છેવટે, અપેક્ષા અને ધારણા હતી તેમ કુપ્પહલ્લી સીતા રામૈયા સુદર્શને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકપદેથી નિવૃત્તિની જાહેરાત કરી, અને છઠ્ઠા સરસંઘચાલક તરીકે હમણાં લગીના સરકાર્યવાહ મોહન મધુકર ભાગવતને સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં તેરસો જેટલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિધિવત્ કાર્યભાર સોંપી પણ દીધો : ભારતીય જનતા પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણીનાં ઉંબર અઠવાડિયાઓમાં આ ઘટનાક્રમ કંઈક આશ્વસ્તકારી તેમજ શાતાકારી બની રહેશે.
૨૧મી માર્ચે દેશે મોહન ભાગવત અભિષિક્ત થયાનું જાણ્યું અને ૨૨મી માર્ચે તો લાલજી એમના વ્યસ્ત કાર્યક્રમો ઉલટસુલટ કરી નાગપુરનો આંટો પણ મારી આવ્યા. કોઈએ કહ્યું, 'મેથ્થાટેક'; કોઈએ કહ્યું – શુભેચ્છા મુલાકાત. ગમે તેમ પણ, અડવાણીને એ તો યાદ હોય જ (અને એ વાતે ગુણ પણ વસ્યો હોય ) કે એમના ઝીણાયન પછી સુદર્શને ખડખડિયું પરખાવ્યું ત્યારે સંઘના ઉચ્ચ અધિકારીઓમાંથી કોઈ એકના ટેકે અડવાણીની પુન: પ્રતિષ્ઠા અંશત: પણ શક્ય બની હોય તો તે બેલાશક ભાગવતને કારણે. ભાગવતની સીધીસાદી દલીલ એ હતી કે પક્ષ પાસે જ્યારે નિંભાડે પાકેલ (સીઝન્ડ) બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે અડવાણી વિપક્ષ નેતા અને એ નાતે છાયા વડાપ્રધાન બન્યા રહે એમાં ઔચિત્ય છે.
ચૂંટણી ટાંકણે ભાજપ અને સંઘના મુખ્ય પદોએ આરૂઢ વ્યક્તિઓ વચ્ચે ધોરણસરનું સમીકરણ હોય તે, બેઉ વચ્ચેનો નાભિનાતો જોતાં અનિવાર્ય હતું અને છે – ખાસ તો એટલા માટે કે પાવર હાઉસ તેમજ પાયદળ બેઉ ધોરણે ભાજપે સંઘ પર મદાર રાખવો રહે છે, અને જ્યારે પણ સંઘ નિષ્ક્રિયતા દાખવે ત્યારે ભાજપને પાછા પડવાની નોબત આવતી હોય છે.
એમાં પણ અડવાણી, થોડા મહિના પર જે રીતે એકધાર્યા આગળ વધતા હત એને બદલે આ દિવસોમાં એનડીએ તરીકે તેમજ ભાજપ સંદર્ભે કંઈક ગતિરોધમાંથી પસાર થઈ રહ્યા છે. બિહારમાં જનતા દળ (યુ)ની અને સવિશેષ તો નીતીશકુમારની જે સ્વીકૃતિ બની રહી છે એની સરખામણીમાં ભાજપ રાષ્ટ્રીય પક્ષ છતાં ઝાંખો દીસે છે. સૌથી મોટો મનોવૈજ્ઞાનિક ઝાટકો એનડીએને અને વડાપ્રધાનપદના દાવેદારને કદાચ ઓરિસ્સા અને નવીન પટનાયક તરફથી લાગેલો છે. વરુણ ગાંધીના વિવાદાસ્પદ ભાષણે – એના પ્રસારિત અંશોના પચાસ ટકા પણ સાચા હોય તોયે – અડવાણી સહિતના ભાજપ શ્રેષ્ઠીઓ માટે વિચિત્ર પરિસ્થિતિ સરજી છે. પક્ષ અને નેતા તરીકે જે છબિ આ દિવસોમાં ઊપસવી જોઈએ તેનાથી કંઈક વિપરીત ચિત્ર વરુણના હિંસ્ર ભાષણથી બન્યું છે. પક્ષના પ્રવક્તાએ 'અમે આ ભાષણમાંનાં વિચારોને સ્વીકારતા નથી તેમજ અમારે તેની સાથે કોઈ સંબંધ નથી' એમ કહી વરુણ ગાંધીને એના ખુદના હાલ પર છોડી દેવું સલાહભર્યું તથા સલામત લાગ્યું છે. છતાં પક્ષના નેતાગણમાં જ માત્ર નહીં દરેક નેતાના મનમાંયે બે ભાગ વચ્ચે ભાંજઘડ ચાલી રહેલ માલૂમ પડે છે. 'વરુણ ગાંધી અમારા ઘોષિત ઉમેદવાર છે' એ ગાણું તેમણે છોડ્યું નથી ; કેમ કે જેમ માલેગાંવ પ્રકરણમાં એક વાર હાથ ખંખેર્યા પછી વખત છે ને 'હિંદુ આતંકવાદીઓ' લોકમાનસમાં હીરો બની જાય તો શું, એવી ચિંતાના માર્યા એમને બિરદાવવાની – 'ઓન' કરવાની વૃત્તિએ ડોકું કાઢ્યું હતું એવો જ કંઈક હાલ આ પણ છે. દરમ્યાન ચૂંટણી પંચે, કેમકે હજુ અદાલતી કારવાઈ અને સજાની પ્રક્રિયા પાર પડી નથી, વરુણ ગાંધીને પોતે ચૂંટણીમાં પડતાં રોકી શકે એમ નથી તે સંજોગોમાં ભાજપને સૂચવ્યું છે કે એક જવાબદાર પક્ષ તરીકે તેણે પોતે જ વરુણને ઉમેદવાર તરીકે ખસેડી લઈને મલાજો પાળી જાણવો જોઈએ. પણ સંઘ પરિવારે એના રામાવતારમાં જે બધી સંજયબજરંગ સંકર વેજાને છૂટી મૂકી છે એ જોતાં એને સારુ આવો મલાજો એ કોઈ મોંકાણથી કમ નથી હોવાનો. આવા વસમા દિવસોમાં ભલે ચાલચલાઉ પણ 'પોતાનું માણસ' નાગપુરમાં અગ્રપદે હોય એથી અડવાણી અલ્પ પણ આસાએશ ન અનુભવે તો જ નવાઈ.
નવા સરસંઘચાલક તરીકે મોહન ભાગવતે સંઘ સ્વયંસેવકોને ભાજપ માટે કામ કરવાનો સીધો આદેશ ન આપ્યો હોય તોપણ પ્રતિનિધિ સભા સમક્ષના સંબોધનમાં લોકોને 'હિંદુ હિતોની દૃષ્ટિએ' મતદાન માતે પ્રેરવાનો તેમજ 'સો એ સો ટકા મતદાન' કરાવવાનો સાગ્રહ અનુરોધ કર્યો છે. અમરનાથ, કંધમાલ, માલેગાંવ અને મુંબઈના ઘટનાક્રમની યાદ આપીને એમણે હિંદુ હિત અને હિંદુ સુરક્ષાના જખમને દૂઝતો રાખવાની કાળજી પણ આ સંદર્ભમાં લીધેલી છે. રાજ્યે રાજ્યે સંઘ પરિવારની વિવિધ સંસ્થાઓ વચ્ચે પૂર્વવત્ સંધાન અને સુવાણ નથી એ સાચું ; પણ ભાજપ ભણી મતોનું નાળચું વાળવા સારુ જે ક્વાયત છેલ્લા દિવસોમાં શરૂ થઈ ચૂકી છે એને મોહન ભાગવતના પદગ્રહણ સાથે વેગ મળશે એવો અંદાજ અસ્થાને નથી.
અલબત્ત, એમનો હાલ સુધીનો રવૈયો જોતાં, ભાગવતનો ભાજપ સાથેનો વ્યવહાર અને અભિગમ સુદર્શન પ્રકારના બૉસિઝમ કદાચ નહીં રહે. ૨૦૦ની સાલથી સરસંઘચાલકપદે રહેલા સુદર્શન, એમના પુરોગામી રજ્જુભૈયા (પ્રો. રાજેન્દ્રસિંહ)થી વિપરીત રાજકારણની નજાકત બાબતે અજાણ અને અસ્પૃષ્ટ જેવા પેશ આવતા હતા. વાજપેયી પ્રધાનમંડળના નાણાં પ્રધાન તરીકે જસવંતસિંહને નહીં લેવાનો, છેલ્લી ઘડીએ પડતા મૂકવાનો 'આદેશ' સુદર્શનના આ વલણનો પ્રથમ સંકેત હતો; એની પરાકાષ્ઠા વચગાળામાં જેમ વડાપ્રધાનના દફતરમાં પ્રવર્તતી 'બંધારણબાહ્ય સત્તા' ઉપરના જાહેર પ્રહારરૂપે તેમ છેવટે શેખર ગુપ્તા સાથે 'વૉક ધ ટૉક' કાર્યક્રમમાં સીધા નાને પડદેથી ઉંમરલાયક નેતાઓને (વાજપેયી – અડવાણીને) નિવૃત્ત થવાની 'સલાહ'રૂપે જોવા મળી હતી. વાજપેયી એમની વ્યાપક સ્વીકૃતિ અને લોકચાહના તેમજ અનુભવને ધોરણે ટકી ગયા એ જુદી વાત છે, પણ વગર સત્તાના સંજોગોમાં સુદર્શને અડવાણીને એક તબક્કે તો અર્ધનિવૃત્તિની અવદશામાં મૂકી જ દીધા હતા. સુદર્શનનું મનોરાજ્ય – કદાચ, મનોમાલિન્ય – દરેક હિંદુ દંપતીએ એકબે નહીં પણ ત્રણચાર બાળકો પેદા કરી મુસ્લિમોની વધતી વસ્તી (જે બહુ ઝડપથી હિંદુઓને લઘુમતીમાં મૂકી દેશે, તેની) સામે હિંદુ બહુમતી અને તાકાત અકબંધ રાખવાની જાહેર સલાહના સતત ઉચ્ચારણ વાટે પ્રગટ થતું હોય એવોયે એક ગાળો દેશે જોયો સાંભળ્યો છે.
અલબત્ત, ૭૮-૭૯ના સુદર્શન નિવૃત્તિ જાહેર કરતા હોય અને ૫૮-૫૯ના ભાગવત હવાલો સંભાળતા હોય ત્યારે ૮૧ વરસના અડવાણીનું ભાજપમાં કેન્દ્રીય સત્તાસ્થાને હોવું એક વિરોધપૂર્ણ સહોપસ્થિતિ જરૂર રચે છે. જોકે, તેમ છતાં અડવાણીને નભાવી લેવાનું ને ટેકો કરવાનું ભાગવતનું લૉજિક 'વિકલ્પના અભાવ'ને આભારી છે. પણ અત્યારે બધાં જ ચિહ્ન છે તેમ ૨૦૦૯ના મે મહિનાના ઉત્તરાર્ધમાં જે પણ સરકાર રચાશે તેની અવધ અને ભાવિ તેમજ તરાહ અને તાસીર ૧૯૯૬ અને ૧૯૯૭ની દેવે ગૌડા ને ગુજરાલ સરકારો જેવી હશે. એનડીએ તૂટી રહ્યું છે તો યુપીએ પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સાથી પક્ષોની સામસામી ઉમેદવાર સાથે તૂટનમાંથી પસાર થઈ રહ્યું છે. એમાંના કોઈ વૈકલ્પિક (ત્રીજા) મોરચા સાથે પણ ચૂંટણી પછી હોઈ શકે છે. મતલબ, બેત્રણ વરસમાં જ નવી ચૂંટણી આવશે અને ત્યારે ભાજપનું નેતૃત્વ અડવાણી પાસે રહેવા સંભવ નથી. દેખીતી રીતે જ, ધોરણસરનાં નિશાન સાથેની તીરંદાજી (કૉલિંગ શૉટ્સ) ત્યારે ભાગવત હસ્તક હશે.
સંઘ પરિવારનો ખુદનો તેમ તેના પરત્વે બીજાઓનો અનુભવ જોતાં હવેનાં વરસોમાં 'કૉલિંગ શૉટ્સ' કપરી કસોટી માગી લેશે. સંઘનો ભાર અનુશાસન પર રહ્યો છે, પણ એક છેડે રાજકીય પક્ષ (ભાજપ) તો બીજે છેડે બજરંગ દળ પ્રકારનાં સ્વૈરાચારી, સ્વેચ્છાચારી સંગઠનો, આ બેઉને એક સાથે રાખવાનું ઉત્તરોત્તર વધુ અઘરું થતું જવાનું છે. કોઈ સ્વતંત્ર પક્ષને તમે ચાંપ દાબો અને ઉઘાડવાસ થાય એવી સંગઠનીય ઢબે બાંધી કે ચલાવી ન શકો. બીજી બાજુ, બજરંગ દળ જેવાં લુમ્પન તત્ત્વોએ સરજેલી પરિસ્થિતિમાં સરજાતા દબાણથી આ પક્ષને સત્તાલગોલગ લઈ જવાની હદે સૂંડલા મોંઢે મત તો મળે છે પણ એમાં લોકશાહીની રીતે કોઈ વિવેક જળવાતો નથી. રાજકીય સત્તા ચાખી ગયેલ સંઘ માટે આ બંને વચ્ચે સંશુદ્ધ સંતુલન બનાવવાનું અશક્યવત્ છે.
હમણાં પૂરતું 'એડ્વાન્ટેજ અડવાણી' પણ અંતે તો, પેલી કહેવતમાંના ….. આગળ ભાગવત જેવો ઘાટ, બીજું શું.
 ![]()

