લઈ લો … લઈ લો …
કરતો આવ્યો છે વેચણહારો વણઝારો!
કવિઓ તાબોટા પાડી પાડીને મંડી પડ્યા છે ગાવા
જીવો વણઝારા વ્હાલમ, જીવો વણઝારા ..
વેચણહારો વણઝારો પોઠ ભરીને લાવ્યો છે
સરકારી કંપનિયું, બસના અડ્ડા, રેલવેસ્ટેશનું,
થોડીક નદિયું,ચપટીક સમંદર, ચાંગળુક પર્વતો!
લાગે કે જાણે સરકાર રંડાણી!
પછી તો ભાઈ લેવા માંડ્યું હંધુય
કાં અદાણી, કાં અંબાણી, કાં કોઈ પણ રાણીએ મા આણી!
વેચાયા પછી બની જાય છે
બસનો અડ્ડો, ચકચકતો મોલ!
માતાજીનો ભૂવો માથાના વાળથી પગની પાની લગી
ફેરવે સાવરણી એમ
તમે પ્રવેશો કે કંઇક ફેરવે છે સુરક્ષાકર્મીઓ!
તમે ચ્યાંક આતંકવાદી તો નથી ને?
પણ આપણને તો મિનિટ બે મિનિટ હારું લાગે હોં!
જાણે આપણેય ન હોય મોટ્ટા વીઆઈપી!
વળી આપણે આ વીઆઈપીપણામાંથી ભાનમાં આવીએ
ન આવીએ, ત્યાં તો ફેંકાય ..
થૅન્ક્યૂ, હેવ અ ગુડ ડે સર …
આપણને થાય કયાં ગ્યાં
પેલાં શેરડીના રસના ગ્લાસ લઈને આવનારાં છોકરાંવ?
ખાટીમીઠી ને શીંગચણાવાળા?
દંતમંજન અને ખોટ્ટાં ઘરેણાંવાળા?
જે ઘરેણાં લઈ, જાણે સાચ્ચેસાચા લીધા હોય એમ મલકાતી
નવી વહુવારુ?
'જો, જો લ્યા, કોઈનું ખિસ્સું કપાય ન હોં? માદરબખત અહીં
રખડતા હોય છે’
કહી બૂમો પાડતા દાદાનું જ કપાતું ખિસ્સું!
એ ખડ ખડ હસી પડતા, માળો મારા પર જ કળા કરી ગયો!
આપણે તો હાળું હસાયેય નંઈ ને રડાય નંઈ
કયાં ગ્યા એ દાદા?
કયાં ગ્યા હશે એ ખિસ્સાકાતરુ?
પણ ઊભા રો, ઊભા રો
આ વેચણહારા વણઝારાની મોં કળા
ઓલા ખિસ્સાકાતરુ હારે કાં મળતી આવે?
એનો પોતરો બોતરો જ લાગે છે!
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05