દીપા મોહનન નામની ૩૬ વર્ષીય દલિત મહિલા કોટ્ટાયમ (કેરાલા) ખાતે ઇન્ટરનૅશનલ ઍન્ડ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર નેનોસાયન્સ ઍન્ડ નેનોટેક્નોલૉજીમાં સંશોધન-છાત્રા હતી. આ સંસ્થામાં નંદકુમાર નામના એક અધ્યાપક સપ્ટેમ્બર ૨૦૧૧થી દીપાને સંશોધનમાં અવારનવાર અને સતત અવરોધો પેદા કરતા હતા. આ અધ્યાપક પાછળથી સંસ્થાના નિયામક તરીકે બઢતી પામ્યા હતા. દીપા મોહનનને સ્ટાઇપેન્ડ, લૅબોરેટરીમાં પ્રયોગ, વિજ્ઞાનસાધનોનો ઉપયોગ કે બેસવાની સુવિધા સુધ્ધાં ન હતી. માત્ર દલિત હોવાના નાતે તે આ જાતિગત ભેદભાવનો ભોગ બની હતી. દીપાની ફરિયાદ પરથી યુનિવર્સિટીએ તેના આક્ષેપોની તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ દીપાના નંદકુમાર સામેના આક્ષેપો સાચા માન્યા છે. સમિતિએ દીપાને સંશોધન માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડવા ભલામણ પણ કરી હતી, આમ છતાં દીપાની સ્થિતિમાં કાંઈ જ ફરક પડ્યો નહીં.
દીપાએ પોલીસ તેમ જ યુનિવર્સિટી સત્તાધીશોને કરેલ ફરિયાદ છતાં તેને થતી હેરાનગતિનો અંત આવ્યો નહીં. પોતાની ફરિયાદનો છ વર્ષ બાદ પણ નિકાલ ન થતાં, તેણે આખરે ૨૯ ઑક્ટોબરના રોજ નંદકુમારની સંસ્થામાંથી હકાલપટ્ટીની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની ભૂખહડતાળ શરૂ કરી. તેનો એવો પણ આરોપ હતો કે તેના સંશોધન-માર્ગદર્શક ડૉ. રાધાક્રિષ્ણન તેમ જ યુનિવર્સિટી કુલપતિ સાબુ થોમસ, નંદકુમારને છાવરી રહ્યા હતા. કુલપતિનો બચાવ એવો હતો કે નંદકુમાર સારા શિક્ષણવિદ્દ હોવાથી તેમને બરતરફ કરી શકાય નહીં. દીપાએ તા. ૩૧ ઑક્ટોબરના રોજ ફેસબુક પર મૂકેલ પત્રમાં જણાવ્યું : ન્યાય માટેની આ લડતમાં હું પીછેહઠ કરીશ નહીં અને મારી આ લડત અત્યાર સુધીમાં જેમણે ગુમાવેલ છે, તેમના માટે છે. પોતાની નબળી તબિયતે પણ તેણે ભૂખહડતાળ ચાલુ રાખી અને ૧૧ દિવસ બાદ નંદકુમારની બરતરફી સાથે દીપા પોતાની ધ્યેયમાં વિજયી થઈ.
દીપાની આ જીત ઘણી મહત્ત્વની છે; કારણ કે બહુ ઓછા લોકો જાતિગત ભેદભાવ સામેની લડતમાં સફળ થયા છે. અગાઉ અનિલ મીના, બાલમુકુંદ ભારતી, સેંથિલ કુમાર, રોહિત વેમુલા, મુથુકિશ્નન અને પાયલ તડવીને જ્યારે ન્યાયની આશાનું કિરણ નજરે ન પડ્યું, ત્યારે તેમણે આત્મહત્યાથી પોતાનો જીવનનો અંત આણ્યો હતો. દીપાની આ સફળ લડત ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કરવા ઇચ્છતા દલિત વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરક છે. આ તમામ બનાવો સૂચવે છે કે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવનો હજુ અંત આવ્યો નથી. ઑગસ્ટ, ૨૦૨૧માં દિલ્હીની લક્ષ્મીબાઈ કૉલેજમાં રણજિત કૌર નામના અધ્યાપકે નીલમ નામની દલિત અધ્યાપક અને સંશોધનછાત્રાને જાહેરમાં લાફો માર્યો હતો. નીલમનો વાંક એટલો જ હતો કે તેણે કોઈ સભાની કાર્યવાહીમાં વાંચ્યા વિના સહી કરવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવ નજરે જોનાર આંશુ જારવર નામના અધ્યાપકે કહ્યું : “૧૩ માણસોની હાજરીમાં બનેલ બનાવથી અમે હેબતાઈ ગયા હતા કે એક અધ્યાપક પોતાના સાથી અધ્યાપકને લાફો કેવી રીતે મારી શકે.” દિલ્હીની દોલતરામ કૉલેજમાં માનસશાસ્ત્રના અધ્યાપક લે. રીતુ સિંહે કૉલેજ-આચાર્ય સવિતા રૉય પોતે દલિત હોવાના નાતે પૂર્વગ્રહ રાખતા હોવાનો આરોપ સપ્ટેમ્બર, ૨૦૨૦માં કર્યો છે. તેનો આરોપ છે કે તે દલિત અધિકાર માટે સક્રિય તેમ જ ભા.જ.પ.ની ટીકાકાર હોવાથી આચાર્યએ તેને બરતરફ કરેલ છે, અમેરિકાની જ્યૉર્જ યુનિવર્સિટીમાં પીએચ.ડી. થયેલ અને આઈ.આઈ.ટી., મદ્રાસના અધ્યાપક વિપિન વીટીલે પોતે દલિત હોવાના નાતે થતી હેરાનગતિના મુદ્દે રાજીનામું ધરી દીધું હતું.
ભારતસરકારે દિલ્હીની એઇમ્સમાં નીચી જાતિઓના વિદ્યાર્થીઓ તરફ થઈ રહેલ ભેદભાવના આરોપોની તપાસ માટે ૨૦૦૬માં થોરાટ સમિતિની નિમણૂક કરી હતી.
આ સમિતિની ભલામણના આધારે ચલાવાતા ઑનલાઇન વર્ગના આઈ.આઈ.ટી. ખડગપુરના એક અધ્યાપકે આ વિદ્યાર્થીઓને એપ્રિલ, ૨૦૨૦માં બ્લડી બસ્ટડ્ર્ઝ તરીકે સંબોધ્યા હતા.
વર્તમાન કાનૂન મુજબ, શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ માટે ૭.૫%, અનુસૂચિત જનજાતિ તેમ જ ઓ.બી.સી. માટે ૨૭% અનામત બેઠકોની જોગવાઈ છે. મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓમાં આ નિયમ જળવાતો નથી. માત્ર વિદ્યાર્થીઓની બાબતમાં નહીં, પણ શિક્ષકોની ભરતીમાં પણ આ નિયમનો ભંગ થાય છે. ૨૦૧૯માં પ્રકાશિત એક અહેવાલ જણાવે છે કે દેશની આઈ.આઈ.ટી. સંસ્થાઓમાં માત્ર ૩% શિક્ષકો અનામત બેઠકોમાં ભરતી કરાયેલ છે. બૅંગાલુરુની આઈ.આઈ.એમ.માં ૫૧૨ અધ્યાપકો પૈકી માત્ર બે અધ્યાપકો અનુસૂચિત જાતિના હતા. જ્યારે અનુસૂચિત જાતિનો કોઈ અધ્યાપક નિમાયેલ ન હતો. અધૂરામાં પૂરું, દેશભરની આઈ.આઈ.ટી. સંસ્થાઓના નિયામકોના જૂથે અનામત બેઠકોની જોગવાઈમાંથી મુક્તિ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે.
આપણી શિક્ષણ સંસ્થાઓમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં અધ્યાપકોની ૬,૨૨૯ જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૦૧૨ અનુસૂચિત જાતિ, ૫૯૨ અનુસૂચિત જનજાતિ અને ૧,૭૬૭ ઓ.બી.સી. જગ્યાઓ અનામત હતી. ઝારખંડમાં સીડો કાન્હુ પુરમુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સોના જહરિયા પિન્ઝ નામનાં આદિવાસી મહિલા છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં એસ.ટી.એસ.સી. સેલ હોતા જ નથી. આથી તેમને થતાં અન્યાયોનું નિવારણ થતું નથી. રોહિત વેમુલાની આત્મહત્યા બાદ એસ.સી.એસ.ટી. (અત્યાચાર નિવારણ) ધારામાં સુધારો કરાયો છે, પરંતુ તેમને થતા અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. આવા અત્યાચારો બે પ્રકારના હોય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. દા.ત., તેમની સામે જાતિગત કટાક્ષો કરવા, તેમને ટૉઇલેટ સફાઈનાં કામો સોંપવાં, તેમને અલગ બેસાડવા વગેરે પ્રત્યક્ષ અત્યાચારોનાં ઉદાહરણો છે. પરોક્ષ ઉદાહરણોમાં તેમને સ્ટાઇપૅન્ડ સ્કૉલરશિપની ચુકવણી અટકાવવી, હૉસ્ટેલ પ્રવેશનો ઇન્કાર, તેમની શૈક્ષણિક ગુણવત્તાની અવગણના, વગેરે ગણાવી શકાય.
સર્વોચ્ચ અદાલતે ઑક્ટોબર ૨૦૨૧માં એક ચુકાદામાં કહ્યું છે કે અત્યાચારના મોટા ભાગના કેસોમાં નબળાં અન્વેષણના કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. કાયદા હેઠળના નિયમ ૭(૨)માં બનાવના ૩૦ દિવસમાં અન્વેષણ પૂરું કરવાની જોગવાઈ છે. આ જોગવાઈનું ભાગ્યે જ પાલન થાય છે. કાયદાની કલમ ૧૪(૨)માં રોજરોજ કેસ ચલાવી ચાર્જશીટ રજૂ થયાની તારીખથી બે માસમાં કેસ પૂર્ણ કરવા જોગવાઈ કરાયેલ છે. ૨૦૧૮માં પ્રગટ થયેલ અહેવાલમાં જણાવ્યું છે કે કેસ પૂર્ણ થતાં સરેરાશ ૫ વર્ષનો સમય લાગે છે. મોટા ભાગના કેસોમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે. આ ધારા હેઠળ કેસો ચલાવવા માટે મોટા ભાગનાં રાજ્યો ખાસ અદાલતો સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. ૨૦૧૮માં પ્રગટ થયેલ અહેવાલ પ્રમાણે દેશના ૭૦૦ જિલ્લાઓમાંથી ૧૪ રાજ્યોના ૧૯૪ જિલ્લાઓમાં આવી ખાસ અદાલતો સ્થપાયેલ છે.
હજુ ગત માસે જ દેશની સર્વોચ્ચ અદાલતે પ્રિન્સ જયબીરસિંગ નામના દલિત યુવાનને મુંબઈ આઈ.આઈ.ટી.માં પ્રવેશ આપવા હુકમ કરેલ છે. તેણે સૌ પ્રથમ ખડગપુર આઈ.આઈ.ટી.માં પ્રવેશ માટે અરજી કરી હતી. તેના પિતા કૉન્સ્ટેબલ છે. ફી ભરવામાં એક દિવસ મોડું થતાં તેને પ્રવેશ આપવા ઇન્કાર કરાયો. મુંબઈ હાઈકોર્ટે તેની અરજી રદ્દ કરી દીધી હતી. આખરે સર્વોચ્ચ અદાલત તેની વહારે આવી છે. જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ બોપન્નાએ મુંબઈ આઈ.આઈ.ટી.ને અસંવેદનશીલ બનવા બદલ ઠપકો પણ આપ્યો છે.
(માહિતીસ્રોત : જનતાવીકલી, તા. ૨૬-૧૧-’૨૧)
૧૬, શ્યામવિહાર, એગોલા રોડ, પાલનપુર.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 06-07