Opinion Magazine
Number of visits: 9448450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારે મરવું નથી, કારણ કે ..

સોનલ પરીખ|Opinion - Short Stories|2 April 2022

‘મારે મરવું નથી. મને બચાવી લો. કંઈ પણ કરો – મને જીવાડો.’

એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસોવાળા સૂકા બરછટ હાથે તેમણે ખુરશીના હાથા એવી રીતે પકડી રાખ્યા હતા કે જો છોડી દેશે તો મૃત્યુ ઊંચકીને તેને લઈ જશે! ફીક્કી ચામડી બેબાકળા ચહેરા પર કંપતી હતી. આંખોમાં ડર અને સ્તબ્ધતા થીજી ગયાં હતાં. તેઓ ખૂબ અસહાય અને હતાશ લાગતા હતા. હવા પણ જાણે તેમની પીડાના વજનથી ભારે ભારે થઈ ગઈ હતી.

‘કેન્સર ઘણું વધી ગયું છે.’ હું શબ્દો ચોર્યા વગર બોલી. તેમ કર્યા વગર બીજો રસ્તો નહોતો.

‘એટલે કે કોઈ આશા નથી ?  પ્લીઝ, એવું ન કહો. કહો કે આશા છે. રિપોર્ટ ફરી વાર જુઓ. તમારા સીનિયરની સલાહ લો. નિદાનમાં કદાચ ભૂલ હોય. તમે તો ડૉક્ટર છો. છેવટે એટલું કહો કે કૅન્સર જીવલેણ નથી.’

‘હું તમને લાંબો સમય વ્યવસ્થિત રાખવાની અને પીડા વગર જીવાડવાની કોશિશ કરીશ.’

‘પણ મારે મરવું જ નથી.’ તેમણે પોતાના ધ્રૂજતા હાથમાં મારી હથેળી જકડી લીધી. તેમના હાથ ઠંડા હતા; મૃત શરીરના હોય તેવા. પણ તેમની હથેળીનો કંપ હું મારી હથેળીમાં અનુભવી રહી. થોડી વારે મેં મારો હાથ હળવેથી સેરવી લીધો.

નીચું જોઈ તેઓ માથું ધુણાવતાં બબડતા હતા : ‘મારે મરવું નથી. મારે મરવું નથી ..’

*

દર વખતે આ જ દૃશ્ય ભજવાય. કોઈના માથા પર મૃત્યુ તોળાતું હોય, તેને મરવું ન હોય, તે બચવા માટે એવા કાલાવાલા કરે; જાણે અમે ડૉક્ટરો તેમને જિન્દગી આપવા સમર્થ હોઈએ! આ બધાની અસર હું ડૉક્ટર છું તો પણ; મને થાય તો ખરી. રોગ અને મૃત્યુ પાસે આખરે માણસ અસહાય છે એ સ્વીકારવું કંઈ સહેલું નથી. તે છતાં અમે છેક સુધી લડ્યે જતા હોઈએ છીએ. આવી રીતે વર્તીને તેઓ મારો આત્મવિશ્વાસ તોડી નાખતા.

હવે વાતો પૂરી થઈ ગઈ હતી. તેઓ આવતા ને આવતાંની સાથે રડવા માંડતા. હું પણ ચૂપચાપ રહેતી. તેમને રડવા દેતી, જોતી રહેતી. મને કરુણા પણ ઉપજતી અને ધીક્કાર પણ જાગતો. એવું વાતાવરણ ઊભું થયું, જાણે આ સ્થિતિમાં મેં એમને મૂક્યા હોય. અસાધ્ય કૅન્સરના મરણોન્મુખ રોગીઓની સારવાર ‘પેલિએટીવ કૅર’ની ખાસ તાલીમ મેં લીધી છે. અંત સમયની પીડા અને મૃત્યુને સહ્ય બનાવવામાં દર્દીઓને મદદ કરવી તે મારું કાર્યક્ષેત્ર છે. એટલે હું છેવટે તેમને આશ્વાસન આપતી, શાંત પાડવાની પૂરેપૂરી કોશિશ કરતી, થોડી આધ્યાત્મિક વાતો પણ કરતી; છતાં તેમનું રડવાનું કેમેય અટકતું નહીં. મારી ધીરજની કસોટી થવા લાગી ને અન્તે ક્ષોભ અને ત્રાસ પામીને હું તેમનો હાથ પકડી હળવેથી ઊભા કરતી અને બહાર મૂકી આવતી. એક રડતો વૃદ્ધ બીમાર પુરુષ અને તેને બહાર મૂકી જતી યુવાન ડૉક્ટર! એવું દૃશ્ય રચાતું કે બહાર બેઠેલાં દર્દીઓ, મારી રિસેપ્શનિસ્ટ અને વૉર્ડબૉય સુધ્ધાં તેમના તરફ સહાનુભૂતિથી અને મારા તરફ તિરસ્કારથી જોતાં. ક્યાં ય સુધી મને કળ ન વળતી.

*

‘તમે અત્યન્ત નિરાશ થઈ ગયા છો’ એક દિવસ મેં કહ્યું.

‘હા.’ તેમની આંખો છલકતી હતી.

‘તમને તકલીફ થાય છે. દુઃખાવો કે બળતરા?’

‘હા … ના … કદાચ. ખબર નથી પડતી.’ અને આંસુ સરવા માંડ્યાં.

ફરી વાર તેઓ હતાશાની અતળ ખાઈમાં ગરક થતા જતા હતા અને મને પણ ખેંચી જતા હતા. હું ખેંચાઈ રહી હતી. મને ગુસ્સો આવતો હતો. આખરે આયુષ્યના નેવુંમા વર્ષે મૃત્યુનો આટલો ડર શા માટે? સુખોદુઃખોથી ભરેલી એક લાંબી જિન્દગી તેમણે જીવી લીધી હતી, પછી આટલી વિહ્વળતા શા માટે? મને તેમના ખભા પકડી હલાવી નાખવાનું ને બૂમ પાડીને પૂછી લેવાનું મન થતું હતું :

‘આખરે, દીકરીથી ય નાની ઉંમરની ડૉક્ટર પાસેથી કેવા પ્રકારનું આશ્વાસન ઈચ્છો છો તમે?’

ખરેખર તો આ ક્ષણે એમની શાન્તિ અને ધૈર્યમાં તમામ અસહાયતા ઓગળી જવી જોઈએ. મૃત્યુને ગરિમાથી સ્વીકારી લેતાં અનેક યુવાનો અને બાળકો પણ મેં જોયાં છે. આ પુરુષ, આ ઉંમરે, આટલો બધો નિર્બળ કેમ બને છે? આટલો બધો કેમ પડી ભાંગે છે કે કેમેય કરીને તેને ઊભો કરી શકાતો નથી?

મારી અકળામણ વધતી હતી. કદાચ બહાર દેખાતી પણ હશે. તેઓ ધ્રૂજતા ધ્રૂજતા ચૂપચાપ બેઠા હતા. આંસુથી ખરડાયેલા ગાલ પર ફરી ફરી આંસુ વહેતાં હતાં.

મેં કહ્યું, ‘કદાચ બીજા કોઈ ડૉક્ટર તમને વધુ મદદ કરી શકશે. હું …’

‘ના, ના, મારે બીજા કોઈ પાસે જવું નથી. તમે મને છોડી ન દેશો.’

‘ભલે, નહીં છોડું.’

‘હું મરવા નથી માગતો મારે જીવવું છે કારણ કે … કારણ કે હું પ્રેમમાં છું.’

હું સ્તબ્ધ! પ્રેમમાં? આ ઉંમરે? કાન પર અથડાયેલા શબ્દો જાણે મનમાં પચતા નહોતા!

તેઓ તો જાણે ક્યાંક બીજે, બીજી દુનિયામાં ચાલ્યા ગયા હતા. મનમાં જાત સાથે વાત કરતા હોય એમ તેઓ બોલવા લાગ્યા, ‘અમારાં લગ્ન થયાં ત્યારે તે સોળ વર્ષની હતી.’ આટલાં ડર, પીડા અને કંપન વચ્ચે પણ તેમના ચહેરા પર એક કોમળ તેજ પથરાયું. થોડા ન સમજાય તેવા શબ્દો … પછી તેઓ ક્યાં ય સુધી મૌન રહ્યા. મારા મનમાં ચિત્ર આવ્યું – સાગરના તળિયે એક મરજીવો છીપ ભેગી કરી રહ્યો છે. મનમાં ઉછળતી ઉત્સુકતા દબાવી હું ધીરજથી તેમને જોતી રહી.

અંતે મૌન તૂટ્યું : ‘મેં વચન આપ્યું હતું કે જીવનભર તેને સંભાળીશ.’

હું પારાવાર ક્ષુદ્રતા અનુભવતી હતી. ‘મને કહ્યું કેમ નહીં?’

‘તમે પૂછ્યું નહોતું.’

‘હવે પૂછું છું. તમારાં પત્ની વિશે મને કહો.’

‘કહું?’ તેમના ચહેરા પર મેઘધનુષ ખીલી ઊઠ્યું.

‘હા. બધું કહો.’

અને તેઓ કહેવા લાગ્યા – ભાગલા વખતે સર્વસ્વ ગુમાવીને થાકેલાં શરીર, વિચ્છીન્ન આત્મા અને ચાર નાનાં બાળકો સાથે આ દેશમાં આવેલાં પતિ–પત્ની વિશે, દિવસે નાનીમોટી નોકરીઓ કરી રોટલો રળતા ને રાત્રે નાઈટ સ્કૂલમાં ભણતા યુવાન વિશે, કરકસરથી ઘર ચલાવતી, બાળકોને કેળવતી ને સંઘર્ષરત પતિના હૃદય પર શાન્તિનો હાથ ફેરવતી પ્રિયતમા વિશે, યુવાનીનાં વીતતાં ગયેલાં વર્ષો, સંઘર્ષનાં ધીરે ધીરે મળતાં ગયેલાં ફળ અને આયુષ્યની સરતી જતી રફતાર વિશે. ‘રોજ રાત્રે અમે છયે જણ ઢૂંબો વળીને જે મળ્યું હોય તે પ્રેમથી ખાઈ લેતાં, એકબીજાને ખવડાવી દેતાં. થાકથી તૂટી પડ્યો હોઉં ત્યારે એ ખભે હાથ મૂકીને કહેતી – ‘આપણે સાથે છીએ તો નવી જિન્દગી જરૂર મળશે ને હું ભાંગેલી કમર સીધી કરી વિશ્વાસપૂર્વક કામે લાગતો.’

આ બધું કહેતી વખતે તેમના અવાજમાં જરા ય કંપ ન હતો. તેમણે કહ્યું, ‘તમને કદાચ મારી વાત જૂના જમાનાની, ચીલાચાલુ લાગશે. પણ સાચું તો એ જ છે કે, અમારા પ્રેમે જ અમને શક્તિ આપી હતી. તેનું મોં જોઈને મારા પગમાં નવું જોમ આવતું ને મને જોઈને તેનામાં પ્રાણ પૂરાતો. આમ જ જીવન વીત્યું, બાળકો મોટાં થયાં, દુઃખો પણ પૂરાં થયાં અને હવે…’

ફરી તેમનો અવાજ તૂટી ગયો. આંખો વહેવા માંડી. પણ હવે હું આ આંસુનું મૂલ્ય જાણવા પામી હતી. પ્રેમનું આ કેવું સ્વરૂપ હતું! જે પ્રેમ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેમને સ્થિર રાખતો હતો, તે જ પ્રેમ આ વયોવૃદ્ધ અવસ્થાએ તેમને બાળકની જેમ રડાવી રહ્યો છે! હું આમને ડહાપણના, સાંત્વનાના શબ્દો કેવી રીતે કહું? મને સમજાય છે, તેઓ સાચા છે. જેનો થરથરતો હાથ, હાથમાં લઈને જીવનભર સાથ આપવાનો કોલ દીધો હતો, જેને ગર્વથી, પ્રેમથી, અધિકારથી આજ સુધી રક્ષી હતી; તેને આ વૃદ્ધ અવસ્થાએ એકલી મૂકીને જઈ શકાતું નથી. પણ જવું તો પડશે. આ મૃત્યુનો ડર નથી, વિયોગનો પણ નથી; બસ એક જર્જરિત વૃદ્ધ નારીમૂર્તિ સામે આવે છે ને ધૈર્યના બધા બંધ તૂટી જાય છે.

‘ના, તમે ચીલાચાલુ નથી. જૂના જમાનાના નથી. આ પ્રેમ, આ સ્વપ્નો જ તો દરેક પુત્રનું જીવનબળ છે.’

તેમના હાથ પર હાથ મૂકીને હું બોલી, ‘તમારી વાત ખૂબ જ સુંદર અને અત્યંત અદ્ભુત છે.’

તેમણે બે હાથમાં મારી હથેળી પકડી, ‘એવું નથી. તમે આંખ ખોલીને જુઓ તો આવો પ્રેમ ઘણી જગ્યાએ દેખાશે.’

અને પહેલી વાર તેઓ શાન્તિપૂર્વક ગયા. મને શાન્તિ આપીને ગયા. હવે છેક મને સમજાયું કે તેઓ મારી પાસેથી શું ઈચ્છતા હતા. મારે તેમના હૃદય સુધી પહોંચવાનું હતું. તેમની પીડા સમજવાની હતી. દવા કે ઈલાજમાં નહીં; તેમની શાન્તિ પોતાના મનની વાત વહેંચવામાં હતી.

મને મારી અધિરાઈ માટે શરમ આવતી હતી. કેટલી ઉપરછલ્લી હતી મારી યુવાની અને જીવન તો કેટલું ગહન, કેટલું શાન્ત! ધીમા, ડગમગતા, સરખું સાંભળી કે બોલી ન શકતા જીર્ણ શરીરવાળા વૃદ્ધોને જોઈ તેમને નિરુપયોગી, નકામા, અકારણ જીવ્યા કરતા અને સંવેદનવિહોણા ધારી લેતા વાર નથી લાગતી; પણ યુવાનીનો ચળકાટ એક દિવસ ખલાસ થઈ જાય છે. ત્યાર પછી પણ પ્રેમ જીવતો હોય છે; જિન્દગીનો અર્થ જીવતો હોય છે. જો જોવા માગીએ તો દેખાય; અનુભવવા માગીએ તો જોઈ શકાય.

એ મારું છેલ્લું મિલન હતું. ત્યાર પછી તેઓ કદી ન આવ્યા. એક દિવસ સમાચાર મળ્યા કે તેઓ મૃત્યુ પામ્યા છે. મેં ઑફિસમાં કહેવડાવ્યું કે તેમને ત્યાંથી કોઈ પેપર્સ લેવા આવે તો મને મળે.

અઠવાડિયા પછી તેમના પુત્રને મળવાનું થયું. ચાલીસેક વર્ષનો ગંભીર સમજદાર પુરુષ. મેં પૂછ્યું, ‘તેમની છેલ્લી પળો કેવી વીતી?’

‘શારીરિક કષ્ટની ફરિયાદ નહોતા કરતા. પણ જીવ જતા વાર લાગી. વારે વારે મા સામે જોયા કરતા હતા.’

‘અને તમારાં મા?’

‘મારી મા છેલ્લાં વીસ વર્ષથી અંધ છે. તેની સારસંભાળનો બધો જ ભાર છેક સુધી પિતાજીએ ઉપાડ્યો. અમે ઘણું કહ્યું કે નર્સ રાખીએ, કૅરટેકર રાખીએ; પણ ન માન્યા. કહે : ‘મારે બીજું કામે ય શું છે? અત્યાર સુધી એણે મારી કેટલી સેવા કરી છે. થોડું હુંયે કરું ને નાનુંમોટું બધું પોતે જ કરતા. રોજ બહાર લઈ જાય. ઝીણું ઝીણું વર્ણન સતત કરતા જાય ને મા તેમનો હાથ પકડી ચાલતી હોય, રસથી સાંભળતી હોય. વચ્ચે પૂછતી જાય, ‘આ ઘંટડી શાની વાગી?’; ‘બાજુમાંથી શું દોડી ગયું?’; ‘આજે પાંદડાં કેમ બહુ ખખડે છે?’ ઘરમાં પણ બન્ને સાથે ને સાથે જ -’ પછી ગળું ખંખેરી કહે, ‘જોડી તૂટી, ડૉક્ટર.’

‘તમારાં મા બહુ દુઃખી થયાં હશે?’

એ ભાઈ નીચું જોઈ ગયા. થોડી વારે કહે,

‘શાન્ત હતી. આમ તો એક વાર બોલી હતી – ‘સારું થયું, મારા પહેલા તેઓ ગયા. મારે પહેલા જવાનું થાત તો એમને એકલા છોડી કેમેય જઈ ન શકત. તેમની જેમ વલખતી રહેત.’ મેં પૂછ્યું, ‘તને કોણે કહ્યું તેઓ વલખતા હતા? તો બોલી નહીં. છલકતી આંખે નીચું જોઈ ગઈ.’

‘તમે કહ્યું, શાન્ત હતી – ‘હતી’ શબ્દ વાપરેલો ને?’

‘હા.’

‘એટલે – એટલે કે …’

‘પિતાજી ગયા પછી ચાર દિવસે મા પણ મૃત્યુ પામી. ઊંઘમાં જ ચાલી ગઈ. પેલે દિવસે બોલી હતી કે હવે જીવીને શું કામ છે? ભગવાનની માળા કર્યા કરતી હતી આખો દિવસ.’

દર્દીના મૃત્યુ પછી સગાંવહાલાંને મળવાનો પ્રસંગ આવી રીતે ક્યારેક આવે. તેવે વખતે તેઓ વાતો કરવા આતુર હોય છે. તેમની લાગણીઓ ઘવાય નહીં, તેવી રીતે વાત ટૂંકાવવાની અમને તાલીમ અપાય છે. હું પણ આ શીખી છું. સૌજન્ય જાળવીને થોડામાં પતાવવું એ નિયમને અનુસરું છું. પણ તે દિવસે એ નિયમ મેં તોડ્યો. એ ભાઈએ તેમના પિતા વિશે ઘણી બધી વાતો કરી, કે દાદા કેવા ગરમ સ્વભાવના; પણ અત્યન્ત પ્રેમાળ હતા. રેફ્યુજીઓને કેટલી મદદ કરતા, પરિવારને કેટલો ચાહતા. અનેક પ્રસંગો. આ બધી વાતો મેં પૂરી સાંભળી. પણ મારી આંખો સામે એક જ દૃશ્ય રચાતું રહ્યું – ઝૂકી આવેલું આકાશ, સાંકડો રસ્તો, એકબીજાંનો હાથ પકડી ચાલ્યું જતું દમ્પતી અને તેમના પર મંજરીઓ ખેરવતાં ઘટાદાર વૃક્ષો!

*

દર્દીઓ તરફ જોવાની એક નવી દૃષ્ટિ મને મળી છે. વ્હીલચૅરમાં બેઠેલા, અધ્ધર જીવ અને ખોવાયેલી દૃષ્ટિવાળા, જીર્ણ-કંપતા શરીરવાળા વૃદ્ધોને જોઈને હું મારી જાત સાથે એક કમિટમેન્ટ કરું છું કે, તેમના અન્તની ઘોષણા કરવાની ઉતાવળ કરવાના બદલે હું તેમની સફરના મુકામોને, તેમની સાથે માણીશ. તેમની સ્મૃતિની અને મારી સમજની ગ્રંથિઓને ઓગાળીશ.

આખરે, આપણે શું જોઈએ – મુક્તિ, વિમોચન. ખરું ને?

(પ્રસિદ્ધ ‘કુમાર’ માસીકના 2011 એપ્રિલના ‘એક હજાર’મા ‘વાર્તા–વિશેષાંક’ના પાન 479 પરથી સાભાર .. .. ઉ.મ.)

લેખિકા સમ્પર્ક : સોનલ પરીખ, લોકભારતી ગ્રામવીદ્યાપીઠ, સણોસરા- 364 230 તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર

eMail: sonalparikh1000@gmail.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 323 – May 31, 2015

165.Maare_Marvu_Nathi-SONAL_PARIKH-31-SeM-31-05-2015

Mobile_Edition

આ પોસ્ટ મોકલાઈ : 01-04-2022

@@@

Loading

2 April 2022 admin
← યાહોમ કરીને ….
સતત પ્રજાને ડરાવતા રહેવું અને રડાવતા રહેવું એ પુરુષાર્થ છે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved