Opinion Magazine
Number of visits: 9459379
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગ્રેપ્સ ઑફ રોથ’ નવલકથા અને સંઘર્ષ કરનારાઓની દાસ્તાં

પ્રક્ષાલી દેસાઇ|Opinion - Opinion|2 August 2021

લેખિકા મધ્ય પ્રદેશનાં આદિવાસીબહુલ જિલ્લા ઝાબુઆમાં નઈ તાલીમ પ્રેરિત આદિવાસી બાળકોની શાળાનું સંચાલન કરી રહ્યાં છે. કોરોના દરમિયાન પગપાળા નીકળેલા આપણા દેશના સ્થળાંતરિત શ્રમિકોની વેદના અને પીડાના સંદર્ભમાં એમણે સ્ટાઇનબેકની પ્રથિતયશ નવલકથાને સાંકળવા સાથે સરકાર અને કઠિત સુખી વર્ગનું વાસ્તવચિત્ર અહીં પ્રસ્તુત કર્યું છે.

− પ્ર.ન.શા.,

તંત્રી “નિરીક્ષક”

વિશ્વસાહિત્યમાં દમિત પીડિત માનવોનાં અનેક આલેખનો ઘણી વાર બહુ જ સારી રીતે થયાં છે. તે કેટલીક વાર કાલ્પનિક કે વાસ્તવિક પણ હોય, પરંતુ પીડા, વેદના, દમનનું ચિત્રણ અઘરું જ હોય છે, કારણ કે કલ્પના હોય તો પણ તે પીડાને લેખકે ભોગવવી પડતી હોય છે, તે વગર પીડાનું આલેખન શક્ય નથી. એક એવી નવલકથા જે છે કાલ્પનિક, પરંતુ જે સમયે તે લખાઈ હતી, ત્યારે આ નવલકથાએ તે વખતની અમેરિકાની રૂઝવેલ્ટની સરકારને હચમચાવી દીધી હતી. સન ૧૯૩૯ના વર્ષમાં એક અમેરિકન પત્રકાર જોન સ્ટાઇનબેકે આ નવલકથા લખી હતી.

અમેરિકન લેખિકા જુલિયા વર્ડ હોવે સન ૧૮૬૨માં એક આખ્યાન લખ્યું હતું Battle Hymn of the Republic. એમાં એક કવિતા હતી. તે કવિતામાં એક પંક્તિમાં આવતાં એક શબ્દ પરથી જોન સ્ટાઇનબેકે પોતાની નવલકથાનું નામ ‘ગ્રેપ્સ ઓફ રોથ’ રાખ્યું હતું. નવલકથાની ભાષા એકદમ સરળ જૂના અમેરિકન અંગ્રેજીવાળી, સમજવામાં અઘરી નહીં તેવી છે. જ્યારે આ નવલકથા છપાઈને આવી ત્યારે તરત જ એની ૧૪ મિલિયન પ્રતો વેચાઈ ગઈ હતી. આ નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર પારિતોષિક મળ્યાં હતાં. ત્યાર પછી એના પરથી ટિ્‌વન્ટિયેથ સેન્ચ્યુરી ફોકસના જોન ફોર્ડે એ નામે ફિલ્મ પણ બનાવી.

જ્યારે આ લખવામાં આવી, ત્યારે અમેરિકામાં Great Dust Bowl એટલે ધૂળ ભરેલી આંધીઓ સતત આવી હતી, જેથી આખા અમેરિકાની ખેતીમાં બહુ જ નુકસાન થયું હતું અને હાથથી કામ કરનાર ખેતીના મજૂરોની હાલત કફોડી થઈ ગઈ હતી. કેટલા ય મજૂરો રોજગાર વગરના થઈ ગયા હતા અને આખા અમેરિકામાં મહામંદી આવી હતી. રોજગાર અને કામની શોધમાં હજારો મજૂરોએ તે સમયે અમેરિકાના એક પ્રાંતથી બીજા પ્રાંતમાં હિજરત કરી હતી, બેશક રોજીરોટીની શોધમાં, તે હિજરત દરમિયાન તે લોકોએ કેવાં દુઃખોનો સામનો કરવો પડ્યો હતો, તેનું આલેખન લેખકે આ નવલકથામાં કર્યું છે. દર્દને વાચા આપવા માટે જ આ નવલકથા રચવામાં આવી હતી. આ નવલકથાનાં પાત્રો એકદમ સામાન્ય પરિવારનાં અને આપણા પોતાનાંમાંથી એક હોય એવાં લાગે છે. પાત્રોનું એટલું સરળ ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. વાંચકોને તેથી તે પોતીકાં લાગે છે.

નવલકથાનો આરંભ ઓકલેહમા પ્રાંતની ખડકાળ અને ધુસર ભૂમિવાળા પ્રદેશથી થાય છે. સન ૧૯૩૦નો દુર્ભાગ્યશાળી દશક ચાલી રહ્યો છે, સાથે કુદરત પણ રિસાઈ ગઈ છે. વરસાદ બિલકુલ નથી પડ્યો, અત્યંત ધૂળવાળી આંધીઓના આવવાથી બધાં ખેતરોમાંની ખેતી નષ્ટ પામી છે. ભારી તાપથી ધરતી ફાટી ગઈ છે. દૂર-દૂર સુધી સુસવાટા મારતો પવન ધૂળની ડમરીઓથી આખા વિસ્તારમાં તોફાન મચાવી રહ્યો છે. ખેતીની બરબાદીથી ખેડૂતો કંગાળ થયા છે અને તેમાં પણ મોટા ખેડૂતોને ત્યાં કામ કરતાં મજૂરવર્ગના ખેડૂતોની સ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. નવલકથાનો આરંભ જ એટલો વિષાદપૂર્ણ છે કે વાંચક હવે આગળ શું થશે-ની ફિકર કરવા લાગે છે.

કોઈ એક મજૂર કુટુંબનો દીકરો કે તેનું નામ ‘ટોમ’ છે, તે કોઈ કારણથી જેલમાં હતો. તે છૂટીને જઈ રહ્યો છે પોતાને ગામ. તેમનો પરિવાર ગામમાં ‘જોડ’ પરિવારને નામે ઓળખાતો હોય છે. જ્યારે તે ધૂળવાળી ખેતરોની પગદંડીઓ પર થઈ ને ચાલી રહ્યો હોય છે ત્યારે એને ચર્ચનો પાદરી જેનું નામ ‘જિમ કેસી’, તે મળે છે. તેણે ર્નિણય લીધો હોય છે કે તે હવે ચર્ચનું પાદરીપણું છોડીને માનવસેવાના કાર્ય કરવાનું વિચારી રહ્યો છે. તે ‘ટોમ’ સાથે ચાલી પડે છે. બંને જ્યારે ગામમાં પહોંચી જાય છે, ત્યારે ત્યાં એ લોકોને ખબર પડે છે કે ‘ટોમ’નો પરિવાર કામની શોધમાં કોઈ સંબંધીને ત્યાં ગયો છે, આ સમાચાર એમના જ ગામનો ‘મ્યુલી ગ્રાવસ’ નામની એક વ્યક્તિ તેમને આપે છે, સાથે-સાથે પરિસ્થિતિ વિષે વાત કરતાં એમ પણ કહે છે કે મહામંદીને કારણે મોટાં જમીનદારો પાસે જે નાના ખેડૂતો એ જમીન ગીરવી રાખી હતી, તે માટે જમીનદારોના માણસો લોકોને રંજાડી રહ્યાં છે, ખેતી માટે નાના ખેડૂતોએ બૅન્કથી લોન લીધી હતી, તે ભરપાઇ નહીં થવાથી બેન્કના કર્મચારીઓ વારે-વારે લોકોને પરેશાન કરી રહ્યાં છે, આ બધું ઓછું હોય તેમ જમીનદારોએ નિર્ણય લીધો છે કે હવે તેઓ ખેતરોમાં કામ કરાવવા મજૂરોને રાખવાના નથી, ટ્રૅક્ટર જેવાં આધુનિક યંત્રોથી ખેતી કરશે, એટલે મજૂરોની રોજી તો ગઈ. આ વાંચતાં આપણને લાગે કે આપણા દેશના સંદર્ભમાં ક્યાં કશું બદલાયું છે? તે જ હાથના શ્રમની સામે યંત્રો અને આવારા પૂંજીની રમત! આજની તારીખમાં પણ ભારતના કેટલા ય ભાગોમાંથી રોજીરોટીની શોધમા મજૂરોનાં ટોળાં ને ટોળાં ગામડાંઓથી મહાનગરો તરફ ભાગતાં જ રહે છે. નવલકથામાં આગળ જોઈએ તો ‘ટોમ જોડ’ અને ‘જિમ કેસી’ જ્યાં એમનો પરિવાર ગયો છે, તે ગામ પહોંચે છે. ત્યાં બધાં મળીને એક નિર્ણય કરે છે કે કૅલિફોર્નિયા જવું જોઈએ, ત્યાં દ્રાક્ષ અને સંતરાંઓના બગીચાઓમાં ઘણું કામ મળી રહે તેમ છે.

હવે આખો પરિવાર ઘરવખરી બાંધે છે. બચેલા પૈસામાંથી કોઈ જૂની ટ્રક જેવી ગાડી ખરીદે છે, તેમાં સુધારો કરીને તેઓ નીકળે છે, પરિવારમાં ઘરડાં દાદાદાદી, માતાપિતા, ગર્ભવતી બહેન ‘રોઝ’ તેનો પતિ એક નાનો ભાઈ, ‘ટોમ’ પોતે અને ‘જિમ કેસી’ આટલાં જણ નીકળ્યાં છે. રસ્તો ઘણો લાંબો છે ઓકલહમાંથી કૅલિફોર્નિયા અંદાજે ૨,૩૩૪ કિલોમીટર છે. ખબર નહીં તે વખતે ત્યાંના રસ્તા કેવા હશે? એ તો આજના સમયમાં અમેરિકા પૂંજીવાદનો ડંકો આખા વિશ્વમાં વગાડી રહ્યું છે, પરંતુ એ ચમકની પાછળ કેટલા ય ખૂની સંઘર્ષોની દાસ્તાનની કાળી વાતો હશે! રસ્તામાં એરિઝોનાનો રણપ્રદેશ પણ પસાર કરવાનો હતો, પરિવારજનોની માંદગી, વાહનની  ગરબડી, પેટ્રોલના ઊંચા ભાવ, બીજા પ્રદેશવાળાઓની નફરત, પ્રાદેશિક મોસમનો માર વગેરે સહન કરતાં આગળ ને આગળ વધે છે. લેખક જોન સ્ટાઇનબેકૅ એ એવી રીતે લખ્યું છે કે આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાંચતાં ગયા વર્ષે કોરોનાને લીધે પગપાળા નીકળેલ આપણા દેશના પ્રવાસી મજૂરોની કરુણ સ્થિતિ યાદ આવી ગઈ આપણા દેશના જુદા-જુદા પ્રાંતોથી મજૂરી કરવા ગયેલા લોકોની ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાં પગપાળા ઘરે પાછાં જવાની ત્રાસપૂર્ણ ઘટના ભારતના ઇતિહાસમાં પણ કાળા અક્ષરોએ જ લખાશે.

કેટલા ય કિલોમીટર ચાલતાં લોકો, ઘરડાં બીમાર, નાના છોકરાઓને ઊંચકી ચાલતી માતાઓ, નાનાં બાળકોને ખભે નાખી ચાલતાં ૧૦થી ૧૨ વર્ષના, વગર ચપ્પલે ચાલતાં કિશોર-કિશોરી, ગર્ભવતી મહિલાઓ, કોઈની રસ્તામાં જ પ્રસૂતિ થઈ, તો કેટલા ય રસ્તામાં મોતને ભેટતાં લોકો, આવાં લાચાર છતાં એક આત્મસમ્માન લઈ ચાલતાં લોકો, કરોડો સલામ કરવાનું મન થાય, કોઈ કેવી રીતે મર્યા તો કોઈ કેમ, કોઈ રેલગાડીના પાટા પર સૂતેલા કપાઈ મર્યા, કોઈ બીમારી અને ભૂખતરસથી મર્યાં, પણ બચ્યાં એટલા ઘરે પહોંચીને રહ્યાં તેઓ પાસે કોઈ બીજો વિકલ્પ જ નહોતો. ઇતિહાસ સાક્ષી છે, જેમણે સંઘર્ષની સામે હથિયાર નાંખ્યાં નથી એમની જીત જ થઈ છે. આપણા દેશના ખાધેપીધે સુખી લોકોએ તે વખતે એમ કહ્યું કે “શું જરૂરત હતી ગામ તરફ ભાગવાની ?!” “રેલગાડીના પાટે શું કામ સૂઈ ગયાં ?!” આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણી શિક્ષણપ્રણાલી દેશના નાગરિકોને સંઘર્ષ અને મહેનત કરતા લોકોની વ્યથા સમજવાની કેળવણી નથી આપી શકતી. આ નવલકથાનો ‘જોડ’ પરિવાર પણ રસ્તામાં ઘરડાં દાદા અને દાદીને બીમારીને કારણે ગુમાવી બેસે છે, પરંતુ તેમની નિયતિ છે કે તેઓએ આગળ વધવું જ રહ્યું, એટલે તેમને રસ્તામાં જ દફનાવી તેઓ આગળ વધે છે નવલકથા જ્યારે તેના અંત તરફ ગતિ કરતી હોય છે, પરિવાર એક નદીકિનારે વિશ્રામ માટે રોકાય છે. ‘ટોમ’નો નાનો ભાઈ ત્યાં જ રોકાઇને કામ શોધવાનો નિર્ણય લે છે. આ રીતે એક સદસ્ય ત્યાં છૂટો પડી જાય છે. હવે પૈસા પણ ખૂટ્યા છે. આગળ વધતો પરિવાર રસ્તે આવતાં ખેતરોમાં છૂટક મજૂરી કરતાં-કરતાં આગળ વધે છે. ત્યાંના જમીનદારોએ મજૂરો માટે વસાહતો બનાવી રાખી હોય છે. એક સારી વસાહતમાં રહેવાનું અને સારું કામ પણ મળી જાય છે. ઘરનો મોટો છોકરો ‘ટોમ’ ત્યાંનાં મજૂરો સાથે મળી એક સંગઠન ઊભું કરે છે અને મજૂરોના હક્કની લડાઈ લડે છે. ‘જિમ કેસી’ એને સક્રિય સહકાર આપે છે. ‘રોઝ’ જે ગર્ભવતી છે, તે પોષણયુક્ત આહાર માટે વલખાં મારે છે. પરિવાર તેના માટે સાદું દૂધ પણ લાવી શકતો નથી. મજૂરોના હક્કની વાત કરવાવાળા ‘ટોમ’ને ખૂનના ગુનામાં ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે, ‘જિમ કેસી ‘માનવતા માટે’ તે ગુનો પોતાના માથે લે છે, તે જાણે છે; ટોમ નિર્દોષ છે અને પરિવારને ટોમની જરૂરત છે. ‘ટોમ’ને કારણે તે વસાહતમાંથી પૂરા પરિવારને કાઢી મૂકવામાં આવે છે. ત્રાસ સહન કરતો પરિવાર આખરે સપનાંના પ્રદેશ કૅલિફોર્નિયા પહોંચે છે. ત્યાં કામ મળે છે, પરંતુ બહુ જ ઓછી મજૂરી પર, ફળોના બગીચાના માલિકોએ અસ્થાયી વસાહતો બનાવી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ‘રોઝ’નો પતિ પરિવારને છોડી અન્ય જગ્યાએ કામ શોધવા નીકળી જાય છે. ‘રોઝ’ એકલી પડી જાય છે, માતા અને પિતા ‘જોડ’ ખૂબ ધીરજ રાખીને સહુને સાચવે છે, આ વસાહતમાં પણ ટોમ મજૂરોના હક્ક માટેનું સંગઠન બનાવે છે, બધા મજૂરો એકઠાં થઈને માલિકો અને સરકારની સામે આંદોલન કરતાં રહે છે.

આ પ્રવૃત્તિને કારણે ‘ટોમ’ને ફરી એક વાર જેલ જવાનું થાય છે. ‘જિમ કેસી’ પહેલેથી જ જેલમાં છે, ‘રોઝ’ને મૃત બાળક અવતરે છે : એટલું ઓછું હોય તેમ કૅલિફોર્નિયા વિસ્તારમાં ભયંકર પૂર આવે છે. દ્રાક્ષ અને સંતરાંઓના બગીચા ઊજડી જાય છે, મજૂરોની રોજીરોટી પણ પૂર પોતાની સાથે વહાવી જાય છે અને હવે આ નવલકથાનો અન્ત અને પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે પરિવારની બચેલી પેલી ત્રણ વ્યક્તિ, માતા,પિતા અને ‘રોઝ’ પૂરથી બચવા એક ખંડેરમાં આશરો લે છે, તે ખંડેરના અંધારા ખૂણામાં એક ઘરડો ડોસો અંતિમ શ્વાસ ગણતો પડ્યો હોય છે. ‘રોઝ’ તેની પાસે જાય છે અને ખોળામાં પેલી વ્યક્તિનું માથું લે છે અને બાળકની જેમ એને પોતાનાં સ્તનનું દૂધ પીવડાવે છે. અને અહીયાં બધું જ મરી ગયું હોય, ખોવાઇ ગયું હોય, ત્યાં માનવતા જીવી જાય છે ! વાંચક અહીંયાં સ્તબ્ધ છે, હા, બિલકુલ આપણાં પન્નાલાલ પટેલની નવલકથામાં આવે છે તેમ દુકાળની સ્થિતિમાં નવલકથાની નાયિકા, ભૂખથી વ્યાકુળ નાયકને સ્તનપાન કરાવે છે તેમ જ ! જીવન આ જ છે ! આ જ છે માણસથી માણસનો સંબંધ! એવા  માનવો કે જે સંઘર્ષમાં પણ માનવતાને વરેલાં છે. તેને માટે ઘરમાં સુરક્ષિત બેઠેલા અનેક પ્રશ્ન ઉઠાવીને વાત કરે છે, આપણી ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત થાય ?! પણ ભાઈ ઇમ્યુન સિસ્ટમ તો એવાં જ લોકોની મજબૂત થશે જે લોકો વિપરીત સ્થિતિમાં પણ પોતાનો માર્ગ બનાવતા શીખતાં રહશે : તે કૌવત તેઓના ડી.એન.એ.માં આરોપિત થઈ જશે, એ લોકોની આવનારી પેઢી વધુ મજબૂત થઈને પોતાનો હક્ક માંગવા આવશે, તો આશ્ચર્ય નથી. એકબીજા માટે વિચારવું, સહુને સાથે લઈ ચાલવું, મદદ કરવી પર્યાવરણનું ધ્યાન રાખવું, ઓછાં સાધનોમાં જીવન ચલાવવું, આ બહુ જ સુવિધાયુક્ત જીવન જીવવાવાળાની આવનારી પેઢીઓ નહીં કરી શકે, કારણ કે વર્તમાન શિક્ષા પ્રણાલીના પાઠ્યક્રમમાં જીવનસંઘર્ષ, મહેનત, હાથના કામનું  સમ્માન જેવા અવસરો જ જોડવામાં આવ્યાં નથી. સુવિધાયુક્ત જીવન જીવતા હોવા છતાં કેટલા ય લોકોને જીવન સામે બહુ જ ફરિયાદો છે, કેટલાક તો એવાં પણ છે કે એવું વિચારે છે અમારાં સંતાનો જો અભાવો સહન કરશે, તો એ પણ બુદ્ધની જેમ સંસારથી વિરક્તિ થઈ જશે ! પણ માફ કરજો મને, આવનારી પેઢીની કોઈ તાકાત જ નથી બુદ્ધની જેમ વિચારવાની !!

જ્યારે જોન સ્ટાઇનબેકને લોકોએ પૂછ્યું, આવી નવલકથા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો ? ત્યારે જવાબમાં જોન સ્ટાઇન બેકૅ કહ્યું, “આ મહામંદી અને તેના દુષ્પ્રભાવો માટે લાલચી અને હરામી લોકો જવાબદાર છે. હું તેમના ચહેરા પર શરમનું લેબલ લગાવવા માગું છું, એટલે લોકોનાં સ્નાયુતંત્રને હલાવી નાખે એવી આ નવલકથા લખવાનું અભિશપ્ત કાર્ય મે કર્યું છે.” તે જમાનામાં આ નવલકથાને બૅન કરવામાં આવી હતી અને તેને ફળોના બગીચાના માલિકો દ્વારા સળગાવવામાં આવી હતી. આ નવલકથાનું પ્રકાશન થયું (૧૯૩૯) અને મહેનતકશો માટે અવાજ ઉઠાવતાં સંગઠનો અને લોકોએ સરકાર પર ખૂબ દબાવ બનાવ્યો. લેખક પર રશિયાના એજન્ટ હોવાનો આરોપ મુકાયો. સાથે-સાથે આ નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર ઇનામની ઘોષણા કરવામાં આવી. સાથે જ તે સમયની રૂઝવેલ્ટ સરકાર હરકતમાં આવી, એક તપાસ સમિતિ શ્રીમતી રૂઝવેલ્ટના નીચે નિમાઇ અને કૅલિફોર્નિયાના બગીચાઓમાં કામ કરતાં પ્રવાસી મજૂરોની સ્થિતિનું અધ્યયન કરવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે આ નવલકથામાં જે વર્ણન છે, એના કરતાં પણ મજૂરોની સ્થિતિ બદતર છે. તરત જ સરકારે ત્યારના શ્રમકાયદાઓમાં ભારે પરિવર્તન કર્યું કે જે મજૂરોના હક્કની વાત કરે.

નવલકથામાં વર્ણિત Weed Patch Campની જગ્યા આજે પણ ઐતિહાસિક ધરોહરના રૂપે સરકારે સંગ્રહિત કરીને રાખી છે. નવલકથાના શીર્ષક ‘ગ્રેપ્સ ઓફ રોથ’ને મેટાફર સમજીએ, તો એક એવો ગુસ્સો જે જમીનથી જોડાયેલા લોકો દ્વારા ઊઠ્યો અને લોકોને ક્રાંતિ માટે પ્રેરિત કર્યા.

આપણા દેશમાં કોરોનાકાળ દરમિયાન શું થયું ? સરકારે કોરોનાકાળ દરમિયાન પ્રવાસી મજૂરો માટે શ્રમ કાયદાઓમાં બદલાવ કરી કામના કલાકો જ વધારી દીધા ! વર્ષ ૨૦૦૮ના પછી ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ શું સૂચવે છે? કોરોના પછી વાવાઝોડાં જેવી કુદરતી આફતનો પણ સામનો કરવો પડ્યો. આપણી સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદાને સહેલો બનાવી ખેડૂતોને પોતાની જમીનથી અપદસ્થ કરી દીધા !

કહેવાય છે કે કળા અને સાહિત્યની વિધિઓ દેશ અને સમાજમાં બદલાવ લાવી જ શકે છે, તે આ જોન સ્ટાઇનબેકની નવલકથાની બાબતમાં તો સાચું જ છે.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 07-08

Loading

2 August 2021 admin
← કોને ખબર ?
પત્રકારત્વ ને સાહિત્યનો સમન્વય એટલે પ્રકાશ ન. શાહ →

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved