Opinion Magazine
Number of visits: 9446681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘોલેરા મીઠા સત્યાગ્રહ [1930]

જયાબહેન શાહ|Gandhiana|24 January 2022

ધોલેરા-વિરમગામ આમ તો કાઠિયાવાડની સરહદે આવેલાં અમદાવાદ જિલ્લાનાં ગામો છે. ધોલેરા અને વિરમગામના સંગ્રામો ચલાવવામાં કાઠિયાવાડના સૈનિકો મોખરે હતા. તેમના ઉપર સંગ્રામની જવાબદારી મૂકવામાં આવી હતી. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો સૈનિકોમાં કાઠિયાવાડી નવજુવાનોની સંખ્યા મોટી હતી. વળી તેમણે બહાદુરીપૂર્વક લડીને સંગ્રામોને સફળ બનાવ્યા હતા.

આ બંને સંગ્રામોની કસોટીઓમાંથી પાર ઊતરેલા નવજુવાનોએ કાઠિયાવાડના પ્રજાજીવનને માર્ગદર્શન પૂરું પાડ્યું. કાઠિયાવાડની નાનીમોટી લડતોમાં મોખરે રહ્યા, તેમ જ વર્ષો સુધી કાઠિયાવાડના પ્રજાજીવનને પ્રેરણા આપતા રહ્યા.

પૂર્વાર્ધ :

1929ના ડિસેમ્બરમાં લાહોરમાં કાઁગ્રેસનું અધિવેશન મળ્યું હતું ત્યારે ડિસેમ્બરની 31મીની મધરાતે, રાવી નદીને તટે કાઁગ્રેસ મહાસભાના પ્રમુખ પંડિત જવાહરલાલજીએ સ્વતંત્રતાનો ત્રિરંગી ધ્વજ ફરકાવીને મુકમ્મિલ આઝાદી − ‘પૂર્ણ સ્વરાજ’નો નાદ ગુંજતો કર્યો હતો અને મહાસભાએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો.

ઉપરોક્ત ઠરાવ અનુસાર ગાંધીજીએ 1930ના માર્ચની 12મી તારીખે જગપ્રસિદ્ધ દાંડીકૂચ આદરીને પૂર્ણ સ્વરાજની લડતનો આરંભ કર્યો. તેની આગલી રાતે સાબરમતીની રેતીમાં એકત્ર થયેલ વિરાટ માનવમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું કે, ‘આ રાજ્ય શેતાની છે અને તેનો હું ક્ષણે ક્ષણે નાશ ઇચ્છું છું.’ આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે, ‘હવે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના સાબરમતી આશ્રમમાં પાછો નહીં ફરું.’ ગાંધીજીએ ચુનંદા એવા 80 સાથીઓ સાથે દાંડીકૂચનો આરંભ કર્યો, પરિણામે આખો દેશ ખળભળી ઊઠ્યો.

“સૌરાષ્ટૃ” પત્રના સંચાલક અને ‘સૌરાષ્ટૃના સિંહ’ અમૃતલાલ શેઠે ધોલેરામાં મીઠાનો સત્યાગ્રહ કરવાનું વિચાર્યું હતું. તેમાં ગાંધીજીની સંમતિ પણ મળી ચૂકી હતી.  તેના અનુસંધાને ઝવેરચંદ મેઘાણી લડતની પૂર્વ તૈયારી માટે નીકળ્યા હતા. ત્યાંથી પાછા ફરતાં બરવાળાની નદીમાં ખાદીધારી બે તેજસ્વી યુવાનોને ચર્ચા કરતા જોયા. પોતાની ગાડી થંભાવી તેમની પૂછપરછ કરી. નવજુવાનોએ જણાવ્યું કે અમે ગાંધીજીની લડતમાં જોડાવા માટે કરાંચીથી આવ્યા છીએ અને કાકાસાહેબ કાલેલકરના માર્ગદર્શન નીચે લડતમાં ઝુકાવવાના છીએ. તેમને એ નવજુવાનોને સમજાવ્યા કે તમારા જેવા સપૂતોની અહીં વધુ જરૂર છે. એમ કહીને બંને નવજુવાનોને પોતાની ગાડીમાં બેસાડી ધીધા. આ બે નવજુવાનો હતા : મોહનભાઈ મહેતા અને બીજા હતા વજુભાઈ શાહ.

સંગ્રામ માટે સૈનિકો કેમ મેળવવા તેની ચિંતામાં અમૃતલાલ શેઠ હતા. આ બંને જુવાનોએ કામ ઉપાડી લીધું. વજુભાઈએ અમરેલીમાં અભ્યાસ કરેલો, તેથી ત્યાં એમના ઘણા સંબંધો હતા. તેઓ અમરેલી પહોંચ્યા. નવ-જુવાનો કોઈના સાદની રાહ જોતા બેઠા હતા. ઝવેરચંદ મેઘાણી પણ અમરેલી ગયા અને આમ, નવજુવાનોની એક મોટી ફોજ તૈયાર થઈ. સંખ્યાબંધ નામો લખાયાં, આથી અમૃતલાલ શેઠનો ઉત્સાહ વધ્યો. આ પછી તો ગામેગામ રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. મેઘાણીભાઈ, મોહનભાઈ મહેતા, વજુભાઈ શાહે ગામેગામ ફરીને પોતાની જોશીલી જબાનથી સંગ્રામનાં ગીતો ગાઈને લોકોમાં શૂરાતન પેદા કરતા રહ્યા. પરિણામે મોટી સંખ્યામાં નવજુવાનો સંગ્રામમાં જોડાવા લાગ્યા. અમેરેલી-રાજકોટ જેવાં શહેરોમાં મેટિૃકની પરીક્ષા ચાલી રહી હતી. તેમાંના કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાઓ છોડીને સંગ્રામમાં ભરતી થઈ ગયા.

1930ની ઍપ્રિલની છઠ્ઠી તારીખે ધોલેરાની ધરતી ઉપર રણસંગ્રામ મંડાયો. હજારો લોકો આ વિરલ દૃશ્ય જોવા આવી પહોંચ્યા. લોકોએ સૈનિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું. ઍપ્રિલની છઠ્ઠી તારીખના શુભ પ્રભાતે અમૃતલાલ શેઠે પોતાના હાથમાં રાષ્ટૃીય ધ્વજ ધારણ કરીને ટુકડી સાથે આગેકૂચ કરી. લોકોએ વિદાય આપી. ટુકડી દરિયાની ખાડી પાસે પહોંચી. શેઠે પોતાની મુઠ્ઠીમાં મીઠું ઉપાડ્યું. એવામાં પોલીસ હાજર થઈ ગઈ અને શેઠની ધરપકડ કરવામાં આવી. તેમની ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને તેમને અઢી વર્ષની સજા થઈ.

ત્યાર બાદ, બીજી, ત્રીજી એમ ઘણી ટુકડીઓએ સવિનય કાનૂનભંગ કર્યો. આ ટુકડીઓના અનુક્રમે સરદારો હતાં : બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ ‘સુશીલ’, જગજીવનદાસ નારાયણ મહેતા, દેવીબહેન પટ્ટણી, ડૉ. રતિલાલભાઈ, ગંગાબહેન ઝવેરી, વગેરે. આગેવાનોની ધરપકડ કરીને કેસ ચલાવીને સજા કરવામાં આવતી હતી.

‘મીઠું માથા સાટે સાચવવાની વસ્તુ છે ને શરીરમાં ચેતનનું છેલ્લું બિંદુ હોય ત્યાં સુધી તેને સાચવવું,’ એવી ગાંધીજીની શીખ હતી.

ધોલેરાના સૈનિકોએ ગાંધીજીની આ શીખનું વફાદારીપૂર્વક પાલન કરી બતાવ્યું. મીઠું છોડાવવા માટે પોલીસોએ સૈનિકોના હાથ ઉપર લાઠીના કૂંદા માર્યા, હાથ મચકોડ્યા, નહોર ભર્યા, છતાં સૈનિકો સામી છાતીએ મારા ખાવા તૈયાર રહ્યા.

ગાંધીજીને પોલીસોનાં આવાં હિચકારાં કૃત્યોની ખબર પહોંચી ત્યારે તેઓ ઊકળી ઊઠ્યા. તેમણે બ્રિટિશ સરકારને ચેતવણી આપી કે, ‘સરકાર કાયદેસર નહીં વર્તે તો સત્યાગ્રહીઓને આકરાં પગલાં લેવાની ફરજ પડશે.’ પણ સરકારે વિવેક ગુમાવ્યો હતો, ધરાસણા તથા વિરમગામ સંગ્રામમાં સિતમની ઝડીઓ વરસાવી રહી હતી.

ધોલેરા સંગ્રામની મુખ્ય ચાર છાવણીઓ હતી : ધોલેરા, બરવાળા, રાણપુર અને ધંધુકા. લડત આગળ ચાલતાં તેની પેટાછાવણીઓ પણ ઊભી કરવામાં આવી હતી. લડતને લોકોનો હૃદયપૂર્વકનો પૂરો સાથસહકાર હતો. બહેનો રસોઈ કરીને છાવણીમાં આવીને સૈનિકોને હેતથી જમાડી જતી. પણ કેટલીક વાર સૈનિકોને જમવાનો સમય પણ નહોતો રહેતો. પોલીસો સાથેની ખેંચાખેંચી, મીઠાના કોથળાઓ સારવા − આ બધા વખતે બબ્બે દિવસ સુધી સૈનિકો ભૂખ્યા રહીને કામ ચાલુ રાખતા. ઉપરાંત મીઠું ન છોડવા માટે માર પણ ખાતા અને દાળિયા ફાકીને ચલાવી લેતા.

29 મે 1930ની રાત્રિ અવિસ્મરણીય હતી. કાઠિયાવાડભરમાંથી સૈનિકો મીઠાની થેલી સાથે રાણપુર ઊતરવાના હતા. સરકારે રાણપુર સ્ટેશને ગાડી ન થોભે તેવી રેલવેને સૂચના આપી હતી, તેથી સૈનિકો આગલે સ્ટેશને ઊતરી ગયા. એક હજાર સૈનિકોએ એક હાથમાં રાષ્ટૃધ્વજ અને બીજા હાથમાં મીઠાની થેલી સાથે રાણપુરમાં પ્રવેશ કર્યો.

રાણપુરમાં ભારે જુલમ થશે, તેનો સામનો કરવાની અને બલિદાન આપવાની તૈયારી સાથે સૈનિકોએ કેસરિયાં કરીને ઝુકાવ્યું હતું. પણ કોણ જાણે શું થયું ?પોલીસ હઠી ગઈ. સૈનિકોએ સરઘસ કાઢ્યું. ગામે રોટલી તથા ભાતના ઢગલા કર્યા અને શાકદાળથી માટલાં ભરી દીધાં. રાણપુર ગામ જાણે હેલે ચડ્યું. રાણપુરની નદીના પટમાં રાત્રે જંગી સભા થઈ અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

બીજે દિવસે અમલદારોએ વ્યૂહ બદલ્યો. આગેવાનોને ગિરફતાર કર્યા અને લડતને ટેકો આપનારને માર મારવાનું શરૂ કર્યું. અમૃતલાલ શેઠના મોટાભાઈ વ્રજલાલ શેઠના માથા ઉપર ત્રણ લાઠીઓ ઝીંકાઈ. તેઓ તમ્મર ખાઈને નીચે ઢળી પડ્યા ને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

14મી સપ્ટેમ્બર 1930ના રોજ બરવાળામાં સામૂહિક સવિનય કાનૂનભંગનો કાર્યક્રમ યોજાયો. સૈનિકો ગામડે ગામડે સંદેશો પહોંચાડવા નીકળી પડ્યા. કેટલાકે 50-55 માઈલની ખેપ કરી નાંખી. 13મીએ રાત્રે બરનાળામાં સભા યોજાઈ. માણસ ઊમટી પડ્યું. એક થાળીમાં પાનનાં બીડાં અને બીજી થાળીમાં બંગડીઓ મૂકીને થાળીઓ સભામાં ફેરવવામાં આવી. સભામાં એટલો ઉત્સાહ હતો કે પાનનાં બીડાં ઉઠાવવા માટે હરીફાઈ ચાલી. સૈનિકો વહેલી સવારે મીઠું લેવા ઊપડી ગયા ને પોહ ફાટતાં મીઠાની થોલીઓ સાથે બરનાળા પાછા ફર્યા. ગઢની રાંગ પાસે નદીના પટમાં પોલીસનો બેડો સજ્જ થઈને ઊભો હતો. આબાલાવૃદ્ધ સૌ ગઢની રાંગ ઉપર ચડીને શું થાય છે તે જોવા ઉત્સુક હતાં. પોલીસોએ સૈનિકોને મીઠું છોડી દેવા સમજાવ્યા પણ કોઈ માન્યું નહીં. તેથી ચારે બાજુથી પોલીસ આવી પહોંચી. તેણે સૈનિકોને ઘેરી લીધા ને તેમની પર તૂટી પડ્યા.

કેટલાંયનાં માથાં ફૂટ્યાં, લોહીની નીકો વહેવા લાગી. રાંગ ઉપરથી સ્ત્રીઓ ચિચિયારી કરી રહી હતી. ‘એ રાક્ષસો, જરા તો દયા રાખો.’ લોકોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ત્યાં હાજર એવા એક હરિસિંગ નામના ગરાસદારનું લોહી ઊકળી ઊઠ્યું. તે વચ્ચે કૂદી પડ્યો ને લાકડીની એક ફટકો પોલીસ અધિકારીના પગ ઉપર ઝીંકી દીધો. અધિકારી તમ્મર ખાઈને ઢળી પડ્યો. પોલીસો એ જુવાનિયા પર તૂટી પડ્યા. તેનું માથું ફાડી નાખ્યું. ગ્રામજનો ઉપર પણ લાઠીઓ વીઝાવા લાગી. જે લોકોએ નાસભાગ કરી તેમનો પીછો કરી પકડીને ફટકાર્યા, ત્યાર બાદ સૈનિકોમાંથી આગેવાન જેવી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. મારનો ભોગ બનેલા તો ઘણા હતા, પણ સૈનિકોમાં રતુભાઈ અદાણી, ભગવાનજીભાઈ મહેતા તેમ જ કાંતિભાઈ શાહને ખૂબ માર પડ્યો. ત્યાર બાદ રતુભાઈને છોડી મૂક્યા અને બાકીના ઉપર કેસ ચાલવવામાં આવ્યો. સૌને છ માસની સજા થઈ.

ધોલેરા લડતમાં બરવાળાના મનુભાઈ જોધાણી અગ્ર ભાગ લઈ રહ્યા હતા. સરકારે તેમને પકડવા વોરંટ કાઢ્યું હતું. ઝવેરચંદ મેઘાણી તે અરસામાં “સૌરાષ્ટૃ” પત્ર ચલાવી રહ્યા હતા અને લડતનો રંગ જોવા ધોલેરા વિસ્તારમાં પત્રકાર તરીકે ફરી રહ્યા હતા. પોલીસોએ મેઘાણીને જોધાણી સમજી તેમની ઈરાદાપૂર્વક ધરપકડ કરી. ધંધુકામાં ન્યાયાધીશ ઈસાણીની કોર્ટમાં તેમના ઉપર કેસ ચાલ્યો. સંખ્યાબંધ લોકો કેસ સાંભળવા ધંધુકા ઊમટી પડ્યા. મેઘાણીભાઈને કાંઈ કહેવું હોય તો કે બચાવ કરવો હોય તો બચાવ કરવા કોર્ટે પૂછ્યું.

મેઘાણીભાઈએ કહ્યું : ‘મારે બચાવ તો કશો કરવો નથી, પણ એક નિવેદન કરવું છે.’ અને તેમણે બ્રિટિશ સરકારની અન્યાયભરી રીતરસમો અને જુલમો સામે ધારદાર તહોમતનામું રજૂ કર્યું. કોર્ટમાં ઉપસ્થિત લોકોએ તેમને એક પ્રાર્થના કરવા માગણી કરી. મેઘાણીભાઈની છાતીના બંધ મોકળા થઈ ગયા. તેમણે બુલંદ અવાજે ગીત શરૂ કર્યું :

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું, જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ, તાત! ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભ ઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

હાજર રહેલાં સૌની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. વાતાવરણ લાગણીસભર બની ગયું. ન્યાયાધીશ ઈસાણી મેઘાણીભાઈને એક વર્ષની સજા ફરમાવીને ભીની આંખે પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. વર્તમાનપત્રોએ આ બનાવને વ્યાપક પ્રસિદ્ધિ આપી. (વધુ વિગતો માટે, “ભૂમિપુત્ર”ના 01 જૂન 2021ના અંકમાં, ‘ઝવેરચંદ મેઘાણી પર રાજદ્રોહ’ લેખ જોવો.)

સૈનિકો તેમ જ લોકોને માર મારીને જાણે પોલીસ કાંઈક થાકી હશે. અમલદારોએ વ્યૂહ બદલ્યો. તેમણે છાવણીઓ ગેરકાયદેસર જાહેર કરી અને સૈનિકોને મદદ કરનારને અપરાધી ઠરાવવામાં આવ્યા. પણ સરકારની આ બાજી નિષ્ફળ નીવડી.

સૈનિકોએ નદીના પટમાં મુકામ કર્યો. સ્મશાનને ‘સત્યાગ્રહ છાવણી’ બનાવી. રાણપુરની સ્મશાન છાપરીને ‘સત્યાગ્રહ છાવણી’ નામ અપાયું. ઘર-ઘરથી ‘આઝાદ રોટી’ ઉઘરાવવામાં આવતી, ને આમ છાવણીઓ ચાલવા લાગી.

દરમિયાનમાં ગાંધી-ઈરવિન વાટાઘાટો શરૂ થઈ ને તેને પરિણામે 1931ના માર્ચમાં લડત મોકૂફ રાખવામાં આવી. આશરે દોઢ-બે હજાર જેટલા લોકો જુદી-જુદી જેલમાં હતા તેઓ સૌ છૂટ્યા. અફસોસની વાત એટલી કે રતિલાલ વૈદ્ય નામનો એક જુવાન યરવડા જેલના ત્રાસનો ભોગ બન્યો ને વીરગતિ પામ્યો.

આ સંગ્રામમાં કાઠિયાવાડના જુવાનોએ ભારે બહાદુરી બતાવી. તેમણે વ્યવસ્થિત લડત ચલાવીને કાઠિયાવાડની શાન વધારી.

ઉત્તરાર્ધ :

1931માં ગાંધી-ઈરવિન તહકૂબી થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘અત્યારે તો તલવાર મ્યાન કરવાની છે. પણ હાથ તો મૂઠ ઉપર જ રાખવાનો છે.’ તેથી ધોલેરા સંગ્રામના સત્યાગ્રહીઓ સંધિકાળ દરમિયાન ભાલનાં ગામડાઓમાં થાણાં નાખીને લોકજાગૃતિનું તેમ જ રચનાત્મક કામ કરતા હતા.

ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પાછા ફર્યા અને મુંબઈ ઊતર્યા તે જ દિવસે તેમની ધરપકડ કરવામાં આવી. પરિણામે લડત પુન: શરૂ થઈ.

ધોલેરા, રાણપુર, બરવાળાની છાવણીઓ જપ્ત હતી. તેના ઉપર પોલીસ પહેરો ગોઠવાઈ ગયો હતો. રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી, કેશુભાઈ મહેતા, ઈશ્વરભાઈ મો. દવે ધોલેરાથી છાવણીનો કબજો છોડાવવા ગયા. પોલીસોએ બંદૂકના કૂંદાથી રતુભાઈ અદાણીનું માથું ફોડી નાખ્યું તેમ જ અન્ય સાથીદારો પણ ઘવાયા.

બીજી બાજુ કાંતિભાઈ મણિલાલ શાહ, તારાચંદ રવાણી વગેરે સૈનિકોની ટુકડી રાણપુર છાવણીનો કબજો છોડાવવા રાણપુર પહોંચી. સૈનિકોએ ગામમાં પત્રિકા વહેંચી અને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. પોલીસ આવી પહોંચી, તેણે સૈનિકો સાથે ઝપાઝપી કરી ને આખરે જેલ ભેગા કર્યા. તારાચંદભાઇ રવાણી વગેરેને પોલીસથાણામાં ખૂબ હેરાન કરવામાં આવ્યા.

1932માં સરકારે ‘ગેરકાયદે’ ઠરાવેલી કાઁગ્રેસનું અધિવેશન દિલ્હીમાં મળ્યું. તેમાં ભાગ લેવા ધોલેરાના કેટલાક સૈનિકો દિલ્હી પહોંચ્યા. ત્યાં ભારે લાઠીચાર્જ થયો. ધોલેરાના સત્યાગ્રહી ઈશ્વરભાઈ મો. દવે પોલીસ કોર્ડન તોડીને આગળ વધ્યા. પોલીસ તેમના ઉપર તૂટી પડી. લોકો વચ્ચે પડ્યા તો તેમને પણ માર્યા. લોકો ઈશ્વરભાઈને ઉઠાવીને બીજે લઈ ગયા. તેઓ તેમની પાટાપિંડી કરી રહ્યા હતા ત્યાં ફરીને પોલીસ આવી પહોંચી ને તેમને મારવા લાગી. એમ છતાં ઈશ્વરભાઈ જરા પણ ચલાયમાન ન થયા.

1932ના આખા વર્ષ દરમિયાન સવિનય કાનૂનભંગના કાર્યક્રમો ચાલતા રહ્યા અને એક હજાર જેટલા સૈનિકોએ સાબરમતી, વિસાપુર, યરવડા, નાસિક તથા થાણાની જેલો ભરી દીધી.

નાસિક જેલમાં અપમાનજનક નિયમોને કારણે સત્યાગ્રહી કેદીઓ અને જેલના અમલદારો વચ્ચે અથડામણ ઊભી થઈ. કેદીઓની ગણતરી કરતી વખતે કેદીઓએ ઉભડક પગ ઉપર બેસી, ઉપર હાથ રાખી માથું નમાવીને બેસવાની જેલપ્રથા હતી. સત્યાગ્રહીઓએ આ અપમાનજનક પ્રથાનો વિરોધ કર્યો. પરિણામે તેમને જેલની તમામ સજાઓ ફટકારી જોઈ, છતાં કોઈ પણ સત્યાગ્રહીએ નમતું આપ્યું નહીં. અમૃતલાલ નામના એક સત્યાગ્રહીને એટલો માર પડ્યો કે એ બેભાન બની ગયો. મનુભાઈ પંચોળી, રતુભાઈ અદાણી, કાનજીભાઈ ચૌહાણ, કેશુભાઈ મહેતા, મગનલાલ સતીકુમાર વગેરેને મારવામાં આવ્યા. પણ તેઓ અડગ રહ્યા.

તે વખતે સ્વામી આનંદ નાસિક જેલમાં જ હતા. તેમને આ ખબર પડી. તેમણે કાઠિયાવાડી જુવાનોની ટેક તથા બહાદુરીને બિરદાવ્યાં અને વર્તમાનપત્રોએ આવી હેવાનિયત સામે સખત ઝાટકણી કાઢી. અમૃતલાલ બેભાન બની જવાથી આ કિસ્સો જગતબત્રીસીએ ચડ્યો. સરકારને તપાસ સમિતિ નીમવી પડી. પરિણામે જેલના નિયમો વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ અંગ્રેજ જેલઅધિકારી રોસને સસ્પેન્ડ કરીને તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું. જે જેલના તેઓ મુખ્ય અધિકારી હતા, તે જ જેલમાં તેમને કેદી તરીકે રહેવાનો વારો આવ્યો.

હજારો સત્યાગ્રહીઓ જેલમાં હતા, તેથી બહાર લડતનું જોર મંદ પડવા લાગ્યું. તેવામાં કોમી ચુકાદા સામે ગાંધીજીએ યરવડા જેલમાં મરણાંત ઉપવાસ શરૂ કર્યા. દેશના આગેવાનોએ વાટાઘાટો શરૂ કરી. પરિણામે ચુકાદાને ફેરવવામાં આવ્યો, તેથી ગાંધીજીના ઉપવાસ છૂટ્યા. પરંતુ ગાંધીજીએ લડત થંભાવી દીધી. દેશભરના સત્યાગ્રહીઓ જેલમાંથી બહાર આવ્યા. ગાંધીજીએ હરિજન સેવા તેમ જ અસ્પૃશ્યતા નિવારણનો કાર્યક્રમ હાથ ધર્યો. સત્યાગ્રહીઓ છૂટીને મનગમતાં રચનાત્મક કામોમાં ગૂંથાઈ ગયા. આ રીતે ‘પૂર્ણ સ્વરાજ’ની લડતનો બીજો તબક્કો પૂરો થયો.

(‘સૌરાષ્ટૃના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો’માંથી સંકલિત)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2022; પૃ. 12-14

Loading

24 January 2022 admin
← કોરોનાવાઇરસ સિઝન 3: આકરા નિયમો ચાલશે પણ સંપૂર્ણ લૉકડાઉન નહીં પોસાય
લૂઝ કનેક્શન શ્રેણી (20) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved