 યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ કર્યું એમાંથી ભારત અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અને અન્ય નાગરિકોને પાછાં લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને તેમાંથી ભારતમાં તબીબી શિક્ષણમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે એના તરફ પણ કેટલાક લોકોનું ધ્યાન ગયું છે. પ્રશ્ન એ છે કે ભારતમાં તબીબી શિક્ષણની પૂરતી સગવડ નથી અને તબીબી શિક્ષણ અત્યંત મોંઘું છે. યુક્રેનમાં માર્યા ગયેલા ભારતના એક વિદ્યાર્થી નવીનશેખર અપ્પા એમ કહેતા માલૂમ પડ્યા હતા કે ભારતમાં એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવવા માટે એમની પાસે પૂરતા પૈસા ન હતા.
યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ કર્યું એમાંથી ભારત અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અને અન્ય નાગરિકોને પાછાં લાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને તેમાંથી ભારતમાં તબીબી શિક્ષણમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે એના તરફ પણ કેટલાક લોકોનું ધ્યાન ગયું છે. પ્રશ્ન એ છે કે ભારતમાં તબીબી શિક્ષણની પૂરતી સગવડ નથી અને તબીબી શિક્ષણ અત્યંત મોંઘું છે. યુક્રેનમાં માર્યા ગયેલા ભારતના એક વિદ્યાર્થી નવીનશેખર અપ્પા એમ કહેતા માલૂમ પડ્યા હતા કે ભારતમાં એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવવા માટે એમની પાસે પૂરતા પૈસા ન હતા.
આપણે જાણીએ છીએ કે છેલ્લા પાંચેક દાયકાથી સરકાર વ્યાવસાયિક શિક્ષણમાંથી પણ બહાર નીકળી ગઈ છે. એટલે કે મોટે ભાગે ઇજનેરી કે મેડિકલ કૉલેજો જેવી વ્યાવસાયિક કૉલેજો શરૂ કરતી નથી. આ ક્ષેત્ર તેણે ‘સેલ્ફ ફાયનાન્સ’ એટલે કે ર્સ્વનિભર કૉલેજોને સોંપી દીધું છે. આ કૉલેજો દેખીતી રીતે શિક્ષણનું કાર્ય કરે છે પણ એક ધંધા તરીકે એ કાર્ય કરે છે. નોંધવા જેવી બાબત એ છે કે કોઈ સમિતિએ આ વ્યવસ્થાની ભલામણ કરી નથી અને છતાં દેશમાં વ્યાવસાયિક શિક્ષણના ક્ષેત્રે સેંકડો સ્વર્નિભર કૉલેજો શરૂ થઈ છે, જેમાં મોટે ભાગે રાજકારણીઓ સંકળાયેલા છે.
તબીબી શિક્ષણના ક્ષેત્રે બેઠકોની અછત પ્રવર્તે છે. તેને કારણે આ ક્ષેત્રની સ્વર્નિભર કૉલેજો મનમાગી ફી લઈ શકે છે. એમાં ફીનો દર વર્ષના છ લાખથી શરૂ કરીને પંદર લાખ કે તેથી પણ વધારે હોઈ શકે જેને ‘મૅનેજમેન્ટ ક્વોટા’ કહેવામાં આવે છે. એમાં તમે પ્રવેશ મેળવો તો વાર્ષિક રૂપિયા પંદર લાખ કે તેથી વધારે ચૂકવવા પડે. એમ.બી.બી.એસ.નું ખર્ચ ઓછામાં ઓછું રૂ. ૨૭ લાખ છે. એનાથી વધારે હોઈ શકે. આટલી રકમ જે કુટુંબો રળી શકે એનાં જ સંતાનો ડૉક્ટર બનવાનું સપનું સેવી શકે એટલું પૂરતું નથી. તબીબી શિક્ષણમાં પ્રવેશવા માટે એક પ્રવેશ પરીક્ષા (NEET) આપવી પડે છે. એ માટે પણ મોંઘા કોચિંગ ક્લાસનો આશ્રય લેવો પડે. એ પછી ય બેઠકો ઓછી હોવાથી તબીબી શિક્ષણ માટેની માંગ દેશમાં સંતોષાતી નથી, કારણ કે તબીબી શિક્ષણની બેઠકો ૮૫ હજાર નજીક છે અને એ માટે ૨૦૨૧માં ૧૬ લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. આમ, લગભગ ૧૮ ગણા વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ લેવાનો પ્રયાસ કરતા હોય છે.
આપણે ભારતમાં તબીબી શિક્ષણને વધારે મોંઘું કરી નાંખ્યું છે એ માટે ઊંચા ધોરણોનો આગ્રહ જવાબદાર છે. દેખીતી રીતે દરદીઓનાં હિતમાં ઊંચા ધોરણનો આગ્રહ રાખવામાં આવે છે. જેથી દરદીને એક લાયકાત ધરાવતો ડૉક્ટર જ મળે. કેટલાક દેશોમાં તબીબી શિક્ષણ પ્રમાણમાં સસ્તું છે. એ દેશોમાં ભારત જેવો આગ્રહ રાખવામાં નહીં આવતો હોય, પણ એનું પરિણામ એ આવ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે. જો કે, આ વિદ્યાર્થીઓએ ભારતમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે વળી બીજી એક પરીક્ષા પસાર કરવી પડે છે. એમાં પંદર ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે છે એને કારણે એ વિદ્યાર્થીઓ માટે પણ કોચિંગ ક્લાસ શરૂ થયા છે, એનો ખર્ચ થાય એ અલગ.
વિદેશી ડિગ્રી લેવા માટે ભારતમાંથી અન્ય વિદ્યાશાખાઓમાં પણ વિદ્યાર્થીઓ જાય છે. પણ એ બધા વિદ્યાર્થીઓ પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા માટે જાય છે. તબીબી શિક્ષણ એક માત્ર અપવાદ છે, જેમાં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા માટે વિદેશમાં જાય છે. આનું રહસ્ય સ્પષ્ટ થઈ ગયું હશે. ભારતમાં તબીબી ક્ષેત્રે ગ્રેજ્યુએટ થવાનું ઘણું ખર્ચાળ અને મુશ્કેલ છે. બેઠકોની અછત છે. એનો લાભ વિદેશોની યુનિવર્સિટીઓ લે છે. આ યુદ્ધના કારણે ધ્યાન પર આવ્યું કે યુક્રેનમાં ૧૮ હજાર વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે.
આમાંથી એક પ્રશ્ન જે ઊભો થાય છે તે સમાનતાનો છે. જે વિદ્યાર્થીઓ ગુણવત્તા (મેરિટ) ધરાવતા હોય તેમને પોતાની રુચિ પ્રમાણે શિક્ષણ મેળવવાની તક મળે એ સમાનતાની દૃષ્ટિએ જરૂરી છે. સ્વર્નિભર કૉલેજોને કારણે, લાયકાત નહીં ધરાવતા વિદ્યાર્થીઓ પણ પોતાની રુચિ પ્રમાણે શિક્ષણ મેળવી શકે છે, કારણ કે એમની પાસે પૈસા છે. આમ, ઉચ્ચ વ્યવસાયી શિક્ષણમાં પ્રવેશની લાયકાત વિદ્યાર્થીનું મેરિટ નહીં પણ એના પરિવારની પૈસા ખર્ચવાની શક્તિ બની રહી છે. તાજેતરમાં જે વૈશ્વિક અસમાનતાનો રિપોર્ટ બહાર પડ્યો છે તેમાં ભારતની ગણના અત્યંત અસમાનતા ધરાવતા દેશમાં થઈ છે. સાથે ભારત એક ગરીબ દેશ છે એ પણ નોંધવામાં આવ્યું છે. આ ગરીબ દેશમાં વ્યાવસાયિક શિક્ષણને બજારનાં પરિબળો પર છોડવામાં આવે તે અસમાનતા વધારનારું છે. સરકારે ઉચ્ચ શિક્ષણની આ શાખાની જવાબદારી છોડી દીધી છે અથવા મર્યાદિત કરી છે એ વધુ અસમાનતાની દિશામા લઈ જનારું પગલું છે.
યુક્રેનની ઘટના બની પછી એના પ્રત્યાઘાતરૂપે વડા પ્રધાનશ્રીએ એક જાહેરાત કરી હતી. એ જાહેરાત પ્રમાણે સ્વર્નિભર મેડિકલ કૉલેજોમાં ૫૦ ટકા બેઠકો ઉપર સરકારી ધોરણે ફી લઈ શકાશે. આ વિદ્યાર્થીઓને આમ સરકારી કૉલેજમાં ભણતા હોય એ ધોરણે ફી ભરવાની રહેશે. બાકીના વિદ્યાર્થીઓએ વધારે ફી ભરવાની રહેશે. કારણ કે જે ૫૦ ટકા બેઠકો ઉપર સરકારી ધોરણે ફી લેવામાં આવશે એને પરિણામે તે વિદ્યાર્થીઓને સબસીડી મળશે. એનો બોજો જે વિદ્યાર્થીઓ સ્વર્નિભર કૉલેજોમાં બાકીની ૫૦ ટકા બેઠકો ઉપર પ્રવેશ મેળવશે એના ઉપર પડશે. એમની ફીમાં મોટો વધારો થશે. આ એક અન્યાયી પગલું ગણાશે. સરકાર જો ઇચ્છતી હોય કે મેડિકલ શિક્ષણ પ્રમાણમાં સસ્તું હોવું જોઈએ તો સબસીડીનો બોજો તેણે ઉપાડવો જોઈએ. આ દાખલામાં સબસિડીનો બોજો એક ચોક્કસ વર્ગ ઉપર જાય છે. આમાં એવું પણ બની શકે કે પ્રમાણમાં ઓછી આવક ધરાવતો વિદ્યાર્થી એનાથી વધારે આવક ધરાવતા વિદ્યાર્થીને સબસિડી આપવાનો બોજો ઉપાડતો હોય.
દેશમાં તબીબી શિક્ષણની ૮૩,૨૭૫ બેઠકો છે. એમાંથી ૪૧,૪૮૦ સરકારી બેઠકો છે. બાકીની બેઠકો સ્વર્નિભર કૉલેજોમાં છે. આમ, લગભગ ૨૦ હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે. પણ, બીજાં એટલા જ વિદ્યાર્થીઓને એની કિંમત ચૂકવવી પડશે. એમના માટે તબીબી શિક્ષણ અત્યંત મોંઘું થઈ જશે. એ કેવળ શ્રીમંતોને પરવડે એટલું મોઘું થશે. આમ, અસમાનતા ચાલુ રહેશે. સરકારે સ્વર્નિભર કૉલેજોમાં તબીબી શિક્ષણને સસ્તું બનાવવા માટે સબસિડી આપવાની યોજના કરવી જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 03
 

