સમજૂતીપરક વિધાનો વિશે કહું એ પહેલાં, ‘તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ એ પંક્તિનું અર્થઘટન કરીએ.
એક વાતની સ્પષ્ટતા : હાલ હું ખરાં કે ખોટાં અર્થઘટનોની ચર્ચામાં નથી જવા માગતો, અત્યારે તો મારે અર્થઘટન કેમ કરાય તે વિશે થોડું કહેવું છે.
દાખલા તરીકે, ’તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’-ને કેમ ઘટાવીશું?
સામાન્યજનો તો એટલું જ ઘટાવે છે કે શકુન્તલા પિયર જઈ રહી છે, સૌએ એને પરવાનગી આપવાની છે.
Apna Art Adda -WorldPress.com
જુઓ, કૃતિના અર્થઘટન વખતે એક પણ એકમને વીસરી જઈએ તે ન ચાલે, તેમ એકમના એક પણ શબ્દને વીસરી જઈએ તે પણ ન ચાલે.
આપણે આપણને પૂછવું જોઈશે : ‘તે’ એટલે કઈ શકુન્તલા? ‘આ’ તે કઈ? કવિનો કથક પંક્તિના પ્રારમ્ભમાં જ એ બે શબ્દ મૂકે છે, તો કંઈક ને કંઈક તો હશે ને એના મનમાં !
હું ‘તે’-નો અર્થ એમ ઘટાવું કે – જેનાં ગાંધર્વવિધિથી દુષ્યન્ત સાથે લગ્ન થયાં છે. એ આશ્રમવાસી કન્યા હવે પરિણીતા છે.
‘આ’-નો અર્થ ઘટાવું કે – આ એ શકુન્તલા પતિગૃહે જઈ રહી છે, જેને પ્રેમના પ્રતીક રૂપે દુષ્યન્તે વીંટી આપી છે; જેને દુષ્યન્તે લેવા આવવાનું વચન આપ્યું છે.
‘પતિગૃહે જઈ રહી છે’ એટલે? એટલે, પરિણીતા પતિના ઘરે પિયર છોડીને જઈ રહી છે.
‘આપો અનુજ્ઞા’ કેમ કહ્યું? કેમ કે, જવા વિશે શકુન્તલા દુ:ખી છે એટલે એને એમ જ નથી જવા દેવાની, એટલે કે, સૌએ એને અનુજ્ઞા રૂપી બળ આપવાનું છે.
જેઓને છોડીને જઈ રહી છે તેઓ એને આજ્ઞા નહીં કરી શકે, આદેશ કે સલાહ નહીં આપી શકે, કેમ કે એ તો કઠોરતા કહેવાય. વળી, તેઓ પણ દુ:ખી છે. જો કે, તેઓ દુ:ખી ભલે છે પણ ઍળે કે બૅળે વિદાય આપવાને સમર્થ છે, એમ ‘અનુજ્ઞા’ શબ્દથી સૂચવાય છે – અનુજ્ઞા નામની વ્યક્તિઓ સ્વભાવથી જ સૅલ્ફઍસરટિવ હોય છે !
આમ, અનુજ્ઞા એટલે સમ્મતિ, હૃદયપૂર્વકની ખરી ‘હા’. જીભ હલાવવા જેવું ઉપરચોટિયું આવજો આવજો નહીં.
‘સહુ’ કેમ? એક-બે જણાં અનુજ્ઞા આપે ને બીજાં જોયા કરે એમ નહીં, એ અનુજ્ઞામાં સૌએ જોડાવાનું છે.
આ સંશ્લિટ પંક્તિને અર્થઘટનમાં આમ વિશ્લિષ્ટ કરવી પડે છે. શબ્દ શબ્દને ખોલવો પડે છે. એવા વિશ્લેષણ વિના અર્થઘટન શક્ય જ નથી. હું તો વિશ્લેષણ અને અર્થઘટનને એકમેકનાં હરીફ ગણું છું. અર્થઘટન વિશ્લેષણને અને વિશ્લેષણ અર્થઘટનને હંફાવે …
સંસ્કૃત પણ્ડિતોએ ‘કૈશિકી વૃત્તિ અને વિશ્લેષણ’-ની કલ્પના કરી છે, જેને હિન્દીમાં ‘બાલ કી છાલ નિકાલના’ અને અંગ્રેજીમાં ‘હૅઅર-સ્પિલ્ટ ઍનાલિસિસ’ કહેવાય છે. એટલી હદે જવાની જરૂર પડે એવી જટિલ સાહિત્યકૃતિ હોય, તો જુદી વાત, બાકી, એવા વિશ્લેષણથી તો સુગરીનો માળો ફૅંદી નાખવાનું થશે – વાનરવેડા ! ડૉક્ટરે સર્જરિ કરવાની, પણ સાવધાન રહેવાનું કે વાઢકાપ દરમ્યાન દરદી બચારો મરી ન જાય !
એક જ પંક્તિનું છે તેથી આ અર્થઘટનને માઇક્રો લેવલનું કહેવું જોઈશે, વળી એ કામચલાઉ પણ છે. છતાં, એના દૃષ્ટાન્તે, એ અંકનું અને સમગ્ર નાટકનું સંગીન અર્થઘટન કરી શકાય. એ જ ન્યાયે કાવ્ય કે ટૂંકીવાર્તાના સંગ્રહનું તેમ જ નવલકથા કે કોઈપણ કૃતિનું કરી શકાય. શેનું અને કેટલું કરવું છે તે વિવેચકે જાહેર કરેલી પ્રતિજ્ઞા પર આધારિત છે.
તાત્પર્ય એ કે માઇક્રો આવડી ગયું હોય એટલે મૅક્રો આવડી જાય, પ્રૅક્ટિસનો મામલો છે. પણ યાદ રાખીએ કે સીધા મૅક્રોથી શરૂ કરીશું તો ફાવટ નહીં આવે, ગોટાળા કરી બેસીશું.
સમુચિત અર્થઘટન કૃતિના હાર્દ લગી લઈ જશે. સમુચિત અર્થઘટન આપણી સર્વસામાન્ય સમજદારીની ધાર કાઢશે ને એને વધુ ને વધુ કાર્યકારી – ફન્કશનલ – બનાવશે. પરિણામે, જીવનને વધારે ને વધારે સમજતા થઈશું. આ અર્થહીન જીવન ઘડી બે ઘડી અર્થવતું અનુભવાશે.
++
એ ગુણે કરીને સમજૂતીપરક વિધાનો કૃતિથી કૃતિ-ઇતર જવાની આપણને છૂટ આપે છે. કહું કે સાહિત્યકલાથી જીવનને સમજવાની આપણામાં સૂઝબૂઝ પ્રગટે છે.
મુખ્ય તો એ કે મેં કરેલાં અર્થઘટનોને મારા વિવેચનલેખમાં મારે સમજાવવાં જોઈશે. એ માટે પહેલું તો એ કે મને સમજ પડેલી હોવી જોઈશે.
હું આવું બધું લખી શકું :
પિતા કણ્વ અનુપસ્થિત હતા છતાં લગ્ન કર્યાનો શકુન્તલાને વસવસો હોઈ શકે છે. તેમ છતાં, કહી શકાય કે પ્રિયને પરણ્યાનું મીઠું સંવેદન પણ અનુભવતી હશે. જો કે લગ્ન એના આરણ્યક જીવનમાં આવેલું મોટું પરિવર્તન હતું, અને હવે પતિગૃહે જઈ રહી છે એ એથી પણ મોટું પરિવર્તન છે. હવે એ સમ્રાટને ત્યાં, રાજધાનીમાં, નગરજીવન જીવવાની છે.
લગ્નાયેલી યુવતીને, નવવધૂને, કોડ ઘણા હોય છે. પિયરઘરથી નીસરીને પતિઘરે, સાસરે, પ્હૉંચી જવાની એને તાલાવેલી લાગી હોય છે. કલ્પતી હોય છે, કેવું હશે. એ નવોઢાને દામ્પત્યજીવનની સ્મિતમધુર કલ્પનાઓ થતી હોય છે. એ પ્રકારે, પિયર છોડીને જવાનું એનું દુ:ખ શુદ્ધ દુ:ખ નથી હોતું, સુખદ મન એ દુ:ખની સાથે જોડાયેલું હોય છે. એ એના જીવનનો સંદિગ્ધ સમય હોય છે. એ સંદિગ્ધતાને સેવવાનું અને માણવાનું એને ગમતું હોય છે. સંભવ છે કે શકુન્તલાના મનોરાજ્યમાં પણ આવું બધું ઘટ્યું હોય.
મારે સમજાવવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં પિતાના ઘરનો અને શ્વશુરના ઘરનો કેટલો બધો મહિમા છે. લગ્નથી બે જણ તો પરણે જ છે પણ બે પરિવાર પણ પરણે છે. પરિવાર વિસ્તરે છે. લગ્નથી જોડાયેલાં બે પરિવારોનો સામાજિક આર્થિક મોભો સમાન હોય તો સારી વાત, એ અસમાન પણ હોઈ શકે છે. શકુન્તલા તો સમ્રાટની રાજ્ઞી બનશે, એથી મોટું મહિમાવન્ત શ્વશુરગૃહ શું હોય વળી !
મારે ઉમેરવું જોઈએ કે શકુન્તલા-દુષ્યન્તના દૃષ્ટાન્તમાં નાત-જાતના ભેદ નથી. આજના ભારતમાં પણ એ ભેદ ભુંસાઈ રહ્યો છે. જ્ઞાતિ-સમાજના કાયદા નથી રહ્યા. પિયર અને સાસરું એવી જુદાઈ પણ ઑસરી ગઈ છે. પણ લગ્નગ્રન્થીથી જોડાવાનું ઓછું થવા માંડ્યું છે. મુક્ત સહચારની માનસિકતા જોર પકડી રહી છે. ત્યારે શકુન્તલા-દુષ્યન્તનું દૃષ્ટાન્ત ‘અતિ’ લાગવાનો સંભવ છે. બને કે ‘આદર્શ’ પણ લાગે. વગેરે.
આ સમજૂતી પણ કામચલાઉ છે. એના દૃષ્ટાન્તે, એ અંકની અને એમ સમગ્ર નાટકની સમજૂતી આપી શકાય. એ જ ન્યાયે કાવ્ય કે ટૂંકીવાર્તાના સમગ્ર સંગ્રહની તેમ જ નવલકથા કે કોઈ પણ કૃતિની સમજૂતી આપી શકાય. એ પણ પ્રૅક્ટિસનો મામલો છે.
અલબત્ત, સમજૂતીને નામે, યાદ રાખો કે નિબન્ધ નથી લખવાનો, ના, નહીં જ ! શેની અને કેટલી સમજૂતી આપવી છે તે વિવેચકે જાહેર કરેલી પ્રતિજ્ઞા પર આધારિત છે. તેમ છતાં, એને જો અંદાજ હોય કે પોતાનો વાચક સમજદાર છે, તો એણે જરૂરી સંકેતો કરીને અટકી જવું જોઈશે. પ્રતિજ્ઞા જાહેર કરી એટલે પૂર્વપક્ષ, પ્રતિપક્ષ, વિચારવિમર્શ અને ઇતિ સિદ્ધમ્-નો મહા મોટો વિધિ હાથ નથી ધરવાનો. વિવેચક એ રૂપે પણ સમજુ હોવો જોઈશે.
હવે પછી, મૂલ્યાંકનપરક વિધાનો વિશે …
= = =
(October 26, 2021: USA)