ચાલો અમેરિકા … કેટલાક બનાવો (3)
રાઇટર-ઇન-રેસિડેન્સ એટલે યુનિવર્સિટીમાં નિવાસીલેખક. જાણકાર વ્યક્તિને યુનિવર્સિટી પોતાને ત્યાં બોલાવે અને તેનો વિદ્યાકીય લાભ અંકે કરે તે. બોલાવતાં પહેલાં યુનિવર્સિટીએ જેમ મારી પાસે મારો ‘કરિક્યુલમ વીટે’ મંગાવેલો તેમ બીજા પાંચ-છ ગુજરાતી સાહિત્યકારો પાસે ય મંગાવેલો. એમાંથી મારી પસંદગી થઈ એથી મને અનહદ આનન્દ થયેલો.
ભારતમાં સાહિત્યકાર વ્યક્તિનું ગૌરવ કરવાનો જાણીતો તરીકો એ છે કે એને ઇનામ-અકરામ આપવાં, ચન્દ્રકો આપવા, ઍવૉર્ડ્ઝ આપવા. પરન્તુ દેશના દરેક ક્ષેત્રમાં છે એમ એ બધી નવાજેશોમાં પણ નાનુંમોટું રાજકારણ જરૂર છે.
એટલે મને નિવાસીલેખક રૂપે અને એવા સાવ ચોખ્ખા સન્માનથી સારું લાગ્યું હતું. વિદેશી યુનિવર્સિટી વડે થયેલી મારી એ પસંદગી, માત્ર ગુણવત્તાને ધોરણે હતી એટલે હું એને ખાસ્સું મૂલ્ય આપી શકેલો. મને કે મારા નામને જોયા વિના, માત્ર મારાં પેપર્સ જોઇને, એટલે કે માત્ર મારા કામને જોઇને થયેલી એ પસંદગી સાચે જ ચોખ્ખી વસ્તુ હતી.
મને કોઈ કોઈએ પૂછેલું – તમારે ત્યાં જઈને શું કરવાનું? આમ તો કંઈ નહીં ! સમજો, વરસોથી કરતા આવ્યા છીએ એ ! સાહિત્યકલા વિશે વ્યાખ્યાનો વાર્તાલાપો ગોષ્ઠીઓ ને ચર્ચાઓ. પણ એ બધું મારે ગુજરાતી તેમ જ ભારતીય સાહિત્યો અંગે કરવાનું હતું. ખાસ તો એ બધું મારે અમેરિકન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય શ્રોતાજનો સમક્ષ કરવાનું હતું. એટલે કે, એવી વ્યક્તિઓ આગળ કે જેમને ભારતીય સાહિત્ય વિશે ઠીકઠીક ખબર હતી અને ગુજરાતી સાહિત્ય વિશે સાવ જ નજીવી ખબર હતી.
મારી કારકિર્દીમાં બે બાબત ખાસ મારા ધ્યાનમાં આવી છે :
એક તો એ કે લગભગ હમેશાં મેં એવા ઑડિયન્સને સમ્બોધ્યું છે જેને તે-તે વ્યાખ્યાનવસ્તુની આછીપાતળી જ જાણ હોય. ઘણીવાર તો એમણે વિષયનું માત્રનામ સાંભળ્યું હોય.
બીજું, મારી ૫૬થી વધુ વર્ષની કારકિર્દીમાં મને અનેક વાર અઘરા વિષયો સોંપાયા છે. દરેક વાર મેં શિંગડાંભીડ વેઠી છે – ડાયલેમા. વાતને સરળતાથી રજૂ કરવાનું વિચારું તો જમણી બાજુનું શિંગડું વાગે – કહે કે, વિષયને અન્યાય કરી બેસીશ. અને જરાક પણ અઘરું કહેવાની લાલચ થાય તો ડાબી બાજુનું શિંગડું વાગે – કહે કે, સભા બોર થઇ જશે. એટલે મારે જમણું કે ડાબું એકેય શિંગડું ન વાગે એવા વચલા રસ્તા લેવા પડે છે.
ફિલાડેલ્ફીઆને કદાચ લાડમાં ‘ફિલા’ કહે છે અને યુનિવર્સિટી ઑફ પેન્ન્સીલ્વેનિયાને ‘પૅન્ન’ કહે છે. અનેક અમેરિકન યુનિવર્સિટીઓમાં ‘ડિપાર્ટમૅન્ટ ઑફ સાઉથ એશિયા સ્ટડીઝ’ હોય છે. એને ટૂંકમાં ‘ઍસેઍસ’ કહે છે. પૅન્નમાં પણ એ છે. હું એ ડિપાર્ટમૅન્ટમાં જ ગયેલો. એમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા સહિતના લગભગ બધા દક્ષિણ એશિયાઇ દેશોનાં ભાષા-સાહિત્યો અને સંસ્કૃતિ-સભ્યતાઓનાં અધ્યયન અને અધ્યાપન થતાં હોય છે. અમેરિકામાં વસતા ઘણા ગુજરાતી / ભારતીયો આ વાતથી ભાગ્યે જ વાકેફ હોય છે.
સામાન્ય સમજ એવી છે કે યુરપ-અમેરિકા વિજ્ઞાન-ટૅક્નોલૉજી ભણવા માટે છે. એમ પણ માન્યતા છે કે અમેરિકા તો ઇજનેરો ને દાક્તરો માટે જ છે. પણ આ સમજ અધૂરી છે. અનેક અમેરિકન યુનિવર્સિટીઓ ભાષા-સાહિત્યનું શિક્ષણ આપે છે. એમને ત્યાં ઍસેઍસ હોય છે. એમને ત્યાં તુલનાત્મક સાહિત્ય-અધ્યયન માટેનાં ‘ડિપાર્ટમૅન્ટ ઑફ કમ્પેરેટિવ સ્ટડીઝ’ પણ હોય છે. ટૂંકમાં, લગભગ બધી જ માનવવિદ્યાઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં શીખવાય છે, સુન્દર રીતે શીખવાય છે.
પરન્તુ ભારતવાસીને પરદેશ જવાનું થાય એટલે જાણે સાત કોઠાનું યુદ્ધ લડવાનું થાય :
પાસપોર્ટ ન હોય તો કઢાવવાનો; અવધિ પૂરી થઇ ગઇ હોય તો રીન્યૂ કરાવવાનો.
સ્પૉન્સર-લેટર સહિતનાં વિઝાપેપર્સ તૈયાર કરવાનાં, એ પણ મોટું કામ.
પછી વિઝાને માટેના ઇન્ટર્વ્યૂની નિર્ણાયક તાવણીમાંથી પસાર થવાનું – વિઝા મળે ખરા, ન પણ મળે.
ઍરટિકિટો ખરીદો, પોતાને અનુકૂળ તારીખોની ખરીદો. એ વરસોમાં તો એ ટિકિટોને રી-કન્ફર્મ્ડ કરાવવી પડતી.
ત્યારબાદ, ભેટસોગાદો અને કપડાં ખરીદવાનાં. બૅગ ભરવાની પણ સામાનને વત્તોઓછો કરીને વજનની સ્ટાન્ડર્ડ લિમિટ મુજબનો કરવાનો.
બૅગેજીસમાં કે હાથ પરની ઍટેચીમાં ભરાય એથી પણ વધારે ભરવાના કામને પણ હું તકલીફવાળું કામ જ ગણું છું.
આપણે ગુજરાતીઓ એકબીજાને બરાબર ઓળખીએ છીએ એટલે કહું કે ઠાંસી ઠાંસીને ભરવું એટલે શું તે તો કોઇ આપણી પાસેથી જ શીખે !
સીધોસાદો ભલોભોળો ગુજરાતી અમેરિકા જાય ત્યારે તે વખતના નિયમ પ્રમાણે ૩૨-૩૨ કિલોગ્રામની બે બૅગેજીસ અને યુરપ જાય ત્યારે ૨૦ કિલોગ્રામની એક એવી ભરે કે ઍરપોર્ટવાળાનો કાંટો દરેકમાં ૪-૫ કિલો તો વધારે જ બતાવે.
Pic Courtesy : alamy
એટલે, બધું એકદમનું માપનું કરવા બૅગેજીસના પટારા ખોલીને કુટુમ્બ આખું ભૉંયે બેસીને ઘાંઘાની જેમ વસ્તુઓની કાઢ-ઘાલમાં જે મંડ્યું હોય, બીજા પૅસેન્જરો અવાક જોતા રહી જાય.
મારી ઍકમ્પનિન્ગ પાર્ટનર તરીકે પત્ની રશ્મીતાને આવકારતાં અમેરિકન યુનિવર્સિટીને કશો વાંધો પડેલો નહીં, પણ અમદાવાદની VFS ઑફિસની ગુજરાતી બહેને ટૅક્નિકલ પ્રશ્ન કરેલો. કહે કે – રશ્મીતા તમારાં પત્ની છે એ વાતનું પ્રુફ શું? છે કાંઇ?
મને ૬૩ની વયે પ્હૉંચેલાને એ સાંભળીને અચરજ ન્હૉતું થયું કેમ કે હું જાણતો હતો કે એ બેન એમના નિયમની વાત કરી રહી છે. પણ એને બોલતાં ન્હૉતું આવડ્યું.
ઘડીભર મને સૂઝ્યું નહીં કે શું કહેવું. જરા વાર પછી મેં પૂછ્યું – પ્રૂફમાં શું જોઇએ તમારે? તો કહે – મૅરેજસર્ટિ લાવો, મૅરેજના ફોટા પણ ચાલશે. એટલે પછી અમે દાદા-દાદીની કોટિએ પ્હૉંચેલાં પતિ-પત્નીએ ઘરમાંથી મૅરેજ-સર્ટિફિકેટ અને ફોટા શોધી કાઢ્યાં ને બીજે દિવસે રજૂ કર્યાં.
૩૭ વર્ષ પહેલાંનાં એ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા જોતાં અમને નવેસર સમજાયું કે અમે કાયદેસરનાં પતિ-પત્ની જ છીએ અને એકમેકને કમ્પની આપવાની અમારી લાયકાત પણ કાયદેસરની જ છે.
એ ઑફિસરબેનને મનોમન તો થયું જ હશે કે આ જોડું સાચું જોડું જ છે. પણ નિયમ એટલે નિયમ : તમારી પત્ની ન હોય એવી અન્ય કોઇ મનગમતી સ્ત્રીને તમે અમેરિકા લઇ જાઓ તો …?…
= = =
(December 9, 2021 : Amedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર