“અમે યુદ્ધ જીતી ગયા અને અમેરિકા હારી ગયું. અમે બધું કરવા તૈયાર છીએ. અમે શાંતિ માટે તૈયાર છીએ અને જેહાદ માટે પણ પૂરા તૈયાર છીએ.” છઠ્ઠી એપ્રિલે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને જાહેરાત કરી કે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાન છોડી દેશે, તેના એક અઠવાડિયા પછી, અફઘાનિસ્તાનના બાલ્ખ જિલ્લાના તાલિબાન વડા હાજી હેકમતે બી.બી.સી.ના સંવાદદાતાને આ શબ્દો કહ્યા હતા. તેની બાજુમાં બેઠેલા તાલિબાન સૈન્યના કમાન્ડરે એમાં ઉમેર્યું હતું, “જેહાદ અમારા માટે ઈબાદત છે, અને ઈબાદત એવી વસ્તુ છે કે ગમે તેટલી કરો, તો પણ થાકી ન જવાય.”
એ શબ્દોમાં કોઈ જ અતિશયોક્તિ ન હતી. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ, ન્યૂયોર્કનાં ટવીન ટાવર્સ અને પેન્ટાગોન પર ઓસામા બિન લાદેનના અલ-કાયદા આંતકવાદીઓઓ હુમલો કર્યો, તે પછી અમેરિકાએ તેમનો સફાયો કરવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. આ વીસ વર્ષના યુદ્ધમાં ૧,૦૦૦ બિલિયન ડોલર્સ હોમાઈ ગયા, ૨,૩૦૦ સૈનિકોનાં મોત થયાં અને ૨૦,૬૬૦ સૈનિકો જખ્મી થયા. આ ખાલી અમેરિકા બાજુના આંકડા છે. અફઘાન લોકો અને તાલિબાનોની જાનહાનિ તેમ જ દેશની બરબાદીની કહાણી અલગ જ છે.
૨૦ વર્ષમાં તાલિબાનો તો થાક્યા ન હતા, પણ અમેરિકા એવું થાકી ગયું હતું કે ૧૧મી સપ્ટેમ્બર પહેલાં સૈનિકોની ઘરવાપસી પહેલાં જ તાલિબાનોએ એક પછી એક અફઘાનિસ્તાનનાં શહેરો કબજે કરીને ૧૫મી ઓગસ્ટે કાબુલ પર જે રીતે ફતેહ કરી, તેનાથી દુનિયા દંગ રહી ગઈ. હજુ એક મહિના પહેલાં જ, એક પત્રકાર પરિષદમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પૂછ્યું હતું, “તાલિબાનો અફઘાનિસ્તાન પર કબજો જમાવે તે હવે અનિવાર્ય છે?” ત્યારે બાઈડને આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, “ના, કારણ કે ૭૫,૦૦૦ જેટલા તાલિબાનોની સામે ૩,૦૦,૦૦૦ તાલીમબદ્ધ અફઘાન સૈનિકો છે. એ સંભવ નથી.”
બીજા એક પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યો હતો, “તમારી પોતાની ઇન્ટેલિજન્સ બિરાદરીનું અનુમાન છે કે અફઘાન સરકાર ગમે ત્યારે પડી ભાંગશે,” તેનો જવાબ પણ બાઈડને કહ્યું હતું, “ના, તેમનું એવું અનુમાન નથી. અફઘાન સરકાર ટકી રહેવા સક્ષમ છે.”
જમીન પરની હકીકત જુદી જ હતી. તાલિબાનો એવી રીતે કાબુલમાં આવી ચઢ્યા કે અમેરિકાએ તેના સ્ટાફને ત્યાંથી એર-લિફ્ટ કરવા માટે વધારાની સૈનિક સહાય મોકલવી પડી. કાં તો જો બાઈડનનું વહીવટીતંત્ર તાલિબાનોની વીજળી જેવી ગતિથી અંધારામાં રહી ગયું, અથવા તો તેમની સાથે તેની ગુપ્ત સમજુતી હતી, જેની દુનિયાને ૨૦-૨૫ વર્ષ પછી કોઈક પુસ્તકમાં ઘટસ્ફોટ થશે ત્યારે ખબર પડશે.
જે આતંકવાદીઓનો અમેરિકા સફાયો કરવા માગતું હતું, એ જ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ગાદી પર બેસશે. આમાં બે અસલી વિજેતા છે: તાલિબાનો અને તેમને લશ્કરી, રાજકીય, આર્થિક અને નૈતિક આશ્રય આપનાર પાકિસ્તાન. રશિયન લોકો અફઘાનિસ્તાનમાં હતા, ત્યારે પણ પાકિસ્તાને અફઘાન મુજાહીદ્દીનોને તાજા-માજા કર્યા હતા, અને અમેરિકા તાલિબનોનો સફાયો કરવા અહી આવ્યું, તો પાકિસ્તાનના સૈન્યએ ઢાલ પૂરી પાડી હતી. પાકિસ્તાનનાં વ્યૂહાત્મક હિતોમાં અફઘાનિસ્તાન શરૂઆતથી જ સૌથી મહત્ત્વનું રહ્યું છે.
પાકિસ્તાનની કુખ્યાત ઇન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ(આઈ.એસ.આઈ.)ના ભૂતપૂર્વ વડા જનરલ હમીદ ગુલે, ૨૦૧૪માં સાર્વજનિક રીતે એક એકરાર કર્યો હતો, જે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને સમજવા માટે ઉપયોગી છે. આતંકવાદ સામેના અમેરિકાના યુદ્ધમાં પાકિસ્તાનને મળેલી અમેરિકન સહાયના સંદર્ભમાં, હમીદ ગુલે ૨૦૧૪માં એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ઇતિહાસ જ્યારે લખાશે, ત્યારે તેમાં એક નોંધ થશે કે આઈ.એસ.આઈ.એ અમેરિકાની મદદથી અફઘાનિસ્તાનમાંથી સોવિયત યુનિયનને મારી-ભગાવ્યું હતું. એ પછી એમાં એક બીજું વાક્ય ઉમેરવામાં આવશે-આઈ.એસ.આઈ.એ, અમેરિકાની મદદથી, અમેરિકાને મારી-ભગાવ્યા હતા."
અમરિકા અને તેના સાથી દેશોની અત્યાધુનિક વિશાળ ફૌઝ અને આર્થિક તાકાત સામે તાલિબાનો ૨૦ વર્ષથી ઝીંક ઝીલતા રહ્યા અને પાછલા ત્રણ જ મહિનાની અંદર તેજ ગતિએ એક પછી શહેરો, પ્રાંતો અને રાજ્યો સર કરીને કાબુલના રાષ્ટ્રપ્રમુખ મહેલમાં પહોંચી ગયા તે તેમની કુનેહ અને કૌવતનું પરિણામ છે અને દેખીતી રીતે જ તેની પાછળ પાકિસ્તાની સૈન્ય તેમ જ તેના ઊભા કરેલા બિન-લશ્કરી સંગઠન જૈશે-મહોમ્મદ અને લશ્કર-એ-તૈઈબાની મદદ હતી.
અમેરિકાએ લાદેનના અલ-કાયદાને ખતમ કરવા માટે કરોડો ડોલર પાકિસ્તાનમાં ઠાલવ્યા હતા. પાકિસ્તાને એ સહાયનો ઉપયોગ તાલિબાનોને તગડા કરવામાં કર્યો હતો. આજે એ જ તાલિબાનોએ અમેરિકાનોને હંફાવી દીધા. ૨૦ વર્ષ પહેલાં, ૧૩ નવેમ્બર ૨૦૦૧ના રોજ, અમેરિકન સૈન્યના પીઠબળ સાથે અફઘાન નોર્ધન એલાયન્સના સૈનિકોએ કાબુલમાંથી તાલિબાનોને મારી ભગાવ્યા હતા અને નાગરિક સરકારની સ્થાપના કરી હતી. ગઈ ૧૫મી ઓગસ્ટે, તાલિબાનોએ એ જ કાબુલનો કબજો લઇ લીધો. એક ચક્ર આખું ફરી ગયું હતું.
આગામી મહિને, ૧૧મી સપ્ટેમ્બરે, અમેરિકાના ‘આતંક વિરોધી યુદ્ધ’ની ૨૦મી સાલગિરાહ છે. અફઘાનિસ્તાન છોડી દેવાની અમેરિકન સૈનિકોની આ છેલ્લી તારીખ મુક્કરર થઇ હતી. ૨૦મી સપ્ટેમ્બરે જો બાઈડન અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂરું થયાની જાહેરાત કરે, ત્યારે અખબારોમાં સાચી હેડલાઈન આ પ્રમાણે હોવી જોઈએ :
“વોર ઓન ટેરરનો પરાજય : આતંકવાદનો વિજય.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 ઑગસ્ટ 2021