પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ એમાં સૌથી ભૂંડી હાલત કાઁગ્રેસની થઈ છે. ભૂંડી હાલત ન થઈ હોત તો આઘાત લાગ્યો હોત ! કાઁગ્રેસ આત્મહત્યાને માર્ગે છે તેવું ગાંધી પરિવારને ભલે ન લાગ્યું હોય, બાકી, પીઢ કાઁગ્રેસી નેતાઓને તો ઘણા વખતથી લાગી રહ્યું હતું ને તે હવે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ તો બતાવી પણ આપ્યું છે. કાઁગ્રેસના નહેરુ, ગાંધી ખાનદાનમાંથી ત્રણ-ત્રણ વડાપ્રધાનો દેશને મળ્યા હોય એને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 403 ઉમેદવારોમાંથી બે જ સીટ મળે એનાથી બીજી નાલેશી કઈ હોય? 2014માં નવ રાજ્યોમાં કાઁગ્રેસની સરકાર હતી તે હવે બે રાજ્યો – રાજસ્થાન અને છત્તીસગઢ – પૂરતી રહી ગઈ છે. ટૂંકમાં, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કાઁગ્રેસનો દેખાવ બધી રીતે દયનીય રહ્યો.
એ ખરું કે કેટલાક ધારાસભ્યો વિરુદ્ધ હતા, તો પણ પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહને છેડવાની જરૂર ન હતી. 2017માં કાઁગ્રેસ, કેપ્ટન અમરિન્દરની મહેનતથી જ સત્તા પર હતી, એ ભૂલી જઈને, રાહુલ – પ્રિયંકાએ અમરિન્દરને ઢીલા કરવા નવજોતસિંહ સિધ્ધુને આગળ કર્યા, પણ સિધ્ધુ જેવા વાચાળ મુખ્ય મંત્રી ન ખપે એવું જાણતા રાહુલે આજ્ઞાંકિત મુખ્ય મંત્રી તરીકે ચરણજિતસિંહ ચન્નીને ગોઠવી દીધા. દેખીતું છે કે ‘સિધ્ધુ’ વાંકું જ જુએ. જોયું ને પહેલાં જ દિવસથી ચન્નીની સામે દાંતિયા કરવાનું શરૂ થઈ ગયું. ખરું તો એ છે કે કાઁગ્રેસનો આમાં કોઈ ગ્રેસ ન હતો ને પંજાબની પ્રજા આ ખેલ જોઈ રહી હતી. પરિણામ એ આવ્યું કે ન અમરિન્દર સચવાયા કે ન તો ચન્ની-સિદ્ધુએ કૈં ઉકાળ્યું ને એનો લાભ આપને મળ્યો. આપ પાર્ટીએ ધાર્યું ન હતું એવી જીત તેને ભાગે આવી. આપની પંજાબી જીતે અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઉભારી દીધા છે તે વળી પંજાબની ચૂંટણીનો આડ લાભ છે.
એક વાત સ્પષ્ટ છે કે કાઁગ્રેસ, ગાંધી પરિવારમાંથી મુક્ત નહીં થાય તો ગાંધી પરિવાર, કાઁગ્રેસ મુક્ત ભારતનું ભા.જ.પ.નું સપનું, પોતે જ પૂરું કરી આપશે. કાઁગ્રેસમાં અગાઉ કદી ન હતી એવી ખોટ અત્યારે અક્કલની વર્તાય છે. દીકરો, માને અને મા, દીકરાને આગળ કરે કે બચાવે તે ઓછું હતું તે એમાં દીકરી પણ ઉમેરાઈ. સોનિયા ગાંધીએ પોતે જ નાહી નાખ્યું હોય તેમ એ કાઁગ્રેસના સીધા પ્રચારથી દૂર રહ્યાં છે. રાહુલ પંજાબને બગાડે એટલું પૂરતું હતું એટલે ઉત્તર પ્રદેશમાં દીકરી પ્રિયંકા વાડ્રાને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉતારવામાં આવી. પ્રિયંકાએ ઇન્દિરા ગાંધીની ઊભી થયેલી પોતાની આભાનો પૂરો લાભ પણ ઉઠાવ્યો, પણ હિન્દુત્વવાદી ભા.જ.પ.ના પ્રચારની સામે ને બીજી તરફ અખિલેશ યાદવનાં સ્વસ્થ સમાજવાદી વલણ સામે પ્રિયંકાનો પનો ટૂંકો પડ્યો ને કાઁગ્રેસની હાલત ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી થઈ. 403 બેઠકો પરથી ઊભા રખાયેલા ઉમેદવારોમાંથી બે જ જીત્યા. એ પણ પોતાની તાકાત પર. એમાં કાઁગ્રેસનો ફાળો ન હતો. બ્રાહ્મણ નેતા પ્રમોદ તિવારીની દીકરી આરાધના મિશ્ર રામપુર ખાસથી જીત્યાં, તેમાં પિતાનો નવ વખત વિધાનસભાની ચૂંટણીમાં થયેલો વિજય અને તેમનું યુ.પી.માં સન્માનનીય સ્થાન જવાબદાર હતું. કાઁગ્રેસની બીજી બેઠક મળી વીરેન્દ્ર ચૌધરીને. તેઓ માત્ર 1087 મતથી જીત્યા છે, એમાં પણ તેમની પોતાની મહેનત જ રંગ લાવી છે. મતલબ કે કાઁગ્રેસની કોઈ જ અસર ઉત્તર પ્રદેશમાં વર્તાઈ નથી.
પંજાબમાં સત્તા ગઈ અને ગોવા, ઉત્તરાખંડમાં સરકારમાં વાપસીની ઉમ્મીદ હતી તેમાં પણ ના’વાનું જ થયું એટલે સંસદીય ટીમના સ્ટ્રેટેજી ગ્રૂપની મીટિંગ કાલે આત્મનિરીક્ષણ-પરીક્ષણ-પ્રાયશ્ચિત માટે બોલાવાયેલી. એમાં બધાં કાઁગ્રેસી મોવડીઓ રાજીનામું આપે એવી દહેશત હતી, પણ એમાં શું થયું તે જાણવા મળ્યું નથી. રાજીનામું મૂકવા કરતાં ખરેખર તો સોનિયા ગાંધીએ સંતાનોનો મોહ મૂકીને નીવડેલા નેતાઓની રાષ્ટ્ર વ્યાપી શક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરવાની જરૂર છે. કાઁગ્રેસ હશે તો સોનિયા કે રાહુલ-પ્રિયંકાનો પણ કોઈ અર્થ હશે, કાઁગ્રેસ જ નહીં હોય તો સંતાનોનો પણ શો અર્થ રહે તે વિચારવયનું રહે. આમ તો આ ઘણું વહેલું કરવાની જરૂર હતી. કાઁગ્રેસ ઉત્તરોત્તર પડતી જ ગઈ છે તે સોનિયા કે રાહુલને નથી દેખાતું એવું નથી. તો એવું કયું કારણ છે કે રાજકારણમાં પક્ષ કરતાં પુત્ર વધુ મહત્ત્વનો થઈ પડે, તે પણ ખબર હોય કે પુત્રથી બફાટ સિવાય બીજું ખાસ કૈં થતું જ ન હોય, ત્યારે?
એવું નથી કે કાઁગ્રેસ કૈં કરતી નથી. તે હારવા માટે મહેનત તો કરે જ છે. ગાંધી પરિવાર એટલે કાઁગ્રેસ એ સમીકરણ જૂનું થઈ ગયું છે. એમાં પરિવર્તન જરૂરી છે. બીજું, ભા.જ.પ. ઘણું ઊંધું મારે છે છતાં, લોકમત તેની તરફનો છે, કેમ? એ સારું છે કે નબળું તે જુદી વાત છે, પણ જીત મેળવી આપે એવું લાગતાં ભા.જ.પે. હિન્દુત્વનું કાર્ડ ગુજરાત, ઉત્તર પ્રદેશમાં તો સફળતાપૂર્વક ખેલ્યું જ છે. હિન્દુ મતો મળે જ એ માટે કાશી, અયોધ્યામાં મંદિરોનો જે રીતે મહિમા થયો છે તે હિન્દુઓને મત આપવા ન પ્રેરે એવું તો કેમ બને? હિન્દુ રાષ્ટ્રની સીધી જાહેરાત વગર મંદિરોનો જે રીતે મહિમા થયો તેણે એ સ્થિતિ તો ઊભી કરી કે હિન્દુઓને ભા.જ.પ. પોતાનો પક્ષ લાગ્યો. એ જ કારણ છે કે ભા.જ.પ. સામે અનેક વાંધા હોવા છતાં હિન્દુમતો તો ભા.જ.પ.ના ઉમેદવારોના ખાનામાં જ પડ્યા છે. એ ઉપરાંત અન્ય જાતિ, કોમના મત મેળવવા વડા પ્રધાને ઉત્તર પ્રદેશમાં અનેક રાષ્ટ્રીય માર્ગો ખુલ્લા મૂકવાની જાહેરાતો કરી. એને લીધે બીજી કોમને પણ ભા.જ.પ.ને મત આપવાનું કારણ મળ્યું. આ પ્રભાવમાં મુસ્લિમોના મત ન મળે તો તે ગુમાવવાની ભા.જ.પ.ની તૈયારી હતી, કારણ યુ.પી.માં હિન્દુત્વની લહેર વધુ વ્યાપક હતી અને એનો જેટલો લાભ લેવાય એટલો વડા પ્રધાન મોદીએ અને મુખ્ય મંત્રી યોગીએ લીધો. એ લહેર મોદી-શાહની સખત મહેનત છતાં પશ્ચિમ બંગાળમાં ન જ ચાલી, બિલકુલ એમ જ, જેમ મમતાની ઉત્તર પ્રદેશમાં હાજરી ન ચાલી. બિનસાંપ્રદાયિક હોવાનો આદર્શ લઈને ફરતી કાઁગ્રેસને હિન્દુની વાતે અભડાઈ જવાનો ડર હોય તો દેખીતું છે કે એ મુસ્લિમ મતો તરફ જ આંખો ઠેરવે. એણે ઉત્તર પ્રદેશમાં એવી હવા ઊભી કરી કે કાઁગ્રેસ તો મુસ્લિમોનો પક્ષ છે. અત્યાર સુધી હિન્દુ મતદારો મત આપવા જતા ન હતા ને જે જતા હતા તે બીજો વિકલ્પ ન હતો એટલે કાઁગ્રેસને મત આપતા હતા ને કાઁગ્રેસ જીતતી હતી. હવે હિન્દુ મતોની ટકાવારી વધી છે ને એને લીધે પણ કાઁગ્રેસના મતો ઘટે એમ બને. જે સ્થિતિ 2014 પહેલાં કાઁગ્રેસની હતી તે અત્યારે ભા.જ.પ.ની છે ને જે ભા.જ.પ.ની હતી તે અત્યારે કાઁગ્રેસની છે.
હવે કાઁગ્રેસે જીતવું હોય તો નહીં, પણ જીવવું હોય તો જે નેતાઓ નારાજ છે તેને પાંખમાં લઈને એ સ્થિતિ ઊભી કરવાની રહે કે તે બીજા પક્ષમાં જવા લલચાય નહીં. ગાંધી પરિવાર ભલે મોખરે રહે, પણ સારો નેતા ઉપેક્ષાનો ભોગ ન બને એ જોવાય તે જરૂરી છે. કાઁગ્રેસ મુસ્લિમોનો કે મુસ્લિમોના મત માટેનો જ પક્ષ છે એ સમજ દૂર ન થાય ત્યાં સુધી કાઁગ્રેસનો દા’ડો વળવાનો નથી. ઉત્તર પ્રદેશ પાસે ભા.જ.પ.ને મત ન આપવાનાં પૂરતાં કારણો હતાં. કૃષિકાનૂન સંદર્ભે ખેડૂતોની નારાજગી, લખીમપુરમાં ખેડૂતો પર પ્રધાનપુત્રની જીપ ચડાવી દેવાની ઘટના કે હાથરસની ગેંગ રેપની ઘટના યોગીના ઉત્તર પ્રદેશમાં જ બની હતી ને તેનાથી ઘણા નારાજ હતા, પણ ભા.જ.પ.ની વિરુદ્ધ ન પડે એવી હિન્દુત્વની લહેર પ્રબળ હતી એટલે ભા.જ.પ.ને બીજી વખત ઉત્તર પ્રદેશમાં શાસનની તકો ઊભી થઈ. એમ લાગે છે કે જે પણ પક્ષ હવે હિન્દુ મતદાતાઓની ચિંતા કરશે તેમને જીતની તકો વધશે. પ્રાદેશિક પક્ષો પણ મુસ્લિમ મતો ઉપરાંત દલિતોના ને સવર્ણોના મતની ગણતરીઓ મૂકે જ છે. એ નીતિ જો કાઁગ્રેસ નહીં અપનાવે તો હવે જીતવાનું તેને માટે અઘરું છે. કાઁગ્રેસે નેતાગીરી જ નહીં, વિચારસરણી પણ બદલવાની રહે છે. જે કારણોસર કાઁગ્રેસને મતો મળતા હતા એ જ કારણોસર હવે મતો મળે એમ નથી, કારણ મુસ્લિમો પણ હવે તેને મત આપતા વિચારે છે. કાઁગ્રેસને મત આપ્યા પછી પણ જો તેની હાર નિશ્ચિત લાગતી હોય તો મુસ્લિમો તેને મત નહીં આપે એમ બને. જો કે, એ સ્થિતિ બધાં જ રાજ્યોને લાગુ ન પણ પડે, પણ એટલું નક્કી છે કે હવે હિન્દુ મતોની અવગણના કોઈ પણ પક્ષને પરવડે એમ નથી. ભા.જ.પ.ને એ સમજાઈ ગયું છે, અન્ય પક્ષોએ સમજવાનું રહે. ભા.જ.પ.ને જે હરાવવા માંગે છે તેણે એટલું સમજી લેવાનું રહે કે હીરો જ હીરાને કાપે એ ન્યાયે હિન્દુ મતો આંચકી લેવાનો વ્યૂહ જે પક્ષ અપનાવશે તેની જીતની તકો વધશે.
દિલ્હી, પંજાબ પછી ગુજરાતમાં ને તેમાં ય સુરતમાં આપનું ખાતું ખૂલેલું છે. આપને ગુજરાતમાં તકો વધી શકે એમ છે, કારણ કાઁગ્રેસનો ‘ગાંધી ભક્તિ સંપ્રદાય’ એટલી જલદી બદલાય એવું લાગતું નથી. એ સ્થિતિમાં આપે ગંભીરતાથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાનું રહે. અહીં પાટીદારોના મતોનું પણ વિશેષ મૂલ્ય છે ને ભા.જ.પે. મોદીની નિશ્રામાં ગુજરાત ઉપરાંત લોકસભાની ચૂંટણી માટેનો શંખ તાજો જ ફૂંક્યો છે. મોદી સાથે સંમત થઈએ કે ના થઈએ, પણ જીતનાં સમીકરણો તેઓ બરાબર જાણે છે ને કયાં કઈ નીતિ ચાલશે એનો પૂરો અભ્યાસ તેઓ કરે છે. તેમનું એક પણ પગલું ભોળપણમાં લેવાતું નથી. બધે જ બધાં કામ કરે છે એવું દૃશ્ય તેઓ રચાવા દે છે, પણ સત્તા સૂત્રો પોતાના હાથમાં હોય છે. નિર્ણયોની સત્તા રાજ્યોને નથી એવું નથી, પણ એક પણ નિર્ણય એમની જાણ બહાર કોઈ લઈ શકતું નથી ને એ નિર્ણયો લે છે એની તો કોઈને ગંધ સરખી ય આવતી નથી. ખાતરી કરવા દૂર જવાની જરૂર નથી. છેલ્લા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નીમાયા એની ખબર એમને આગલી મિનિટ સુધી ન હતી. ખાતરી ન થતી હોય તેમણે એ વખતનાં વર્તમાનપત્રો જોઈ લેવાં.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 માર્ચ 2022