Opinion Magazine
Number of visits: 9448454
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—139

દીપક મહેતા|Opinion - Opinion|2 April 2022

પહેલા ગુજરાતી ગ્રેજ્યુએટનું પહેલું નાટક

જ્યારે ખારાં પિસ્તાં ને બદામનું પડીકું ચાર આનામાં મળતું!

અંક બીજો

બીજા અંકનો પડદો ઉપડવાને થોડી વાર છે હજી. ખારાં બદામ-પિસ્તાંનું પડીકું ચાર આનામાં ખરીદીને પેટનો ખાડો થોડો પૂરી લીધો હશે. બટેટાં વડાં, સમોસાં, સેન્ડવિચ, પોપ કોર્ન વગેરે એ વખતે થિયેટરમાં વેચાતાં નહિ. એનું કારણ કદાચ હતું ખાવા-પીવાની બાબતમાં ઉજળિયાત વર્ગના ઘણાખરા લોકોના કડક વિધિ-નિષેધ. હા, ખભે ગમછો લટકાવેલા કોઈ ભૈયાજી પિત્તળની કિટલી લઈ થિયેટર બહાર ‘બામણિયા ચા’ વેચતા દેખાય ખરા. પહેલી ચાર-પાંચ રોમાં મુંબઈના જાણીતા શેઠિયાઓ, શેર બ્રોકરો, વેપારીઓ, જ મોટે ભાગે જોવા મળે. ક્યારેક કોઈક પારસી, ખોજા કે વહોરાજી પણ હોય. શેઠિયાઓએ બગલાની પાંખ જેવું ‘પરમસુખ’ ધોતિયું પહેર્યું હોય. ઉપર ૫૬ ઈંચનો એવો જ સફેદ ડગલો. ડગલાનાં સોનાનાં બટન ચમકતાં હોય. તો બે-ચારના ડગલામાં સોને મઢ્યાં હીરાનાં બટન પણ ઝગારા મારતાં હોય. ઉપલા ખિસ્સામાંથી સોનાની ચેન લટકતી હોય. તેને છેડે ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ. માથે ઝીણા ભરતકામવાળી ક્રીમ કે બ્રાઉન કલરની ટોપી. પગમાં કાળાં બૂટ-મોજાં. તો કોઈના પગમાં મોજડી. કેટલાકના હાથમાં ચાંદીની મૂઠવાળી સીસમની લાકડી. ટેકા માટે નહિ, મોભા માટે. આખા થિયેટરમાં ‘બૈરાં’ બહુ ઓછાં દેખાય. જે હોય તેમણે ભારે સાડી પહેરી હોય અને સોના-હીરાના દાગીના શરીર પર લાદ્યા હોય. ઈન્ટરવલમાં નજર પગના અંગૂઠા પર ખોડાયેલી રહે. અને હા, શેઠિયાની બાજુમાં જે ‘બૈરું’ બેઠું હોય તે તેમની ‘ઘરવાળી’ જ છે એમ માની લેવાની ભૂલ કરવી નહિ.

પણ હવે પડદો ઉપડવાની તૈયારીમાં છે. અરે, આ ઉપડ્યો!

પ્રવેશ પહેલો

“ગુજરાતીમાં હજુ સુધી આવું નાટક લખાઉં નથી ને આ પેલું છે. માટે એમાંની ખોડોને વાસ્તે માફ માગવાનો મને વધારે હક છે એવો મારો વિચાર છે.” આ શબ્દો લખાયા છે ૧૮૬૨ના ઓગસ્ટની પાંચમી તારીખે. લખનાર છે નગીનદાસ તુલસીદાસ. ઉંમર વર્ષ બાવીસ. વ્યવસાય? મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ. એ ઉંમરે પણ પોતાની પહેલી કૃતિને વિવેચકની દૃષ્ટિથી જોઈ શકે એટલા પરિપક્વ હતા નગીનદાસ. પ્રસ્તાવનામાં લખે છે : “આ નાટકના પહેલા બે અંકો અને છેલ્લા ત્રણ અંકોમાં કંઈ જ સંબંધ નથી એવું કેટલાકને લાગશે, પણ ઊંડી નજરે જોતાં માલમ પડશે કે તેઓમાં સંબંધ છે.” એ જમાનામાં આ નાટક દ્વારા લેખકે પુખ્તવયે થતાં પ્રેમલગ્નનો પુરસ્કાર કર્યો છે. અલબત્ત, એ વખતે જ્ઞાતિપ્રથાની પકડ એટલી મજબૂત હતી કે નાટકનાં નાયક-નાયિકા ભોગીલાલ અને ગુલાબ બન્ને એક જ જ્ઞાતિનાં છે એવું લેખકે જણાવવું પડ્યું છે.

નગીનદાસ તુલસીદાસ અને તેમનું નાટક ‘ગુલાબ’

સાહિત્યના વિવેચન અને ઇતિહાસમાં એક ભ્રમ એવો ફેલાયો છે કે આપણા સાહિત્યમાં પ્રાદેશિક કે વર્ગવિશેષની બોલીનો ઉપયોગ તો ગાંધી યુગથી જ શરૂ થયો. પણ આ નાટકના પહેલા બે અંકમાં લેખકે એ જમાનામાં બોલાતી વિવિધ બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કર્યો છે. સુરતી વેપારીની બોલી, ખલાસીઓ અને બંદર પરના મજૂરોની બોલી, પારસી તથા નાગર અમલદારોની બોલી, અરે, બ્રિટિશ જજની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી બોલી. અહીં પાત્ર અને પ્રસંગને અનુરૂપ થાય એવી રીતે પ્રયોજાઈ છે. અદાલતના સીનમાં તો બોલીઓનો ભરપટ્ટે ઉપયોગ કરવાની તક લેખકને મળી ગઈ છે. અંગ્રેજ જજ, અદાલતનો નાગર અધિકારી મધુવછરામ, અને જુદી જુદી કોમના સાક્ષીઓ. દાયકાઓ પછી ચંદ્રવદન મહેતાએ લખેલા નાટક ‘આગગાડી’ના પ્લેટફોર્મ સીનનો પુરોગામી બની રહે તેવો આ કોર્ટ સીન છે.

ગુજરાતી રંગભૂમિ પરના નાટકનું દૃષ્ય

પણ આ નગીનદાસ હતા કોણ? નગીનદાસનો જન્મ સુરતમાં, ૧૮૪૦માં. વેપારી કુટુંબ. આડતિયાનું કામ એટલે અટક પડી મારફતિયા. પ્રાથમિક શિક્ષણ સુરતમાં. પછી આગળ ભણવા મુંબઈ. ૧૮૬૨માં મુંબઈ યુનિવર્સિટીએ પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી. તેમાં માત્ર ચાર છોકરા પાસ થયેલા, ચારે મરાઠીભાષી. બીજે વર્ષે, ૧૮૬૩માં લેવાયેલી પરીક્ષામાં પાસ થઈ નગીનદાસ પહેલવહેલા ગુજરાતી ગ્રેજ્યુએટ બન્યા. પોતે ભણેલા તે એલ્ફિન્સ્ટન કોલેજમાં જુનિયર દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. પછી વકીલ થયા, વકીલાત કરી. કોલેજમાં ભણતા ત્યારથી કવિ નર્મદ સાથે દોસ્તી. આ ગુલાબ નાટક નર્મદને જ અર્પણ કર્યું છે. નર્મદના સાપ્તાહિકનું ‘ડાંડિયો’ નામ પાડનાર પણ નગીનદાસ જ. તેમાં અવારનવાર લખતા પણ ખરા. ગુલાબ ઉપરાંત બીજું એક નાટક ‘માણેક’ પણ લખેલું જે ત્રિમાસિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’માં પ્રગટ થયેલું. પણ પુસ્તકરૂપે પ્રગટ થયું હોવાનું જાણવા મળતું નથી. નગીનદાસ આમ તો રોજ હવેલીમાં દર્શને જતા, ત્યાં બેસી ભજનો ગાતા. પણ મહારાજ લાયબલ કેસમાં સુધારાવાદીઓની સાથે રહેલા. નર્મદના પુનર્લગ્નને પણ ટેકો આપેલો અને નર્મદના અવસાન પછી પણ તેની પત્નીઓ ડાહીગૌરી, સવિતાગૌરી, અને પુત્ર સાથે સંબંધ ચાલુ રાખેલો. ૧૯૦૨માં ૬૨ વર્ષની વયે તેમનું અવસાન થયું.

પ્રવેશ બીજો

૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯ તારીખ, શનિવાર. પહેલવહેલું ગુજરાતી નાટક ‘રૂસ્તમ અને સોરાબ’ અને ફારસ ‘ધનજી ગરક’ નાના શંકર શેઠે બંધાવેલા ગ્રાન્ટ રોડ થિયેટરમાં ભજવાયું. તેમાં જે પારસી પુરુષોએ ભાગ લીધો હતો તેમાંના એક હતા નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નાટ્યલેખક અને રંગકર્મી, કોશકાર. કવિ નર્મદ, કરસનદાસ મૂળજી જેવા સુધારકોના મિત્ર અને મદદગાર. વ્યવસાયે પહેલાં શિક્ષક, પછી લાઈબ્રેરિયન. ૧૮૫૭માં ધોબી તળાવ પર ‘યુનિયન પ્રેસ’ શરૂ કર્યું. પછીથી તે હોર્નિમન સર્કલ નજીક ખસેડાયું, જ્યાં હજી આજે પણ એ ચાલુ છે. શેક્સપિયરના ‘ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૭૧માં ભજવેલું. ૧૮૮૦માં ‘નાજાં શીરીન,’ ૧૮૮૧માં ‘કાળાં મેંઢાં,’ ૧૮૮૭માં ‘હોમલો હાઉ,’ ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’, વગરે તેમનાં લખેલાં નાટકો મુંબઈની રંગભૂમિ પર સફળતાથી ભજવાયેલાં. હિંદુ દંતકથા પરથી લખેલું ‘સાવિત્રી’ ૧૮૮૨માં પ્રગટ થયેલું. ૧૮૬૫માં પ્રગટ થયેલ ‘શેકસપિયર નાટક’માં ‘કોમેડી ઓફ એરર્સ’ અને ‘ઓથેલો’ પરથી કરેલાં પારસી-ગુજરાતી રૂપાંતરો સમાવ્યાં છે.

પારસી રંગભૂમિ પર ભજવાતું એક પૌરાણિક નાટક

નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તારીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઈ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યાં.

૧૮૬૨ના અરસામાં આખા દેશમાં અને પરદેશમાં પણ ‘મહારાજ લાયબલ કેસ’ ખૂબ ગાજેલો. કરસનદાસ મૂળજીના ‘સત્યપ્રકાશ’ સામે જદુનાથજી મહારાજે લાયબલ(માનહાનિ)નો કેસ માંડેલો. એ સત્યપ્રકાશ છપાતું નાનાભાઈના યુનિયન પ્રેસમાં. એટલે કેસમાં નાનાભાઈ પણ સંડોવાયા. કેસ શરૂ થતાં પહેલાં મહારાજશ્રીએ પોતાના એક ખાસ માણસને નાનાભાઈ પાસે મોકલીને સંદેશો કહાવ્યો : ‘આ તો અમારો હિન્દુઓનો આપસનો ઝગડો છે. એમાં તમે નાહકના ખુવાર થઈ જશો. તમે એક વાર આવીને અમારી મૌખિક માફી માગી લો તો કેસમાંથી અમે તમારું નામ કાઢી નાખીએ.’ ત્યારે નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું : ‘મહારાજશ્રીને કહેજો કે તમારો હિંદુ ધરમ શું કહે છે  એની તો મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધરમ તો મિત્રદ્રોહને મોટું પાપ માને છે.’ છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે જ રહ્યા, કેસ લડવાનો અડધો ખરચ પણ પોતે આપ્યો, અને અંતે એ બંને કેસ જીત્યા.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમનું નાટક નાજાં-શીરીન

નગીનદાસે પોતાના નાટકમાં પારસી ગુજરાતીનો ઉપયોગ કરેલો, તો નાનાભાઈ મરાઠી ભાષાનો ઉપયોગ કરે છે. પારસી શેઠ અને નોકરની ભાષા પણ બહુ દેખીતી રીતે જૂદી પડી આવે તેવી છે. આ નાટકના નાયક બામજીને માથે પાંચ હજાર રૂપિયાનું દેવું છે. એ સબબ તેને પકડવા વોરંટ લઈને કોર્ટનો બેલીફ આવે છે. યાદ રહે, ૧૯મી સદીમાં દેવાદાર માટેનો બ્રિટિશ કાયદો બહુ કડક હતો. એ ફોજદારી ગૂનો ગણાતો અને દેવાદારને લાંબી કેદની સજા થઈ શકતી. નાનાભાઈના નાટક ‘નાજાં-શીરીન’ના એક દૃશ્યના થોડા સંવાદ :

શેહરીઆર (અંદરથી બૂમ) : થુને અંદર નેઈ જવા દેચ. ચાલ, જાં. નેઈ થો થારા માંથા ભોંઆગી નાંખેચ.

બેલીફ : ચલચલ, અમી કોન હયે તે ઓલખતેસ કાએ? માજા નાઉ મીસતર રામચંદર. તુજા બામજી શેઠ ઘરામદી અસતાની તૂ માલા મદી જાઊન નાહી દેઈત, પણ બગ, માઝા કામા મદી હરકત કેલીસ તર તુલા ચોકી મદી ગેઊન જાઈલ.

શેહરીઆર : શું ચૂકીમાં લેઈ જોએચ? થારા ભાપના કઈ ખાધાચ બાધાચ કે થું મેને ચુકીમાં લેઈ જાએચ? મારાં સીઠનાં હોકમ થેઈચ કે કોઈને એન્દર ઓવવા નેઇ દેચ. હું સીઠનાં પગાર નેથી ખોતીકે થેના હુકમ નેઈ માનેચ. ચાલ, જા.

બેલીફ : બગ, એ માલા મદી જાવુંન દે. તૂ હયેસ કોન? એરા હાયે એરા. (બેલીફ ધક્કો મારી દાખલ. શેહરીઆર પછવાડેછે પકડેચ.)

શેહરીઆર : શું કહ્યા, હું ઘેરા! થું ઘેરા! થેરા બાપ ઘેરા! થારા જીવ લેચ. થુંને મોરી નાખેચ!

બેલીફ : (બામજીને) મીસતર બામજીભાઈ બેહેલા બોગા તુમચા નાવ કાહે? તુમચે વરતી પાંચ હજાર રૂપીએ સાટી વોરંટ આહિત. તુમી રીસ્પેક્ટયાબલ મ્યાન આહે મ્હનૂન મી હાફ અવર લેટ રાહેલ. પાએઝલ તર મની દ્યા, નાહીતર ચાલા માજી સંગાતી. મીસતર બામજી! તુમી આમાલા બલેમ કરું નકો હો. અમી તર આમચી ડ્યૂટી બજાવતો.

અને હવે અમે પણ અમારી ડ્યૂટી બજાવીને બીજા અંકનો પડદો પાડી દઈએ છીએ.

ઇન્ટરવલ (સિર્ફ ૧૬૮ ઘંટો કા)

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 ઍપ્રિલ 2022

Loading

2 April 2022 admin
← યાહોમ કરીને ….
સતત પ્રજાને ડરાવતા રહેવું અને રડાવતા રહેવું એ પુરુષાર્થ છે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved