Opinion Magazine
Number of visits: 9448619
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી સાહિત્ય સફરની એક ઝાંખી

જનકભાઈ બી. શાહ|Opinion - Opinion|28 January 2022

મારી સમગ્ર શિક્ષણ યાત્રામાં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો ક્યાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુક્યા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્રદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે  અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હૃદયસ્પર્શી કથાઓનું ગુજરાતીમાં ભાષાંતર થઇ ગયું. તેમાં 'બુદ્ધિપ્રકાશ', 'વિશ્વમાનવ', 'સમર્પણ', 'નવનીત સમર્પણ', 'નવચેતન', 'કોડિયું', 'સ્ત્રીજીવન', 'ગુજરાત સમાચાર', 'ગુજરાત મિત્ર', 'જનક્લ્યાણ', અને 'ધર્મસંદેશ' જેવાં સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૂપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો.

આમ વિશ્વના સાહિત્યકારોની વાર્તાઓના ખજાનામાં ડોકિયું થઇ ગયું. તેના પરિપાક સ્વરૂપે ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી 'ડોકિયું' વાર્તા સંગ્રહ મેં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓના અનુવાદ કાર્ય માટે મારા ગુરુજનોએ કોલેજકાળથી મને પ્રોત્સાહિત કર્યો છે. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતાં કરતાં વર્ષો સુધી અમને અંગ્રેજી સાહિત્યનું રસપાન કરાવ્યું હતું અને સમગ્ર ગુજરાત જેમની સ્ત્રી-કલ્યાણ પ્રવૃત્તિઓથી વાકેફ છે, તેવાં આદરણીય સાહિત્યવિદ્ સ્વ. ડો. ઇલાબહેન પાઠકે તેમના વિદ્યાર્થી એવા આ નાનકડા શિક્ષકને બિરદાવી, 'ડોકિયું' માટે પ્રવેશક લખી આપ્યું તેને હું મારા અહોભાગ્ય સમજું છું. સોનામાં સુગંધ ભળે તેમ મારા સદ્ભાગ્યે, જેમને તેમની ગુજરાતી નવલકથા 'અખેપાતર' માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ નવાજેલ છે, તેવાં આદરણીય સાહિત્યકાર ડો. બિન્દુબહેન ભટ્ટ દ્વારા મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'નું વિમોચન થયું હતું. ત્યાર પછી નવસર્જન દ્વારા તેની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઇ હતી.

મારા વાર્તાસંગ્રહ 'ડોકિયું'માં ચીની વિકલાંગ બાળક ચેંગ ફુંગ-સીની આત્મકથાનો સમાવેશ કર્યો છે. અહીંયા તેની વાત કદાચ અસ્થાને નહિ લેખાય. ૧૯૭૯માં Reader's Digestમાં પ્રકાશિત થયેલ આ આત્મકથાનેા અનુવાદ કરતી વખતે વિકલાંગ એવા ચેંગ ફુંગ-સીના જીવનના અનેક ઉત્કૃષ્ટ પ્રયાસો જોઇને મારી વિકલાંગતાની લધુતાગ્રંથિ કયાં ય ઓગળી ગઇ હતી અને આજે હું જે કાંઇ બની શક્યો છું, તેનો યશ આ ‘A Leaky Boat in a Stormy Sea’ના અનુવાદનને આભારી છે. આ મૂળ પુસ્તકની ખૂબ તપાસ કરી પણ હજી સુધી મળ્યું નથી. આ પુસ્તકનો અનુવાદ કરવાની તીવ્ર ઝંખના છે.

મુ. ઇલાબહેનના શબ્દોમાં 'ડોકિયું' વિષે જણાવું તો "માનવીય જીવનનાં અનેક પાસાંઓ આ નવલિકાઓમાં રજૂ થયાં છે. આ કૃતિઓમાં વિવિધ પ્રસંગાલેખનોમાંથી નીતરતી ઊર્મિઓનાં, તેમાંથી ઊઠતી ઉદાત્ત ભાવનાઓના, બોલકી બનતી કે સુચવાતી જીવનમૂલ્યોની રજૂઆતના વમળોમાં વાચક પોતાનાં મનોગતોને અને વિચારણાઓને સુસ્પષ્ટ રીતે સમજતો અને માણતો થાય તેવી રસલહાણ અહીં પ્રસ્તુત થઈ છે. આ કલાકૃતિઓમાં રજૂ થયેલી, કલ્પનાના રંગે રંગાયેલી માનવીય પરિસ્થિતિની વાસ્તવિકતા વાચકને વિશ્વના કલાકારોએ પ્રમાણેલાં મૂલ્યોનો ખ્યાલ આપીને પોતાની દુનિયાને નવાં કુતૂહલભર્યા ચિત્તથી જોતો કરી મૂકશે."

સ્વ. ઇલાબહેનના શબ્દોમાં દોસ્તોએવસ્કીની 'ભૂરી' વાર્તાની ભૂરીની વાત કહું તો – તેના પાત્રોના મનોવ્યાપારમાં જ અનુવાદકને રસ હોય તેની પ્રતીતિ કરાવે તેવી વાર્તાઓમાં દોસ્તોયેવસ્કીની 'ભૂરી' ધ્યાન ખેંચે છે. અનૌરસ બાળક તરીકે અન્યની અવહેલના પામતો ઉછરેલો અલિયો પાલક માતાપિતાની પુત્રી અનીશાને પોતાનું સર્વસ્વ સમજે છે. કમનસીબે અલિયાને શીતળા નીકળે છે, તે એક આંખ ગુમાવે છે અને ચાઠાંથી તેનો ચહેરો વરવો બને છે. પોતાનું વરવાપણું તો તે સ્વીકારી શકે છે પણ અનીશાને ખુશ કરવાના પ્રયત્નો છોડી શકતો નથી. અનીશાને ગમી ગયેલી બકરી, ભૂરી, તેને ભેટ આપવા તે લઈ આવે છે. અલિયો પોતાના પ્રેમને જાહેર નથી કરતો કેમ કે તેણે પોતાના વરવાપણાને લીધે લાધેલું એકાકીપણું સ્વીકારી લીધું છે. અનીશાને ભૂરીની પરવા નથી, અલિયાને છે. અનીશા લગ્ન કરીને જાય છે ત્યારે ભૂરીને તેની પાસે છોડતી જાય છે. ભૂરીના પ્રેમમાં અલિયો ખુશ છે પણ તે ખુશી પર અનીશા આઘાત કરે છે. તે ભૂરીને માગવા આવે છે. અલિયા માટે ભૂરી અનીશાની સ્મૃતિરૂપે હતી, તે જાય તો તેનું સર્વસ્વ ઝૂંટવાઈ જાય તેવી તેની લાગણી છે. તે અનીશાને ભૂરી શા માટે લઈ જવી છે તેમ પૂછે છે ત્યારે અનીશાનો ખંધાઈભર્યો પ્રત્યુત્તર કે તેના પતિ માટે માગી છે તે અલિયાને ઊંડો આઘાત પહોંચાડે છે. પોતાના હાથમાં હતી તે કુહાડી અલિયો અનીશાના માથા પર ઝીંકી દે છે. ડૂસકાં ભરતાં આ વાત કહેતાં અલિયો ભૂરીનું શું થયું હશે તે વિશે ચિંતા વ્યક્ત કરતો રહે છે. દેખાવે કુરૂપ થયેલા અલિયાનું પ્રેમભર્યું હૃદય અનેક અવહેલનાઓ સહી ચૂક્યું હતું. છેલ્લો આઘાત તેનાથી સહન ન થયો અને તે પ્રત્યાઘાત કરી બેઠો તેવી તેની મનોવેદના સુસ્પષ્ટ રીતે ભાવકના ચિત્ત પર અંકિત થાય છે. 'ભૂરી'નું મુખ્ય પાત્ર પોતે જ પોતાની વીતક કથા કહે છે. 'ભૂરી'માં લેખકે જેલના અન્ય સાથીને એક સાંભળનાર તરીકે કલ્પ્યો છે.

દોસ્તોએવસ્કીની વાત કરું તો ……

સ્નાતક અને અનુસ્નાત કક્ષાએ મારે વિશ્વના અનેક સાહિત્યકારોની કૃતિઓનો અભ્યાસ કરવાનું આવ્યું, ત્યારે દોસ્તોવ્સ્કીની નવલકથા Crime and Punishmentનો અભ્યાસ કરવાનું બન્યું હતું, તેથી તેના પ્રત્યે વધારે લગાવ હતો. અનુકૂળ સમયે તેનો અનુવાદ કરતો રહ્યો પણ મોટા ભાગની કથા અનુવાદિત કરી પછી ખબર પડી  કે કોઇએ તેનો અનુવાદ કરેલો છે, અને તે કામ અધુરું રહ્યું. છેવટે ભવિષ્યમાં  Crime and Punishment ઉપર પીએચ.ડી. કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી. ગાઇડે ફક્ત એક જ નવલકથાને બદલે તેના સમગ્ર સાહિત્યને પસંદ કરવાની સલાહ આપતા છેવટે નિવૃત્તિના ચારેક વર્ષ પહેલાં તે કાર્ય આરંભ્યું અને હું ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી લઇ શક્યો. મારી થિસીસનો વિષય હતો. An Analytical Study of the Concept of 'Sin 'and 'Crime' in Dostoyevsky's Major Works. આમ દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યનો અભ્યાસ કરી એપ્રિલ-ર૦૦૪માં થિસીસ સબમીટ કરીને ભાવનગર યુનિવર્સિટીમાંથી ડૉકટર ઓફ ફિલોસોફીની પદવી મેળવવા હું સદ્દભાગી બન્યો. આ અનુસંધાને દોસ્તોએવ્સ્કીની કથાને ન્યાય આપવા જ્યારે તક મળી ત્યારે તે લીધી. 'ભૂરી'નું રૂપાંતરિત અવતરણ તે સમયના અનુસંધાને છે.

દોસ્તોએવ્સ્કીની ૧૩ વર્ષની ઉંમરે તેની માતા મૃત્યુ પામી હતી. ૧૮ વર્ષની ઉંમરે પિતા ચાલ્યા ગયા હતા. બચપણમાં પોતે એક આંખ પણ ગુમાવી હતી. પરિવાર ન હોવાથી તેમના માટે કોઇ પ્રેરણાસ્રોત ન હતું. જિંદગી આખી દુ:ખમાં જ વિતાવી હતી.

દોસ્તોવ્સ્કીની ૧૮૪૯માં ભૂગર્ભ સલૂનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો સહિત તે ફ્રેન્ચ યુટોપિયન સમાજવાદની ચર્ચા કરતા હતા અને પ્રતિબંધિત કૃતિઓ વાંચતા હતા. આ ગુના બદલ મિત્રો સાથે ક્રાંતિકારી તરીકે ઓળખાતા, તેમને પ્રથમ મોતની સજા કરવામાં આવી હતી અને છેલ્લી ઘડીએ તેની મોતની સજા માફ કરી ચાર વર્ષની સાઇબિરયાની સખત કેદની સજા કરવામાં આવી હતી. આ કારણે ત્યાં તેનામાં માનવ વર્તન માટેની વૈજ્ઞાનિક સમજણનો આંધળો વિશ્વાસ પાંગર્યો હતો. તે માનતા હતા કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે. તે માનતા હતા કે ગરીબી નાબૂદ થાય તો ગુનાઓનું અસ્તિત્વ અટકી જાય.

દોસ્તોવ્સ્કીએ ખૂનીઓની સાથે ચાર વર્ષ વિતાવ્યા હતા. તેમની સાથે ટેબલ અને શૌચાલયો શેર કર્યા હતા. તેમની સાથે ઇંટો ખેંચી હતી. એક જ વાસણમાંથી પાણી પીધું હતું પણ માનવ સ્વભાવમાં થતા ફેરફારોને તેણે નજરે નિહાળ્યા હતા, ભલે તે ગુનાના સરળ દૃષ્ટિકોણ પ્રત્યે વફાદાર રહી શક્યા ન હતા. આ સમય દરમ્યાન તેમને ખ્યાલ આવ્યો હતો કે માનવ મનનો તાગ મેળવવો મુશ્કેલ છે. તેઓની વિચારસરણી બિન તાર્કીક હોવાના લીધી ઘણીવાર પોતાનું અહિત થાય તેવાં કાર્ય કરે છે. આ બરાબર નથી પણ સ્વતંત્ર  મનનું તે એક લક્ષણ પણ છે.

દોસ્તોએવ્સ્કી પાપી પણ છે અને સંત પણ છે. તે એક એવો રાજકીય ગુનેગાર હતો જેને હંમેશાં પોતાના કાર્ય માટે પસ્તાવો થતો. આ વાત તેણે તેને પાત્રો દ્વારા પ્રતિબિંબિત કરી છે. તે તેના પાત્રો દ્વારા બતાવવા ઇચ્છતો કે આપણી સૌથી ખરાબ વૃત્તિ જે ડર છે તેના તરફ ઉત્સાહથી નહીં પણ ડરથી માનવી પ્રેરિત થાય. દોસ્તોએવ્સ્કીએ પોતાના સાહિત્યમાં હંમેશાં Dark aspects of Human Natureને ઉજાગર કર્યા છે.

ગાંડપણ, ખૂન અને આત્મહત્યા અને અપમાન, આત્મવિનાશ, જુલમી વર્ચસ્વ અને ખૂની ક્રોધાવેશની લાગણીઓના અન્વેષણમાં મનની પેથોલોજીકલ સ્થિતિઓના વિશ્લેષણમાં દોસ્તોએવ્સ્કીએ મહાન મનોવિજ્ઞાની તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યિક આધુનિકતાવાદ, અને મનોવિજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને સાહિત્યિક વિવેચનની વિવિધ શાખાઓ તેમના વિચારોથી મોટા ભાગે પ્રભાવિત છે.

હું માનું છું કે Literature is the reflection of life. આ પરિપ્રેક્ષ્યમાં દોસ્તોએવ્સ્કીના સમગ્ર સાહિત્યને તેમ જ 'ડોકિયુ'માં સમાવેલી તેમની 'ભૂરી'ની કથાને જોવી જોઇએ. કથાનું મુખ્ય પાત્ર અલિયો છે. તે જ્યાં તેની કથા કહે છે તે વાતાવરણ જેલનું છે. આ પ્રકારનું વર્ણન વાંચતા એમ લાગે જ કે લખનારને જેલનો અનુભવ હોવો જોઇએ અથવા તો તેવા વાતાવરણને તેણે નજીકથી અનુભવ્યું હોવું જોઇએ. કથાના વિષયવસ્તુમાં જે રીતે અલિયાના મનને પ્રતિબિંબિત કર્યું છે તે માનવમનની વિવિધ લાગણીઓ અને તેની સામેના થતા પ્રત્યાઘાતને જાણે કે વાસ્તવિક ઓપ આપ્યો હોય, તેવું નથી લાગતું ? અલિયો ખૂબ જ લાગણીશીલ માનવી છે. પ્રેમ તેની હાડોહાડમાં વ્યાપેલો છે. પણ તેને પ્રેમની સામે હંમેશાં અવહેલના મળે છે, તે અમુક હદ સુધી સહન કરી લે છે પણ તે અવહેલના પરાકષ્ટાએ પહોંચે છે અને તેના ભૂરી પ્રત્યેના અસીમ પ્રેમ સામે કુઠરાઘાત થાય છે ત્યારે તેની હિંસક વૃત્તિ કાબૂમાં નથી રહેતી અને તે અનિશાનું ખૂન કરે છે. માનવીના જીવનમાં આવી ઘટના બને છે ત્યારે આપણે માનવીને હિંસક વૃત્તિનો હોવાનો મૂલવીએ છીએ. હિંસા માટેના હદ વટાવેલા કારણને બાદ કરીએ તો આપણે અલિયાના ખૂન કરવા માટેની ઘટના ઘટી તે પહેલાનાં જીવનમાં તેની અવહેલના તેણે ખમી ખાધી છે. ક્યારે ય તે હિંસક નથી બન્યો. માનવીના વર્તનને મનોવૈજ્ઞાનિક રીતે અલિયાના પાત્રનું અને કથાનું સર્જન કરી સાબિત કર્યું છે કે માનવીય વર્તન હંમેશાં તર્કસંગત જ હોય છે.

આ કથાનો અનુવાદ ૪૨ વર્ષ પહેલાં કરેલો હોવાથી મૂળ વાર્તા મળતી નથી. વાર્તા ગુજરાતીમાં રૂપાંતરિત કરી હોવાથી તે વાર્તા ક્યાંથી મેં લીધી હશે તે પણ યાદ નથી. પાત્રોના નામ ગુજરાતી કર્યા કારણ કે રશિયન નામો વાંચીને કથાનું હાર્દ મેળવવા કરતાં ગુજરાતી નામો ભૂરી, અલિયો, અનિશા રાખ્યા હશે. પ્રયત્ન કરું છું મૂળ કથા મેળવવાનો. આપ વાચકોને એક વિનંતી છે કે કોઇને અંગ્રેજીમાં આ વાર્તા અને તેનું ટાઇટલ મળે તો મેળવી મને મોકલી આપશો, તો હું આપનો ઋણી રહીશ. આપ મારા બ્લોગની મુલાકાત લેશો તો મારી સમગ્ર સાહિત્ય કૃતિઓનો આસ્વાદ માણી  શકશો.

બ્લોગ છે : https://www.parodh.com –

©©©©©©©©©©©©©©

e.mail : janakbhai_1949@yahoo.com

Loading

28 January 2022 admin
← સ્નૉ વ્હાઈટ, સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા – કોણે લખી હતી આ વાર્તાઓ ?
શૂન્ય અને અનંતને ગણિતનાં સૂત્રોથી જોડનાર શ્રીનિવાસ રામાનુજન્‌ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved