'ઇન્ડિયા ટુડે' કોન્કલેવમાં – શું કહીશું એને, સંગોષ્ઠીમાં કે સંગીતિમાં – પાકિસ્તાનના પૂર્વપ્રમુખ મુશર્રફ જે બોલ્યા તેને કારણે તો જરૂર, પણ તેથીયે વધુ તો એમને જે એક વાત સાંભળવાની આવી એને કારણે સવિશેષ રસ આ લખનાર સહિત ઘણાને પડ્યો હશે. સાંસદ મદનીએ એમને કહ્યું કે "પાકિસ્તાન કી જીતની ટોટલ પોપ્યુલેશન હૈ ઉસસે જ્યાદા પોપ્યુલેશન હૈ ઇન્ડિયન મુસ્લિમ્સ કી." અને આ સાથે એમણે જે પણ કહ્યું એનો મરમ અને માયનો એ હતો કે અમે અમારા પ્રશ્નો હલ કરી શકીએ તેમ છીએ, તમે અમને – કેમકે અમે મુસલમાન છીએ – બાકી દેશથી વિમુખ (એલિયેનેટ) કરવાની કોશિશ કૃપા કરીને કરશો મા. દેખીતી રીતે જ, જૈશે મોહમ્મદ અને લશ્કરે તોઇબાની સક્રિયતાનો યશ મુશર્રફે 'ભારતના મુસ્લિમોની, ખાસ કરીને કાશ્મીરના મુસ્લિમોની પરિસ્થિતિને' આપ્યો એમાંથી મૌલાના મદનીની આ પ્રતિક્રિયા આવી હતી. કંઈક ડઘાઈ ગયેલા મુશર્રફ પાસે પછી કોઈ વિકલ્પ નહોતો, સિવાય કે "જો તમે અહીં તમારા હાલથી રાજી હો તો … હું મારા શબ્દો પાછા ખેંચું છું" એમ કંઈક વ્યંગમાં કહેવાનો.
નહીં કે આ વ્યંગને અવકાશ નથી. દેશના મુસ્લિમોને ફરિયાદની લાગણી જરૂર હશે. અને એ માટેનાં કારણો સાચર સમિતિના હેવાલ પછી આપણને અજાણ્યાં પણ ન હોવાં જોઈએ. છતાં, તમે અહીં તમારા હાલથી 'રાજી' છો એવા મુશર્રફી વ્યંગને જરા બીજી રીતે પણ જોવા તપાસવાની અને સમજવાની જરૂર છે. સાંસદ મદની આ દેશના નાગરિક છે, સક્રિય નાગરિક છે અને કાયદાકાનૂન ઘડનારી તેમ નીતિવિષયક ચર્ચા અને ધારાધોરણો ઠરાવતી સંસદમાં બેસે છે. બરોબરીના નાગરિક તરીકે હક અને ફરજની કશ્મકશમાં ને જદ્દોજેહદમાં પડેલાઓ પૈકી છે. સક્રિય સહભાગિતાની આ જે ભૂમિકા ભારતના બંધારણે શક્ય બનાવી છે એને કારણે બાકી સમાજથી વિમુખ નહીં થવાની અગર તો વિમુખતાનાં કારણો છતાં ઓછા વિમુખ હોવાની એક વાસ્તવિક સંભાવનામાં તેઓ વસેશ્વસે છે. એમની ફરિયાદ લાગણીમાં આ સંજોગોમાં તીવ્રતા છતાં ડંખ તો કમસે કમ ન જ હોય. વળી, સંસદ થકી વ્યાપક સહભાગિતાના ક્ષેત્રમાં જવાનું બન્યું ત્યારે મદનીને એ પણ સમજાયું જ હોય કે જો કોઈ ફરિયાદો કેવળ મુસ્લિમ હોવાને કારણે હોય તો સંખ્યાબંધ ફરિયાદો એવી છે જે બાકી હિંદુશીખઈસાઈની પણ છે. ઘણીખરી તો નાગરિક માત્રની છે. અંતે તો, બધી અને બધી જ નાગરિક સમાજ માટેની છે.
મુશર્રફે હોદ્દે ચડ્યા પછી એમના ઉત્તર કાળમાં, ૯/૧૧ સાથે વિશ્વપરિસ્થિતિમાં ઊભા થયેલ તાણ ને તકાજાની તેમ અમેરિકી દબાણ તળેની પરિસ્થિતિમાં કેટલીક એવી કોશિશ જરૂર કરી જેને નાગરિક સમાજની રીતે ધર્મ્ય ગણી શકાય. પણ એક લશ્કરશાહ વર્દી ઉતારે એટલા માત્રથી ને લશ્કરશાહી સામંતશાહી અને લોકશાહી વચ્ચેનું અંતર કાપી તો શકતો નથી. ૧૯૪૭ પછી ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી સહિતની એક આખી નક્ષત્રમાળાના પ્રકાશમાં ભારતે જે રાહ લીધો, જેને કારણે 'એમને બાકી સમાજથી વિમુખ ન કરો' એવી નરવીગરવી ભારતીય મુસ્લિમ ભૂમિકા શક્ય બની, એવું સદ્ભાગ્ય પાકિસ્તાનને મળતાં મળશે. ત્યાં તાજેતરનો સમયગાળો નાગરિક સમાજની તેમજ તેને પરત્વે જાગૃતિનો જરૂર છે, પણ આપણે સારુયે જો મજલ લાંબી હોય તો એને સારુ તો તે અતિ અતિ લાંબી હોવાની છે.
બિનસાંપ્રદાયિક નાગરિક ભૂમિકા તે શું એનો એક સંકેત હમણેના દિવસોમાં દારુલ ઉલૂમે, અહીં મુસ્લિમોએ કોઈ નેતા અને પક્ષ માટે માત્ર ધર્મને ધોરણે મત ન આપવો જોઈએ એવાં જે હિતવચનો ઉચ્ચાર્યાં છે એમાંથી મળી રહે છે. સરસ કહ્યું છે દારુલ ઉલૂમે કે ભારત એક બિનસાંપ્રદાયિક મુલક છે. મતલબ, આ કોઈ ઇસ્લામી મુલક નથી કે એમાં મુસ્લિમ હાકેમ કે મુસ્લિમ પક્ષ માટે જ મત આપવાનો હોય તો હોય. મુસ્લિમ તરીકે, ઇસ્લામમાં માનનાર તરીકે વિચારવાનું બને એ સ્વાભાવિક છે. પણ મત તો ભારતના બંધારણની મોકળાશમાં અને મર્યાદામાં જે પણ નેતાઓ કે પક્ષો મુસ્લિમો સહિત દેશ સમસ્તમાં તરફેણમાં કામ કરતા હોય એમને અને એમને જ આપવાનો હોય.
એક નવી હવા, નવી સમજ બની રહી છે. પડકારો છે. ફરિયાદો છે. પણ સરેરાશ ભારતીયને નાતે આપણે જો બદ્ધ માનસથી કામ પાડીએ તો કાળગ્રસ્ત કરીશું. બધા મુસ્લિમો આતંકવાદી નથી, પણ બધા આતંકવાદીઓ મુસ્લિમ છે એવા રૂઢ (અને તથ્યનિરપેક્ષ) મનોમાલિન્યથી હટવાની જરૂર છે એ મુશર્રફજોગ મદનીવચનો પછી જુદેસર કહેવાની જરૂર ન હોવી જોઈએ.