ફિલ્મસર્જકો કરણ જોહર અને કેતન મહેતા વચ્ચે સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતા પર બાયોપિક બનાવવાની હોડ શરૂ થઇ છે. કરણના ધર્મા પ્રોડક્શને ગયા ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરી હતી કે તેણે ઉષા મહેતાના જીવન પર ફિલ્મ બનાવવાના હક્કો ખરીદ્યા છે. કરણ જોહરની કંપની એક વર્ષથી આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહી છે.
હવે, સમાચાર આવ્યા છે કે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મસર્જક કેતન મહેતાએ પણ એ જ વિષય પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ભારત આઝાદ દેશ છે, અને હું કરણને શુભેચ્છા આપું છું." કેતન મહેતાને ઉષા મહેતાના જીવનમાં રસ પડ્યો તેનું બીજું પણ એક કારણ છે. ઉષા મહેતા તેમનાં ફોઈ થાય છે. ઉષા મહેતાએ તેમના જીવનનાં અંતિમ ૨૦ વર્ષો કેતન મહેતાના પરિવાર સાથે ગુજાર્યા હતાં.
મહેતા કહે છે, "મારા ફોઈબા અમારા પરિવારની વિરાસત છે. તેમનું સન્માન થાય તે જરૂરી છે. મારા પિતા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા અને આ વિરાસત નવી પેઢીને સોંપવી જોઈએ એવું મને લાગ્યું. હું તેમની છત્રછાયામાં મોટો થયો છું. મારા દાદા બ્રિટિશ કોર્ટમાં જજ હતા, છતાં તેમણે તેમનાં સંતાનોને સ્વતંત્રતા સંગ્રામમાં જોડવાની પરવાનગી આપી હતી. આ ફિલ્મમાં પિતા-પુત્રીની વાર્તા છે."
ઉષા મહેતા કોણ હતાં એ નવી પેઢીએ જાણવા જેવું છે.
ઉષા મહેતાનો જન્મ નવસારી જિલ્લાના સરસ (ઓલપાડ) ગામમાં થયો હતો. તેમણે ૫ણ ગાંધીજીને જોયા હતા. તેમના ગામ નજીક ગાંધીજીએ એક શિબિર યોજી હતી, તેમાં ઉષા મહેતાએ ભાગ લીધો હતો. તેમણે મુંબઈમાં ભણતર લીધું હતું અને મુંબઈ ત્યારે સ્વતંત્રતાની ચળવળનું અગત્યનું કેન્દ્ર હતું, એટલે ઉષાબહેનને નાની ઉંમરથી એ લડાઈનો પરિચય થયો હતો.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એટલી મોટી ચળવળ હતી કે તેમાં નાની-નાની અનેક ઘટનાઓ લોકોની યાદદાસ્તમાં રહી નથી. એવી એક ઘટના ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના છુપા રેડિયોની હતી. ૧૯૪૨ની ભારત છોડો ચળવળ દરમિયાન, આ કાઁગ્રેસ રેડિયો ત્રણ મહિના માટે સક્રિય રહ્યો હતો. એ રેડિયો મુંબઈના વિવિધ ભાગોમાંથી ચળવળની માહિતી પ્રસારિત કરતો હતો. ઉષા મહેતા આ અન્ડરગ્રાઉન્ડ રેડિયોનાં કર્તાહર્તા હતાં.
તેની પરથી આઝાદીના સંદેશા પ્રસારિત થતા હતા. બ્રિટિશ પોલીસને ખબર ન પડે એટલે રેડિયોનું સ્થાન બદલાતું રહેતું હતું. રેડિયોને કારણે કાઁગ્રેસી નેતાઓ જનતાના સંપર્કમાં રહ્યા હતા. ગાંધીવાદી કાર્યકર ઉષા ઠક્કરે ઉષા મહેતા અને તેમના રેડિયો પર એક સુંદર પુસ્તક લખ્યું છે. તેનું નામ છે – કોંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અન્ડરગ્રાઉંડ રેડિયો સ્ટેશન ઓફ ૧૯૪૨. ઉષા ઠક્કરે એકવાર ઉષાબહેનને પૂછ્યું હતું કે, “તમે આ ચળવળમાં કેવી રીતે કુદ્યા?” ત્યારે ઉષાબહેને કહ્યું હતું, “બીજો કોઈ રસ્તો જ ન હતો. ગાંધી કી આંધી થી.”
ઉષાબહેન ત્યારે મુંબઈની વિલ્સન કોલેજમાં ભણતાં હતાં અને કાઁગ્રેસના અધિવેશનમાં હાજર હતાં. ભારત છોડો ચળવળ વખતે પ્રેસનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને ચળવળના સમાચારો લોકો સુધી પહોંચતા ન હતા. તેવા સમયમાં ઉષાબહેને સૂચન કર્યું કે લોકો સુધી વાત લઇ જવાનો એક રસ્તો રેડિયો છે.
પુસ્તકમાં ઉષાબહેનના શબ્દો છે, "મારા મિત્રો અને હું ભારત છોડો ચળવળમાં શું કરી શકાય તેની ચર્ચા કરતા હતા. એમાં રાષ્ટ્રભાષા ક્લાસના અમારા સહાધ્યાયી અને વેપારી બાબુભાઈ ખખ્ખર જોડાયા. દુનિયાના અન્ય દેશોની ક્રાંતિઓના ઇતિહાસના મારા અભ્યાસના આધારે મેં સૂચન કર્યું કે આપણે જો રેડિયો સ્ટેશન સ્થાપીએ, તો લોકોને ચળવળથી માહિતગાર રાખી શકાય. એટલે, બાબુભાઈ, મેં અને અન્ય સાથીદારોએ આઝાદીના રેડિયોનું બજેટ ઊભું કરવાનું નક્કી કર્યું. અમે બધા વિધાર્થીઓ હતા અને જીવનમાં હજુ ઠરીઠામ થયા ન હતા. અમારી પાસે માત્ર પોકેટ મની જ હતા અને એ પૈસા પૂરતા ન હતા."
તેની જવાબદારી બાબુભાઈએ ઉપાડી. તેઓ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના સંપર્કમાં હતા. લોહિયાએ રેડિયો માટે જરૂરી ફંડની વ્યવસ્થા કરી આપી હતી. સૌથી મોટો પડકાર રેડિયોની ટેકનોલોજીનો હતો. તેની તો કોઈને ખબર ન હતી. મુંબઈમાં ત્યારે નરીમાન અદરબાદ પ્રિન્ટર નામનો શીખાઉ રેડિયો ઓપરેટર હતો. ૧૯૪૦માં તેણે ગાંધીવાદી ગીતો અને આર્થિક સમાચારો પ્રસારિત કરવા આઝાદ હિન્દ રેડિયો સ્થાપ્યો હતો, પણ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશરોએ રેડિયોનાં લાયસન્સ રદ્દ કરી દીધાં હતાં. એમાં આ નરીમાન પ્રિન્ટરનો રેડિયો પણ જપ્ત થઇ ગયો અને તેને પકડી લેવામાં આવ્યો હતો.
આ પ્રિન્ટર વેપારી માનસિકતાવાળો હતો અને પૈસા ક્યાંથી બને તેની ફિરાકમાં રહેતો હતો. એના માટે એ કોઇ પણ હદ સુધી જતો હતો. આઝાદ હિન્દ રેડિયો પણ તેવી જ રીતે શરૂ કર્યો હતો. અદાલતી દસ્તાવેજો પ્રમાણે પ્રિન્ટર ઇંગ્લેંડથી રેડિયો એન્જિનિયરિંગ ભણીને આવ્યો હતો, અને ૧૯૩૯માં ભાયખલા સ્થિત બોમ્બે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટનો પ્રિન્સિપાલ બન્યો હતો. ઉષા ઠક્કર પુસ્તકમાં લખે છે કે, “એનો ભૂતકાળ બહુ સારો ન હતો, પરંતુ ઉષાબહેનના રેડિયો પ્રોજેક્ટના સભ્યોને લાગ્યું કે પ્રવર્તમાન સંજોગોમાં એ સૌથી વધુ કામ આવે તેવો હતો.”
ઉષાબહેન અને તેમની ટીમે પ્રિન્ટરને ટ્રાન્સમીટર બનાવી આપવાનું કહ્યું. તેની પાસે રેડિયોના અમુક પાર્ટ્સ હતા અને બીજા પાર્ટ્સ મુંબઈની શિકાગો રેડિયો કંપની પાસેથી ખરીદી લાવીને તેણે ૪૦-મીટર એ.એમ. ટ્રાન્સમીટર બનાવ્યો. આ રેડિયોને ચોપાટી સ્થિત સી-વ્યૂ બિલ્ડીંગમાં ગોઠવવામાં આવ્યો હતો, અને ૨૭ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ તેનું પહેલું બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓની નજરમાં ન આવી જવાય એટલે રેડિયોનું લોકેશન્સ બદલવામાં આવતું હતું.
૧૨મી નવેમ્બર ૧૯૪૨ના રોજ આ પ્રિન્ટર પોલીસના હાથમાં આવી ગયો. તે સજામાંથી બચવા માટે સાક્ષી બની ગયો અને ઉષાબહેન સહિત અન્ય સભ્યોની માહિતી આપી દીધી. ઉષાબહેનની ધરપકડ થઇ. છ મહિના સુધી તેમની પૂછપરછ થઇ. પોલીસે ઉષાબહેનને એવી લાલચ આપી હતી કે તેઓ ચળવળ છોડીને વિદેશ ભણવા જતાં રહે તો કેસ પાછો ખેંચી લેવાશે. ઉષાબહેન ટસનાં મસ ન થયાં. છેવટે તેમની પર કોર્ટમાં કેસ ચાલ્યો અને તેમને ચાર વર્ષની કેસ થઇ. ૧૯૪૬માં મોરારજીભાઈ દેસાઈ વચગાળાની સરકારમાં ગૃહ મંત્રી બન્યા, ત્યારે રાજકીય કેદીઓને છોડવાનો તેમણે જે હુકમ કર્યો હતો તેમાં ઉષાબહેન સૌથી પહેલાં બહાર આવ્યાં હતાં.
પછી તો તેમની તબિયત સારી રહેતી ન હતી એટલે તેઓ નિવૃત્ત થઇ ગયાં હતાં અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં પણ હાજર રહ્યાં ન હતાં. સમય જતાં તેમને રાજકારણથી નિરાશા થઇ ગઈ હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "અમે જે આઝાદી માટે લડ્યા તે આવી તો ન હતી. વ્યક્તિના હાથમાં સત્તા આવે તો સડો દાખલ થાય જ છે, પરંતુ અમે ધાર્યું નહોતું કે સડો આટલો જલદી ઘર કરી જશે. આ અમારાં સપનાંઓનું ભારત નથી.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 ઑક્ટોબર 2021