Opinion Magazine
Number of visits: 9448712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારા સ્વજન તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના … !

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|13 May 2021

હૈયાને દરબાર

રવીન્દ્રનાથ ટાગોરની ૧૬૦મી જન્મજયંતી ૭મી મેએ ઉજવાઈ ત્યારે કેટલી ય નવી વાતો, નવી રચનાઓ, નવાં ગીતો વિશે જાણવા મળ્યું.‌ અમે ભાઈ-બહેન નાનાં હતાં ત્યારે મમ્મી એક ગીત ગાઈને અમને ઘણીવાર ઊંઘાડતી.‌ એ ગીત હતું ; પેલા …, પેલા પંખીને જોઇ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું. એના પછીની પંક્તિમાં અમને બહુ મજા આવતી. એ પંક્તિ એવી છે કે, ઘડિયાળમાં દસ વાગે ટન ટન ટન ટન ટન ટન ટન ટન ટન. આ ટન ટન બોલવામાં જે આનંદ આવતો! સપનાં ય પછી પંખીનાં આવતાં અને ઊંચી ઉડાનની કલ્પનાઓ પણ આવાં ગીતો આપતાં. આ ગીતના મૂળ કવિ રવીન્દ્રનાથ ટાગોર અને આ સુંદર અનુવાદ કરનાર પિનાકીન ત્રિવેદી.‌ એ વખતે તો ક્યાંથી ખબર હોય ક્યાં ગીતના કવિ કોણ! એ વખતે તો માના કંઠે સાંભળીએ એટલે એ જ કવિ ને એ જ સંગીતકાર.‌ પરંતુ, લેખક-વિવેચક દીપક મહેતાએ રવીન્દ્ર જયંતીએ કેટલાંક ગીતોનો અનોખો ખજાનો ધરી દીધો.‌

રવીન્દ્રનાથ ટાગોરની કવિતા-સાહિત્યના વિશ્વભરની ભાષાઓમાં અનુવાદ થયા છે. ગુજરાતીમાં પણ મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, નગીનદાસ પારેખ, ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ, સતીષચંદ્ર વ્યાસ, નલિની મડગાવકર સહિત અનેક સાહિત્યકારોએ આ અનુવાદો કર્યા છે.‌ પરંતુ, દીપક મહેતાએ પિનાકીન ત્રિવેદીએ અનુદિત કરેલાં રવીન્દ્ર સંગીતનાં સમગેય ગીતો મોકલ્યાં એમાં આ પંખીનું ગીત સાંભળીને આખું બાળપણ તાદ્રશ્ય થઈ ગયું.‌ પિનાકીન ત્રિવેદી આમ તો મુંબઈની ન્યુ એરા સ્કૂલમાં કે ગુજરાતી અને સંગીતના શિક્ષક. પરંતુ, રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યને સંગીતમાં ખૂબ રસ-રુચિ હોવાને કારણે કેટલાં ય ગીતો ગુજરાતીમાં અનુવાદ કરીને આપણને આપ્યાં છે. દીપકભાઇએ આવાં અગિયાર ગીતોનો સંપૂટ મોકલ્યો, ત્યારે થયું કે રવીન્દ્ર સંગીતનાં સમગેય ગુજરાતી ગીતો પર આખી સિરીઝ થઈ શકે એટલું સાહિત્ય છે.‌ પરંતુ, આપણે તો ગાગરમાં સાગર સમાવવાનો એટલે કેટલાંક ઉલ્લેખનીય ગીતો વિશે જ વાત કરીશું.‌

પિનાકીન ત્રિવેદી શાંતિ નિકેતનથી શિષ્ટ તેમ જ લૌકિક સંગીતની શાસ્ત્રીય તાલીમ લઈ આવેલા હતા. એમનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ. કળાનો આત્મા પૂરેપૂરો સમજેલા. મહાદેવભાઈના અનુવાદો વિશે બેમત ન જ હોઈ શકે છતાં ઝવેરચંદ મેઘાણી પિનાકીન ત્રિવેદી વિશે એમના ત્રણ રેકોર્ડ વિશેના એક રિવ્યૂમાં સાવ જુદો અભિપ્રાય આપે છે. મેઘાણી લખે છે, "પેલા પંખીને જોઇ મને થાય શબ્દો એમના કંઠમાંથી બહાર પડે ત્યારે સાદા શબ્દો દ્વારા કેટલું ઉન્નત વાતાવરણ સર્જી શકાય તેની ખાતરી થાય છે. ચાર વર્ષના બાળકથી માંડીને સાઠ વર્ષના વૃદ્ધ બંનેને આ સરખી રીતે આકર્ષી શકે છે. એક રેકોર્ડમાં એક બાજુ રવીન્દ્રનાથના એકલો જાને રે …ને બીજી બાજુ ચિંતા કર્યે ચાલશે નહિ ગીતો છે જે મહાદેવભાઈએ કરેલા સમભાષી તરજુમા છે.

ગાનારનો કંઠ, ગાવાની હલક, સંગીતના સાજ એના એ જ છતાં પિનાકીન ત્રિવેદી રચિત ચાર ગીતો અને આ બે ગીતોના ગાવન વચ્ચે જે તફાવત છે એ જ બતાવી આપે છે કે આપણી ગુજરાતી વાણીની ખૂબીઓની પિનાકીન ત્રિવેદીને પ્રાપ્ત થયેલી પિછાન અને મહાદેવ દેસાઇને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નોમાંથી પરિણમ્યો છે." ઝવેરચંદ મેઘાણીનું કહેવું છે કે, "બંને જ્ઞાતા છે પરંતુ, પિનાકીનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો તરજુમો નથી કે બંગાળી સ્વરભારોનો મનોવિભ્રમ નથી. ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે એટલે જ એમણે કર્યું છે એ રસાયણ અને મહાદેવ દેસાઈના તરજુમામાં જે નિપજ્યું છે એ બંગાળીકરણ."

https://www.youtube.com/watch?v=nqreUZohGS8

આવો બોલ્ડ રિવ્યૂ એ વખતે જન્મભૂમિમાં છપાયો હતો. એ હકીકત તો છે જ કે પિનાકીન ત્રિવેદીની સરળતા ગીતોને વધુ લોકભોગ્ય બનાવે છે.

કવિ-સંગીતકાર નિનુ મઝુમદારે પણ 'ચિત્રાંગદા' નૃત્ય નાટિકા સહિત રવીન્દ્ર સંગીતનાં કેટલાંક ગીતોનો ભાવાનુવાદ કર્યો છે. લેખિકા સોનલ શુક્લ આ વિશે કહે છે, "રવીન્દ્ર સંગીતની એક રેકર્ડ બહાર પડી હતી જેમાં એક બાજુ તારી જો હાક સૂણી ગીત હતું અને બીજી બાજુ તારા સ્વજન તને જાય મૂકી તો ચિંતા કર્યે ચાલશે નહીં .. હતું. આ બંને ગીતો ડબલ એમ.એ.‌ થયેલા અને ગોલ્ડ મેડલિસ્ટ પિનાકીન ત્રિવેદીએ ગાયાં હતાં. ટાગોરની બીજી રેકર્ડ નિનુ મઝુમદારની હતી. ટાગોરના જન્મ શતાબ્દી વર્ષે નિનુ મઝુમદાર અનુદિત નૃત્ય નાટિકા ચિત્રાંગદાના પચીસ શો થયા ‌હતા.‌"

ગાંધીજી પણ રવીન્દ્ર સંગીતથી પ્રભાવિત હતા.‌ અમર ભટ્ટે જીબન જોખોન શુકાયે જાય…ના કરેલા સમગેય અંનુવાદ; જીવન જ્યારે સુકાય ત્યારે, કરુણાધારે આવો … સંદર્ભે લખ્યું છે કે, "ગાંધીજીને ટાગોરની આ રચના પ્રિય હતી. કહે છે કે ટાગોર ગાંધીજીને પૂનાની જેલમાં મળવા માટે ખાસ શાંતિનિકેતનથી પૂના ગયેલા. 26 સપ્ટેમ્બર 1932ના દિવસે બંનેનું મિલન થયું. તે જ દિવસે અંગ્રેજ વડા પ્રધાને પૂના સમજૂતીને મંજૂરી આપી છે એવા સમાચાર મળતા ગાંધીજીના ઉપવાસ પૂર્ણ થયા. ત્યાં ગાંધીજીની ઈચ્છાથી ટાગોરે આ રચના મૂળ બંગાળીમાં ગાયેલી. કહે છે કે પછી જ્યારે પણ ઉપવાસ પૂર્ણ થાય ત્યારે આ રચના ગવાય એવો શિરસ્તો થઇ ગયેલો.

ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાના પુસ્તક 'Gandhi the years that changed the world 1914-1948'માં ગાંધી-ટાગોરના આ મિલનની આમ નોંધ છે: ‘…. on the afternoon of the 26th, the poet 'bent with age and covered with a long flowing cloak proceeded step by step very slowly to greet Gandhiji who was lying in bed. Bapuji …. affectionately embraced Tagore, and then began to comb his white beard with his shaking fingers, like a child. … To celebrate, Tagore sang a verse ….. from Gitanjali. Kasturba then offered her husband some orange juice …'

મહાદેવભાઈની ડાયરીમાં પણ આમ નોંધ છે :

'કવિએ જીવન જખન શુકાયે જાયે ગાયું. સુભાગ્યે એ મારી પાસે લખેલું હતું. એનો રાગ એ તો ભૂલી જ ગયા હતા."

આજની પરિસ્થિતિમાં ટાગોરની આ પ્રાર્થના અજબની શાતા આપે છે.

એ જ રીતે‌ 'હે નૂતન, દેખાઓ ફરી વાર જન્મની પ્રથમ શુભ ક્ષણ, તમારા પ્રકાશ થકી દૂર કરો આ આવરણ …! ગીતમાં પણ ભરપૂર સકારાત્મકતા છે.

આ ગીત કદાચ એમણે છેલ્લે લખેલાં ગીતોમાંનું એક છે. એમની 80મી વર્ષગાંઠના આગલે દિવસે એટલે કે 6 મૅ 1941ના દિવસે એમણે આ ગીત લખ્યું હોવાનું મનાય છે. એમાં આવનારા નૂતનને પ્રાર્થના છે, જન્મની પ્રથમ ક્ષણ બતાવવા માટેની. કવિને આખરી ઘડીઓનો અંદેશો આવી ગયો હશે એમ એમણે આ ગીત મહેફિલના અંતે ગવાતા રાગ ભૈરવીમાં જ સ્વરબદ્ધ કર્યું હતું.‌ આ જ ગીતનો અંગ્રેજી સમગેય અનુવાદ ફ્રાન્સેસ્કા કાસિયોએ બહુ સરસ‌ ગાયો છે.

આગુનેર પોરોશમનિ અને આનંદલોકે મંગલાલોકે રવીન્દ્રનાથ ટાગોરની અદ્ભુત-અલૌકિક પ્રાર્થનાઓ છે.‌છેલ્લે, એકલો જાને રે જેવા જ અન્ય એક સકારાત્મક ગીત સાથે લેખ સમાપ્ત કરીએ.‌ એ ગીત છે, તારાં સ્વજન તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના …! અત્યારના કપરા કાળમાં આપણી આસપાસ ઘણી વ્યક્તિઓની વિદાય આપણે જોઈ છે. અત્યંત દુઃખજનક પરિસ્થિતિમાં ટાગોર આપણને સધિયારો આપે છે કે તારા સ્વજન તને જાય મૂકી તો ચિંતા કરવાથી કંઇ નહીં વળે. આપણે આપણું જીવન જીવવાનું છે, આનંદપૂર્વક જીવવાનું છે. આપણાં સંતાનો માટે, આપણાં માતા-પિતા માટે, મિત્રો માટે જીવવાનું છે. એટલે માર્ગમાં ભલે અંધકાર છવાયો હોય પરંતુ તું અટકી જશે તો નહીં ચાલે. તારે દીવો પ્રગટાવીને આગળ વધવાનું છે તો જ તું સ્વસ્થ જીવન જીવી શકીશ.‌

રવીન્દ્રનાથ ટાગોરની દરેક કવિતામાં ચિંતન છે, દર્શન છે.‌ આજે પણ આ ગીતો એટલાં જ પ્રસ્તુત હોવાથી ટાગોર સદાય અમર રહેશે એ નિ:શંક છે.

*****

તારા સ્વજન તને જાય મૂકી તો, 

તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
તારી આશાલતા પડશે તૂટી ફૂલ ફળે એ ફાલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
માર્ગે તિમિર ઘોર ઘેરાશે એટલે શું તું અટકી જાશે
વારંવારે પેટાવે દીવો ખેર જો દીવો પેટશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
સૂણી તારા મુખની વાણી વીંટળાશે વનવનનાં પ્રાણી
તો ય પોતાના ઘરમાં તારે પ્હાણનાં હૈયાં ગળશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના
બારણાં સામે બંધ મળે એટલે શું તું પાછો વળે
વારંવારે ઠેલવાં પડે, ખેર જો દ્વારો ખૂલશે ના
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના

કવિ : રવીન્દ્રનાથ ટાગોર    •   અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ


***

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 મે 2021

Loading

13 May 2021 admin
← ‘સબ કુછ ચંગા-ચંગા’
સરકાર જ નહીં, આપણે પણ, પ્રજા તરીકે નિષ્ફળ છીએ … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved