Opinion Magazine
Number of visits: 9448606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—114

દીપક મહેતા|Opinion - Opinion|2 October 2021

મુંબઈના પોલીસ કમિશનરે સવારે ત્રણ વાગ્યે કરી ગાંધીજીની ધરપકડ

રેવાશંકર ઝવેરીનું ઘર આજે બન્યું છે ગાંધી સ્મારક

ગાંધીજીના ઓરડામાં રાત રહેલા માર્ટિન લ્યુથર કિંગ

સોમવાર, ૪ જાન્યુઆરી ૧૯૩૨. સવારના પોણા ત્રણ. ગામદેવી પોલીસ સ્ટેશનમાંથી એક કાળા રંગની વેન છાને પગલે નીકળે છે. બોમ્બેના પોલીસ કમિશનર જી.એસ. વિલ્સન પોતે એમાં બેઠા છે. સાથે છે ગણતરીના વિશ્વાસુ પોલીસ – ગોરા તેમ જ દેશી. વેન માંડ પાંચ મિનિટ ચાલીને બે માળવાળા મકાન પાસે આવીને ચૂપચાપ ઊભી રહી જાય છે. રસ્તાના નાકા પર ગાંધી ટોપી પહેરેલા કૉન્ગ્રેસના પાંચ સ્વયંસેવક પહેરો ભરતા હતા. તેઓ પેલી કાળી વેનને જતી જુએ છે અને શું થવાનું છે તેનો અંદાજ આવી જાય છે. મકાનનો ચોકીદાર દરવાજો હળવેકથી ખોલે છે. વિલ્સન અને એના સાથીઓ લાકડાનાં પગથિયાં ચડીને ઉપર જાય છે. સહેજ પણ અવાજ ન થાય તેની તકેદારી રાખે છે. પહેલે માળે બે ફ્લેટનાં બારણાં ખુલ્લાં છે અને રાતે ત્રણ વાગ્યે પણ લોકો જાગતા બેઠા છે. વિલ્સન વિચારે છે કે અમે આવવાના છીએ એ વાતની ખબર પડી ગઈ લાગે છે અહીંના લોકોને. આવી વાત છૂપી રાખવાની ગમે તેટલી મહેનત કરીએ તો ય આ લોકોને કોણ જાણે ક્યાંથી ગંધ આવી જ જાય છે. વિલ્સન અને સાથીદારો બીજો માળ વટાવીને પહોંચે છે અગાસી પર. અગાસી સુધી જતા દાદર પર મળે છે ગુનેગારનો દીકરો. જાણે કોઈ મોંઘેરા મહેમાન આવ્યા હોય તેમ વિલ્સન અને તેના સાથીઓને અગાસીમાં તાણેલા તંબુમાં લઈ જાય છે. એક ગાદલા પર સૂતેલા ગુનેગારને તેના સાથીઓ જગાડે છે. એ જાગીને મૂંગો મૂંગો પથારીમાં બેસી રહે છે. પોલીસ કમિશનર વિલ્સન કહે છે : “Mr. Gandhi, it is my duty to arrest you.” પછી વોરંટ વાંચી સંભળાવે છે અને ધરપકડના પ્રતીક રૂપે ગુનેગારના ખભા પર હાથ મૂકે છે.

હા, એ ગુનેગાર તે બીજું કોઈ નહિ પણ મોહનદાસ કરમચંદ ગાંધી. અને જ્યાંથી પોલીસે તેમની ધરપકડ કરી તે બે માળનું મકાન તે મુંબઈના લેબર્નમ રોડ પર આવેલું મણિ ભવન. સો વરસ કરતાં વધુ જૂનું આ મકાન આજે નેશનલ હેરિટેજ સ્ટ્રક્ચરનું માન ધરાવે છે અને આખા દેશમાં આવેલા ગાંધી-સ્મારકોમાં આગવું મહત્ત્વ ધરાવે છે.

આ મકાન રાષ્ટ્રીય સ્મારક તો ૧૯૫૫માં બન્યું, પણ તે પહેલાં તે કોની માલિકીનું હતું? સવાલના જવાબમાં મણિ ભવનના અધ્યક્ષ ડો. ઉષા ઠક્કર જણાવે છે કે આ મકાન મૂળ રેવાશંકર જગજીવનદાસ ઝવેરીનું. અને આ રેવાશંકર તે ગાંધીજીના નિકટના સાથી ડો. પ્રાણજીવન મહેતાના સગ્ગા ભાઈ. ‘ઉષાબહેન, આ વાત કાંઈ હજમ થતી નથી. બે સગ્ગા ભાઈઓમાંથી એકની અટક મહેતા અને બીજાની ઝવેરી?’ વાતનો ફોડ પાડતાં ઉષાબહેન કહે છે, ‘રેવાશંકરભાઈનો ધંધો જરઝવેરાતનો. કાલબાદેવી રોડ પર મોટી દુકાન. એટલે ઓળખાતા ઝવેરી તરીકે. એ પણ ગાંધીજીના મિત્ર અને મજબૂત ટેકેદાર. ગાંધીજી ભણવા માટે લંડન ગયા ત્યારે સૌથી પહેલાં ત્યાં પ્રાણજીવનભાઈને મળેલા. ત્યારથી બંને નજીક આવતા ગયા અને ગાઢ મિત્રો બન્યા. ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું તે મુખ્યત્વે પ્રાણજીવનભાઈ માટે. ૧૯૩૨માં પ્રાણજીવનભાઈનું અવસાન થયું ત્યારે ગાંધીજી જેલમાં હતા. તેમણે લખેલું : ‘જો હું જેલમાં ન હોત તો મારા ખોળામાં ડોકટરે છેલ્લા શ્વાસ લીધા હોત. આ દુનિયામાં તેમના કરતાં વધુ નિકટનો હોય તેવો બીજો કોઈ મિત્ર મારે નથી.’

પ્રાણજીવનભાઈ અને રેવાશંકરભાઈના ત્રીજા ભાઈ હતા પોપટભાઈ. તેમનાં દીકરી ઝબકબાનાં લગ્ન રાયચંદભાઈ ઉર્ફે શ્રીમદ્ રાજચંદ્ર સાથે થયેલાં. એટલે આખા મહેતા કુટુંબને શ્રીમદ્ સાથે સગપણ અને ઘરોબો. ગાંધીજી ભણીને પાછા સ્વદેશ આવ્યા ત્યારે મુંબઈમાં તેમને બંદર પર લેવા પ્રાણજીવનભાઈ ગયેલા અને ગાંધીજીને પોતાને ઘરે લઈ આવેલા. ગાંધીજી ઇન્ગલંડમાં હતા તે દરમ્યાન તેમનાં માતા પૂતળીબાઈનું અવસાન થયેલું પણ કુટુંબીજનોએ એ ખબર ગાંધીજીને આપ્યા નહોતા. એ ખબર સૌથી પહેલાં આપ્યા પ્રાણજીવનભાઈએ. એ સાંભળીને ગાંધીજીને અસાધારણ આઘાત લાગ્યો. તેમને થોડું સાંત્વન મળે તે માટે બીજે જ દિવસે – ૧૮૯૧ના જુલાઈની છઠ્ઠી તારીખે – પ્રાણજીવનભાઈએ પોતાને ઘરે શ્રીમદ્ સાથે ગાંધીજીની મુલાકાત ગોઠવી. કેટલાક કહે છે કે આ પહેલી મુલાકાત મણિ ભવનમાં થયેલી. પણ તો એ ૧૮૯૧ પહેલાં બંધાયું હોવું જોઈએ, જે તેની બાંધણી જોતાં બહુ શક્ય લાગતું નથી. રેવાશંકરભાઈનો પહેલો પરિચય પણ ગાંધીજીને આ જ વખતે થયેલો અને પછી એ બંને પણ આજીવન મિત્રો બની રહેલા. કૌટુંબિક સંબંધ ઉપરાંત શ્રીમદ્ અને રેવાશંકરભાઈ ઝવેરાતના ધંધામાં ભાગીદાર પણ હતા. ૧૯૧૭થી ૧૯૩૪ના અરસામાં ગાંધીજી જ્યારે મુંબઈ આવતા ત્યારે મોટે ભાગે રેવાશંકરભાઈના આ મણિ ભવનમાં જ ઉતરતા.

મણિ ભવનના માનદ્ મંત્રી યોગેશ કામદાર ચોખવટ કરે છે : ગાંધીજી પોતે તો બીજા માળ પરનો એક ચોક્કસ રૂમ જ વાપરતા. નજીકના એક-બે રૂમમાં તેમના સાથીઓ. હકીકતમાં આ મકાન રેવાશંકરભાઈના મોટા સંયુક્ત કુટુંબના રહેણાકનું ઘર. ફક્ત એક રૂમ ગાંધીજી માટે અનામત રહેતો. એ વખતે એ રૂમમાં જે થોડું ઘણું રાચરચીલું હતું તે આજે જેમનું તેમ જાળવી રાખ્યું છે. દરવાજે મઢેલી ગ્લાસ પેનલમાંથી મુલાકાતીઓ એ રૂમ જોઈ શકે છે.

મણિ ભવનની બાલ્કનીમાં ગાંધીજી. સાથે પંડિત જવાહરલાલ નેહરુ, કમલા નેહરુ અને અન્યો

દેશની આઝાદી માટેની લડતનો કોઈ નેતા એવો નહિ હોય જેણે મણિ ભવન આવીને ગાંધીજીની મુલાકાત લીધી ન હોય. કૉન્ગ્રેસ કારોબારીની બેઠકો પણ અહીં ઘણી વાર મળી છે. ભારતના વડા પ્રધાન બન્યા પછી ૧૯૫૯ના માર્ચની ત્રીજી તારીખે પંડિત જવાહરલાલ નેહરુ મણિ ભવનની મુલાકાતે આવેલા ત્યારે તેમણે કહેલું કે ગાંધીજી જ્યારે અહીં રહેતા હતા ત્યારે સ્વતંત્રતા માટેની લડતના મારા જેવા અસંખ્ય સેનાનીઓ અહીં તેમને મળવા આવતા. એટલે મારા જેવા અનેકના મનમાં મોંઘી મૂડીરૂપ સાંભરણો સંઘરાયેલી છે.

મણિ ભવનમાંનો ગાંધીજીનો રૂમ

૧૯૫૯માં રેવરન્ડ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ભારત આવ્યા ત્યારે તેમણે મણિ ભવનની માત્ર મુલાકાત લીધી નહોતી, પણ ગાંધીજી જે રૂમમાં રહેતા એ રૂમમાં એક દિવસ રહ્યા હતા. વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું હતું : ‘ગાંધીજી જે ઓરડામાં રહેતા હતા એમાં એક રાત સૂવાનો મને જે લહાવો મળ્યો તેને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ.’ ગાંધીજીની સાંજની પ્રાર્થના સભામાં ભજનો ગવાતાં તેમ રેવરન્ડ કિંગે અને તેમનાં પત્નીએ ખ્રિસ્તી ધર્મની અંગ્રેજી પ્રાર્થનાઓ ગાઈ હતી અને મણિ ભવન સાથે સંકળાયેલાં ઉષાબહેન ત્રિવેદીએ ગાંધીજીને પ્રિય એવાં કેટલાંક ભજન ગાયાં હતાં. આ ઉષાબહેન ત્રિવેદી તે જાણીતા કવિ, સંગીતકાર, ગાયક, અનુવાદક પિનાકિન ત્રિવેદીનાં દીકરી. એક વખત એવો હતો કે મણિ ભવનમાં રોજ એક સાથે ચાર-ચાર ઉષા ઊગતી : ડો. ઉષા મહેતા, ડો. ઉષા ઠક્કર, ઉષા ત્રિવેદી, અને ગાંધીજીનાં પૌત્રી ઉષા ગોકાણી!  

૨૦૧૦ના નવેમ્બરની છઠ્ઠી તારીખ. ૨૪ વાહનોનો કાફલો મણિ ભવનની બહાર આવીને ઊભો રહે છે. તેમાં છે છ મિનિ બસ, એક એમ્બ્યુલન્સ, સુરક્ષા માટેના સરંજામ સાથેની વેન, અને બે લાંબી કાળી લિમોઝીન. તેમાંની એકમાંથી ઊતરે છે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા. ડો. ઉષા ઠક્કરની સાથે ફરીને રસપૂર્વક બધું જુએ છે, પણ સૌથી વધુ વખત રોકાય છે ગાંધીજીના રૂમમાં. રેવરન્ડ કિંગ આવ્યા ત્યારે હાજર રહેલાં તે ઉષા ત્રિવેદીને મળીને આનંદ પામે છે. વિઝિટર્સ બુકમાં લખે છે : ‘ગાંધી માત્ર ભારતના નહિ, આખી દુનિયાના હીરો છે.’

પ્રેસિડન્ટ ઓબામા અને મિશેલ ઓબામા  મણિભવનમાં, સાથે ડો. ઉષા ઠક્કર

પણ જ્યાં ગાંધીજી રહેતા એ રૂમ ઉપરાંત મણિ ભવનમાં બીજું જોવા જેવું શું છે? અહીં લગભગ ૫૦ હજાર પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી છે, ઓડિટોરિયમ છે જ્યાં અવારનવાર કાર્યક્રમ યોજાય છે. ઉપરાંત અહીં કોઈ પણ મુલાકાતી ગાંધીજીના પોતાના અવાજમાં તેમનાં ભાષણો સાંભળી શકે છે. ફોટો ગેલેરીમાંના ગાંધીજીના કેટલાક ફોટા તો દુર્લભ છે. તો મ્યુઝિયમમાં નાનાં નાનાં પૂતળાં દ્વારા ગાંધીજીના જીવન અને કાર્યનો આકર્ષક રીતે પરિચય અપાયો છે. પણ મણિ ભવનની સૌથી વધુ ધ્યાનપાત્ર વાત આ છે : ગાંધીજીના વિચારો અને આદર્શોનો અહીં પૂરેપૂરો આદર છે, પણ કેટલીક સંસ્થાઓમાં જોવા મળતું હઠાગ્રહી ચોખલિયાપણું બિલકુલ ગેરહાજર છે. અત્યારનાં સાધન-સગવડનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની તત્પરતા છે, પણ એની પાછળ ગાંધીજી ઢંકાઈ જાય નહિ એની તકેદારી છે. હા, કોરોના કાળમાં બીજાં મ્યુઝિયમોની જેમ મણિ ભવન પણ મુલાકાતીઓ માટે બંધ છે. પણ તેની અફલાતુન વેબ સાઈટ પર જઈને આખા મણિ ભવનની વર્ચ્યુઅલ ટૂર લેવાની સગવડ છે. હવે મહારાષ્ટ્ર સરકારે મોટી રકમનું અનુદાન આપ્યું છે એટલે મકાનના રેનોવેશન ઉપરાંત નવી નવી સગવડો પણ ઉમેરાશે.

ઘણાં વરસ પહેલાં કેન્દ્રની કૉન્ગ્રેસ સરકારે અનુદાન આપેલું એ વખતના એક પ્રસંગ સાથે આજની વાત પૂરી કરીએ. ગ્રાન્ટ મંજૂર કરતાં પહેલાં બે પ્રધાનોએ ઔપચારિક રીતે મુલાકાત લીધેલી. સાધારણ રીતે મંત્રીઓ મોડા પડવા માટે નામચીન. પણ તે દિવસે બંને પ્રધાનો નિયત સમય કરતાં બે મિનિટ વહેલા આવીને સીધા પહોંચ્યા તે વખતના ડિરેક્ટર ડો. આલુ દસ્તૂરની ઓફિસમાં, અને તેમની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. અગાઉ આલુબહેન બોમ્બે યુનિવર્સિટીમાં અધ્યાપક હતાં ત્યારે આ પ્રધાનો તેમના વિદ્યાર્થી. જોતાં વેંત ઓળખી ગયા આલુબહેન પોતાના વિદ્યાર્થીને, અને કહે : ‘તમે વિદ્યાર્થી હતા ત્યારે પણ આટલા જ પંકચુઅલ હતા. એ સારી ટેવ તમે હજી જાળવી રાખી છે એ જોઈને આનંદ થાય છે.’ મણિ ભવને પણ ગાંધીજીની સાંભરણોને યોગ્ય રીતે જાળવી રાખી છે એ જોઈને કોઈને પણ આનંદ થાય.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 ઑક્ટોબર 2021

Loading

2 October 2021 admin
← વોટ માટે જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં
હિન્દુઓને સંગઠિત કરવાનો ઉપાય શો ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved