૨૦૦૭ની રાષ્ટ્રીય કૃષિનીતિ ભલે ‘જેની રોજી ખેતી પર નિર્ભર હોય’ તેને અર્થાત્ સ્ત્રી-પુરુષ સૌને ખેડૂત ગણે, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં પુંલ્લિંગ શબ્દ ખેડૂતનો અર્થ, ‘ખેડવાનો ધંધો કરનાર કે તે વર્ગનો આદમી’ જણાવ્યો છે ! ‘ગૂગલ’ તો એથી આગળ વધીને ‘જે ખેતરનો માલિક કે પ્રબંધક છે’ તેને જ ખેડૂત ગણે છે. જેમ મોટા, મધ્યમ અને સીમાંત ખેડૂત, જમીનમાલિક અને જમીનવિહોણા ખેડૂત એવા વર્ગ છે, તેમ પુરુષ ખેડૂત અને મહિલા ખેડૂત એવા પણ બે વર્ગ ભારતીય કૃષિક્ષેત્રે પ્રવર્તે છે. ત્રણ કૃષિકાયદા વિરુદ્ધના વર્તમાન કિસાન-આંદોલનમાં મહિલા-કિસાનો બરાબરની ભાગીદાર છે, પણ સમાજમાં મહિલા ખેડૂતોને બરાબરીનો હક નથી
ઇતિહાસ ગવાહ છે કે ખેતીની શરૂઆત સ્ત્રીઓએ કરી હતી. જ્યારે મનુષ્યની આદિમ અવસ્થામાં પુરુષો શિકારની શોધમાં જતા હતા, ત્યારે સ્ત્રીઓએ જ સૌ પ્રથમ બી એકઠાં કરી તેને ઉગાડવાનો પ્રયાસ કર્યો હતો. શ્રમબળ સર્વેક્ષણ ૨૦૧૮-૧૯માં જણાવ્યા પ્રમાણે ભારતનાં ગામડાંઓમાં ૭૧.૧ ટકા સ્ત્રીઓ અને ૫૩.૨ ટકા પુરુષો ખેતીનાં કામો કરે છે. યુવાન જ નહીં, તમામ ઉમરની મહિલાઓ ખેતીનાં કામોમાં જોતરાયેલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫થી ૯ વરસની ૧.૨૦ લાખ બાળકીઓ અને ૮૦ વરસથી વધુ ઉમરની ૧.૨૧ લાખ વૃદ્ધાઓ ખેતીનું કામ કરે છે.
દેશમાં ખેડથી ખળા અને બીથી બજાર સુધીનાં ૭૫થી ૮૦ ટકા ખેતીનાં કામો મહિલાઓ કરે છે પરંતુ તે ખેડૂત નહીં. ખેતીકામની સહાયક કે કામદાર ગણાય છે. એટલું જ નહીં, આપણાં ખેતઓજારો મહિલાઓના પહેરવેશને અનુકૂળ આવે અને તેને કામ કરવામાં સરળતા રહે એવાં નથી. પુરુષોના ભાગે આવતા ખેડવા, લણવાનાં કામોમાં યંત્રોની શોધ થઈ છે અને ઉપયોગ વધ્યો છે, પણ મહિલાઓનાં નીંદામણ-ગોડામણનાં કૃષિકામોમાં કોઈ યંત્રો શોધાયાં નથી એટલે તેની શારીરિક મહેનત યથાવત્ રહી છે.
વધુ શારીરિક શ્રમનાં ખેતીકામો પણ મહિલાઓને જ કરવાં પડે છે. ઘૂંટણસમા પાણીમાં અદૂકડા વળીને ડાંગરનાં ધરુ રોપવાનું અને બી સિવાયની ધાનની રોપણીનું કામ મહિલાઓના માથે મરાયું છે. પરંતુ ન તો તેને ખેતીકામનું વળતર મળે છે કે ન તો શ્રેય. ગૃહસ્થી અને ખેતી બંને મહિલા સંભાળે છે ‘શ્રમશક્તિ’ રિપોર્ટમાં ઉલ્લેખાયા મુજબ આ બંનેનો બોજ સહે છે. ૧૮ ટકા ખેતી ધરાવતાં કુટુંબોનું નેતૃત્વ મહિલાઓ પાસે હોવાનું ‘નૅશનલ સેમ્પલ ઑર્ગેનાઇઝેશન’નો સર્વે જણાવે છે, તો ખેતીની આવક પર ૮ ટકા મહિલાઓને જ હક હોવાનું સાવ સામા છેડાનું તારણ ‘ઑક્સફામ ઇન્ડિયા’ના ‘સન ઓફ ધ સૉઇલ’ સર્વેનું છે. ટૂંકમાં, ખેતીને લગતા નિર્ણયોમાં મહિલાનો કોઈ અવાજ નથી, આવકમાં ભાગ નથી અને જમીનની માલિકી નથી. તેના લમણે તો વૈતરું જ લખાયેલું છે.
નૅશનલ પૉલિસી ફોર ફાર્મર્સ – ૨૦૦૭માં જેન્ડર સંતુલન સાથે ખેડૂતની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે. પરંતુ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા મહિલાને ખેડૂત માનવાનો જ ઇન્કાર કરે છે. ધર્મ, જાતિ, પરંપરા, સંસ્કૃતિ, સામાજિક પૂર્વગ્રહો, એકાધિકાર જેવાં કારણો મહિલાઓને જમીન-માલિકીના અધિકારથી વંચિત રાખે છે. સમગ્ર દેશની ૯.૪ કરોડ હેક્ટર ખેતજમીનમાંથી મહિલાઓ પાસે ૧.૫૮ કરોડ હેક્ટર જમીન જ છે. ૩૦.૯૯ લાખ મહિલાઓ ૨ હેક્ટરથી ઓછી અને માત્ર ૬૬ હજાર ૨૦ હેક્ટરથી વધુ ખેતજમીનોની માલિકણ છે. દલિત મહિલા-કિસાનો સરેરાશ ૦.૬૮ હેક્ટર અને આદિવાસી મહિલા-કિસાનો સરેરાશ ૧.૨૩ હેક્ટર જમીનની માલિકી ધરાવે છે.
ભારતમાં કૃષિસંલગ્ન મહિલા શ્રમિકોની સંખ્યા ૭૩.૨ ટકા છે પણ જમીનમાલિકી માંડ બાર-તેર ટકા પાસે જ છે. દર પાંચ વરસે થતી કૃષિ જનગણના મુજબ ૨૦૦૫-૬માં ૧૧ ટકા (૧.૫૧ કરોડ), ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા (૧.૭૬ કરોડ) અને ૨૦૧૫-૧૬માં ૧૩.૮૭ ટકા (૨.૦૨ કરોડ) મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે. મહિલાઓની જમીનમાલિકીમાં દેખાતો આ વધારો છેતરામણો છે. મહિલા હસ્તકની તમામ જમીનો ખેતીયોગ્ય નથી. જેમ કે ૨૦૧૦-૧૧માં ૧૨.૭૯ ટકા માલિકીની જમીન પૈકી ૧૦.૩૯ ટકા જ ખેતી યોગ્ય હતી. જ્યાં જમીનની માલિકી છે, ત્યાં મહિલાઓ પાસે તેનો ભોગવટો કે વાસ્તવિક નિયંત્રણ નથી તેમ પણ જોવા મળે છે. ૨૦૨૦નો સર્વે દેશનાં અગિયાર રાજ્યોમાં સ્ત્રીઓની જમીનમાલિકી ઘટ્યાનું જણાવે છે.
મહિલાઓને જમીનનો અધિકાર મળે તેવી કાયદાકીય જોગવાઈઓનો પણ અમલ થતો નથી. હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ તથા ૨૦૦૫માં થયેલા સુધારા છતાં, ૨૦૧૮માં આત્મહત્યા કરનારા ૨૯ ટકા ખેડૂતોની વિધવાઓ, પતિની જમીન પોતાના નામે કરાવી શકી નથી. કાયદાનુસાર ૩૦ દિવસમાં સંમતિ હસ્તાંતરણ કરી દેવું પડે છે. પતિના મૃત્યુ પછી સ્ત્રીને સામાજિક બંધનોને કારણે લાંબો સમય ઘરમાં ભરાઈ રહેવું પડે છે, તેથી પણ માલિકીના ફેરબદલામાં અડચણ ઊભી થાય છે. એક મોજણીનું તારણ દર્શાવે છે કે ૮૩ ટકા કૃષિજમીનનો વારસો પુરુષોને મળ્યો છે. જમીનની માલિકી સ્ત્રીઓને આત્મનિર્ભર અને પગભર બનાવે છે. તે પિતા, પતિ, પુત્ર કે અન્ય પર આધારિત રહેતી નથી, તેને સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જે કુટુંબ અને સમાજ મહિલાઓને તેમની દયા પર જીવતી જોવા માંગે છે, તે તેમના અધિકાર આડે દીવાલ ખડી કરે છે.
જમીનવિહોણા ખેડૂતો એવા મહિલા કિસાન-શ્રમિકો કે ખેતકામદારોની ઉપેક્ષા અને શોષણ જગજાહેર છે. ખેતી સાથે સંકળાયેલી મહિલાઓમાં આશરે ચાર કરોડ ખેતકામદાર પરિવારની મહિલાઓ છે. ૮૧ ટકા કૃષિ મહિલા શ્રમિકો દલિત-આદિવાસી છે ખેતનાં કામોમાં કુશળ હોવા છતાં આ કામ કરતી પોણા ભાગની મહિલાઓ નામ માત્રનું જ અક્ષરરજ્ઞાન ધરાવે છે. ૨૦૦૧માં ૫૪.૨૮ ટકા ખેડૂત મહિલાઓ હતાં તે ઘટીને ૨૦૧૧માં ૩૬.૯ ટકા થઇ. જ્યારે ૨૦૦૧માં મહિલા ખેતકામદારો ૪૫.૮થી વધીને ૨૦૧૧માં ૬૩.૧ ટકા થયાં. મહિલા કિસાનો ઘટે અને મહિલા ખેતમજૂરો વધે તેવી પરિસ્થિતિમાં મહિલા ખેતમજૂરોને સમાન કામનું સમાન વેતન મળતું નથી. તેમને પુરુષો કરતાં વધુ મહેનત-મજૂરીના કામની પણ ઓછી રોજી મળે છે. જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને એટલા ઓછા દરે તે કામ કરવા મજબૂર છે. શાયદ એટલે જ તે આત્મહત્યાના અંતિમ માર્ગે પણ જાય છે. રાષ્ટ્રીય અપરાધ-નોંધણી એકમના ૨૦૧૯ના આંકડામાં ૫૭૫ મહિલા ખેતકામદારો અને ૩,૪૬૭ દહાડિયા મહિલા-મજૂરોએ આત્મહત્યા કર્યાનું નોંધાયું છે.
ખેડૂતોના સવાલોની ચર્ચામાં સ્વામિનાથન સમિતિના અહેવાલનો બિનચૂક સંદર્ભ આપવામાં આવે છે. પરંતુ કૃષિવૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથને રાજ્ય સભાના નિયુક્ત સભ્યના નાતે મહિલા ખેડૂતો માટે રજૂ કરેલ પ્રાઇવેટ મેમ્બરબિલને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. મહિલા ખેડૂતોના હક અને સરકારની જવાબદારી નક્કી કરતા ‘વિમેન ફાર્મર્સ એન્ટાઇટેલમેન્ટ બિલ, ૨૦૧૧’માં મહિલા કિસાનની ઓળખ અને પરિભાષા સ્પષ્ટ કરવામાં આવી હતી. ગ્રામસભાની મંજૂરીથી મહિલાને તે ખેતી સાથે સંલગ્ન હોવાનું ગ્રામ – પંચાયત પ્રમાણપત્ર આપે તેવી જોગવાઈ ધરાવતું આ બિલ ૨૦૧૨માં રાજકીય ઇચ્છાશક્તિના અભાવે પસાર થઈ શક્યું નહોતું. એટલે હજુ પણ તે મહિલા કિસાનોની માંગ તરીકે ઊભું છે. ગામડાંઓમાં પુરુષ ખેડૂતો ખેતી છોડી શહેરો તરફ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે અને ગામડાંની ખેતીની જવાબદારી મહિલાઓના શિરે આવી છે, તે બાબત ધ્યાનમાં રાખીને પણ વાસ્તવમાં ખેતી સંભાળતી મહિલાઓને તેમનો જમીનમાલિકીનો વાજબી હક આપવો ઘટે.
હાલના ખેડૂત-આંદોલનમાં મહિલાઓની સમાન અને સશક્ત ભાગીદારી પછી મહિલા કિસાનોની ઉપેક્ષા અને ભૂમિ-શ્રમિક સંબંધોનો મુદ્દો આત્મમંથન કરનારો બનવો જોઈએ. ’રાષ્ટ્રીય મહિલા કિસાનદિન’ની ઉજવણી કે સરકારી ‘મહિલા કિસાન સશક્તિકરણ યોજના’થી મહિલા કિસાનોનું દળદર ફિટવાનું નથી. “સો મૈં સત્તર કામ હમારે, લિખો બહી મૈં નામ હમારેં” એ કિસાનની ઓળખ માંગતો મહિલાકિસાન-આંદોલનનો નારો મહિલા-આંદોલકો પૂરતો મર્યાદિત ન બની રહેતાં તે કિસાન-આંદોલનનો પણ એજન્ડા બનવો જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 04-05