં ધર્મ શબ્દ જ ચાલુ વપરાયો છે. “હિંદુ” શબ્દ કદાચ ઈ.સ. ૮૯૦ આસપાસ આરબ હુમલાખોરોએ આપણા માટે વાપર્યો હશે. સિંધુ નદીની આ પાર રહેનારા લોકોને હિંદુ કહ્યા હોય એમ લાગે છે. મહાભારતમાં ધર્મના દસ પાયા માનવીને અપાયા છે; અને જીવનમાં પંચશીલ આવશ્યક ગણ્યાં છે, જેમાં અહિંસા, સમદૃષ્ટિ, શાંતિ, અક્રોધ, અને અ-ઈર્ષા માટે આગ્રહ રખાયો છે. “મહાભારત”માં હિંદુ શબ્દ આવતો જ નથી!”

અરબી આક્રમણ સાથે હિંદુ શબ્દ આયાત થયો, એ માન્યતાના અનુમોદનમાં આ લેખકને એના નિશાળના દિવસો યાદ આવે છે, જ્યારે એની બીજી ભાષા ફારસી હતી. એક કાવ્યમાં એક કવિ પોતાની પ્રેયસી વિષે જે કહે છે તે આપણા સંદર્ભમાં ઉપયોગી છે. એક પંક્તિ છે : “બખાલે હિંદુ યશ બક્ષમ સમરકંદો બુખારા રા” મતલબ કે, “હે પ્રિયતમા! તારી ઘઉંવર્ણી ત્વચા પર તો હું સમરકંદ અને બુખારા પણ વારી જાઉં!” સમરકંદ અને બુખારા તે જમાનામાં અતિ સમૃદ્ધ શહેરો હતાં. તે કવિનાં બાપદાદાની કે એની પોતાની જાગીર નહોતાં. પરંતુ પ્રેમની ખુમારીમાં કવિએ પોતાની પ્રિયતમા પર આ બે શહેરો ન્યોચ્છાવર કરવાની શેખચલ્લી જેવી વાત કરી હતી. ભલે કરે! કવિઓ આસમાનથી સિતારાઓ તોડી લાવવાની વાતો પણ કરે છે, તો બે શહેરો પ્રેયસીને ચરણે ધરવાની વાત તો સાવ નાની ગણાય! પરંતુ અહીં ફારસીમાં “હિંદુ” શબ્દ જે અર્થ ધરાવતો હતો તે આપણું ધ્યાન ખેંચે છે. હિંદુનો અર્થ હતો “ઘેરા રંગનો.” અંગ્રેજીમાં કહીએ તો “DARK-COLOURED.” મતલબ કે, જે ઘેરી ચામડીનાં – ગોરી ચામડીનાં નહિ – તે “હિંદુ!” એમાં કૃષ્ણ રંગ કે શ્યામ રંગ સમાઈ જતો હશે એમ માની શકાય. આપણા દેશમાં લગભગ ૨૦૦ વર્ષ સુધી મોગલ રાજ્યમાં, તેમ જ હિંદુ રાજ્યોમાં પણ, ફારસી દરબારી ભાષા હતી. એ આપણે જાણીએ છીએ કે, આપણને હિંદુનું લેબલ તે લોકોએ ચોંટાડ્યું; અને આપણા દેશને હિંદુસ્તાન એ લોકોએ કહ્યો, તેમ માન્યા વિના ચાલે તેમ નથી.

“હિંદુ શબ્દને રંગ સાથે સંબંધ છે – માનવીની ત્વચાના રંગ સાથે સંબંધ છે. ધર્મનો તો કોઈ રંગ હોઈ જ ન શકે. એટલે જ સમજુ માણસો કહે છે કે, હિંદુ ધર્મ નથી; હિંદુ લોકો છે; હિંદુ કોમ છે. ધર્મ તો સનાતન ધર્મ છે; શાશ્વત ધર્મ છે; માનવ ધર્મ છે. અલગ અલગ માનવીના અલગ અલગ ધર્મ હોઈ જ ન શકે. માનવીનો માનવધર્મ જ હોય. પરંતુ એ વાત સ્વીકારવા અને એને માટે પોતાના અહમ્‌ને બાજુએ મૂકવા સુધી આમ-જનતા તૈયાર ન થાય, ત્યાં સુધી કહેવાતા અલગ અલગ “ધર્મ”ના લોકો સુધી આપણો સંદેશો લઈ જવા કાજે, આપણે એમ કહી શકીએ કે, તમને હિંદુ, મુસ્લિમ, ઈસાઈ વગેરે નામો સાથે પ્રેમ બંધાઈ ગયો હોય તો એ લેબલ ભલે ચોંટાડેલું રાખો; ભલે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં જવાનું ચાલુ રાખો અને પૂજાપાઠ, ક્રિયાકાંડ કરતા રહો; પરંતુ આ ભિન્ન ભિન્ન માનતા ધર્મો કે મજહબો મૂળ તો માનવતાવાદી છે એ હકીકત સ્વીકારો. કોઈ પણ ધર્મના મૂળ સ્થાપકે બીજા ધર્મને નીચો બતાવ્યો હોય, કે એની નિંદા કરી હોય, એવું બન્યું નથી, અને બની શકે પણ નહીં. “મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના” એ વિચાર બધા ધર્મોનાં મૂળમાં વ્યક્ત કે અવ્યક્ત મોજૂદ છે જ.

૩. ‘મુસ્લિમ’ એટલે?

હવે થોડો મુસ્લિમ ‘ધર્મ’ વિષે વિચાર કરીએ. કેટલાંક મુસ્લિમ ભાઈ-બહેનો, કેટલાક મુલ્લાઓ અને મૌલવીઓના ભ્રામક પ્રચારને કારણે માને છે કે, ‘ધર્મ’ માટે ઝનૂન હોય એ દુરસ્ત યાને યથાર્થ છે. બીજા સંપ્રદાયના લોકોમાં એ કારણે માન્યતા ફેલાઈ છે કે, મુસ્લિમો ધર્માંધ છે. આ ગલત-ફહેમીમાં રાચનાર એ વાત જ ભૂલી જાય છે કે, ધર્મ કોઈને અંધ બનાવતો નથી! ઊલટું અંધ હોય તેને દૃષ્ટિ આપે છે. વાસ્તવમાં જે મુસ્લિમ પોતાના મજહબને બરાબર સમજે છે, એ ઝનૂની હોઈ શકે જ નહિ. ઇસ્લામમાં બીજા “ધર્મ”, પંથ કે ફિરકાના લોકો સાથે ઝઘડો, મારામારી કે લડાઈ કરવાની સખત મનાઈ છે. મહમદ પયગમ્બર સાહેબ પોતે તો અહિંસામાં જ માનતા, એ કારણે જ એમના ઉપરથી ધર્મ “ઇસ્લામ” કહેવાયો. ઇસ્લામ શબ્દ શાંતિનો પર્યાયવાચી છે. આપણે કોઈને સલામ કરીએ છીએ ત્યારે તેની શાંતિ – PEACE ઇચ્છીએ છીએ. જે મજહબમાં “અસલામો આલેકુમ” યાને તમારા પર શાંતિ છવાયેલી રહે (PEACE BE ON YOU) એવા વચનથી સામી વ્યક્તિનું અભિવાદન થતું હોય, અને “વાલે કુમો સલામ” યાને તમારા પર પણ એવી દિવ્ય શાંતિ બનેલી રહે, એવો તેનો પ્રતિસાદ કરાતો હોય, ત્યાં લડાઈ-ઝઘડા હોઈ શકે? શાંતિની શુભેચ્છા આદાન-પ્રદાન થતી હોય તે મજહબના લોકો ટંટાફિસાદ કરનાર હોઈ શકે? જવાબ નકારાત્મક જ હોવાનો!

ઇસ્લામ ધર્મના મૂળ સિદ્ધાંતો વિષે ચર્ચા કરતાં મૌલાનાસાહેબ જનાબ એમ. અલી પોતાના પુસ્તક “THE RELIGION OF MAN”માં કહે છે કે, ઇસ્લામ તો બીજા ફિરકા કે સંપ્રદાયોના પયગમ્બરો, નબીઆો જેવા કે મોઝીસ, જિસસ ક્રાઈસ્ટ, કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર વગેરેનાં વચનો માટે આદર રાખવા અને એમનો અભ્યાસ કરવા પણ કહે છે. કુરાને શરીફ કહે છે કે, દુનિયાના બધા માનવીઓ ભાઈ-ભાઈ છે, આપણે અલગ અલગ મુલ્કમાં રહેતા હોઈએ તો પણ ભ્રાતૃભાવ માનવમાત્ર સાથે રાખવાનો જ છે. વળી જનાબ અલી એમ પણ કહે છે કે, ગીતા જ્ઞાનેશ્વરી અને કુરાને શરીફ બંને એક જ ઈશ્વરની વાત કરે છે, ભલે એ ઈશ્વરની અભિવ્યક્તિ અલગ પૃથક્‌ સ્વરૂપે કે આકારે કે પ્રકારે થતી હોય. ઇસ્લામને બરાબર સમજનાર સૂફીઓને તો કોઈ ભેદભાવ કોઈની પણ સાથે હોતો જ નથી.

૪. ‘ધર્મ’ એક જ છે

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ધર્મ એક જ છે; ઉપનામો અનેક છે. કહેવાતા ભિન્ન ભિન્ન ધર્મ, પછી ઈસાઈ હોય, શીખ હોય, બહાઈ હોય, જરથોસ્તી હોય કે બીજા કોઈ પણ ઉપનામથી જાણીતા હોય, બધાંના ઊંડાણમાં માનવ-માનવ વચ્ચે ભાઈચારા, પ્રેમ, સહયોગની વાતો જ મોજૂદ છે. અગર હિંદુ એટલે અહિંસક વ્યક્તિ, બીજું કાંઈ નહીં, એમ કોઈને સમજાઈ જાય, તો એ શા માટે ગર્વથી પોતાને હિંદુ ન કહેવડાવે? ભલે એનો જન્મ તથા-કથિત મુસ્લિમ માબાપને ત્યાં થયો હોય! એ જ પ્રમાણે અગર કોઈ હિંદુ કહેવાતા પરિવારમાં જન્મેલ વ્યક્તિની આંખો ઊઘડે, એની સંકુચિત મનોવૃત્તિ દૂર થાય અને એને એમ સમજાય કે મુસ્લિમનો અર્થ એટલો જ થાય છે કે એક શાંતિપ્રિય વ્યક્તિ, તો શા માટે એ પોતાને મુસ્લિમ ન કહેવડાવે? અગર ક્રિશ્ચિયન એટલે પ્રેમ-પૂજારી, બીજું કાંઈ નહિ, એમ એને સાફ દેખાઈ આવે, તો એ પોતાને ઈસાઈ કેમ ન કહેવડાવે?

જો પ્રત્યેક માનવીને એટલું સમજાઈ જાય કે માનવીને માનવી સાથે જોડે એ ધર્મ, અને માનવીને માનવીથી છૂટો પાડે તે અધર્મ, તો માનવીની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય. માનવીનાં આધ્યાત્મિક અને આર્થિક દારિદ્રયને દૂર કરવા માટે દરેક HUMAN BEING એક HUMANE BEING બને તે અતિ આવશ્યક છે.

ઉપલી હકીકત ન સમજાય, યા તો સમજાય પરંતુ જીવનમાં એનો અમલ ન થાય, તો એ અજ્ઞાન અને એ કાયરતા આપણા રાષ્ટ્ર માટે જ નહિ, દુનિયાનાં બધાં રાષ્ટ્રો માટે આત્મઘાતી નીવડશે, એ ચોક્કસ છે. બર્લિનની દીવાલોની જેમ ધર્મોના વાડાઓની દીવાલો તોડી પાડવાનો સમય પાકી ગયો છે.

[‘હિંદુ કોણ ?’ નામક, નવજીવન પ્રકાશિત ચોપાનિયામાંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 06-07

Loading

17 April 2022 admin
← યુક્રેન – The Catcher in the Rye
અબજોપતિ ફિલ્મી કલાકારો એટલા જ ગરીબ હોય તો તેમને ફાળો ઉઘરાવીને મોકલી આપવો જોઈએ … →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved