એક સમય હતો જ્યારે સ્ત્રી ઘર, વર કે બાળકો ને ઘરડાંમાં ખર્ચાઈ જતી ને મોટે ભાગે ઘરનો ઉંબરો ઓળંગતી નહીં. અભણ અને અજાણ હોવાને કારણે ઘરની બહાર પણ દુનિયા છે એ તરફ બહુ નજર જ ન જતી. સમય તો એવો પણ હતો કે વિદુષી પણ આપણે ત્યાં જ હતી, પણ અનેક સંસ્કૃતિઓનાં આક્રમણે એ સ્થિતિ સર્જી કે પછી ચૂલો ફૂંકવામાં જ સ્ત્રી ફૂંકાતી રહી. ઘરમાં દરજ્જો તો પત્નીનો અપાયો, પણ કામવાળી ને ઘરવાળી વચ્ચે બહુ ફરક ન રહ્યો. નોકરાણી રાખવા કરતાં ઘરવાળી રાખવાનું સસ્તું પડ્યું, પણ, પછી એ સ્થિતિમાં ફરક પડ્યો.
સ્ત્રી ઘરની બહાર નીકળીને ભણતી, કામધંધો કરતી, કમાતી થઈ. રમત, ખેલકૂદ, કલા ને અન્ય તમામ ક્ષેત્રોમાં તે નોંધપાત્ર પ્રદાન કરતી થઈ. ઘણાં એવાં સ્થાનો પર પણ તે સાધિકાર બિરાજતી થઈ જેના પર પુરુષોનું આધિપત્ય હતું. એ સાથે જ તે શોષિત, પીડિત પણ થઈ. શોષણની સીમાઓ વિસ્તરી. એક તબક્કે તેનું ઘરમાં જ શોષણ થતું હતું, તે સ્થિતિ બદલાઈ ને બહાર પણ તેનું અનેક સ્તરે ને અનેક તબક્કે શોષણ થતું રહ્યું. બધે ને બધી સ્ત્રીઓની આ સ્થિતિ હતી એવું ન હતું, પણ જ્યાં પણ, પુરુષના હાથમાં સત્તા હતી ને સ્ત્રી આશ્રિત હતી ત્યાં કેટલીક સ્ત્રીઓ શોષણનો ભોગ બની ને અનેક કાયદાઓ સ્ત્રી સંદર્ભે થયા હોવા છતાં સૂક્ષ્મ અને સ્થૂળ રીતે તેનું શોષણ થતું જ રહે છે. એ પણ છે કે જ્યાં સ્ત્રી સત્તા ભોગવે છે ત્યાં પુરુષને પણ ઘણી રીતે વેઠવાનું આવે છે. સાદી વાત એટલી છે કે જેના હાથમાં સત્તા છે તે બે રીતે વર્તી શકે છે. તે સત્તાની મર્યાદામાં રહીને તેનો સદુપયોગ કરશે અથવા તો દુરુપયોગ કરી કોઈનું પણ શોષણ કરશે. આમ થવામાં બાળપણમાં થયેલો ઉછેર પણ ક્યારેક ભાગ ભજવે છે.
બાળપણ છોકરાનું કે છોકરીનું લગભગ સરખી રીતે વીતતું હતું. એમાં સમય જતાં પરિવર્તન આવ્યું. એક સમય હતો જ્યારે છોકરા, છોકરી એકબીજા સાથે વાત કરતાં પણ સંકોચ અનુભવતા, ત્યાં મૈત્રી હોવાની તો બહુ દૂરની વાત હતી, પણ હવે મૈત્રી થવી રમત વાત થઈ ગઈ છે. કોઈ છોકરાને, કોઈ છોકરી સાથે દોસ્તી છે એવી વાત ખબર પડતી તો માબાપ છોકરાને ઠપકારતાં ને એવી છોકરી પર બદનામીનો ઠપ્પો લાગતો. આજે વાત એવી રહી નથી. છોકરા-છોકરી એક બીજાના મિત્ર હોય તે સહજ થઈ ગયું છે. એમાં નવી વાત એ ઉમેરાઈ છે કે છોકરાને ગર્લફ્રેંડ હોય કે છોકરીને બોયફ્રેંડ હોય તો તેનો અર્થ એવો થાય છે કે એ બે વચ્ચે માત્ર દોસ્તી નથી, પણ એથી વધુ પણ કૈંક છે. એવાં ઘણાં છોકરાઓ છે જેની ગર્લફ્રેંડ ગમે ત્યારે તેના ઘરે આવ-જા કરી શકે છે, એવું જ છોકરીઓને ત્યાં પણ તેનો બોયફ્રેન્ડ આવે જાય છે. એવું પણ માની લેવાય છે કે જે બોયફ્રેંડ-ગર્લફ્રેંડ છે તેમની વચ્ચે શરીર સંબંધ પણ હોય છે. આ માન્યતા સાવ ખોટી છે એવું પણ નથી. આ મિત્રો એકાંત મેળવી લે છે ને એકબીજાને માની-માણી પણ લે છે. શરીર સંબંધ પતિ-પત્ની વચ્ચે જ હોય એવું હવે રહ્યું નથી, ક્યાંક તો એવું પણ બન્યું છે કે ત્યાં જ એ સંબંધ ન હોય ને બે મિત્રો વચ્ચે હોય પણ ! ઘણીવાર તો એ સંબંધ ન હોવામાં બીજા સાથે સંબંધ હોવાનું મૂળમાં પડેલું હોય એમ બને.
હવે બધાં મોડર્ન થઈ ગયા હોવાના વહેમમાં ફરે છે, પણ એ વહેમ વધારે ને હકીકત ઓછી છે. દેખાવ એવો હોય છે કે પોતે બહુ મુક્ત સમાજમાં માને છે ને કોઈને, કોઇની સાથે સંબંધ હોય તો તેમાં કૈં ખોટું નથી એવું પણ મને છે, પણ આ વાત પોતાના પર આવે છે તો બધું ગિલિટ ઊતરી જાય છે ને વાત ગિલ્ટ પર આવીને અટકે છે. આપણે મોડર્ન હોવાનું કબૂલીએ છીએ, પણ આપણે પારદર્શી નથી. પોતાને ને અન્યને માટેનાં ધોરણો આપણે જુદાં રાખીએ છીએ. જેમ કે, પોતાને અન્ય સ્ત્રી કે સ્ત્રીઓ સાથે સંબંધ હોય એ મોડર્નિટીમાં ખપે છે, પણ પત્ની તો તેને સીતા જેવી જ જોઈએ છે, અક્ષત્ યૌવના જ જોઈએ છે. મોડર્ન હોવાના ખરેખર આગ્રહી હોય એમણે કાંટલાં જુદાં ના રાખવા જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને અન્યાય ન થાય.
એક બાબત આખા સમાજે સમજી લેવાની રહે કે બોયફ્રેંડ, ગર્લફ્રેંડના જમાનામાં લગ્ન પહેલાં કૌમાર્ય જાળવવાનું સરળ રહ્યું નથી. ઘણા સંબંધો તો લગ્ન પહેલાં બંધાઈ ચૂક્યા હોય છે, એટલું જ નહીં, સગીર વયે શક્ય બન્યા હોય છે ને એની છોછ પણ ખાસ રહી હોતી નથી. સાચી વાત તો એ છે કે સગીરની 17 પૂરા-ની વય ઘટવી જોઈએ. 16-17ની વયે પણ પુખ્તતા ધારણ કરવાનું સહજ થઈ પડ્યું છે એ વખતે 18ની પુખ્તતા મજાક જેવી લાગે છે. 18 સુધી છોકરીનાં લગ્ન કાયદેસર ગણાતા નથી, પણ લગ્નનો લહાવો નથી જ લેવાતો એવું કહી શકાય નહીં. છોકરી લગ્ન પહેલાં લગ્નનું સુખ માણી ચૂકી હોય એ અશક્ય નથી. એની ટીકા કરવાનો આશય નથી, પણ કહેવાનું એ છે કે જો આધુનિક થવાનો વાંધો સમાજને નથી તો પુખ્તતા પહેલાં કે લગ્ન પહેલાં બંધાતા સંબંધોને નિભાવવાની ઉદારતા પણ સમાજે દાખવવાની રહે. આવા સંબંધોને ઉત્તેજન ન અપાય તો પણ, જ્યાં સંબંધ બંધાયો જ હોય ને સ્વેચ્છાએ બંધાયો હોય ત્યાં અનુદાર થવાનું યોગ્ય નથી.
વારુ, લગ્ન પછી શી દશા થાય છે એ પણ જાણવા જેવું છે. લગ્ન થાય ત્યારે શરૂઆતમાં તો બધું ઠીક ચાલતું હોય છે, પણ પ્રથમ સંતાન થાય કે થોડા સમય પછી ગિલિટ ઉતરવા માંડે છે. પત્ની પિયર હોય તો એ ગાળામાં વાત બદલાય છે. પતિ ન જીરવાતી એકલતામાં ક્યાંક ખેંચાય છે કે પત્ની પણ પિયરનો કોઈ સંબંધ તાજો કરી આવે છે. આમાં બંને સમજદાર હોય તો બહુ વાંધો આવતો નથી ને એવું ન હોય તો તેનાં પરિણામો વેઠવાનાં થાય છે. સંતાન થયા પછી પત્નીને, પતિના પૂર્વ સંબંધોની કે પતિને, પત્નીના પૂર્વ સંબંધોની ખબર પડે છે કે શાંતિ હણાઈ જાય છે. સંબંધો લગ્ન પહેલાંના કે લગ્ન પછીના પણ હોય છે. એ જ્યારે પણ, જેને પણ ખબર પડે છે કે જીવન ડામાડોળ થવા લાગે છે. વાત મરવા, મારવા પર પણ આવી જાય છે ને હાથમાં છેડા, છૂટા આવી જાય છે. લગ્ન પછી પતિ કે પત્ની જાણતાં હોય છે કે જે તે સંબંધ, પરિણીત હોવાની સભાનતા પછી વિકસે છે. મતલબ કે બધું અજાણતા થતું નથી. પોતે પરિણીત હોય છે એ વાત જાણતા હોવાથી પતિ કે પત્ની એકાએક ક્યાંક સંડોવાવાની ઈચ્છા રાખતા નથી. જ્યાં માત્ર ટાઈમ પાસ છે ત્યાં તો બંને પાત્રો જાણતા હોય છે કે આ સંબંધ લાંબો ચાલવાનો નથી. ગરજ પતે એટલે કોઈ પણ કેવી રીતે છટકાય એની પેરવીમાં જ હોય છે. ત્યાં હરખ શોકની વાત બહુ નહીં હોય, પણ જ્યાં લાગણીનો તંતુ ફૂટે છે ત્યાં હાથ ખંખેરીને ચાલ્યા કરવાનું અઘરું છે. એવું બને છે કે પતિ કે પત્ની ખરેખર સંવેદનાથી સબળ રીતે જોડાયેલાં હોય, કોઈ કમી કે ખામી ન હોય, બધી વાતે સુખ હોય ને છતાં પતિ કે પત્ની લગ્નેતર સંબંધ સુધી પહોંચે છે. બધું જાણવા છતાં કે આ ઠીક નથી ને છતાં સંડોવાવાનું બનતું જ હોય છે. આનું કોઈ ગણિત નથી, કોઈ માપ નથી, કોઈ ગણતરી નથી ને છતાં સ્ત્રી-પુરુષો એકબીજા તરફ ખેંચાતાં હોય છે. આમાં જ્યાં પણ લાગણી પ્રાધાન્ય ભોગવે છે ત્યાં તડફડ થઈ શકતું નથી ને એમ થવું પણ ન જોઈએ. શકય તેટલી કાળજી ને લાગણીથી ન ગમતો નિર્ણય લેવાનો રહે. ન ગમતો એટલા માટે કે બધાંને ગમતો નિર્ણય એ કદી હોતો નથી.
સાચું તો એ છે કે આ આગમાં હાથ નાખવા જેવું છે ને ક્યાંક, કોઇકે તો દાઝવાનું હોય જ છે. સૌ કોઈ આ વાત જાણે છે એટલે બને ત્યાં સુધી સુખનો જીવ દુ:ખમાં ન નાખવો, એમ બધાં ઇચ્છતાં હોય છે, પણ એવું થતું નથી ને એમ કોઈના કહેવાથી કોઈ અટકી જાય એટલું સહેલું એ હોતું પણ નથી. બધું જાણવા છતાં ને અનિચ્છાએ, આગમાં કૂદવાનું નથી જ થતું એવું ક્યાં છે? આ વાત જ એવી છે કે એમાં કોઈ ડહાપણ કે સલાહ કામ નથી આવતાં. એવું પણ ક્યાં નથી બનતું કે માર્ગદર્શન આપનાર જ માર્ગ ભૂલે? એટલે બચાય ત્યાં સુધી બચવું, પછી તો ઉપરવાળો જ માલિક છે …
000
e.mail : ravindra21111946@gmail.com