Opinion Magazine
Number of visits: 9505986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં સાક્ષરતા વધી પણ પુસ્તકાલયો ન વધ્યાં !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 May 2021

નવતર કોરોના વિષાણુ ઓગણીસ મહામારીથી દુનિયા ત્રસ્ત છે. કોરોનાને કારણે માનવ જીવનનાં સર્વ ક્ષેત્રો પ્રભાવિત થયાં છે. શિક્ષણ સંસ્થાઓને મહિનાઓથી બંધ રાખવાની ફરજ પડી છે. અનૌપચારિક શિક્ષણની પાઠશાળા એવાં પુસ્તકાલયો પણ સૂનાં છે. કોરોનાના પ્રસારને ડામવા અપનાવાતી સમૂહ તાળાબંધી-સંચારબંધી અને કોરોનાગ્રસ્તની વ્યક્તિગત ઘરબંધીમાં ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનાં માધ્યમથી વ્યક્તિની એકલતા કંઈક હળવી થાય છે. નવા જમાનાના આ માધ્યમો ઉપરાંત પુસ્તકો માનવના સુખ-દુ:ખના કાયમી સાથી રહ્યાં છે. ‘જીવીશ  બની શકે તો એકલાં પુસ્તકોથી’, એ કવિ ‘કલાપી’ની અમર પંક્તિની જેમ ભલે માત્ર પુસ્તકોનાં વાચનથી જીવી ના શકાય, પણ એ સહારો જરૂર બની શકે છે.

વિચારોનાં આદાનપ્રદાનનું તેમ માનવીય સંવેદના અને લાગણીઓને ઘડવા-સમજવાનું સશક્ત માધ્યમ પુસ્તકો છે. તમામ વિષમ પરિસ્થિતિના મુકાબલા માટે, પડકાર માટે, પુસ્તક એક સક્ષમ સાથી છે. હા, એ વાત સાચી કે આજે મુદ્રિત શબ્દનું મહત્ત્વ ઘટ્યું છે અને પુસ્તકોના ડિજિટલ રૂપ, ઈ-બુક્સ, ઓડિયો બુક્સનું ચલણ વધ્યું છે. પરંતુ પુસ્તકો સાવ અપ્રસ્તુત બન્યાં નથી. દર વરસે દિલ્હીના પ્રગતિ મેદાનમાં એશિયાનો સૌથી મોટો વિશ્વ પુસ્તક મેળો યોજાય છે. કોરોના મહામારીને કારણે તે પ્રત્યક્ષ રીતે યોજી ન શકાયો એટલે પરોક્ષ યોજાયો. દિલ્હીના આ વર્ચ્યુઅલ બુક ફેરમાં ૧૦૦ પ્રકાશકોનાં ૯૦૦ પુસ્તકો રજૂ થયાં હતાં. બે લાખ લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવતાં તે વિશ્વનો સૌથી મોટો આભાસી પુસ્તક મેળો બની રહ્યો. તેથી સાબિત થયું કે વાચનની ભૂખ બરકરાર છે.

કોરોનાએ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં બદલાવ આણ્યો છે, લોકોની જીવનશૈલી અને વાચન અભિરુચિ પણ બદલાઈ છે. પણ લોકો વાચનથી વિમુખ થયાં નથી, શાયદ થઈ પણ ના શકે. આ સંજોગોમાં સમાજ અને સરકાર પુસ્તક અને પુસ્તકાલયને કઈ નજરે જુએ છે, તેનું ઉદાહરણ તાજેતરની કેટલીક ઘટનાઓ થકી જાણી શકાય છે.

વિધાનસભાની લાઈબ્રેરી કમિટીની બેઠકની કાર્યવાહીનો હવાલો આપીને બિહાર વિધાનસભાના સી.પી.આઈ.એમ.(એલ.)ના ધારાસભ્ય સંદીપ સૌરભ સરકાર પુસ્તકાલયો મુદ્દે ભયાનક બેદરકાર હોવાનું જણાવે છે. બિહારમાં પુસ્તકાલયો ખતમ થઈ રહ્યાં છે કે આખરી શ્વાસ લઈ રહ્યાં છે તેમ જણાવી ધારાસભ્ય અને જે.એન.યુ.ના આ પૂર્વ વિધાર્થી નેતા સરકાર પટણામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું પુસ્તકાલય બનાવવા વિચારતી હોવાનું પણ જણાવે છે.  બિહાર સરકાર નવી ઈન્ટરનેશનલ લાઈબ્રેરી ઊભી કરે, ત્યારે ખરી પણ હાલ તો સવાસો વરસ કરતાં વધુ જૂની પટણાની ‘ખુદા બખ્શ ઓરિએન્ટલ લાઈબ્રેરી’નો મોટો ભાગ ફ્લાયઓવર બાંધવા માટે ધરાશાયી કરવાની છે! ૧૮૯૧માં શરૂ થયેલી આ લાઈબ્રેરીને કેન્દ્ર સરકારનું રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ પ્રાપ્ત છે. અઢી લાખ પુસ્તકો અને એકવીસ હજાર અલભ્ય હસ્તપ્રતો ધરાવતી ખુદા બખ્શ લાઈબ્રેરીનો વિકાસના નામે ભોગ લેવાઈ રહ્યો છે.

કર્ણાટકના બાસઠ વરસના ગરીબ, અભણ અને રોજમદાર સૈયદ ઈસ્સાક કન્નડ ભાષાના વિકાસ અને લોકોની વાચન અભિરુચિ કેળવવા ગાંઠના પૈસે મૈસુર શહેરના મહેનતકશ રાજીવનગર વિસ્તારમાં ‘જનતા લાઈબ્રેરી’ ચલાવે છે. હમણાં કેટલાક તોફાની તત્ત્વોએ આ લાઈબ્રેરીને આગ ચાંપી સળગાવી મૂકી છે. આ ગ્રંથાલયમાં ૧૧,૦૦૦ પુસ્તકો હતાં અને રોજ  ૧૭ અખબારો આવતા હતા. સરેરાશ રોજના દોઢસો વાચકો તેના મુલાકાતી હતા. એક નિરક્ષર વ્યક્તિ દ્વારા જનસહયોગથી ચાલતા જનતા પુસ્તકાલયના કાટમાળ અને પુસ્તકોની રાખ સામે જોઈને સૈયદ ઈસ્સાક કહે છે : ‘હું નિરાશ જરૂર થયો છું, પણ હતાશ નથી થયો. હું ફરી લાઈબ્રેરી ઊભી કરીશ.’

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં ૮૩ કરોડ ગ્રામીણ વસ્તી માટે ૭૦,૮૧૭ અને ૩૭ કરોડ શહેરી વસ્તી માટે ૪,૫૮૦ પુસ્તકાલયો છે. એ હિસાબે સાડા અગિયાર હજાર ગ્રામીણે અને એંસી હજાર શહેરીએ એક લાઈબ્રેરી છે. ૧૦ કરોડ ૪૦ લાખની વસ્તીના બિહારમાં ૫૧, ૨૦ કરોડની વસ્તીના ઉત્તર પ્રદેશમાં ૭૦ અને ૬.૦૪ કરોડની વસ્તીના ગુજરાતમાં ૨૯૮ સરકારી પુસ્તકાલયો છે. માંડ સવા કરોડની આબાદીના અવિભાજિત જમ્મુ અને કશ્મીરમાં ૧૪૦ તો ૬ કરોડના કર્ણાટકમાં ૭,૦૦૦ પબ્લિક લાઈબ્રેરી આવેલી છે. દેશમાં જે ઝડપે સાક્ષરતાનો વિકાસ થયો છે તે ઝડપે ગ્રંથાલયોનો વિકાસ થયો નથી. એક હજારની વસ્તીએ એક લાઈબ્રેરી હોવી જોઈએ તેને બદલે એક લાખે પણ એક નથી. બિહારમાં ૧૯૫૦માં ૫૪૦ સરકારી પુસ્તકાલયો હતાં હવે માંડ ૫૦ છે. દેશના અન્ય રાજ્યોની તુલનામાં દક્ષિણના રાજ્યોમાં પુસ્તકાલયો વધારે છે. દેશના સૌથી મોટા રાજ્ય કેરળમાં પુસ્તકાલય પ્રવૃત્તિ લોક આદોલન છે. કેરળ સરકાર શિક્ષણના બજેટમાંથી ૩ ટકા અને બિહાર સરકાર ૦.૦૧ ટકા પુસ્તકાલયો માટે ખર્ચે છે.

વડોદરા નરેશ સયાજી રાવ ગાયકવાડે અમેરિકી તજ્જ્ઞ ડો. ડબલ્યુ.એ. બોર્ડનની નિગેહબાનીમાં ઈ.સ. ૧૯૧૦માં ગુજરાતમાં સૌ પહેલું પુસ્તકાલય શરૂ કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના ગુજરાત રાજ્યમાં એની રચનાના ચાળીસ અને ૧૯૪૮માં પહેલીવાર ગ્રંથાલય ધારો ઘડાયાના ત્રેપન વરસો પછી, ૨૦૦૧માં, ગુજરાત ગ્રંથાલય ધારો ઘડાયો હતો. રાજ્યના કુલ ૩૩માંથી ૨૬ જિલ્લામાં, ૨૫૦માંથી ૮૪ તાલુકામાં અને ૧૮,૨૨૫માંથી ૧૪૨ ગામોમાં જ સરકારી પુસ્તકાલયો છે. જે રાજ્યમાં ૩૭ ગ્રંથાલયો તો સો વરસ જૂના હોય અને જ્યાં ૨૦૧૦થી ‘વાંચે ગુજરાત’નું અભિયાન આદરવામાં આવ્યું છે, ત્યાં સરકારી પુસ્તકાલયો નામ માત્રના છે. ‘અસર’ (એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ)ના ૨૦૧૮ના સર્વે અહેવાલમાં ગુજરાતની ૧૪.૭ ટકા પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી ન હોવાનું અને જ્યાં છે ત્યાં ૪૪.૮ ટકા શાળાઓમાં બાળકો તેનો ઉપયોગ ન કરતા હોવાનું કે ન કરવા દેવાતો હોવાનું તારણ હતું. મહાનગર અમદાવાદની સાડા ચારસોમાંથી માંડ પંદરેક પ્રાયમરી સ્કૂલોમાં જ લાઈબ્રેરી માટે અલાયદો ખંડ છે !

અધિકૃત વિગતોના અભાવમાં એક અંદાજ મુજબ ભારતમાં સરકાર દર વરસે વ્યક્તિ દીઠ  પુસ્તકાલય માટે માત્ર સાત પૈસા જ ખર્ચે છે. અમેરિકામાં વસ્તીના પંચાણુ ટકા ભાગ સુધી પબ્લિક લાઈબ્રેરીની પહોંચ છે ભારતના ગામડાંઓ તો ઠીક જિલ્લા મથકો સુધી પણ તે પહોંચી નથી. સરકારની ઉપેક્ષા છતાં વાચનરસિયાઓ અને પુસ્તક ચાહકો હર વાચકને તેનું પુસ્તક મળી રહે તે માટે દ્રઢ પ્રયાસો કરે છે. અગાઉના જમાનામાં હોડી કે બળદગાડાં પર પુસ્તકાલયો ચલાવનારા હતા. આજે સાઈકલ કે સ્કૂટર લાઈબ્રેરીઓ છે, અનેક શહેરોમાં અને ગામો-કસ્બાઓમાં પુસ્તક પરબો અને વાચનયાત્રાઓ ચાલે છે. મહારાષ્ટ્રમાં પુસ્તકોનું ગામ છે તો સુદૂર અરુણાચલમાં રસ્તાની ધારે પુસ્તકાલય છે.

દેશના ૧૯ જ રાજ્યોમાં ગ્રંથાલય ધારા ઘડાયા છે. તે પૈકીના પાંચ જ રાજ્યોએ સંપત્તિ કરમાં પુસ્તકાલય કરનો સમાવેશ કર્યો છે. રાજ્યોમાં પુસ્તકાલયો માટે અલગ સરકારી વિભાગ નથી. એક માત્ર અરુણાચલમાં જ પુસ્તકાલય વિભાગના કેબિનેટ મંત્રી છે. કેરળની જેમ પુસ્તકાલયો પીપલ્સ મુવમેન્ટ બની નથી પણ સરકાર આશ્રિત છે. દેશની મોટા ભાગની શાળાઓમાં પુસ્તકાલયોના નામે સરકારી અનુદાનથી ખરીદાયેલાં ઘણાં નકામાં પુસ્તકોના કાયમ બંધ રહેતાં કબાટો જ છે. આપણે પુસ્તકાલયના નામે પસ્તીખાનાં ઊભાં કર્યાં છે.

હવે નવી ટેકનોલોજીને અનુસરીને ગ્રંથાલયોના આધુનિકીકરણ અને પુસ્તકોના ડિજિટાઈઝેશનની અનિવાર્ય જરૂર છે. તેનાથી લેખક-વાચક વચ્ચેનું અંતર ઘટશે અને હરેક વાચકને તેનું પુસ્તક અને પુસ્તકને તેનો વાચક મળી રહેવાની સંભાવના વધશે. વાચનને વિલાસિતા કે કથિત ઊંચી જાતિના લોકો માટે સીમિત માનવાને બદલે લાંબાગાળાની અસરોના સંદર્ભે જોઈ વાચન અને ગ્રંથ સંસ્કૃતિ વિકસાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

11 May 2021 admin
← બની જાય છે:
લૂઝ કનેક્શન (11) : બન્ધન →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved