Opinion Magazine
Number of visits: 9447098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનાઇટેડ નેશન્સના સંપોષિત વિકાસના લક્ષ્યાંક અને જે.સી.કુમારપ્પાના સ્થાયી વિકાસની વિભાવના

આશા બૂચ|Opinion - Opinion|11 December 2021

યુનાઇટેડ નેશન્સના સંપોષિત વિકાસની પરિભાષા તેની નવી કાર્યસૂચિમાં કઈ રીતે સામેલ થઇ, તે આ લેખ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. યુ.એન.ના વિશ્વમાં શાંતિ ટકાવી રાખવા માટે સંપોષિત વિકાસનું મહત્ત્વ સ્થાપવા બાબતના ગંભીર પ્રયાસોનું મહત્ત્વની પરિષદો અને શિખર વાર્તાલાપોમાં વિવરણ થયું છે. જે.સી. કુમારપ્પાએ ભારતને એવી અર્થવ્યવસ્થાની દૃષ્ટિ આપેલી કે જે સંપોષિત વિકાસને અમલમાં મુકવા પ્રોત્સાહિત કરી શકે, જ્યારે યુ.એન.ના સંપોષિત વિકાસના 17 લક્ષ્યાંક હાલની વિકાસની તરાહને જ સંપોષિત વિકાસના ધ્યેય તરફ વાળી શકાય તેવા ખ્યાલ પર આધારિત છે.

‘સંપોષિત વિકાસ’, એ પરિભાષા યુનાઇટેડ નેશન્સના પર્યાવરણ અને વિકાસના વર્લ્ડ કમિશનના રિપોર્ટના પ્રકાશન સમયે વિકાસ વિશેની ચર્ચાઓ દરમ્યાન પ્રચલિત બની. એ રિપોર્ટમાં સંપોષિત અને મજબૂત વિકાસની જરૂરત ઉપર ભાર મૂકવામાં આવ્યો. એ રિપોર્ટમાં અન્ય બાબતોની સાથે સાથે આ મુદ્દો પણ ઉમેરાયેલો : માનવ જાતિ વિકાસને ટકાઉ બનાવવાની સાથે જ ભાવિ પેઢીની જરૂરતો સાથે સમાધાન ન કરવું પડે તેવી રીતે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવા માટે વિચારવાની ક્ષમતા ધરાવે છે. સંપોષિત વિકાસ એ પરિભાષાનો અર્થ છે – મર્યાદા મૂકવી. સદંતર મર્યાદા નહીં પરંતુ વર્તમાન ટેકનોલોજી અને સામાજિક સંગઠનો દ્વારા કુદરતી સંસાધનો પર અંકુશ મુકાય અને માનવ જાતની પ્રવૃત્તિનાં પરિણામોને અન્ય જીવસૃષ્ટિ ખમી શકે તેવી મર્યાદા મૂકવાની તેનામાં તાકાત છે. ટેકનોલોજી અને સામાજિક સંગઠનોને આર્થિક વિકાસના નવયુગના મંડાણ કરવા કાબૂમાં રાખી શકાય તેમ જ તેમાં સુધારા પણ કરી શકાય. સંપોષિત વિકાસ કરવો હોય તો તમામ માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય અને વધુમાં તેમની જીવનને વધુ સારું બનાવવાની આકાંક્ષાઓ પૂરી થાય, તેવું થવું જોઈએ. સંપોષિત વૈશ્વિક વિકાસ સાધવા માટે માતબર લોકો ધરતીની જૈવિક સંપત્તિના સંરક્ષણના દાયરામાં રહી શકે એવા પ્રકારની જીવન પદ્ધતિ અપનાવે; જેમ કે તેમના ઊર્જા શક્તિના ઉપયોગમાં. તે ઉપરાંત, વધતી જનસંખ્યા પ્રાપ્ત સંસાધનો ઉપર ભારણ મૂકી શકે અને જીવન ધોરણમાં આવેલા સુધારાની ગતિને ધીમી પાડી શકે એ પણ વિચારવું રહ્યું. આથી જ તો સંપોષિત વિકાસ તો જ સાધી શકાય જો જનસંખ્યાનુ કદ અને તેના વિકાસ દરમાં વૃદ્ધિનો પર્યાવરણની અને ઉત્પાદનની બદલાતી પદ્ધતિ સાથે તાલમેલ હોય. સંપોષિત વિકાસ એ કોઈ એક જડ થયેલી વ્યવસ્થા નથી; પણ એ પરિવર્તનની એવી પ્રક્રિયા છે જેમાં સંસાધનોનું શોષણ ન કરવું, રોકાણોની દિશા નક્કી કરવી, ટેકનોલોજીની પ્રગતિની અભિમુખતા નિશ્ચિત કરવી અને સંસ્થાગત પરિવર્તનો વર્તમાન અને ભવિષ્યની જરૂરતો સાથે સુસંગત કેવી રીતે રહી શકે તેનું આયોજન કરવું.

યુ.એન.નો આ રિપોર્ટ વિકાસના સ્વરૂપમાં પરિવર્તન લાવવા માગે છે, પરંતુ તેમાં જે ફેરફારો સૂચવ્યા છે એ મૂળે પાયાના વિચારો નથી. કેટલાક નિષ્ણાતો એ રિપોર્ટને નિરંકુશ આર્થિક વૃદ્ધિને કારણે થયેલા નુકસાનને અંકુશમાં લાવવાના પ્રયાસ રૂપે જુએ છે અને વૈશ્વિક પરિવર્તનોમાં આવતા બદલાવનો હવાલો આપીને હાલની વિકાસની પદ્ધતિને ચાલુ રાખવા વ્યાજબી ઠરાવે છે. જો કે આ રિપોર્ટ વિકાસ વિશેના વિવરણમાં એક માર્ગ સૂચક સ્તંભ પણ છે કેમ કે તેમાં હાલની વિકાસ પદ્ધતિ માટે શક ઊભો કરવામાં આવ્યો અને આર્થિક તેમ જ પર્યાવરણીય બાબતોમાં સુધારા કરવાની જરૂર પર ભાર મુકાયો. યુનાઇટેડ નેશન્સે ઘણી પરિષદો અને શિખર વાર્તાલાપો કે જેમાં સંપોષિત વિકાસ માટેનો પાકો પાયો નંખાયો તેના મારફત પોતાની એ વિશેની નિસબત જાળવી રાખી. આથી એ હવે યુ.એન.ની નવી કાર્યસૂચિ બની. તેમાં રીઓ ‘દ જાનેરોમાં થયેલ પર્યાવરણ અને વિકાસ અંગે કરેલા નિવેદન,  સંપોષિત વિકાસ અંગેની વિશ્વ પરિષદ, સામાજિક વિકાસ માટેની વિશ્વ પરિષદ, બેજિંગ પ્લેટફોર્મ ફોર એક્શન, તથા વસ્તી વધારો અને વિકાસ અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સના આ દિશામાં થયેલા મુખ્ય પ્રયાસો પર દૃષ્ટિપાત કરીએ.

સંપોષિત વિકાસ માટેના યુ.એન.ના અગત્યના પ્રયાસો :

રીઓ ‘દ જાનેરોમાં 1992માં મળેલી યુનાઇટેડ નેશન્સની પર્યાવરણ અને વિકાસની પરિષદમાં વિવિધ દેશના વડાઓ અને સરકારી આગેવાનો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના વહીવટી અધિકારીઓ અને બિનસરકારી સંગઠનોના પ્રતિનિધિઓ એકઠા થયેલા, તેથી એ પરિષદ એક સીમાચિહ્ન રૂપ બની રહી. તેને અર્થ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિઓની આ પર્યાવરણ અને વિકાસની પરિષદના નિવેદનમાં સામાજિક-આર્થિક વિકાસની પર્યાવરણ ઉપર થનાર અસરોને લક્ષ્યમાં રાખીને સભ્ય રાષ્ટ્રો પોતાના દેશની ભાવિ નીતિઓ ઘડી શકે તેવા મૂળભૂત સિદ્ધાંતોની રૂપરેખા દોરવામાં આવી છે. એજેન્ડા (કાર્યસૂચિ) 21 એ અર્થ સમિટની ફલશ્રુતિ છે. આ ઐતિહાસિક મુસદ્દો સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રયાસોને સંગઠિત કરીને સંપોષિત વિકાસ સાધવાનો નકશો બન્યો.

આ ધ્યેય સિદ્ધ કરવા સંપોષિત વિકાસની વૈશ્વિક સમિટ 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમ્યાન જોહાનિસબર્ગ – દક્ષિણ આફ્રિકામાં યોજાઈ. તેનો હેતુ હતો, પ્રજાનું જીવન ધોરણ સુધારવું, પણ સાથોસાથ પૃથ્વીના લભ્ય સંસાધનોની સુરક્ષા કરવી અને સંપોષિત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્રઢ કરવી. તેને રીઓ +10 તરીકે પણ ઓળખાવાય છે. આ શિખર પરિષદ પાસે વિકાસ, આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણની જાળવણી વચ્ચે મેળ કેમ બેસાડવો એ પડકાર હતો. શિખર પરિષદનું લક્ષ્ય વધતી જનસંખ્યા, ખોરાક, પીવાનાં પાણી, આવાસ, ઊર્જા, આરોગ્ય અને સ્વચ્છતા અને આર્થિક સલામતીની નિરંતર વધતી માગ અને એવા સંયોગોમાં લોકોનું જીવન સુધારવું અને સાથે સાથે કુદરતી સ્રોતોની સુરક્ષા જાળવી રાખવી એ હતું. 5થી 13 સપ્ટેમ્બર 1994માં કૈરોમાં મળેલ વસ્તી અને વિકાસ અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં સભ્ય દેશોએ ભરવાનાં પગલાંઓની જે સૂચિ સ્વીકારાઈ તેને પરિણામે જનસંખ્યા અને વિકાસની સમસ્યા પ્રત્યેનો અભિગમ બદલાયો. એ પરિષદમાં જનસંખ્યા, વિકાસ અને વ્યક્તિગત સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધને નવી દૃષ્ટિથી સમજાવવામાં આવ્યા.

4થી 15 સપ્ટેમ્બર 1995 દરમ્યાન મહિલાઓ માટે ચોથી વૈશ્વિક પરિષદ બેજિંગમાં યોજાઈ જેને કારણે બેજિંગ પ્લેટફોર્મ ફોર એક્શન આકાર પામ્યું. તેમાં મહિલાઓના સશક્તિકરણના મુસદ્દાને મહત્ત્વ આપ્યું અને સંપોષિત વિકાસ માટેની પૂર્વ શરત રૂપે સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતા સ્થાપવા સમાન ભાગીદારી ઉપર ભાર મુક્યો. યુનાઇટેડ નેશન્સની સંપોષિત વિકાસ વિશેની પરિષદ જે રીઓ +20 તરીકે લોકપ્રિય બની એ 20-22 જૂન 2012માં બ્રાઝિલ ખાતે મળી. તેમાં યુ.એન.ની ‘આર્થિક, સામાજિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ આપણા ગ્રહ ઉપર વસતા દરેક જીવના વર્તમાન અને ભાવિ પેઢી માટે ટકાઉ ભવિષ્ય’ની ખાતરી આપવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુરુચ્ચાર થયો. તે સમયે સંપોષિત વિકાસના લક્ષ્યાંકો ઘડવા માટેની પ્રક્રિયાનો આરંભ કરવાનો નિર્ણય લેવાયો, જે મિલેનિયમ ડેવલપમેન્ટ ગૉલને આધારે નિર્ણિત થશે અને 2015 બાદ વિકાસના મુસદ્દા સાથે ભળી જશે. એ પરિષદમાં હરિયાળી આર્થિક નીતિ વિષયક વિકાસની ધારાને ધરમૂળથી બદલી નાખનારા માર્ગદર્શક સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા. 

સંપોષિત વિકાસના લક્ષ્યાંકો : 2030 કાર્યસૂચિ :

સપ્ટેમ્બર 2015માં યુનાઇટેડ નેશન્સના 70મા સ્થાપના દિવસ નિમિત્તે ન્યૂયૉર્કમાં દુનિયાના રાજકીય નેતાઓની શિખર પરિષદ યોજાયેલી જેમાં સંપોષિત વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવેલા. તેમાં યુ.એન.ના 193 સભ્ય દેશોએ જેની પુષ્ટિ કરેલી તે સંપોષિત વિકાસના 17 લક્ષ્યાંકો અપનાવવામાં આવ્યા. યુ.એન.ના સેક્રેટરી નજરલના તે વિષેના અભિપ્રાયમાં યુ.એન.ના નવા લક્ષ્યાંકો તથા શાંતિ અને વિકાસ વિશેની વિચારધારામાં આવેલાં પરિવર્તન તરફ સ્પષ્ટ નિર્દેશ જોવા મળે છે. તત્કાલીન મહામંત્રી બાં કી મૂને કહ્યું, “આપણે માનવ જાતિના ઇતિહાસમાં એક મહત્ત્વના તબક્કે પહોંચ્યા છીએ. દુનિયાના લોકોએ આપણને રાજ્યકર્તાઓ દ્વારા અપાતાં વચનો અને તેમને મળનારી તકોના ભવિષ્ય ઉપર પ્રકાશ પાડવાની માંગણી કરી છે. સભ્ય દેશોએ સંપોષિત વિકાસ-2030ની કાર્યસૂચિના રૂપમાં તેમને પ્રત્યુત્તર આપ્યો છે. એ વૈશ્વિક, સંગઠિત અને રૂપાંતર કરી નાખે તેવી દૃષ્ટિ છે જેને કારણે વિશ્વને વધુ સુંદર બનાવી શકાય. એ કાર્યસૂચિમાં તમામ પ્રકારની ગરીબી નાબૂદ કરવા માટેનો મુસદ્દો છે, જે આપણા સહિયારા રહેઠાણ એવી સમગ્ર પૃથ્વી માટે છે. સહિયારી આબાદી, શાંતિ અને ભાગીદારી માટેનો કાર્યક્રમ છે. એ પર્યાવરણ સુરક્ષા માટે લેવાના પગલાંની તાકીદનો સંદેશ આપે છે. તેના મૂળ સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતા અને તમામ માનવોના અધિકારો પ્રત્યે આદરના આદર્શમાં છે. 25 સપ્ટેમ્બર 2015માં સ્વીકારવામાં આવેલા ‘આપણા વિશ્વનું રૂપાંતર-2030’ એ ઠરાવ આવતા અંદર વર્ષ દરમિયાન આ લક્ષ્યાંકો સિદ્ધ કરવાની નેમ સાથે તમામ દેશો સમક્ષ મૂકવામાં આવ્યો. તેનું ધ્યેય ગરીબી અને ભૂખમરાનો અંત લાવવાનું, પ્રકૃતિની રક્ષા કરવાનું અને ભાવિ પેઢીને શાંતિ તથા સમૃદ્ધિની દેણગી આપવાનું છે. સંપોષિત વિકાસના 17 લક્ષ્યાંકો અહીં પ્રસ્તુત છે :

1. હર પ્રકારની ગરીબી દરેક જગ્યાએ નાબૂદ કરવી.

2. ભૂખમરાનો અંત લાવવો, અન્ન સુરક્ષાનો પ્રબંધ કરવો, પોષણ યુક્ત ખોરાકમાં સુધારો લાવવો અને નિભાવી શકાય તેવી ખેતીને પ્રોત્સાહન આપવું.

3. દરેક ઉંમરના તમામ નાગરિકને તંદુરસ્ત જીવન જીવવા તક મળી રહે તેની ખાતરી કરવી.

4. સર્વ સમાવેશી અને સમાન ગુણવત્તાનું શિક્ષણ મળે અને અને સહુને જીવનપર્યંત શિક્ષણની તક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. 

5. લૈંગિક સમાનતા સિદ્ધ કરવા કન્યાઓ અને મહિલાઓનું સશક્તિકરણ કરવું.

6. પાણી અને જાહેર આરોગ્ય તેમ જ સ્વાસ્થ્યના સાધનો તેમ જ વ્યવસ્થા સમગ્ર જનતા માટે ઉપલબ્ધ કરાવવાં. 

7. વિશ્વાસપાત્ર અને પોસાય તેવી આધુનિક ઊર્જા સહુને પહોંચતી કરવી.

8. ટકાઉ અને સર્વસમાવેશી અર્થવ્યવસ્થા ઊભી કરવી જેમાં દરેકને રોજગારીની તકો પ્રાપ્ત હોય અને દેશમાં પૂર્ણ  રોજગારીનું લક્ષ્ય સિદ્ધ થાય.

9. મજબૂત આર્થિક અને રાજકીય માળખું ઊભું કરવું, ટકાઉ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું તેમ જ નવસંસ્કરણની પ્રક્રિયાને ઉત્તેજન આપવું.

10. દેશની અંદર અને બે દેશો વચ્ચેની અસમાનતા ઘટાડવી.

11. સહઅસ્તિત્વને ટકાવી રાખવું, સલામત અને ટકાઉ માનવ વસવાટો પૂરા પાડવા.

12. ઉત્પાદન અને ભોગવટાની વ્યવસ્થા સંપોષિત હોય તેની ખાતરી કરવી.

13. પર્યાવરણમાં આવતા બદલાવ અને તેની બૂરી અસરો માટે તાત્કાલિક પગલાં ભરવાં.

14. દરિયાઈ સંપત્તિનું રક્ષણ કરવું અને તેનો ઉચિત ઉપયોગ કરવો.

15. પૃથ્વીનાં કુદરતી સંસાધનોની રક્ષા કરવી, ક્ષતિ પામેલ પ્રકૃતિને યથાવત સ્થિતિમાં લાવવી, જંગલોની સુરક્ષા કરવી, જમીનને વેરાન બનતી અટકાવવી, જમીનનું ધોવાણ રોકવું, તેનો કસ ઓછો થતો રોકવો અને જૈવિક વૈવિધ્યને થતાં નુકસાનને નિવારવું.

16 સંપોષિત વિકાસ સાધવા શાંતિપૂર્ણ અને સમાવેશી સમાજ રચવો, તમામ પ્રજાને ન્યાય મેળવવાની તક હોય તે માટે અસરકારક, જવાબદાર અને ભેદભાવ વિનાના સંગઠનોની રચના કરવી.

17. સંપોષિત વિકાસનું ધ્યેય હાંસલ કરવા વૈશ્વિક ભાગીદારીના વિચારમાં શક્તિ સંચાર કરવો અને તેને વધુ મજબૂત બનાવવો.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિન – 2016નો મુખ્ય સૂર આ લક્ષ્યાંકો હતા. એ દિનના આયોજને સારી ય માનવજાતને કાયમી શાંતિ સ્થાપવા માટે સંપોષિત વિકાસનું કેટલું મહત્ત્વ છે, એ યાદ કરાવી આપ્યું.

યુ.એન. દ્વારા સંપોષિત વિકાસ માટે ઘડી કાઢેલા લક્ષ્યાંકોની આટલી વિગતો આપ્યા બાદ લેખકે ભારત, અને ખરું પૂછો તો વિશ્વના એક અત્યંત બાહોશ અર્થશાસ્ત્રી અને આર્ષ દૃષ્ટાની આર્થિક યોજનાનું આલેખન કર્યું.

જે.સી. કુમારપ્પાનું સ્થાયી અર્થતંત્ર અથવા શાંતિનું અર્થતંત્ર

વિનોબાજીની 125મી જન્મ તિથિ ઉજવાઇ. જે.સી. કુમારપ્પાની પણ 125મી જન્મ તિથિ, એ નિમિત્તે તેમણે ભારતની પ્રજા સમક્ષ મૂકેલા સ્થાયી વ્યવસ્થાના ખ્યાલને જોઈ જવો યોગ્ય થશે. એ નોંધવું ઉપયોગી થશે કે તેમણે દોરી કાઢેલ અર્થવ્યવસ્થા દૂરનું ભવિષ્ય જોનારી હતી, અને યુ.એન.ના સંપોષિત વિકાસના લક્ષ્યાંકોથી અધિક ઊંડું દર્શન કરાવનાર સાબિત થઇ છે. 

અર્થવ્યવસ્થાનું વર્ગીકરણ :

જે.સી. કુમારપ્પાએ ‘પ્રકૃતિમાં અર્થવ્યવસ્થાના પ્રકારો’નું પાંચ વર્ગોમાં વિભાજન કર્યું છે : ‘પરોપજીવી અર્થવ્યવસ્થા’, ‘ધાડપાડુ અર્થવ્યવસ્થા’, ‘સાહસયુક્ત અર્થવ્યવસ્થા’, ‘સામાજિક અર્થવ્યવસ્થા’ અને ‘સેવા પ્રધાન અર્થવ્યવસ્થા’ જેમાં ટકાઉપણું અને અહિંસાનો ઉત્તરોત્તર વધારો થતો રહે છે. પરોપજીવી અર્થવ્યવસ્થાને સમજવા પરોપજીવી વનસ્પતિનો દાખલો લઇ શકાય, જે જીવિત રહેવા બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવે અને અંતે તેનો નાશ થાય. એ મૂળે તો હિંસક ગણાય. ધાડપાડુ અર્થવ્યવસ્થામાં પ્રાણી બીજાની મહેનતના ફળનો આનંદ લૂંટે છે અને પોતે તેમાં કઇં પ્રદાન નથી કરતા. અહીં સ્વહિતનું પરિબળ કામ કરે છે. એ આગલી અર્થવ્યવસ્થા કરતાં ઓછી હિંસક મનાય. સાહસયુક્ત અર્થવ્યવસ્થાના કિસ્સામાં પશુ, પ્રાણી અને માનવ જાત પોતાને ખપતું હોય તે લે અને ઉત્પાદનમાં ભાગ પણ પડાવે; દાખલ તરીકે મધમાખી જે ફૂલમાંથી રસ ચૂસે અને પરાગરજ લે તેનું ફલીકરણ પણ કરે. સામાજિક અર્થવ્યવસ્થામાં પ્રાણીઓ પોતાના લાભ માટે નહીં, પરંતુ અન્યના ભલા માટે કામ કરે. અહીં સ્વહિતને બદલે સમૂહના હિતમાં કામ કરવાનું બદલાયેલું વલણ જોવા મળે. જ્યારે સેવા પ્રધાન અર્થવ્યવસ્થા એ નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે જે સંતાન અને માતા-પિતાના સંબંધોમાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારના વળતર અને બદલાની અપેક્ષા વિના પરમાર્થી થઈને કામ કરે છે. અહીં પોતાના પછીની પેઢી માટેની નિસબત કેન્દ્રમાં હોય છે. આ પ્રકારનો પારમાર્થિક સંબંધ અહિંસક અર્થવ્યવસ્થામાં જોવા મળે, જેને સ્થાયી અર્થવ્યસ્થા તરીકે વર્ણવી શકાય.

પ્રકૃતિમાં નિહિત અર્થવ્યવસ્થાનું વર્ણન કર્યા બાદ કુમારપ્પાએ માનવીને લાગુ પડે તેવી અર્થવ્યવસ્થાના લક્ષણો પણ ચિત્રિત કરી આપ્યાં. પરોપજીવી અર્થવ્યવસ્થા સમજાવવા તેમણે એક બાળકની તેની પાસેની કિંમતી દોલત લૂંટીને તેની હત્યા કરનાર લૂંટારુનો દાખલો આપ્યો. અહીં લોભથી દોરવાઈને કરેલ સ્વાર્થી વર્તન જોવા મળે છે જે અંતે તો જેનાથી તેને લાભ થાય છે તેનો જ નાશ કરે છે. બીજી ધાડપાડુ અર્થવ્યવસ્થા ખિસ્સાકાતરુ ભોગ બનેલ વ્યક્તિને જાણ પણ ન થાય તે રીતે તેને લૂંટી લે છે એ ઉદાહરણ આપીને સમજાવે છે. અહીં પણ એ લૂંટ પાછળ સ્વાર્થ મુખ્ય પ્રેરક છે જેમાં પોતે પોતાના લાભ માટે કોઈ પણ પ્રકારનો ફાળો આપ્યા વિના બીજાની મિલ્કત ઉઠાવી લેવાનું કર્મ રહેલું છે. ત્રીજો પ્રકાર સાહસયુક્ત અર્થવ્યવસ્થાનો ગણાવીને તેમણે કહ્યું કે ખેડૂત જમીન ખેડે, વાવેતર કરે, ખાતર નાખે, સિંચાઈ કરે અને પછી પાક ઉગે તેના ફળ ભોગવે છે. અહીં પોતાની મહેનત અને તેનાં ફળ પરસ્પર સંબંધિત છે, જેમાં જોખમ ઉઠાવવાની તૈયારી અને પાકથી મળતા લાભ ઉભય પક્ષને મળે. સામાજિક અર્થવ્યવસ્થાને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા સાથે સરખાવીને સમજાવવામાં આવી, કે જેના સભ્યો આખા પરિવાર, પોતાના ગામ કે સહકારી મંડળી માટે કામ કરે. આ વ્યવસ્થામાં વ્યક્તિ નિજી સ્વાર્થ માટે નહીં પરંતુ સમૂહના સહિયારા હિત માટે કામ કરતો હોય છે. છેલ્લે પાંચમો પ્રકાર સેવા પ્રધાન અર્થવ્યવસ્થામાં રાહત કાર્યો કરનારા સ્વાંયસેવકોને ગણાવી શકાય જેઓ બીજાની સલામતી અને ઉદ્ધાર માટે પોતાના હિતને પણ જોખમમાં મુકતા હોય છે. તેની પાછળ અન્ય પ્રત્યેનો પ્રેમભાવ અને કોઈ પણ પ્રકારના બદલ વિના બીજાની સેવા કરવાની ભાવના જ પ્રધાન હોય છે. સેવાથી પ્રેરાયેલી અર્થવ્યવસ્થા જ અંતે અહિંસા અને શાંતિનો સંદેશ અમલમાં મુકવા પ્રેરે છે, કે જે છેવટ સ્થાયી અર્થવ્યવસ્થાનો માર્ગ કંડારી આપે છે. આ પ્રકારની વ્યવસ્થાની ખરી કસોટી કાર્યકર કશા જ લાભ વિના ફરજ બજાવે તેમાં છે.

કુમારપ્પાના મત મુજબ માનવ વિકાસના મુખ્ય ત્રણ તબક્કા છે : પ્રાચીન કે પ્રાણીનું સ્તર, આધુનિક કે માનવીય સ્તર અને વિકસિત કે આધ્યાત્મિક સ્તર. તેમની દૃષ્ટિએ પહેલી બે, પરોપજીવી અને ધાડપાડુ અર્થવ્યવસ્થા એ પ્રાણી સભ્યતાના લક્ષણો છે. બીજી બે, સાહસયુક્ત અને સામાજિક અર્થવ્યવસ્થા માનવીય સભ્યતા સૂચવે છે. તો છેલ્લી, સેવા પ્રધાન અર્થવ્યવસ્થા માનવ જાતની ઉન્નત અને આધ્યત્મિક સ્તરનું નિદર્શન કરે છે, જે આખર શાંતિ, સ્થાયી વિકાસ અને અહિંસક સમાજ તરફ પ્રયાણ કરવા દિશા દર્શાવે છે. ગાંધીજી અને કુમારપ્પાએ પોતાની જીવન પદ્ધતિ અને કાર્ય દ્વારા આપણી સમક્ષ એવી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરી બતાવ્યું કે જે માનવ જાતને એવી ઉન્નત અને આદ્યાત્મિક પીઠિકા ઉપર મૂકી આપે.

શાંતિપૂર્ણ અર્થવ્યવસ્થાના દૃષ્ટિગોચર થતાં લક્ષણો :

ગાંધીજી અને કુમારપ્પાનાં જીવન અને કાર્યમાં સત્ય અને અહિંસા એ બે સિદ્ધાંતો દીવાદાંડી સમાન હતા. અર્થશાસ્ત્રના ક્ષેત્રે પણ આ બે સિદ્ધાંતો જ માર્ગદર્શક હતા. આથી જ તો કુમારપ્પાએ કહેલું, “ગાંધીજીનું જીવન જો કોઈ એક શબ્દમાં વર્ણવી શકાય તો એ છે તેમની સત્ય અને અહિંસા પ્રત્યેની એકનિષ્ઠા. તેમના નામ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થા આ પાયાના સવાલોનો જવાબ આપવા સક્ષમ હોવી જોઈએ; શું એ અર્થવ્યવસ્થા કાયમી છે અને સમગ્ર માનવ જાતને શાંતિ અને સુખ તરફ દોરી જનારી છે?” ઔદ્યોગિક જગતની બનાવટી અર્થવ્યવસ્થા સામે કુમારપ્પાએ કુદરતી અર્થવ્યવસ્થાનો ખ્યાલ મુક્યો. તેમણે કહ્યું, “કુદરતી અર્થવ્યવસ્થા આપણા શરીરની પ્રથમિક જરૂરિયાતોને સંતોષવાના અને તેને સુચારુ રૂપે ચાલતું રાખવાના ઉદ્દેશને ધ્યાનમાં લઈને ઘડાય છે. જ્યાં સુધી આપણે આપણી જરૂરિયાતોને અન્ય માનવી અને જીવોના અધિકારો ઉપર તરાપ માર્યા વિના સંતોષીએ ત્યાં સુધી હિંસાનો કોઈ સવાલ ઊઠતો જ નથી.”

કુમારપ્પા એ કૃત્રિમ અર્થવ્યવસ્થા, કે જે ઈચ્છાઓને શત ગણી વધારવામાં માને છે અને ઉત્પાદન વ્યવસ્થા લોકોની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવાને બદલે નફાખોરી પર આધાર રાખનાર બનાવે  તેના પ્રખર ટીકાકાર હતા. આવી અર્થવ્યવસ્થાને અતિ વિશાળ બજારની જરૂર પડે, જે રાજકીય વર્ચસ્વ થકી જ મેળવવું શક્ય બને જેને કારણે હિંસા અને જબરદસ્તીથી સંસ્થાનો ઉપર કબજો જમાવવાની સંભાવના રહે. તેઓ ઇચ્છતા કે વધારાનું ઉત્પાદન એટલા જ પ્રમાણમાં હોવું જોઈએ જે બીજા દેશ સાથે પરસ્પર વિનિમય પૂરતું હોય. ‘હિન્દ સ્વરાજ’માં દર્શાવેલા ગાંધીજીના વિચારોને અનુસરીને કુમારપ્પાના વિકાસ અંગેના વિચારો ઘડાયેલા. તેઓએ કહેલું કે માત્ર ભૌતિક સમૃદ્ધિ જ માનવીના જીવનમાં આનંદ અને સુખ પેદા નથી કરી શકતા. સતત ઊંચા જતાં જીવનધોરણને  પહોંચી વળવા કામ કર્યે જતા લોકો મૃગજળ પાછળ દોડતા ભાસે છે, જે તેની પાછળ અસંતોષની પગદંડી છોડી જતા હોય છે. તેથી તેમણે  જીવનની મૂળભૂત જરૂરિયાતોને સંતોષે તેવા સાદા જીવનની મક્કમપણે ભલામણ કરી. તેમણે લખ્યું, “આ પરિભાષા ‘જીવનનું ઉચ્ચ ધોરણ’ એ મોટે ભાગે અમર્યાદ ઇચ્છાઓથી દોરવાઈને જીવાતા જીવન માટે વપરાતો શબ્દ છે, અને તેને જીવનની ગુણવત્તા સાથે કોઈ નિસબત નથી હોતી. એ વ્યક્તિના જીવનના ભૌતિક વસ્તુઓની માલિકીના જથ્થાનું નિર્દેશન કરે છે. આથી આ સ્થિતિને વર્ણવવા માટે ‘જટિલ જીવન’ અને ‘સાદું જીવન’ જેવા શબ્દો વાપરવા જોઈએ; નહીં કે ‘ઉચ્ચ’ અને ‘નીચું’ જીવનધોરણ. એટલે કે આપણે લોકોને ઉચ્ચ જીવન ધોરણ પૂરું પાડવું જોઈએ જે સાદું જીવન હોય.”

કુમારપ્પાએ વધુમાં વધુ પ્રમાણમાં માનવ સ્રોતનો ઉપયોગ કરવાની ભલામણ કરેલી, કેમ કે આપણા દેશમાં અસંખ્ય હાથોને કામ આપવાનું છે અને અગણિત મુખને પોષવાના છે. આથી જ ગાંધીજીના સક્રિય સહકારથી તેમણે અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ અને અખિલ ભારતીય ચરખા સંઘ દ્વારા પ્રજાહિતને અનુકૂળ હોય તેવી ઉત્પાદન વ્યવસ્થાની રચના કરી. એ વ્યવસ્થામાં પ્રાકૃતિક સમતુલાને હાનિ પહોંચાડ્યા વિના વધતી જતી જનસંખ્યાને મહત્તમ સંખ્યામાં રોજગારીની તકો પૂરી પાડી શકવાની સંભાવના રહે. આવી અર્થવ્યવસ્થા વિકેંદ્રીકરણના સિદ્ધાંત પર રચાયેલી હોય, જેને ગાંધીજીએ જથ્થાબંધ ઉત્પાદનને બદલે સંખ્યાબંધ લોકો દ્વારા થતું ઉત્પાદન તરીકે ઓળખાવેલી. તેમનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે પશ્ચિમની આધુનિક ઉત્પાદન વ્યવસ્થા શસ્ત્રો બનાવવાની પદ્ધતિ ઉપર આધારિત છે, જ્યારે જરૂર છે શાંતિપૂર્ણ પદ્ધતિથી વિકસેલા ઉદ્યોગોની. કુમારપ્પા વધુ પડતા કેન્દ્રિત અને યાંત્રિક પદ્ધતિના સખત વિરોધી હતા, કેમ કે તેના શ્રમવિભાજનની રીતને પરિણામે કારીગરોની ક્રિયાશીલતા નષ્ટ પામે છે અને તેને પોતાના સર્જન કરેલ માલથી વિખૂટો પાડી દે છે. કુમારપ્પા ગાંધીજી જેટલા યંત્રોના એટલા સખત વિરોધી હતા તેમ ન કહી શકાય. તેઓ કારીગરોને કમ્મરતોડ મજૂરીમાંથી રાહત આપે તેવા યંત્રોની ભલામણ કરતા, જેથી એ લોકોને જીવનના થોડાં ઉચ્ચ મૂલ્યો વિષે વિચાર કરવાનો સમય મળે. જો કે ગાંધીજીની માફક તેઓનો અભિગમ પણ વ્યવહારુ હતો અને તેથી જ તેમણે તમામ પ્રકારના મોટા પાયાના ઉદ્યોગોને નકારી નહોતા નાખ્યા. તેમણે લખ્યું, “કેટલીક એવી વસ્તુઓ છે જેના ઉત્પાદનમાં મોટા પાયાના ઉદ્યોગો ઉપયોગી થઈ પડે. એવા ઉદ્યોગોનો સદંતર નાશ થાય તેવું ન કહી શકાય. તેનો ઉપયોગ એક અનિવાર્ય અનિષ્ટ તરીકે થવો રહ્યો. ઔદ્યોગીકરણના ફળસ્વરૂપ મોટા ઉદ્યોગોથી પેદા થયેલ માલને કબાટમાં ‘આ ઝેરી છે’ એવા લેબલ સાથે મુકવા. મોટા પાયાના ઉદ્યોગો રાજ્યના અંકુશમાં રહેવા જોઈએ, નહીં કે ખાનગી માલિકીના, અને નફાના હેતુથી નહીં પણ લોકોની સેવા ખાતર ચાલવા જોઈએ. આપણે એવી વ્યવસ્થા ઊભી કરીશું જેમાં મોટા પાયાના ઉદ્યોગોને પણ સ્થાન હોય. આપણા ઔદ્યોગિક ક્ષેત્રની સમીપ મોટા પાયાના ઉદ્યોગો મુકીશુ અને કેન્દ્રિત ઉદ્યોગોનો ઉપયોગ અનિવાર્ય હશે ત્યાં જ કરીશું. એવા કેન્દ્રિત ઉત્પાદક ઉદ્યોગોનો ઉપયોગ ખાસ મર્યાદિત હેતુસર જ થવો જોઈએ, નહીં કે કોઈ એક વ્યક્તિના ધન કમાવા માટે કે દેશને બિનજરૂરી વસ્તુઓથી ભરી મુકવા માટે. 

કુમારપ્પાને મૂડીવાદ અને સામ્યવાદના ઉત્તમ અંશોને સંમિલિત કરે  તેવી આર્થિક વ્યવસ્થાનું દર્શન થયું હતું. તેમનો હેતુ વ્યક્તિમાં રહેલ બુદ્ધિ પ્રતિભા અને શક્તિનો વિચાર અને વાણીની સ્વતંત્રતા આપીને સાચી દિશામાં ઉપયોગ કરવાનો હતો જેના દ્વારા વિકેન્દ્રિત વ્યવસ્થામાં જીવનની મૂળભૂત જરૂરિયાતોનું ઉત્પાદન થઇ શકે. તેમણે લખ્યું, “આપણે કોઈ પણ પદ્ધતિમાં જે કઇં હિતકારી હોય તે બચાવી લેવું અને અહિતકારી હોય તે ફગાવી દેવું જોઈએ. આપણે મૂડીવાદ અને સામ્યવાદને આ અભિગમથી જોવા જોઈએ. બંનેમાં સારાં અને નબળાં પાસાં છે. મૂડીવાદમાં નફો કરવાનું પ્રેરક બળ વ્યક્તિને દરેક પરિસ્થિતિને પોતાના લાભ માટે ઉપયોગ કરવા પ્રેરે છે, પછી ભલે તે સમાજ માટે હાનિકર્તા હોય. આ પદ્ધતિનો લાભ એ છે કે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ અને શક્તિનો પોતે ઈચ્છે તે દિશામાં અને તેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકે છે. આ હાલતને કાબૂમાં રાખવા સામ્યવાદીઓ બીજા અંતિમ છેડે પહોંચ્યા. તેમણે નફાનું પ્રેરક બાલ સદંતર દૂર કર્યું. તેમની પદ્ધતિમાં એક આદર્શ સમૂહ આખા દેશ માટે કાર્યની યોજના બનાવે અને વ્યક્તિઓ તેમાં શા માટે જોડાય તે નહીં વિચારવાનું, પણ લોકો તેમાં કામ કરવા જોડાય, નહીં તો મૃત્યુને ભેટે એવો ન્યાય છે. આપણે આ બંને અંતિમ વિચારધારાઓથી બચવું જોઈએ. પહેલા ઉદાહરણમાં વ્યક્તિવાદ ઉગ્રપણે દેખા દે છે; તો બીજા પ્રકારમાં માણસનું વ્યક્તિત્વ તદ્દન ભાંગીને ભુક્કો થઇ ગયેલું જણાય છે. જ્યારે પહેલું દૃષ્ટાંત અમર્યાદ વ્યક્તિગત લોભ ઉપર આધારિત છે, તો બીજું વર્ગ પ્રત્યેની નફરતને પોષે છે. 

કુમારપ્પા મધ્યમ માર્ગને અનુસર્યા. ઉત્પાદન ક્ષમતા રાજ્યના તાબામાં મૂકીને ક્રમશઃ ખાનગી માલિકી ઉપર કાપ મુકવો અને એ રીતે તેઓને વ્યક્તિગત સાહસનો સમાજની સહિયારી મિલકત સાથે સમન્યવ કરવો હતો.

લેખક, સિબ્બી કે. જોસેફ આ લેખનું સમાપન કરતાં જણાવે છે કે યુ.એન.દ્વારા ઘડી કાઢવામાં આવેલા સંપોષિત વિકાસના લક્ષ્યાંકો કરતાં ગાંધી-કુમારપ્પાનો વિકાસનો નમૂનો વધુ વ્યાપ અને ઊંડાણ સૂચવે છે. યુ.એન.ના લક્ષ્યાંકોમાં ખામી એ છે કે તેમાં આ પ્રશસ્ય લક્ષ્યાંકો કેઈ રીતે સિદ્ધ કરવા તેની માર્ગદર્શિકા નથી પૂરી પાડી, કે નથી એ હાલની પદ્ધતિથી કંઈ વિશેષ અલગ કાર્યસૂચિ આપતા. એમ માનવામાં આવે છે કે વિકાસની વર્તમાન પદ્ધતિને ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે ગમે તેમ વાળી શકાય તેમ છે, જેનાથી દરેક દેશની અંદર અને વિભિન્ન દેશો વચ્ચેની અસમાનતા દૂર થશે. અસમાનતા સદંતર દૂર કરવાની કે ભવિષ્યમાં ફરી એ પ્રવર્તમાન ન થાય તેની કોઈ જોગવાઈ તેમાં નથી. જ્યારે ગાંધી-કુમારપ્પાએ સંપોષિત વિકાસનો એવો નમૂનો પૂરો પાડ્યો, જે પર્યાવરણ અને કુદરતનો પૂરો ખ્યાલ કરે, મોટી સંખ્યામાં લોકોને રોજગારીની તકો પૂરી પાડે, આર્થિક અને સામાજિક અસમાનતાની ભવિષ્યમાં પણ સંભાવના ન રહે, માનવી આરામદાયી જીવન જીવી શકે તેવી સમાજરચના ગોઠવવી અને ઊંચાં આધ્યાત્મિક મૂલ્યો કેળવીને ઉચ્ચ સ્તરના માનવીય વિકાસ તરફ કૂચ કરવાનું શક્ય બને. ગરીબી અને ભૂખમરો એ હાલની આર્થિક પદ્ધતિની આડપેદાશ છે, તેથી તો એ સંપોષિત વિકાસના લક્ષ્યાંકોના મહત્ત્વના ઘટકો છે. ગાંધી-કુમારપ્પાએ જે વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા ચીંધેલી તેનો એમાં સમાવેશ નથી થયો. 

mkgandhi.orgમાં પ્રકાશિત થયેલ ગાંધીઅન સ્ટડીઝ ગોપુરી – વર્ધાના ડીન પ્રૉફેસર સિબ્બી કે. જોસેફ લિખિત લેખનો ભાવાનુવાદ — અનુવાદક : આશા બૂચ 

e.mail : 71abuch@gmail.com

Loading

11 December 2021 admin
← મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [4]
માનવજાતને અસંમતિ દ્વારા ફાયદો થયો છે કે નુકસાન ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved