Opinion Magazine
Number of visits: 9447583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને ‘સોસાયટી’

દીપક મહેતા|Opinion - Literature|18 May 2021

ઇસ્વિસો અઢારે અડતાલીસની સાલે શુભ,
તારિખ તો છવ્વીસમી ડીસેમ્બર માસની,
મંગળ વાસરે મહા માંગલિક ક્રિયા કીધી,
કિન્લાક સાહેબ તણી કીર્તિના પ્રકાશની.
સ્થાપી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તે,
અધિક વધારનારી વિદ્યાના અભ્યાસની,
દ્વિજ દલપતરામે દિલથી આશિષ દીધી,
આજથી સોસાયટી તું થજે અવિનાશની.

(ઉપરની પંક્તિઓમાં તથા હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

અમદાવાદ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. પરિણામે મુંબઈ કે પૂનાની સરખામણીમાં અર્વાચીનતાનો વાયરો અમદાવાદમાં પ્રમાણમાં મોડો વાયો. ૧૮૧૮માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ હસ્તગત કર્યું ત્યારે તે એક મરવા પડેલું શહેર હતું. ‘અમદાવાદનો ઇતિહાસ’ (૧૮૫૧) પુસ્તકમાં મગનલાલ વખતચંદ નોંધે છે: 'ગાયકવાડ સરસૂબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવો શાહુકાર હોએ પણ ધાયાધોયાં લૂગડાં તથા મોહોટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહિ પણ ઢેંચણ સમું પોતીયું, તેહેના ઉપર બાસ્તાનો જાંમો ને માથે છીંટની વગર તોરાની પાઘડી પેહેરાતી. ને કદી કોઈ એથી લગીર સારાં લૂગડાં પહેરે તો સરસુબાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માણસને બોલાવી તેહેને કેહે કે ‘તમારી પાસે પુંજી ઘણી છે માટે પાંચ-દશ હજાર સરકારને આપો.’ કદી તે ના કેહે તો તેની છાતીએ પથ્થર મૂકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચોરીઓ પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમ કે હાકેમને તેમાંથી ચોથાઈ મળતી, અને ન્યાય પણ એ રીતે છચોક વેચાતો.’ 

૧૮૪૬ના નવેમ્બરમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ઝાઝી નિશાળો, નહોતાં ઝાઝાં છાપખાનાં, નહોતી કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક સંસ્થા. એ વખતે અમદાવાદમાંથી નહોતાં પ્રગટ થતાં પુસ્તકો, અખબારો, કે સામયિકો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સીધી રેલવે સેવા પણ છેક ૧૮૬૪માં શરૂ થઈ. એ વખતના ગુજરાતની મનોદશા દર્શાવતો એક પ્રસંગ ‘સ્મરણમુકુર’માં નરસિંહરાવ દિવેટિયાએ આલેખ્યો છે : ‘મ્હારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકનાં પોતપોતાનાં ‘બુધવારિયાં’ આવ્યાં. (એક જ પત્રની પ્રતો) પાણી પીવાની ઓયડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે અને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે, લગારે ભૂલ્ય નથી. ત્હારી ને મ્હારી નકલ બરોબર છે;’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.’

હા સુરત, ભરૂચ, અમદાવાદ જેવાં કેટલાંક શહેરોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી રડીખડી નિશાળો હતી ખરી, પણ આ નિશાળોમાં ભણાવતા માસ્તરોને પોતાને જ જે ભણાવતા હતા તેમાં વિશ્વાસ નહોતો. ‘દુર્ગારામ ચરિત્ર’માં મહીપતરામ નીલકંઠ કહે છે: ‘મુંબઈમાં મહેતાજીઓએ ભૂગોળ તથા ખગોળ વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો, ને ઉપરીના હુકમથી હવે તે બાબતો નિશાળમાં ચલાવી. પુરાણોમાં લખ્યા પ્રમાણે એ વિદ્યાઓ નહિ હોવાથી લોકમાં નિંદા ચાલી. નિત્યાનંદ અને પરમાનંદના સંવાદ રૂપે છપાયેલી એ વિશેની ચોપડી ભણે તે લોકને ગમે નહિ. પ્રાણશંકર છોકરાને કહેતા કે સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે, ને ફરે છે. પણ તે તમે માનશો નહિ, કેમ કે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.’ (રમેશ મ. શુક્લ સંપાદિત મહીપતરામ ગ્રંથાવલી, ખંડ ૧)

ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઈ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો.

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી કોઈ સારું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. ફાર્બસના અવસાન પછી ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની દલપતરામની લાંબી લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઈ હતી. તેમાં ફાર્બસ સાથેના પહેલા મેળાપ અંગે તેઓ કહે છે : ‘તેને (ફાર્બસને) અંગ્રેજી કવિતાના ગ્રંથોનો અભ્યાસ હતો, તેથી ગુજરાતી કવિતાના ગ્રંથો ભણવાની મરજી થઈ, ત્યારે અમદાવાદમાંથી તથા વિજાપુરમાંથી બ્રાહ્મણ, ભાટ, વગેરે કેટલાએક કવિઓને બોલાવ્યા, પણ પોતાને કોઈ પસંદ પડ્યો નહિ. પછી રાવસાહેબ ભોળાનાથ સારાભાઈને પૂછ્યાથી તેઓએ મારું નામ બતાવ્યું. તે વખતે હું મારી જન્મભૂમિમાં વઢવાણમાં રહેતો હતો, ત્યાંથી મને તેડવા સારૂ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની મારફતે વઢવાણ મખસુદ માણસ મોકલ્યું. તેથી હું અમદાવાદમાં હાજર થયો … સન ૧૮૪૮ના નવેમ્બર મહિનાની તા. ૧ને રોજ સાહેબની મારે મુલાકાત થઈ, અને મારી બનાવેલી કવિતા સંભળાવી તેથી તે ઘણા ખુશ થયા. અને રૂ. ૨૪૦નું વર્ષ કરીને મને પોતાની પાસે રાખ્યો.’ (દલપત ગ્રંથાવલી, ભાગ ૫)

ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના વારસાની જાળવણી કરવાનું કામ એકલે હાથે થઇ શકે તેમ નથી એ વાત ફાર્બસને સમજાઈ જતાં તેણે સમાનધર્મી વ્યક્તિઓનો સાથ લઈને એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું. આવી સંસ્થા પુસ્તકો, સામયિકો, અને વર્તમાન પત્રો પ્રગટ કરી શકે, નિશાળો શરૂ કરી શકે, પુસ્તકાલયો સ્થાપી શકે. આથી કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા તેમણે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બોલાવી. સાધારણ રીતે નાતાલના અરસામાં બ્રિટિશ અફસરો નોકરીમાંથી છુટ્ટી લઇ મોજમજા કરવા ઊપડી જાય. પણ તેને બદલે કેટલાક અંગ્રેજો તે દિવસે ભેગા થયા, અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. આ પહેલી બેઠકમાં હાજર રહેનારા બધા અંગ્રેજો જ હતા, એક પણ ‘દેશી’ માણસ તેમાં હાજર નહોતો. પહેલા વરસની ‘કમિટી’માં નીચેના સભ્યોનો સમાવેશ થતો હતો : કેપ્ટન વોલેસ, કેપ્ટન ફૂલજેમ્સ, રેવરન્ડ આર.ઈ. ટીરવીટ, રેવરન્ડ જી. ડબલ્યુ. પેરિટ્સ, એ.કે. ફાર્બસ, અને ઈ.જી. ફોસેટ. તેમાંથી સોસાયટીના પહેલા સેક્રેટરી તરીકે ફાર્બસની નિમણૂક થઈ. 

ત્યાર બાદ આ ‘કમિટી’ની પહેલી બેઠક ૧૮૪૯ના જાન્યુઆરીની ચોથી તારીખે મળી હતી. તેમાં આ સંસ્થાના પેટ્રન બનવા માટે મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને વિનંતી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઉપરાંત પુસ્તકાલય, છાપખાનું, ઇનામી નિબંધ-સ્પર્ધા વગેરે અંગે ઠરાવો પસાર થયા હતા. આ બધાં કામો માટે તે જ વખતે ફાળો ઉઘરાવાયો હતો જેમાં ૨,૯૫૦ રૂપિયા ભેગા થયા હતા. આ રકમ કુલ ૨૯ અંગ્રેજોએ એકઠી કરી હતી. હકીકતમાં ૧૮૫૪ સુધી સોસાયટીની ‘કમિટી’માં એક પણ ‘દેશી’ નામ દેખાતું નથી. એ વરસમાં પહેલી વાર ભોગીલાલ પ્રાણવલ્લભદાસનું નામ જોવા મળે છે. એટલે કે, સોસાયટી શરૂ થઈ ત્યારે દલપતરામ તેની સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા. ફાર્બસને ત્યાં નોકરી કરતા હોવાથી તેમના કહેવાથી સોસાયટીનાં નાનાં-મોટાં કામ કરતા હોય એ, અલબત્ત, શક્ય છે. 

સોસાયટીની સ્થાપના થઈ ત્યાં સુધીમાં ફાર્બસ ગુજરાતી ભાષા સહજ રીતે બોલી શકતા થયા હતા. ‘રાસમાળા’ના પહેલા ભાગની ૧૯૨૪માં પ્રગટ થયેલી આવૃત્તિમાં એચ.જી. રોલિંગ્સને ફાર્બસ વિશેનાં સ્મરણો લખ્યાં છે. તેમાં તેમણે કહ્યું છે : ‘ફાર્બસ અસાધારણ શુદ્ધિપૂર્વક અને અસ્ખલિત રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા. આથી યુરોપિયનો માટે અસાધારણ કહેવાય તેવી સહેલાઈથી તેઓ લોકોનો વિશ્વાસ જીતી શકતા અને સાધારણ રીતે જે માહિતી સહેલાઈથી ન મળી શકે તે મેળવી શકતા.'

પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઈ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઇચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિનિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો.

અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઈ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. ૧૮૫૩ના ઓક્ટોબરમાં ફાર્બસની અંગત નોકરી છોડી દલપતરામ સરકારી નોકરીમાં જોડાયા. ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઈ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ અને તેમનાં પત્ની હિન્દુસ્તાન પાછાં આવ્યાં.

દલપતરામનો સોસાયટી સાથેનો ખરેખરો પ્રત્યક્ષ સંબંધ શરૂ થયો તે ફાર્બસનાં સલાહ-સૂચનથી, પણ તેમની ગેરહાજરીમાં. ૧૮૫૪ના સપ્ટેમ્બરની ચોથી તારીખે દલપતરામ સાદરાથી કાવ્યપઠન કરવા અમદાવાદ ગયા હતા. એ વખતે સોસાયટીના સેક્રેટરી ટી.બી. કર્ટિસે સરકારી નોકરી છોડીને સોસાયટીની નોકરી સ્વીકારવાનું સૂચન દલપતરામને કર્યું હતું. પણ દલપતરામે જવાબ આપ્યો કે ‘મહિકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હાઈટલોકસાહેબ સોસાયટીના મેમ્બર છે, તેઓની મારા પર ઘણી મહેરબાની છે તેથી સરકારી ખાતામાં મને મોટે અધિકારે ચડવાની આશા છે. માટે હું ત્યાં રહીને સોસાયટીને મદદ કરતો રહીશ.’ આ જવાબ આપીને તેઓ સાદરા પાછા ગયા.

સોસાયટીની લાયબ્રેરી ચાલુ રાખવામાં જો ‘દેશી’ઓને રસ ન હોય તો તે બંધ કરવી એવી માગણી ૧૮૫૫ના જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેટલાક અંગ્રેજ સભ્યોએ કરી. એટલે કર્ટિસે ફાર્બસને કાગળ લખી જણાવ્યું કે અત્યારની મુશ્કેલીમાંથી સોસાયટીને બચાવી શકે એવો એક જ માણસ છે, દલપતરામ. તમે તેને સોસાયટીની નોકરીમાં જોડાવા સમજાવો. એટલે ફાર્બસે પત્ર લખી દલપતરામને સોસાયટીની નોકરી સ્વીકારવા સમજાવ્યા. સાથે એમ પણ લખ્યું કે ‘જો સોસાયટી ભાંગી પડશે તો તમારી આખી ઉંમર સુધીની ફિકર હું રાખીશ.’ એ જ અરસામાં કર્ટિસે પણ પત્ર લખી નોકરીની ઓફર મોકલી. દલપતરામ રાજી થયા, પણ પોલિટિકલ એજન્ટ તેમને છૂટા કરવા તૈયાર નહોતા. તેમણે એ વાત પત્ર લખીને સોસાયટીના સેક્રેટરીને જણાવી. પણ છેવટે તેમણે દલપતરામને નોકરીમાંથી છૂટા કર્યા. પછી દલપતરામે કર્ટિસને પત્ર લખી જણાવ્યું:

‘સ્વદેશનું શુભ ચાહીને આવીશ અમદાવાદ,
સોસાઈટીને સેવવા, બાર-તેર દિન બાદ.’

અને ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી મહીને ૩૦ રૂપિયાના પગારે દલપતરામ સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. અને તે દિવસથી દલપતરામના જીવનનું જ નહિ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસનું પણ એક નવું અને સમૃદ્ધ પ્રકરણ શરૂ થયું. 

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”, ઍપ્રિલ 2021

Loading

18 May 2021 admin
← આપણે અને એ લોકો
કવિતા વિલાપ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved