Opinion Magazine
Number of visits: 9448928
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂલ્યાંકનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇવૅલ્યુએટરી સ્ટેટમૅન્ટ્સ :

સુમન શાહ|Opinion - Literature|1 November 2021

નૉંધ : આ લેખ અનિવાર્યપણે દીર્ઘ છે. વિનન્તી છે કે ધીરજ પ્હૉંચે ત્યાંલગી જ વાંચવો. 

કૃતિને ચોપાસથી નીરખીને વર્ણવી શકાય છે. ઊંડાણથી સમજવા એનું અર્થઘટન કરી શકાય છે. એની આવશ્યક સમજૂતી આપી શકાય છે. એ દરેક પ્રસંગે વિવેચકને કૃતિ સીધી મદદમાં આવે છે. પરન્તુ મૂલ્યાંકન વખતે કૃતિ વિવેચકને એવી કશી સીધી મદદ કરે છે ખરી?

કૃતિ કે આ દુનિયાની કોઈ પણ ચીજ પોતે જ પોતાના મૂલ્યાંકન માટે બીજાને શું કામ મદદ કરે?

એ મદદ તો મૂલ્યાંકનકારે, વિવેચકે, પોતાની પાસેથી મેળવવાની હોય છે, મળતી પણ હોય છે. એ રીતે કે એણે કૃતિનું ભાવન કર્યું હોય, કૃતિના રસવિશ્વને પામ્યો હોય, કૃતિનો એને કલાનુભવ મળ્યો હોય, લેખકના લેખન / સર્જનકર્મ માટે એને માન થયું હોય.

વગેરે ભૂમિકાએ ઊભો રહીને એ કૃતિની પ્રશંસા કરવા, કૃતિની સારી સારી વસ્તુઓનાં વખાણ કરવા, તલપાપડ થઈ ગયો હોય છે. એનો એવો બહુવિધ મનોભાવ એને કૃતિનું મૂલ્ય આંકવા તેમ જ એ મૂલ્યને જાહેરમાં મૂકવા મજબૂર કરી મૂકે છે.

અને ત્યારે સાહિત્ય અને કલાના સૌન્દર્યને વિશેનું એનું જ્ઞાન એની મદદે આવે છે. ત્યારે એને મૂલ્યાંકનનાં ઉપકારક ધોરણો અને માપદણ્ડ દેખાવા લાગે છે, અને એ મૂલ્યાંકનપરક વિધાનો કરવા માંડે છે.

વાતનો સાર એ પકડવાનો છે કે મૂલ્યાંકન માટે કૃતિના કલાનુભવનું અનર્ગળ મહત્ત્વ છે. એના અભાવે મૂલ્યાંકન થાય જ નહીં, કર્યું હશે તો ફિસ્સું રહી જશે; ફોગટ અને હાસ્યાસ્પદ નીવડશે.

વત્તેઓછે અંશે બધી જ સાહિત્યકૃતિઓમાં, અને સર્વોત્તમ મનાયેલી સાહિત્યકૃતિઓમાં તો ખાસ, સ્થાપત્ય શિલ્પ ચિત્ર અને સંગીતના, એ લલિત કલાઓના, ગુણ ભળ્યા હોય છે. કેટલાક વિદ્વાનોએ તો સાહિત્યને બધી લલિત કલાઓથી ચડિયાતી ગણી છે. સમજવાનું એ છે કે સાહિત્ય એક કલા છે, અને તેથી, કલાને મૂલવવા માટેના માપદણ્ડ સાહિત્યને પણ એટલા જ લાગુ પડે છે, જેટલા કોઈ પણ કલાકૃતિને લાગુ પડે છે.

કોઈ પણ વસ્તુ કે સાહિત્યકૃતિ સુન્દર કેમ લાગે છે? કેમ કે સૌન્દર્ય, રેખા સરખાઇ ભાત સપ્રમાણતા સૌષ્ઠવ સંરચના રચના સંતુલન સંયોજન કદ ઘાટ વગેરે ગુણોનું પરિણામ હોય છે. કોઇ પણ સુન્દરીને કે કોઇ પણ રૂપાળા પુરુષને ચિત્તમાં લાવો, સમજાઈ જશે.

એ ગુણોના સર્જનાત્મક સંયોજનથી પ્રભવેલા સૌન્દર્યને કારણે કૃતિ કલા ઠરે છે અને રસ રૂપે અનુભવાય છે, જીવને આનન્દ થાય છે. એટલે, એ ગુણોને સર્વકાલીન માપદણ્ડ કહેવા જોઈશે. એ ગુણોની તપાસથી જ સાહિત્યકલાને મૂલવી શકાય, એમ સ્વીકારવું જરૂરી છે. એમ કહેવાય છે કે કૃતિને મૂલવવા માટેના માપદણ્ડ કૃતિમાં જ હોય છે. એ સાચું છે, પણ એ માપદણ્ડ સર્વકાલીન હોય છે કેમ કે ત્યારે કૃતિના કલાસૌન્દર્યનું માપ આપતા હોય છે.

વિવેચનને હું વરસોથી ત્રિ-ધરી વ્યાપાર કહું છું – કર્તા – કૃતિ – ભાવક. કોઈ પણ વિવેચન એ ત્રણથી સંભવે છે, ઉપરાન્ત, એ ત્રણની અથવા કોઈ એક કે બે-ની વાત કર્યા કરે છે.

વિવેચકે એ દરેકના ગુણદોષ દર્શાવવા જરૂરી હોય છે. કર્તાનું કે કૃતિનું એકલું ગુણદર્શન કરવાની ના નથી પણ એ વસ્તુલક્ષી હોવું જોઈશે, ભાટાઈ ન બની બેસે તે જોવું જોઈશે. હું તો એમ પણ માનું છું કે કર્તાના અને કૃતિના દોષ પૂરા વિવેકથી પુરવાર કરાયા હોય, તો એ પણ એક સાચું મૂલ્યાંકન જ છે.

મૂલ્યાંકનમાં કર્તાને મુખ્ય રાખીએ ત્યારે એના સામાજિક-રાજકીય મોભાને ગૌણ ગણવો જોઈશે, અને સાહિત્યકાર તરીકેના વ્યક્તિત્વને, એના રાઇટરલિ કૅરેક્ટરને, ધ્યાનમાં લેવું જોઈશે. લેખન / સર્જનના એના સામર્થ્યને, એની શૈલીને, લક્ષ્ય કરવાં જોઈશે. એની કોઇ એક સિદ્ધિને વારંવાર જરૂર બિરદાવવી જોઈએ, પણ ત્યારે દરેક વખતે એમાં કંઈક જુદું જોવાનો અને મૂલ્યાંકનમાં કંઈક નવું ઉમેરવાનો વિવેચકે ઇરાદો રાખવો જોઈશે. વિવેચન રેઢિયાળ અને વાસી ન હોઈ શકે.

મૂલ્યાંકનમાં કૃતિને મુખ્ય રાખીએ ત્યારે એનાં અંગોપાંગને અને અંગોપાંગનાં સૌન્દર્યોને નીરખવાં જોઈશે. કૃતિને શક્ય બનાવનારા લેખન / સર્જનકર્મને વીગતવાર વર્ણવવું જોઈશે. ભાષા શી રીતે કાર્યસાધક સાહિત્યભાષા બની તે પણ સદૃષ્ટાન્ત કહેવું જોઈશે.

દાખલા તરીકે, ‘તે આ જાય શકુન્તલા …’ પંક્તિમાં એના છન્દોલયે કાવ્યાર્થ અંગે શો ભાગ ભજવ્યો તે કહેવું જોઈએ. સમજાશે કે દીકરીની વિદાયના પ્રસંગે સ્વજનો અને મિત્રો વ્યથા લાચારી તેમ જ કિંચિત્ સંતોષ અનુભવતાં હોય તે બધું એ પંક્તિમાં રસપ્રદ રીતે આકારિત થયું છે. પંક્તિનું લયાનુસારી પઠન અને તેનું ભાવવાહી ગાયન કરવાથી આ હકીકતની પ્રતીતિ થશે.

મૂલ્યાંકનમાં ભાવકને કેન્દ્રમાં લાવીએ ત્યારે એનાયે રાજકીય-સામાજિક મોભાને નહીં પણ એના રીડરલિ કૅરેક્ટરને મહત્ત્વ આપવું જોઈશે. પણ આ સ્થાને, મૂલ્યાંકનની વાતમાં થોડું જુદું ઉમેરાય છે.

જુઓ, સાહિત્યકલાનું ઉપાદાન શબ્દ છે. પણ બીજી લલિત કલાઓનાં ઉપાદાનથી શબ્દ ઘણો જ ઘણો અર્થસભર છે. કૃતિનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવે છે, એ અર્થ સાથે અને એ અર્થ ઉપર લેખકે / સર્જકે કામ કર્યું હોય છે અને કૃતિસમગ્રનો એક આગવો અર્થ સરજ્યો હોય છે.

પણ ત્યારે ભાવકનું રીડરલિ કૉમ્પિટન્સ – સામર્થ્ય – વચ્ચે આવે છે, અડે-નડે છે, ચૉક્કસ ભૂમિકા ભજવે છે. બને છે એવું કે, દાખલા તરીકે, નારીવાદી કોઈ કૃતિનો સમગ્રદર્શી અર્થ નારીન્યાયતરફી હોય તો અમુક ભાવકોને માફક નથી આવતો, અસ્વીકાર્ય લાગે છે. અમુકને એ જ કારણે માફક આવે છે, સ્વીકાર્ય લાગે છે. દાખલા તરીકે, ઈશ્વરની કૃપાની સ્તુતિ કરતું કાવ્ય, સંભવ છે કે નિરીશ્વરવાદીઓને અનુકૂળ ન આવે, ઈશ્વરવાદીઓને મનભાવન લાગે.

એ કારણે, વિવેચકે કૃતિના બધા જ સંભવિત અર્થોને ખુલ્લા રાખવા જોઈશે, મૂલ્યાંકનને પણ ઓપન-ઍન્ડેડ રાખવું જોઈશે. ત્યારે વિવેચક જો પોતાને પ્રતીત થયેલા મૂલ્યાંકનને જ વળગી રહે, ફાઇનલ કરી દે, તો તે અયોગ્ય છે. વિવેચનમાં વિવેકી રહેવાય, હઠીલા ન થવાય.

બૉદ્લેરે ઊંધું કહેલું. આગ્રહથી કહેલું કે વિવેચન જુસ્સાદાર અને રાજકીય રંગ દર્શાવનારું હોવું જોઈએ. વિવેચકે વિશિષ્ટ દૃષ્ટિબિન્દુ અપનાવવું જોઈએ. એથી ક્ષિતિજવિસ્તાર થશે. એમના કહેવાનો સાર એટલો જ હતો કે વિવેચક પક્ષકાર હોવો જોઈએ.

બૉદ્લેરનો આ મત હું નથી સ્વીકારતો. કેમ કે રાજકીય રંગ તો પ્રતિ-પક્ષકારોને પણ તેડી લાવે અને પછી ખૂંખાર વૈચારિક વિવાદ શરૂ થાય. મનુષ્યો વચ્ચે વિષનાં બી પણ વવાય. રીસન્ટ વાયરલ છે કે એક મુખિયાએ ઉપમુખિયાને કહ્યું – તારામાં એવું ઝેર ભર કે સામાવાળો તને અડતાંમાં જ ચિત્ થઈ જાય …! પેલો બઘવૈ ગયેલો.

વિવાદમાં તો એવું કે દરેક પક્ષના સંગાથીઓને લાગે કે પોતે સામાને કેવો પાડી દીધો – કાખલી કૂટતાં થાકે નહીં. રંગમાં આવી ગયેલો મોવડી મલક્યા કરે, બધા એની દાઢી પસવારે. ઝાંખો પડી ગયેલો મોવડી છાંછિયાં કરે, ડારા દે. પણ સાહિત્યપદાર્થ? ચૂપ બચારો !

તેમ છતાં, બિન-સાહિત્યિક લેખનો માટે પક્ષ લેવાય તે કદાચ બરાબર છે. વિવેચક સાહિત્યકૃતિની કશીક ઉચ્ચ ગુણવત્તાનો પક્ષધર બને, એ તો મોટું ગનીમત, બાકી, સાહિત્યવિવેચન મતિયાઓની બાથંબાથીને માટેનો અખાડો નથી.

કેમ કે, સાહિત્યકલાસર્જનોની મુલવણી એમ ન થાય, એ મુક્ત હોય. નહિતર, ઊઘડેલી ક્ષિતિજો પણ ડૂલ થઈ જશે. સર્જકો ભુલાઈ જશે. ભાવકો પણ પક્ષીલ થઈ જશે.

યાદ રહે કે બધાં સાહિત્યોમાં વાચકોની સરખામણીએ ભાવકો જૂજ હોય છે. જેમ સર્જકો વિના કલા ન હોઈ શકે તેમ ભાવકો વિના પણ ન જ હોઈ શકે. અને તેથી, ભાવકોની સર્વ વાતે સંભાળ લેવી વિવચકધર્મ છે.

કવિ દાવો કરે કે – મારું આ કાવ્ય સર્રીયલ છે, નાટ્યકાર દાવો કરે કે – મારું આ નાટક ઍબ્સર્ડ છે, વાર્તાકાર દાવો કરે કે – મારી આ વાર્તા દલિત સમસ્યા પર રચાઈ છે, નવલકથાકાર દાવો કરે કે – મારી આ નવલકથા કોરોનાવ્યથાને વાચા આપે છે, તો એ દાવાઓની કડક તપાસ મૂલ્યાંકનમાં ઉમેરાશે.

માણસે નવલકથા સૉનેટ ટૂંકીવાર્તા એકાંકી ગીત કે ગઝલ લખ્યાં હોય, તો એ સાહિત્યપ્રકારોનાં લક્ષણોની આકરી પરીક્ષા વધારાનો માપદણ્ડ બનશે. સરખાવી જુઓ ને – ખેલાડી સુન્દર અને રસપ્રદ રમી રહ્યો છે કે કેમ, એ પાયાની વાતની પરીક્ષા તો કરીએ જ છીએ, પણ, દાખલા તરીકે, એ જો ક્રિકેટ રમતો હોય, તો ક્રિકેટના નિયમો અને ધોરણો સાચવે છે કે નહીં તેની તપાસ પણ કરીએ જ છીએ ને !

તેમ છતાં, નિયમસરની સારી ગેમ રમનારને આપણે મોટો ખેલાડી નથી ગણતા, તેમ ૧૪ લીટીનું પાક્કું સીધુંસાદું સૉનેટ લખી પાડ્યું હોય તેને પણ મોટો કવિ નહીં કહેવાય. નાનીમોટી લાઇનોમાં કોઈ વિચારભાવને કે ગદ્યના કોઈ ટુકડાને ગોઠવી કાઢીને કરેલું લઘુ કે દીર્ઘ લખાણ અછાન્દસ કાવ્ય નથી બની જતું. છન્દ ન હોય એટલે અછાન્દસ? ના, ભૈ ના ! અછાન્દસ કાવ્યમાં બીજું ઘણું હોવું ઘટે છે.

૪ બૉલમાં, ૪ વિકેટ કે ૧ ઓવરમાં ૧ ચૉગ્ગો અને ૨ છગ્ગા ક્રિકેટના નિયમોમાં રહીને જ રમાયા હોય છે, પણ ત્યારે એ ખેલાડીની સર્જકતાનાં ફળ હોય છે. ગેમના નિયમોમાં રહીને આહ્લાદક ‘પ્લે’ કરનાર જ, લીલા કરનાર જ, મોટો ખેલાડી છે !

મારે એ જણાવવું અતિ જરૂરી છે કે મૂલ્યાંકનનો મહા શત્રુ છે, અંગતતા અથવા સબ્જેક્ટિવિઝમ.

ફ્લાવરવાઝનું હું મૂલ્યાંકન કરું છે ત્યારે વાઝને વિશેની મારી અંગતતાએથી કરું છું. પણ મને ખબર હોય છે કે વાઝનું કન્ટેન્ટ શું હોઈ શકે, તેનું ફૉર્મ શું હોઈ શકે, તેનું ફન્કશન શું હોઇ શકે. મેં વિધવિધનાં વાઝ જોયાં હોય. કેટલાંકને નાનામોટા ખરચા કરીને વસાવ્યાં હોય, વાપરી જોયાં હોય. વાઝ વિશે અધ્યયન કર્યાં હોય. વગેરે મારી બહુવિધ જાણકારીને કારણે, વાઝ સાથેના મારા સમ્બન્ધ-અનુબન્ધ અને અનુભવને કારણે, મારી અંગતતાનું બિન-અંગતતામાં રૂપાન્તર થઈ ગયું હોય છે.

એટલે, વાઝના મારા મૂલ્યાંકનમાં હું હોવા છતાં હું નથી હોતો પણ વાઝને વિશેનું મારું તેમ જ સૌનું સહિયારું વસ્તુલક્ષી જ્ઞાન હોય છે. વસ્તુલક્ષીતા અથવા ઑબ્જેક્ટિવિટી જ મૂલ્યાંકનનો પ્રાણ છે.

પરન્તુ હું જો એમ કહું કે કેટલું સરસ છે, કેમ કે મને મારા જન્મદિવસે મારી આ પ્રિયાએ આપેલું છે. ત્યારે હું સબ્જેક્ટિવ બની ગયો હોઉં છું. હું એ નથી કહેતો કે વાઝ એની કઈ ગુણવત્તાને કારણે સરસ છે. એથી એટલું જ ઠરે છે કે જન્મદિવસને નામે હું મારી પ્રિયાને વ્હાલો થવા નીકળ્યો છું.

મોટા વિવેચક કહે કે – વડોદરામાં ભણતો’તો ત્યારે મને પ્રેમાનંદનાં આખ્યાનો ગમતાં’તાં પણ અમેરિકા આવ્યા પછી બકવાસ લાગ્યાં. ત્યારે એ મુરબ્બી પોતાના ગમા-અણગમાને ધોરણ બનાવતા હોય છે.

પૂર્વોક્ત બન્ને દાખલામાં ધોરણો વસ્તુલક્ષી – ઑબ્જેક્ટિવ – નથી, સબ્જેક્ટિવ છે – અંગતતાલક્ષી. એને ધોરણો કહેવાં તે ઉદારતા છે. અંગત ગમાઅણગમા વિવેચન છે જ નહીં, અભિપ્રાયો છે, ક્યારેક તો શુદ્ધ બકવાસ હોય છે. એ મોટાએ કે કોઈએ પણ ગમા કે અણગમાનાં એવાં કારણો આપવાં જોઈએ જે પ્રેમાનંદની આખ્યાન-કલા સાથે અવિનાભાવે સીધાં સંકળાયેલાં હોય.

એવા જ મોટા કોઈ કહે કે ફલાણાભાઈ ઉમાશંકર જોશી અને સુરેશ જોષીની જોડે બેસી શકે તેવા નવપ્રસ્થાનકાર છે; બીજા કહે કે આ તો ગુજરાતના / ભારતના મોટા નવલકથાકાર છે; ત્રીજા કહે કે આ બેન બહેનોમાં સર્વોત્તમ કવિ છે; ત્યારે એ મોટાઓ જોખમ વ્હૉરી લે છે. વિવેચકે એવી મોઢા મોઢાની લાપસી ન પીરસવી જોઈએ, પોતાનાં એવાં વિધાનોને પૂરાં સમર્થિત કરવાં જોઈએ. નહિતર, ખોટા ઇતિહાસ લખાશે ને તેનું પાપ એ મોટાઓને શિરે ચડશે.

બાકી, એવું બોલતી વખતે વટ બહુ પડે છે. લોકો કહે છે – તમે ‘બકવાસ’ કહીને પ્રેમાનંદ જેવા પ્રેમાનંદને ઝાટકી કાઢ્યો, તમે જોરદાર વિવેચક છો. મોટાઓને પણ બધા નવાજવા માંડે છે, કહેતા હોય છે – તમે કેટલું જુદું કહ્યું, કેટલા જાણતલ છો. પણ એ જ લોકો શાણા હોય છે. પેલાને ઓળખી ગયા હોય છે. ખાનગીમાં કહેતા હોય છે – ભૈબંધને આગળ કરે છે – લૅણાદેણી કરે છે. કોઈ કોઈને તો એમાંનો કોઈ 'હાસ્યાસ્પદ ગાંડિયો' લાગતો હોય છે -અંગ્રેજીમાં જેને બફૂન કહેવાય છે. કરુણતા એ છે કે એ ખાનગીની ઓલાને ખબર પડતી જ નથી ને ફૂલ્યો સમાતો નથી.

કોઈ બની બેઠેલો સમ્પાદક કહે કે – તમારી રચના ટૂંકીવાર્તા નથી બનતી. એ ત્યારે, કયાં કારણોને લીધે નથી બનતી એ નથી ક્હૅતો. સ્ટ્રક્ચરાલિઝમ શી બલા છે એમ પૂછનારાઓ, પશ્ચિમના સાહિત્યવિચાર કે વાદોની વાતો બંધ કરો એમ હુકમ ફરમાવનારાઓ, એ ‘બલા’, એ ‘વાદો’, અહીં શા માટે ન હોવાં જોઈએ તેની શાસ્ત્રીય ચર્ચામાં નથી ઊતરતા.

મેં બૉદ્લેર વિશે ‘સુજોસાફો'ના ઉપક્રમે અમદાવાદમાં બે-દિવસીય પરિસંવાદ કરેલો. ત્યારે એક મિત્રે મને કહેલું – બૉદ્લેરનું અહીં ગુજરાતી સાહિત્યમાં શું કામ છે. એ મિત્ર  એમ નથી ક્હૅતા કે એ પોતાની પ્હૉંચનું બ્હારનું છે. શું કામ છે, બંધ કરો, વગેરે તૉરી બતાવવી તે સાહિત્યકલાની વાતમાં કેમ ચાલે? 

પણ ચાલે છે. કેમ કે સાહિત્યની દુનિયામાં જ આવું ઇકડમ્ તિકડમ્ નભી જાય છે કેમ કે સાહિત્યકલા જેટલું સમુદાર આ સંસારમાં કશું છે નહીં !

Picture courtesy : SheThePe

વાંચ્યા વિનાનાં બારોબારનાં લાઇક્સથી માત્ર મૈત્રી જ ટકી શકે છે. લાઇકમાં લાઇકની લિજ્જત ભળી હોય, તો સારી વાત છે. કૃતિનાં દેખાદેખીથી કરેલાં ઉભડક વખાણને પણ મૂલ્યાંકન ન કહેવાય. એકે નીવડેલા લેખકને અઘરો કહી નાખ્યો એટલે હું ય એ રે-લોલમાં જોડાઈ જઉં, મૉંફાટ ને બિનધાસ્ત ગણાઈશ – પ્રકારની મહેચ્છાથી વિવેચકપદવાંછુએ બચવું. હેટ-સ્પીચનું સ્થાન ફળિયાશેરીમાં હોય, કેમ કે ત્યાં સામાવાળો મારામારીથી વાતનો ફૅંસલો લાવી શકતો હોય છે. બાકી, ગાળાગાળીથી સાહિત્યજગતમાં મૉં ગંધાવા સિવાયનું કશું નીપજે નહીં.

ટીકા અને ટીકાની ટીકા કરનારો મોટો વિદ્રોહી જરૂર ગણાય, પણ એ બિન-ધાસ્તે તો બરાબર સમજી રાખવું જોઈશે કે વિદ્રોહ મહા મોટી વિદ્યાકીય જવાબદારી છે, અબુધના બૂમબરાડા નથી. ડ્હાવાં નાખવાથી કે બચકાં ભરવાથી સાહિત્યજગતમાં વિદ્રોહી ન થવાય. એ પ્રવૃત્તિ સરવાળે તો આત્મઘાતક પણ છે.

ખરા વિદ્રોહીઓએ તો અધ્યયનોનાં ભારોભાર અધ્યયન કરીને નવતર માર્ગ કોર્યા હોય છે, ક્ષિતિજવિસ્તાર કર્યા હોય છે, જેને સૌએ પ્રેમથી નીરખવા જોઈએ. અને, કોરાંમોરાં વખાણ જ કરવાં હોય – જાતભાતના મતલબ પાર પાડવાને – તો ભલે, પણ એમાં સાહિત્યને સંડોવો નહીં.

સાહિત્યકૃતિ એક સ્વાયત્ત અને સ્વશક્તિએ ઊભેલી હસ્તી છે, એનું સમુચિત મૂલ્ય કરીને એનો માનમરતબો જાળવવો, મનુષ્યનું કર્તવ્ય છે. કશું ન બોલો તો પણ એ કર્તવ્ય બજાવ્યું કહેવાશે. નહિતર એ, મા સરસ્વતીનું અપમાન ગણાશે.

= = =

(October 30, 2021: USA)

Loading

1 November 2021 admin
← ક્રિપ્ટો કરન્સીની આંટીઘૂંટીઃ દેખાતી નથી, પણ છે એવી ડિજીટલ કરન્સીમાં રોકાણ કરવામાં યંગ ઇન્ડિયા અગ્રેસર
આમ કે તેમ, ઇતિહાસ તમારો ન્યાય કરવાનો →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved