Opinion Magazine
Number of visits: 9484824
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—97

દીપક મહેતા|Opinion - Opinion|29 May 2021

કંપની સરકારના વહીવટ અને ન્યાયતંત્રનું એક કાળું પ્રકરણ

રામા કામઠને છળકપટથી ઠરાવ્યા ‘દેશદ્રોહી’ અને કરી જનમટીપની સજા

૧૭૧૮, ડિસેમ્બર પચ્ચીસને રવિવાર. મુંબઈના કોટ વિસ્તારમાં આજે અનેરા આનંદનો અવસર હતો. ક્રિસમસના તહેવારનો દિવસ હતો એ તો ખરું જ. પણ આ દિવસ અનેરો હતો. વહેલી સવારે રસ્તાઓ ધોવાઈને સાફ થઈ ગયા હતા. રહેવાસીઓએ, દુકાનદારોએ, અને સરકારે પણ રસ્તા શણગાર્યા હતા. કારણ? કારણ આજે બોમ્બે ગ્રીન્સ પર સેન્ટ થોમસ કેથીડ્રલનું ઉદ્ઘાટન થવાનું હતું. મુંબઈનું આ પહેલવહેલું એન્ગ્લિકન ચર્ચ. ઉદ્ઘાટનનો સમય નજીક આવતો ગયો તેમ મહેમાનો આવવા લાગ્યા. કોઈ ઘોડા ગાડીમાં, તો કોઈ પાલખીમાં. ઉદ્ઘાટનનો સમય થવા આવ્યો ત્યાં જ ગવર્નર ચાર્લ્સ બૂનની ચાર ઘોડા જોડેલી ગાડી આવતી દેખાઈ. મહેમાનોએ ઊભા થઈને ગવર્નરને માન આપ્યું. એ બધા જ મહેમાનો અંગ્રેજો હતા, માત્ર એક સિવાય. એ અપવાદરૂપ ‘દેશી’ મહેમાન તે રામા કામઠ.

સેન્ટ થોમસ કેથીડ્રલ

અ રામા કામઠ હતા કોણ? ૧૬૫૦થી ૧૭૨૮ સુધી મુંબઈમાં રહેલા એક અગ્રણી વેપારી, દાનવીર, કંપની સરકારના મજબૂત ટેકેદાર. કેટલાંક અંગ્રેજી પુસ્તકો તેમનું નામ રામા કામાઠી આપે છે અને તેઓ હલકી ગણાતી જાતિના હતા તેમ કહે છે. પણ હકીકતમાં તેઓ ગૌડ સારસ્વત બ્રાહ્મણ હતા. અંગ્રેજોના લશ્કરની દેશી સૈનિકોની ટુકડીના વડા હતા. તો સાથોસાથ મરાઠા રાજવીઓ સાથે પણ ઊઠબેસ ખરી. વિક્ટોરિયા ટર્મિનસથી માંડ બે-ત્રણ મિનિટ દૂર, બઝારગેટ સ્ટ્રીટને નાકે તેમણે બંધાવેલું શ્રી વેંકટરમણ અને શ્રી કૃષ્ણ શામળિયા લાલજીનું મંદિર આજે પણ ઊભું છે. શ્રી લક્ષ્મણ પ્રભુએ ૧૧૨૭માં વાલકેશ્વરનું મંદિર બંધાવેલું, પણ પછી વિધર્મીઓએ તેનો નાશ કરેલો. રામા કામઠે પોતાના ખર્ચે ૧૭૧૫માં આ મંદિર ફરીથી બંધાવેલું. ૧૬૯૦માં સુરતના વડા મથકે મુંબઈ સરકારને લખેલા એક પત્રમાં રામા કામઠને કુશળ વેપારી, અને રાજ્યના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે ઓળખાવ્યા હતા. તેઓ ખૂબ જ પ્રામાણિક છે, કંપની સરકારને વફાદાર છે, અને મરાઠાઓ સાથેની બધી લડાઈઓમાં કંપની સરકારને પક્ષે રહ્યા છે એમ પણ જણાવેલું. 

બઝારગેટ સ્ટ્રીટ પર રામા કામઠે બંધાવેલું મંદિર

પણ કહેવત છે ને કે ‘રાજા, વાજા, ને વાંદરા’. ત્રણેનો ભરોસો કરાય નહિ. રાજાનો માનીતો રાતોરાત અણમાનીતો થઈ જાય અને અણમાનીતો ચપટી વગાડતામાં માનીતો થઈ જાય. ત્રીસ વરસ પછી, ખાસ્સી મોટી ઉંમરે પહોંચેલા રામા કામઠ કંપની સરકારના અણમાનીતા થઈ ગયા. અને અળખામણા હોય તેને હેરાનપરેશાન કરવામાં સત્તાધીશો કસર રાખે નહિ. કોઈ માણસને હેરાનપરેશાન કરવો હોય તો સહેલો રસ્તો છે તેને માથે ‘રાજદ્રોહ’નો આરોપ ઠોકી દેવો. કંપની સરકારે પણ એ જ કર્યું. કામઠ ખતરનાક કાવતરાખોર છે, કંપનીના રાજ માટે જોખમકારક છે, એવું જાહેર કરી દીધું અને તેમના પર ‘દેશદ્રોહ’નો ખટલો માંડી દીધો.

કાન્હોજી આંગ્રે

એ વખતે મરાઠા નૌકા સૈન્યના વડા કાન્હોજી આંગ્રે અને કંપની સરકાર વચ્ચે બારમો ચંદ્રમા હતો. નાની મોટી દરેક દરિયાઈ લડાઈમાં આંગ્રે સરકારને હરાવતા હતા. આજે પણ જેમ યુદ્ધની સાથોસાથ દુશ્મન સાથે પાછલે બારણે વાટાઘાટ ચાલુ રહેતી હોય છે તેમ એ વખતે પણ થતું. અને આવી વાટાઘાટ કરવાનું કામ કરતા હતા રામા કામઠ. મુંબઈ સરકાર આંગ્રે સામે ફાવતી નહોતી એટલે કંપનીની લંડન ઓફિસમાં તેની આબરૂ ઓછી થતી જતી હતી. એટલે મુંબઈના ગવર્નર ચાર્લ્સ બૂન અને તેમના સાથીઓએ રામા કામઠને બલિનો બકરો બનાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે રામા ફૂટી ગયેલો છે એટલે આંગ્રે આપણને હરાવી શકે છે. એટલું જ નહિ, કામઠે આંગ્રેને એક લાંબો પત્ર લખીને કંપની સરકારને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડ્યું છે. પોતે મુંબઈના ગવર્નરને પકડીને આંગ્રેને હવાલે કરશે અને મુંબઈની સત્તા આંગ્રેને સોંપશે એવું જણાવતો કામઠે લખેલો એક પત્ર સરકારના હાથમાં આવ્યો છે એમ જાહેર કર્યું. ઘણા વખતથી કામઠ અને સરકાર વચ્ચે કોઈને કોઈ બાબત અંગે પત્રવ્યવહાર તો ચાલતો રહ્યો હતો એટલે તેને આધારે તેના જેવા જ અક્ષરોમાં સરકારે એક બનાવટી કાગળ ઊભો કરી દીધો જેમાં કાવતરાની ચર્ચા હતી. કામઠ પોતાના દરેક પત્ર નીચે સહી તો કરતા, પણ પોતાની મહોર (સીલ) પણ લગાવતા. એટલે એક સોની પાસે કામઠનું બનાવટી સીલ તૈયાર કરાવીને તેનો ઉપયોગ બનાવટી પત્ર પર કર્યો. આ બધી તૈયારી થઇ ગઈ એટલે રાજદ્રોહના બિનજામીનપાત્ર આરોપસર કામઠને કર્યા જેલ ભેગા. કામઠનો એક ખાસ વિશ્વાસુ સાથી હતો ગોવિંદજી. તેને પણ જેલમાં પૂર્યો.

કાન્હોજી આંગ્રેની સરદારી નીચેનાં મરાઠા લડાયક વહાણ

કામઠને સરકારે બધી બાજુથી ઘેરી લીધા હતા. પણ હજી એક વસ્તુ ખૂટતી હતી. બનાવટી કાગળ, બનાવટી સીલ, એ બધું તો ખરું, પણ કેસ ચાલે ત્યારે કામઠની વિરુદ્ધ જુબાની આપનાર તો કોઈક જોઈએ ને! એટલે સરકારે ગોવિંદજીને ખોટી જુબાની આપવા તૈયાર કરવાનું વિચાર્યું. પહેલાં લાલચ, પછી ધાકધમકી. પણ ગોવિંદજી એકનો બે ન થયો. ગવર્નરે પોતે ઊલટતપાસ કરી, પણ ગોવિંદજી મક્કમ. ૧૬૪૦ પહેલાં ગ્રેટ બ્રિટનમાં ગુનેગારો પર શારીરિક અને માનસિક ઘાતકી અત્યાચાર (ટોર્ચર) કરવામાં આવતા. પણ ૧૬૪૦માં આખા બ્રિટિશ સામ્રાજ્યમાં આવી ઘાતકી રીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હિન્દુસ્તાનમાં સરકાર ભલે કંપનીની હતી, પણ છેવટે રાજ તો તાજનું હતું. એટલે ૧૬૪૦નો આ પ્રતિબંધ મુંબઈને પણ લાગુ પડે જ. પણ બીજી બાજુ ગોવિંદજી એકનો બે થતો નહોતો, અને કામઠ વિરુદ્ધની જુબાની વગર તો કેસ નબળો પડી જાય. એટલે ગવર્નર ચાર્લ્સ બૂને ‘અપવાદરૂપ સંજોગોમાં’ જુબાની કઢાવવા માટે ગોવિંદજીના હાથનાં આંગળા અને અંગૂઠામાં ખીલા ઠોકવાની પરવાનગી આપી. આવી અસહ્ય યાતનાથી ગોવિંદજી ભાંગી પડ્યો અને કબૂલ કર્યું કે કામઠે પત્ર લખીને તે આંગ્રેને પહોંચાડવાનું કામ મને સોંપ્યું હતું. બસ, રામા કામઠ દેશદ્રોહી છે ઇતિ સિદ્ધમ્‌.   

અલબત્ત, કામઠ પર કેસ ચલાવવાનું નાટક સરકારે પૂરેપૂરું ભજવ્યું. પુરાવા રજૂ થયા, જુબાનીઓ લેવાઈ, પણ બધું એકપક્ષી. છેવટે ૧૭૨૦ના એપ્રિલની ૧૧મી તારીખે ગવર્નર અને તેમની કાઉન્સિલે ચુકાદો આપ્યો : રામા કામઠે દુશ્મનને મદદ કરીને, પત્રો લખીને, ખાનગી માહિતી પહોંચાડીને રાજદ્રોહનો ગૂનો કર્યો હોવાનું શંકા વગર સાબિત થયું છે. આથી આ કાઉન્સિલ તેને આજીવન કેદની સજા ફરમાવે છે. આ ઉપરાંત તેની સઘળી સ્થાવર-જંગમ મિલકત જપ્ત કરવામાં આવે છે. ચુકાદો આવ્યા પછી સરકારે જાહેરનામું બહાર પાડ્યું કે જે કોઈની રામા કામઠ પાસેથી લેણી રકમ નીકળતી હોય તેણે દસ દિવસમાં અદાલત સામે એ અંગે રજૂઆત કરવી. અને સૌથી પહેલો દાવો કોણે રજૂ કર્યો હશે? ખુદ ગવર્નર ચાર્લ્સ બૂને! ૧૨,૭૯૧ રૂપિયા અને ત્રણ આનાની પોતાની રકમ લેણી નીકળે છે એવી રજૂઆત તેમણે કરી. કોટ વિસ્તારમાં આવેલું કામઠનું ભવ્ય મકાન વીસ હજાર રૂપિયામાં વેચાયું. મુંબઈમાં અને તેની આસપાસ નાળિયેરીની જે વાડીઓ અને બીજી ખેતરાઉ જમીન હતી તેની કીમત ૩૭,૯૮૯ રૂપિયા ઠરાવીને કંપની સરકારે પોતે ખરીદી લીધી! બજાર વિસ્તારમાં રામાશેઠનું ૮૬ ફૂટ લાંબુ એક માળવાળું મકાન હતું જે ગોદામ તરીકે વપરાતું. મકાનની કિમત ૬ હજાર રૂપિયા ઠરાવીને સરકારે જ ખરીદી લીધું. અને તેના ઉપલા માળે અદાલત શરૂ કરી! ભોંયતળિયાનો ભાગ ગોદામ તરીકે વાપરવાનું નક્કી કર્યું. આઠ વર્ષ જેલમાં ગાળ્યા પછી કામઠનું અવસાન થયું.

ગોવિંદજી સામેની ઘાતકી કાર્યવાહીનો કાઉન્સિલના માત્ર એક જ સભ્યે વિરોધ કરેલો. અને તે હતા ચીફ જસ્ટીસ લોરેન્સ પાર્કર! તેમણે કહ્યું કે ગોવિંદજીના હાથનાં આંગળામાં ખીલા ખોડવાનો ગવર્નરે આપેલો હુકમ ગેરકાયદે અને અમાનુષી હતો. આ રીતે જે કબૂલાત ગોવિંદજી પાસેથી કઢાવવામાં આવી તેને કાઉન્સિલે ધ્યાનમાં લેવી જોઈએ નહિ. એટલું જ નહિ, તે પછી આ ખટલા માટેની એક પણ બેઠકમાં પાર્કર હાજર રહ્યા નહિ. ખુદ પાર્કર પર કેસ માંડીને તેમને બરતરફ કરવામાં આવેલા તેની વાત આપણે ગયે અઠવાડિયે કરી હતી. આ કામઠના ખટલામાં તેમણે ગવર્નરનો વિરોધ કર્યો એ પણ એક કારણ હતું, ગવર્નર અને પાર્કર વચ્ચેના અણબનાવનું. અને હા, પોતાની ગેરકાયદે વર્તણૂક માટે ગવર્નર ચાર્લ્સ બૂનને કશું જ સહન કરવું પડ્યું નહોતું. ૧૭૨૨માં મુદ્દત પૂરી થતાં તેઓ સ્વદેશ પાછા ગયા. ૧૭૨૭માં પાર્લમેન્ટમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ૧૭૨૯માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટર બન્યા. ૧૭૩૪ની ચૂંટણીમાં તેઓ પોતાના મોટા દીકરાની તરફેણમાં ખસી ગયા. ૧૭૩૫ના ઓક્ટોબરની આઠમીએ તેમનું મૃત્યુ થયું.

રામા કામઠના અવસાન પછી, ચાર્લ્સ બૂન સ્વદેશ પાછા ગયા પછી, કેટલેક વરસે મુંબઈ સરકારની આંખ ઊઘડી. આ કેસમાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને, ઘાતકી રીતે જુબાની મેળવીને, ન્યાયનાં ધોરણોને નેવે મૂકીને, એક નિર્દોષ માણસને આજીવન કેદની સજા થઈ હતી અને વિના વાંકે તે જેલના સળિયા પાછળ મોતને ભેટ્યો હતો એ હકીકત સરકારને સમજાઈ. એટલે નવેસરથી કેસ ઉઘાડીને રામા કામઠને નિર્દોષ જાહેર કર્યા. તેમની મિલકત લિલામ કરવામાં આવી ત્યારે તેની કિંમત જાણીજોઈને ઓછી આંકવામાં આવેલી એ સ્વીકારીને કામઠના દીકરાને વળતર તરીકે ૪૦૦ રૂપિયાની ‘માતબર’ રકમ આપી અને વરસે ત્રીસ રૂપિયાનું પેન્શન બાંધી આપ્યું! પોતે કરેલા હડહડતા અન્યાય માટે ભલે ઘણું ઓછું, પણ પ્રાયશ્ચિત કર્યું. કોઈ સરકાર પ્રાયશ્ચિત કરે એ વાત નાનીસૂની ન ગણાય – ત્યારે પણ અને આજે પણ! ૧૭૨૬માં આ એડમિરાલ્ટી કોર્ટની પ્રથાનો જ અંત આવ્યો. તે પછી શું થયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 મે 2021

Loading

29 May 2021 admin
← ‘શબવાહિની ગંગા’ની સાખે
માઈન્ડ અને પોલિટકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના અપશુકન ?! →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved