ગુજરાતના ઘણા મોટા એવા નાટ્યકર્મી ભરત દવે તાજેતરમાં અવસાન પામ્યા, તે નિમિત્તે જે અંજલિ-લેખો લખાયા તેમાં ભાગ્યે જ કોઈએ તેમના ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ (2017) પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો. આપણે વ્યક્તિને અમુક ક્ષેત્રમાં જાણેઅજાણે સીમિત કે કેદ કરી દેતા હોઈએ છીએ. ભરત દવે એમ માત્ર નાટ્યક્ષેત્રમાં બદ્ધ કરી શકાય તેવા ન હતા! ગુજરાતમાં દેશી રંગભૂમિની ઘણી બોલબાલા હતી. તે પછી દિલ્હી ખાતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની સ્થાપના થઈ અને તેમાં ગુજરાતના જે તેજસ્વી તારલાઓએ તાલીમ મેળવીને કામ કર્યું, તેમાંના એક તે ભરત દવે.
આજની સામાજિક–રાજકીય સ્થિતિ હરકોઈ વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકને અકળાવનારી છે. પ્રત્યેકના મનમાં તેમ જ જાહેર ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોમાં આ વિશે લગાતાર વિચારમંથન ચાલી રહ્યું છે. ભરત દવેએ આવા સામૂહિક ચિંતનને આગળ ધપાવવાના એક વિનમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક લખ્યું. આજે જે કોઈ પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે, તેની સામે કેવા પ્રશ્નો પુછાય છે, તે ભરત દવેએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યા છેઃ “શું તમે વિકાસના વિરોધી છો ? તમે હિન્દુઓના વિરોધી છો? સ્વચ્છતાના વિરોધી છો ? રાષ્ટ્રગીત ગાવાના વિરોધી છો ? તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો ? આતંકવાદને ટેકો આપો છો ? દેશદ્રોહીઓને ટેકો આપો છો ? તમે માઓવાદીઓના સમર્થક છો ? ‘કાશ્મીર માંગે આઝાદી’ જેવા નારાને તમે મંજૂર કરો છો? તમે ગૌમાંસ ખાવા દેવાના સમર્થક છો? બોલો, મોઢેથી જવાબ આપો.” ભરત દવે નમ્રતાથી જણાવે છે કે આના જવાબો આપવા માટે તમારામાં રવીન્દ્રનાથ ટાગોર જેવી કક્ષા જોઈએ જેમણે એમ કહેવાની હિંમત દેખાડેલી કે “હું તમારા પ્રશ્નોને જ સરાસર નકારી કાઢું છું, કારણ કે મૂળભૂત રીતે આ પ્રશ્નો જ ખોટા છે અને હું તમારા વિરોધમાં ઊભો છું અથવા તમારો વિરોધ કરું છું, એનો અર્થ એ નહિ કે દેશને હાનિ પહોંચાડી રહેલાં તમામ અપરાધિક તત્ત્વોના સમર્થનમાં હું ઊભો છું!” (‘ઘરેબાહિરે’)
લોકશાહીનું હાર્દ એમાં છે કે દેશમાં પ્રવર્તતાં દૂષણો નાબૂદ કરવા બાબતે સૌ કોઈ સંમત હોય. પરંતુ તેને નેસ્તનાબૂદ કરવાની સરકારી નીતિ-રીતિઓ બાબતે પ્રામાણિક મતભેદ હોઈ શકે. આ ક્ષેત્રના મોટા વિચારક જ્હૉન સ્ટુઅર્ટ મિલે કહેલું કે વાણીની સ્વતંત્રતા માત્ર મનગમતી વાતો કહેવા કે સાંભળવા પૂરતી નથી હોતી. તમને ન ગમતી વાતોને, તમે ધિક્કારતા હો એવી વાતોને, પણ તમે એટલી જ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક સાંભળો એ જ તમારી ખરી કસોટી છે. હાલના અમેરિકી વિચારક ચૉમ્સ્કી પણ કહે છે કે ઇતિહાસમાં સ્તાલિન અને હિટલર જેવા સરમુખત્યારોએ પણ તેમની પ્રજાઓને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. પણ માત્ર એવી જ વાણીનો, જે તેમને મંજૂર હોય! ભરતભાઈએ ગંભીર ચર્ચાસ્પદ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે સાંપ્રત સંદર્ભોને જોડીને ભારતમાં આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની શી દશા છે, તેના વિશે ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. જે 368 પાનાંમાં ફેલાયેલું દળદાર પુસ્તક છે.
પુસ્તકમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ પહેલાં બે પ્રકરણોમાં આલખાયેલો છે. તે પછી પશ્ચિમી દેશોમાં કલાસ્વરૂપો ઉપરની સેન્સરશિપના કિસ્સાઓ અને તેની વિગતવાર ચર્ચા છે. તે પછી ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બુનિયાદ અને બંધારણીય જોગવાઈઓ સહિત કેટલીક સાંપ્રત ઘટનાઓની ચર્ચા છે. ભારતમાં સાહિત્ય, નાટક, કલા, ફિલ્મ, વ્યંગવિનોદ, ઇન્ટરનેટ અને મુદ્રિત તથા વિજાણુ માધ્યમોની સ્વતંત્રતા અને તેના પરની સેન્સરશિપ વિશે ચર્ચા છે. દેશદ્રોહનો કાનૂન અને ધાર્મિક અસહિષ્ણુતા આપણા દેશમાં કેવી છે, તે વિગતે વર્ણવાયું છે. આજની વૈશ્વિક કસોટીના પાયામાં વિશ્વભરમાં જમણેરી પરિબળોનો જે રીતે ઉદય થયો છે, તેની અભ્યાસપૂર્ણ ચર્ચા પછી ભારતીય રાજકારણ અને જમણેરી પરિબળો હેઠળ વાણીસ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતા સંદર્ભે કેવી સ્વતંત્રતા અને અરાજકતા પ્રવર્તે છે, તેની ચર્ચા કરતાં લેખકે પ્રાચીન ભારતમાં વૈચારિક સ્વતંત્રતા કેવી હતી, તેની પણ વિગતો આપી છે.
અંતમાં તેમના સમાપનના શબ્દો છે : “આજના અસહિષ્ણુ જગતમાં આપણને માત્ર હા-જી-હા કરનારાઓનો ખપ નથી, અંતરાત્માના ધીમા પણ મક્કમ અવાજને વિશાળ માનવજાતના આંતરવિવેક સુધી પહોંચાડી શકનારા ‘બળવાખોરો’ જ માનવજાતને વર્તમાન સમસ્યામાંથી ઉગારનારો કોઈ નવો વિકલ્પ ચીંધી બતાવશે.”
પુસ્તકના અંતે જે સંદર્ભસૂચિ આપવામાં આવી છે, તેમાં આ વિષયના મહત્ત્વનાં પુસ્તકો અને કેટલાક લેખોનો સંદર્ભ જોઈ શકાય છે.
આજે સર્વોચ્ચ અદાલત વાજબી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર વારંવાર ભાર મૂકે છે, ત્યારે વહીવટીતંત્ર, સરકાર અને તેમનાં ટેકેદાર વર્તુળો જે રીતે અભિવ્યક્ત થનાર વ્યક્તિ કે વિચારક પર કાયદાકીય અને અન્ય ધોંસ બોલાવે છે, ત્યારે માહોલ ચિંતાજનક સ્થિતિમાં પરિણમે છે. દેશભક્તિ એ કોઈ પ્રદર્શનની ચીજ નથી કે એનું કોઈ વળતર કે લાભ મેળવવાનો નથી. બંધારણ, તેની ભાવના, તે સંદર્ભે ઘડાયેલા કાયદાઓ અને વ્યાપક સમાજના સંદર્ભે કાયદાના શાસનની સ્થાપના અને તે પ્રત્યેની નિસબતમાં પણ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ શકે છે.
આ તબક્કે એ બરાબર સમજવાનું છે કે દરેકને પોતાની આઝાદી ગમે છે અને બીજો તે જ પ્રકારની આઝાદી ભોગવે તે સામે અતિશય વાંધાવિરોધ હોય છે. લોકશાહી કે બંધારણ કોઈ એક વર્ગસમૂહની આઝાદી કે તેના જતન માટે નથી. તે તો વ્યક્તિ માત્રની આઝાદીનું જતન કરવા માટે છે. અભિવ્યક્તિની સાથે વિચારસ્વાતંત્ર્ય આવી જ જાય છે. પ્રામાણિક મતભેદ અને વિરોધી વિચાર પ્રત્યે સહિષ્ણુતા એ સાચી આઝાદીનો મર્મ છે. ભરતભાઈએ તેમના જીવનમાં છેલ્લાં વર્ષો આવા ચિંતનને સમર્પિત કર્યાં છે. જે દર્શાવે છે કે એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે તેમને આ મુદ્દો કેટલો પીડતો હશે કે કેટલો નજીકનો લાગતો હશે.
રાજકીય સરકારોને એવું માનવું સદાય ગમતું રહ્યું છે કે જે કોઈ આપણી સાથે નથી તે બધાં આપણી સામે જ છે. આવી ખતરનાક વિચારસરણી ઉપર બંધારણ છે, ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ સ્થાપવાની મસમોટી જવાબદારી છે. સાચા નાગરિકો જ્યારે ટીકાટિપ્પણી કરે છે, ત્યારે તેમને આખા સમાજનું હિત અભિપ્રેત હોય છે તેમને માત્ર ને માત્ર રાજકીય વિરોધીઓમાં ખતવી દેવા એ પાગલપન છે. સત્તા કદી કાયમી હોતી નથી. સત્તા એ તો પ્રજાકલ્યાણનું સાધન માત્ર છે. જે નસીબદારોને જ પ્રાપ્ત થાય છે. તે સમયગાળામાં પોતાનો નાગરિક કોઇ પણ પ્રકારનું દુઃખ ન અનુભવે તે જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. તે સાથે એ પણ સમજવાનું છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો સાવ સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ પ્રકારની કોઈની પણ આઝાદી અમર્યાદ ન હોઈ શકે!
(અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, લેખક – ભરત દવે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ – 380 015, પ્રથમ આવૃત્તિ 2017, પાનાં 276, કિ. રૂા.400)
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 09