Opinion Magazine
Number of visits: 9446991
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેડિયાપાડાનો વન-અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની

મુનિ દવે|Opinion - Opinion|17 September 2021

આ બહુ રસપ્રદ અહેવાલ છે. આર્ચ સંસ્થાએ કરેલાં કામોનું તુપ્તિ પારેખે બહુ સરસ દસ્તાવેજીકરણ કર્યુ છે. તેમની ધીરજ, નિષ્ફળતા પચાવવાની શક્તિ, લીધેલાં કામોમાં વર્ષો સુધી મંડ્યા રહેવાની ધગશ, દરેક કાયદાનો ઊંડાણથી અભ્યાસ, સરકારી યોજનાઓની આંટીઘૂંટી સમજવી, એ બધું અભિનંદનને પાત્ર છે. આદિવાસીઓ તેમની માણસ તરીકેની સહજ જીવન જીવવા માટેની લઘુતમ જરૂરિયાતો સાથે જીવી શકે તેવાં કામોમાં જે અવરોધો આવે છે તે સામાન્ય રીતે નિરાશા, ઉશ્કેરાટ, ગુસ્સો, જગાડે તેવાં છે.

આ અવરોધો વિવિધ પ્રકારના છે, જેવા કે સરકારી અધિકારીઓની વ્યક્તિગત અસંવેદનશીલતા અને નફ્‌ફટાઈ; ક્યારેક તેમના રાજકારણી સાહેબોને કારણે દેખાતી બેફિકરાઈ; જંગલખાતાની અને તેમની સાથે ભળેલા પોલીસખાતાની જોહુકમી; અત્યંત ગરીબ, અધભૂખ્યા, અભણ, દબાયેલા, કોઈ પ્રકારની સગવડોથી વંચિત,  કાયદાઓ અને અધિકારોથી અજાણ, સરકારી અધિકારીઓ સામે બોલવાની હિંમતનો સદંતર અભાવ ધરાવતા આદિવાસીઓ, વિવિધ કાયદાઓ અને તેનું અર્થઘટન; (તૃપ્તિબહેને તે માટે એલ.એલ.બી. કર્યું.), સરકારની વિવિધ યોજનાઓને સમજવી અને તેનું અમલીકરણ આ સરકારી તંત્ર પાસે કરાવવું; સરકાર પોતાના હિત માટે જંગલને રીંછનું અભયારણ્ય જાહેર કરી દે અને જ્યારે જરૂર પડે ત્યારે અભયારણ્યનો વિસ્તાર વધારી દે; માંડ ગાડી પાટે ચડે, નિયમાનુસાર કામ કરવાની તૈયારી થાય, ત્યાં જે-તે સક્રિય અને મદદ કરવા ઇચ્છુક અધિકારીની બદલી થઈ જાય અથવા કરાવી દેવામાં આવે; બહુ ઓછા અધિકારીઓને નિયમસર કામ કરવામાં રસ હોય અથવા પોતાના માણસો પાસે કામ કરાવવાની આવડત હોય; સરકારી તંત્રની ગોકળગાયની ગતિએ થતી કામગીરી; સરકારી ખાતાંઓ દ્વારા ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ (આદિવાસી પોતાના જંગલમાંથી બેચાર વાંસ લે તો ગુનો બને અને સરકાર પેપરમિલોને બધા વાંસ કાપી જવાની છૂટ આપી પૈસા કમાય); હાઈકોર્ટનો ચુકાદો સરકાર ધરાર ન સ્વીકારે; તે વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્ય તરફથી ભાગ્યે જ કોઈ મદદ મળે; દરેક વખતે આદિવાસીઓની મુશ્કેલી સમજી શકે તેટલા સંવેદનશીલ કોર્ટના જજો ના હોય; નવો કાયદો બને તો વર્ષો સુધી તેના નિયમો ના બને અને એટલે કાયદાનો અમલ ન થાય; સરકારી અને ઔદ્યોગિક કાર્યોમાં અવરોધ ઊભો કરવાના ગુના રૂપે આ કર્મશીલોને જેલ થાય, માર પડે કે હત્યાની ધમકી અપાય, વગેરે.

એવું લાગે કે જાણે આ કર્મશીલો સાપસીડીની રમતમાં હોય. મહામહેનતે ૯૮ નંબરના ખાનામાં પહોંચે, ત્યારે ત્યાં સરકારી (રાજકારણીઓ, અધિકારીઓ, કોર્ટ, સમગ્ર તંત્ર) નીંભરતાનો સાપ મોઢું ખોલીને બેઠો હોય, જે ૨ નંબરના ખાનામાં પહોંચાડી દે. આથી ફરી એકડેએકથી શરૂઆત કરવાની. આ બધું છતાં ૩૦થી વધુ વર્ષો સુધી આદિવાસીઓને તેમના મૂળભૂત હકો મળે તે માટે લડતા રહેવું એ અજાયબીભર્યું લાગે છે.

આ કામોની વિશેષતા એ છે કે એ સંપૂર્ણપણે અહિંસક આંદોલન છે. ધરણાં અને સરઘસોમાં ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ આદિવાસીઓ આવે તેમ છતાં આટલાં વર્ષોમાં ક્યારે ય એક કાંકરીચાળો સુધ્ધાં નથી થયો. જે કોઈ ફરિયાદ કે અરજી થાય તેમાં શક્ય તેટલું વાસ્તવિક સત્ય પકડી રાખવાનો આગ્રહ. કોઈ વાત વધારીને કે કાલ્પનિક નહીં કહેવાની કે લખવાની. કોઈ સરકારી વ્યક્તિ કે અધિકારીનો દ્વેષ નહીં કરવાનો કે ના કોઈ પ્રકારની વૈરવૃત્તિ નહીં રાખવાની. ભાષા એકદમ સભ્ય રાખવાની.

૧૯૮૦ની સાલ સુધી – એટલે કે આઝાદીનાં ૩૦ વર્ષ બાદ પણ દેડિયાપાડા વિસ્તારના આદિવાસીઓની હાલત કેવી હતી જે આદિવાસીઓ એ જમીન પર ચાર-પાંચ પેઢીઓથી વસેલા હતા, તેમની પાસે એ જંગલની જમીનનો કે ઊપજનો પોતાના જીવનનિર્વાહ માટે (પેટ ભરવા થોડી જમીન પર ખેતી કરવી, કંદમૂળ કે જંગલી ફળોનો ખાવા માટે ઉપયોગ કરવો, વાંસ, કે અન્ય લાકડાંનો ઉપયોગ પોતાનું ઘર બનાવવા કરવો, ટીમરુનાં પાન ભેગાં કરી બે પૈસા રળવા) ઉપયોગ કરવાનો અધિકાર નહોતો. જ્યારે આવું કરતા જંગલના ગાર્ડ જોઈ જાય, તો ઢોરમાર મારે, તેમના બળદો ઉપાડી જાય, લાંચ માટે તેમની પાસેથી પૈસા ઉપરાંત મરઘાં કે બકરાં લઈ જાય, તેમનાં ખેતરોને ખોદી નાખી તેમાં વૃક્ષો વાવી જાય. આ કારણે કોઈ પૅન્ટશર્ટ પહેરેલો માણસ દૂરથી આવતો દેખાય, તો લોકો ઘર છોડી જંગલમાં સંતાઈ જાય. સરદારસરોવર બનાવતી વખતે ઘણું જંગલ ડૂબમાં ગયેલું હોવાથી આંતરરાષ્ટ્રિય સ્તરે બુમરાણ થયેલી, આથી સરકારે બાજુના જંગલને રીંછોનું અભયારણ્ય જાહેર કરી દીધું. એટલે ત્યાં રસ્તાઓ ના બને, વીજળીના તારો ન નંખાય. તેની જમીનમાં ખેતી ન થઈ શકે, આથી કિસાન તરીકેના કોઈ લાભો એ આદિવાસીઓને ન મળ્યા. તે દિવસોમાં કોઈ આદિવાસીની હિંમત નહોતી કે જંગલના ગાર્ડ કે અધિકારીઓ સામે આંખ મેળવી વાત કરી શકે.

૩૦ વર્ષો સુધી આર્ચ અને તેવી અનેક સંસ્થાઓએ ગુજરાતમાં અને દેશભરમાં આદિવાસીઓના હકો માટે જે લડત ચલાવી. તેને કારણે પછીથી સંસદે વન-અધિકાર કાયદો બનાવ્યો અને આદિવાસીઓને તેમના અધિકારો મળ્યા. પણ કોઈ રાજ્યસરકારો કે જંગલખાતાના અધિકારીઓ તેને અમલમાં મૂકવા માટે તૈયાર નહોતા. તેની સામે સતત લડવું પડ્યું. કેટલીયે વાર અદાલતોનો આશરો લેવો પડ્યો. ધરણાં અને રેલીઓ કરવા પડ્યાં. ધરપકડો વહોરવી પડી. (ને આજના સમયમાં આવા ઘણા કર્મશીલોને અર્બન નક્સલ કે માઓવાદીના બિરુદ સાથે UAPA કાયદા હેઠળ જેલમાં મહિનાઓ-વર્ષો સુધી રહેવું પડ્યું છે.) ૨૦૧૮માં, એટલે કે ૩૦ વર્ષ પછી આજે આ આદિવાસીઓ પાસે કાયદેસર પોતાની જમીનો છે. તેમની પાસે કિસાન ક્રૅડિટકાર્ડ છે. જંગલના વાંસ પર તેમનો અધિકાર છે. સરકારની રાહ જોયા વગર તેમણે જાતે રસ્તાઓ બનાવી લીધા છે. હવે ફોરેસ્ટ ઓફિસરને આદિવાસી સ્ત્રી કહી શકે છે કે “સાહેબ, તમારે તો નોકરી છે. તમે તો કામ કરશો કે નહીં કરો, દર મહિને તમને તો પગાર મળી જશે, પણ અમારી પાસે બેઠોપગાર થોડો આવવાનો છે? અમે તો ખેતી અને મજૂરી કરીશું, ત્યારે અમારાં છોકરાંવને ખવડાવી શકીશું.” હવે જંગલખાતું જો તેમના બળદો ઉપાડી જાય, તો ૫૦ લોકોનું ટોળું જઈને છોડાવી લાવે છે અને જંગલના ગાર્ડ બિચારા થઈને જોઈ રહે છે. હવે ત્યાંની બનાવેલી આદિવાસી ગ્રામસભા વાંસ અને ટીમરુ પાનનાં વેચાણ માટે લાખોના સોદા જાતે કરે છે. હવે તેમનાં યુવાન છોકરા-છોકરીઓ અંગ્રેજી અને કમ્પ્યૂટર શીખે છે. આ જાગૃતિ કોઈ રાજકીય પક્ષોને ગમતી નથી, એટલે બધી બિનસરકારી સંસ્થાઓ (NGOs) પર દબાણ વધારે છે. તેમને મત ગુજરાતમાં નક્સલવાદ આવ્યો નથી, તેનું મુખ્ય કારણ આ એન.જી.ઓ. છે જે આદિવાસીઓનાં શિક્ષણ, આરોગ્ય અને તેમના જીવન જીવવાના અધિકારો માટે વરસોથી કામ કરે છે.

આદિવાસીઓના વિકાસની આ પ્રક્રિયાઓ સાથે બીજી એક વાત પણ વિચારવા જેવી લાગે છે.

હમણાં એક સરસ પુસ્તક ધ્યાન પર આવ્યું. The paradox of rural development in India’ – Suresh Suratvala એ પુસ્તકમાં એક મહત્ત્વનો મુદ્દો સુરેશભાઈએ રજૂ કર્યો છે : છેવાડાના માણસોનો આર્થિક વિકાસ થાય, તેમના હાથમાં પૈસો આવે, આવે તેની સાથે જે બદીઓ આવે છે અને તે જાણ્યા પછી એ વિચાર આવે કે શું આને વિકાસ કહેવો ? ગરીબ, ભોળો, નિષ્પાપ માણસ પૈસો હાથમાં આવતા શહેરી લોકો જેવો સ્વાર્થી, જમીનથી અળગો, લોભી, શરીર શ્રમથી દૂર થઈ જાય અને ઘણાં વચેટિયાઓ, વ્યાજખોરો એ સમાજમાં આવી જાય, તેને અટકાવવાનો કોઈ ઉપાય ખરો ? લોકોનો વિકાસ કરવામાં આપણાથી કઈ ભૂલો થઈ?

આ રીતે વિચારતા, આપણે કરેલાં અને આપણાથી થયેલાં કામોની સફળતા માપવાનો વધુ એક આધાર મળી શકે. વિનોબાજીએ કહ્યું છે કે “તમે કેટલા કૂવા બનાવ્યા, કેટલા લોકોને રોજગારી આપી તેના આંકડા આપો છો એ સારી બાબતો છે, પણ એથી લોકોમાં સંતોષ વધ્યો ? તેનું માપ કાઢ્યું ? જો સંતોષ ના વધ્યો તો આ બધાથી શું ફાયદો થશે?”

આપણો અનુભવ છે કે પૈસો વધવાની સાથે આપણો અસંતોષ (મૅનેજમેન્ટમાં એને Creative Tension  જેવું રૂપકડું નામ આપ્યું છે.) વધતો જાય છે. હવે એ આદિવાસીઓને પણ શહેરના લોકોની જેમ જીવવાનું મન થશે, તેમનાં જેવી સુખસગવડો, સાધનો જોઈશે. અને એવું થાય તે સ્વાભાવિક જ છે. સુરેશભાઈએ પૂછેલો આ બહુ અગત્યનો અને ગંભીર પ્રશ્ન છે, જેનો ઉકેલ કદાચ કોઈ પાસે નથી. પણ એ વિષે ચર્ચા તો ચાલુ કરવી જોઈએ.

આજકાલ જ્યારે વિકાસનો અર્થ મોટા ફલાયઓવરો, બુલેટટ્રેન, વિશાળ હાઈવે, ઊંચાં પૂતળાં કે વિશ્વનાં સૌથી મોટાં સ્ટેડિયમ, વગેરે થઈ ગયો છે. ત્યારે આપણે તૃપ્તિબહેનનો આભાર માનીએ કે આપણા જેવા શહેરના લોકોને માટે અજાણ્યા એવા ભારતનો અને તેમાં એક બિનસરકારી સંસ્થા દ્વારા થતાં આવાં ‘વિકાસ’કાર્યોનો પરિચય કરાવ્યો. આ વિકાસનો અર્થ સમજવાની આપણને જરૂર છે.

વધુ વિગત અને પુસ્તક માટે સંપર્ક : ARCH – Action Research In Community Health and Development, સહયોગ રાશિ: ૧૫૦/- : email: truptiparekh1@hotmail.com, m_ambrish@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 12-13

Loading

17 September 2021 admin
← કિસાન મહાપંચાયતો મોદીચળકાટનો વરખ ઉતારી રહી છે
મન (ક્રૅડિટ) ચોર બની થનગાટ કરે →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved