અમેરિકા પ્હૉંચ્યાં … કેટલાક બનાવો (1)
ઍરપોર્ટો પ્રકાશ પ્રકાશથી અહર્નિશ ઝળાંહળાં હોય છે. લાંબા પ્રવાસમાં સૂર્યપ્રકાશ યાદ પણ ન આવે. જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ જ પ્રવાસીઓ – એક હાથમાં પાઉચ-પાકિટ કે છાપાં-પુસ્તક ને બીજામાં જાણે સદાની ઍટેચ્ડ્ એવી બૅગેજ – ટૅસથી રેલાવતા હોય. બધાં સુખી-સુખી, પણ એટલે જ કે એ માટે, જીવનના કશા હેતુને વિશે બરાબ્બરનાં સંડોવાયેલાં લાગે.
આમાં ઋતુ કઈ તે ય શું કામ યાદ રહે? એવું લાગે, સમય ચક્રાકારે ફરવાનું જાણે ભૂલી ગયો છે. ખબર નથી પડતી, ક્યારે દિવસ પૂરો થયો, ક્યારે રાત શરૂ થઈ, તો વળી ક્યારે પાછી સવાર થઈ. દિનચર્યા અને રાત્રિચર્યાનો ભેદ ભૂંસાઈ જાય. બધાં જાગતાં ઊંઘતાં લાગે અને ઊંઘતાં જાગતાં લાગે. એકધારા અવાજ સાથે પ્લેનની ગતિબદ્ધતા એવી, જાણે આકાશમાં ઊભું રહી ગયું છે : સુસ્થિર, કશા શિલ્પ સમું. સારું છે કે એ સ્તબ્ધતા વચ્ચે ઍરહૉસ્ટેસોની હળવીમીઠી અવરજવરો હોય છે.
અમે આમ્સ્ટર્ડામથી ડિટ્રૉઇટ થઈ પહેલી માર્ચે ફિલાડેલ્ફીઆ પ્હૉંચ્યાં ત્યારે દિવસ નમી ગયેલો, ચારેક વાગેલા. એ અઠવાડિયામાં અમેરિકાના એ ભૂભાગોમાં ખૂબ સ્નો પડેલો. અમદાવાદના નરમ કેમ કે આથમતા શિયાળેથી નીકળી આમ્સ્ટર્ડામના તીવ્ર શિયાળે થઈ અમે ઇસ્ટ અમેરિકાના અતિ તીવ્ર શિયાળે દાખલ થયેલાં.
સન 2003ને આરે અમે [We…(2003)sh]
ફિલાડેલ્ફીઆ-ઍરપોર્ટની બહાર નીકળતાં જ મેં જોયું કે હિમઠર્યું પ્રશાન્ત શ્હૅર, ડાહ્યું છે ને કોઇના આદેશથી જાણે અમારી રાહ જોતું છે. રસ્તાને બન્ને કિનારે, સ્નોની શ્વેત શ્વેત ઢગમાળાઓ હતી, ઑગળેલા સ્નોના પાણી-રંગના રેલાઓથી ચિરાયેલી ચહેરાયેલી … સામે જ ટૅક્સી-સ્ટૅન્ડ હતું, પણ ટૅક્સી માત્ર બે જ હતી …!
અમને મારા મિત્ર બાબુ સુથાર લેવા આવેલા. પૅન્નમાં બાબુભાઈ ‘ગુજરાતી પ્રોગ્રામ’ હેઠળ ગુજરાતી ભાષા-સાહિત્ય ભણાવતા હતા, પણ હવે તેઓ ત્યાં નથી. પૂરતી વિદ્યાર્થી-સંખ્યા ન થઈ એટલે પ્રોગ્રામ બંધ થયો.
બાબુભાઇએ બાવીસેક વર્ષ લગી અમેરિકાની પૅન્ન જેવી પ્રશસ્ત યુનિવર્સિટીમાં સેવાઓ આપી એ વાત જેટલી જ નોંધપાત્ર વાત એ છે કે ત્યાં રહીને એમણે પીએચ.ડી. પણ કર્યું, એમનો વિષય હતો : Agreement in Gujarati. ગુજરાતીમાં ‘પુરુષ’, ‘સર્વનામ' અને ‘લિન્ગ’ કઈ રીતે કામ કરે છે અને વિશ્વની બીજી ભાષાઓમાં એ કામ કઈ રીતે થાય છે એનું અધ્યયન. સાથે એમનો દીકરો હેત્વર્થ – જેનું હુલામણું નામ હેતુ છે – એ પણ આવેલો. હેત્વર્થ પૅન્ન સ્ટેટ યુનિવર્સિટીમાંથી બી.ઍસ. થયો છે. ‘ડિન્સ લિસ્ટ’-માં ટોચના વિદ્યાર્થીઓમાં હતો.
ટૅક્સીવાળા અશ્વેત ભાઈએ અમને કહ્યું કે એની ડૅકીમાં ચાર બૅગ અને બે ઍટેચ્ડ બૅગ નહીં આવી શકે. મને પ્રશ્ન થયેલો કે ઍમ્બેસેડર જેવી આપણી સામાન્ય ટૅક્સીથી આની તો ઠીકઠીક મોટી અને ભરાવદાર છે છતાં આમ કેમ કહે છે … પણ એનો આશય અમને તરત પકડાઈ ગયો. એ ઈચ્છતો હતો કે અમે બીજી ટૅક્સી પણ કરીએ જેથી એના દોસ્તને પણ ભાડું મળે.
મને થયેલું કે એ પ્રશાન્ત માહોલ મારા માટે મનભાવન હતો પણ ટૅક્સીબંધુઓ માટે દુ:ખદ હતો. મૉસમ કમાણી વગરની સુસ્ત અને બેકાર હતી. એટલે, એકમાં અમે બે અને બાબુભાઈ તથા બીજી ટૅક્સીમાં હેતુ, એમ બે-બે ટૅક્સીમાં અમે મુકામે પ્હૉંચ્યા. કહો કે પરાણે દાખવવી પડેલી એ કરુણાને પરિણામે જે કામ ૨૦ ડૉલરમાં પતવાનું હતું એ ૪૦માં પત્યું. ટૅક્સી-સ્ટૅન્ડે બે જ ટૅક્સી કેમ હતી એનો ભરમ એ રીતે ખૂલેલો; હજી યાદ આવે છે.
મુકામ હતો, 3600, Chestnut Street પર આવેલું Sansom East બિલ્ડિન્ગ. વીસેક મિનિટમાં અમે જઈ પ્હૉંચ્યાં. અમને અને સામાનને વૉક-વે પર છોડીને ટૅક્સીવાળાઓ જતા રહ્યા.
સૅન્સમ ઈસ્ટ [Sansom East]
મેં જોયું તો વૉક-વે અને સૅન્સમ વચ્ચે 100 ફીટ જેટલો બ્લૅન્ક એરિયા હતો, ઉપરાન્ત, સૅન્સમ સામે હતું ખરું, પણ જાણે ટેકરા પર હતું. ઠેકઠેકાણે સ્નો હતો. લાગ્યું કે બૅગેજીસને હાથે કે માથે મૂકીને ય લઇ જવાનું કઠિન છે. બાબુભાઈ માટે ય સ્થળ પરિચિત ન્હૉતું. ખુલ્લાસમાં મુકાયેલાં અમે – રશ્મીતા હું બાબુભાઈ હેતુ – સૂસવતા પવનોની સખત ઠંડી ઝાપટો વચ્ચે થોડી વાર માટે તો હતપ્રભ થઈ ગયાં – એટલે કે ઠંડીને લીધે અમારા ચ્હૅરા પરની પ્રભા અક્ષરશ: હરાઇ ગયેલી.
અને, કોઈ પણ તીરથની જાત્રા શારીરિક કષ્ટ વગર ફળતી નથી એ સત્ય મગજમાં ટકોરા મારતું’તું, એ તો લટકામાં !
દેશમાં આવા પ્રસંગે હાથ ઊંચો કરતાંવૅંત મજૂર મળે એવું અમેરિકામાં થોડું હોય? પણ અહીં દરેક સંભવિત સમસ્યાનો સંભવિત ઉકેલ જરૂર હોય છે. એટલે, હું અને બાબુભાઈ ઑફિસમાં પૂછવા ગયા કે અમારો સામાન ભારે છે તે શી રીતે લઈ જઈ શકાય એમ છે -?
આવી તમામ જગ્યાઓએ અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ હોય છે. યુનિવર્સિટીએ સૅન્સમમાં અમને સ્યુઇટ નમ્બર-2011 ફાળવેલો. એ પત્ર મેં રજૂ કર્યો. ચકાસણી પછી અમને એ સ્યુઇટની ચાવીઓના બે ઝૂડા અને બે ઍક્સેસ-પાસ આપવામાં આવ્યા.
ચાવીઓનો એક ઝૂડો અને એક ઍક્સેસ-પાસ રશ્મીતા માટે; એનો અર્થ એ કે નિવાસનો રશ્મીતા પણ અલગપણે ઉપયોગ કરવા ચાહે તો કરી શકે. મને થયું, દેશમાં દરેક વાતે સાથે ગણાતાં પતિ-પત્ની અહીં સ્વાયત્ત અને સ્વતન્ત્ર વ્યક્તિ છે, જુદાં જુદાં મનુષ્ય છે …
ડેસ્ક પરના ભાઈને પેલી મુસીબત યાદ હતી. એમની પાસે એનો ઈલાજ પણ હતો. દૂર પડેલી બે ટ્રૉલીઓ બતાવીને જણાવ્યું કે તમે તમારી ભારે ભારે બૅગેજીસ એમાં લઈ જઈ શકો છો. ઘઉંની બે ગૂણો જોડાજોડ મૂકો તો ય જગ્યા વધે એવી હૅવીડ્યુટિ પ્લાસ્ટિકની ટ્રૉલીઓમાં સામાન ચડાવવાનું પછી તો અમારા માટે સાવ આસાન હતું.
સ્યુઇટ નમ્બર-2011 એટલે સૅન્સમના 20-મા માળે 11 નમ્બરનો વન-બેડરૂમ ફ્લૅટ. અમદાવાદમાં ‘શબરી ટાવર’-ના 8-મા માળે રહેનારાં અમે એ સાંજે ફિલા-માં સૅન્સમના 20-મા માળે હતાં. હતાં એટલું જ નહીં, 2 માસ જેવું ખાસ્સું રહેવાનાં હતાં, ઘર માંડીને રહેવાનાં હતાં.
એ એવા અનેરા અનુભવની શરૂઆત હતી તેથી મને અને રશ્મીતાને મનોમન લાગ્યા કરતું’તું કે અમે પ્રસન્ન પ્રસન્ન છીએ.
= = =
(December 15, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર