Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્ઞાનના યુગમાં સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકા

રૂપાલી બર્ક|Opinion - Opinion|26 April 2021

આદરણીય વિપુલભાઈ, સ્નેહી પંચમભાઈ, અશોકભાઈ, નીરજ, સાથી વક્તા મિત્રો બાબુ સુથાર, સુદર્શન આયંગર અને દેશ-દેશાવરથી ઑનલાઈન હાજર ઓપિનિયનના વાચકો-ચાહકો. આપ સૌને અમદાવાદથી મારી પ્રેમી સલામ. ઓપિનિયનને રજત રાણ પડાવ સુધી પહોંચાડનાર સુકાની વિપુલભાઈને, એમની પડખે અડીખમ ઊભા રહેનાર એમનાં પત્ની કુંજબહેનને અને એમના મિત્રો-સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન અને દાયકાઓથી વિશ્વભરના ગુજરાતી લેખકો-વાચકો માટે સુલભ મંચ પૂરો પાડવા માટેના એમના સમર્પણ અને અથાગ્‌ પરિશ્રમને નમન.

મંચ પણ કેવો? વિશાળ, વૈવિધ્યપૂર્ણ, પ્રસ્તુત અને સર્વસમાવેશક. મારા વિચારો આપ સર્વની સમક્ષ મૂકવા માટે ઓપિનિયન તરફથી મળેલા આમંત્રણને મારું સૌભાગ્ય માનું છું. જ્ઞાનના યુગમાં સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકાનું તાદૃશ્ય ઉદાહરણ આજની ઑનલાઈન virtual સભા છે. મળીએ છીએ ને — ભલે in person નહીં પણ રૂબરૂ તો થઈએ જ છીએ. ઑનલાઇન શબ્દના સામાનાર્થી તરીકે વપરાતા શબ્દ virtualનો અર્થ વાસ્તવિક પણ થાય છે. આ transition ખૂબ રસપ્રદ છે.

ઔદ્યોગિક યુગથી માહિતી યુગ વટાવીને આપણે જ્ઞાનના યુગમાં પ્રવેશ્યા. ૧૯૭૦માં યુ.એસ.એ.માં સેનાના ઉપયોગ માટે ઇન્ટરનૅટ વિકસાવવામાં આવ્યું અને ૧૯૯૦માં વર્લડ વાઇડ વૅબથી વિશ્વની તાસીર બદલાઈ ગઈ. આપણે વૈશ્વિકરણ તરફ વધ્યાં. (નોંધવું રહ્યું કે હવે ૨૦૨૧માં deglobalisationની પ્રક્રિયાએ વેગ પક્ડયો છે.) ઔદ્યોગિક યુગમાંથી આપણે માહિતી યુગ તરફ પ્રયાણ કર્યું. બીજા શબ્દોમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને ઉપભોગ પર આધારિત અર્થતંત્ર અને સંસ્કૃતિથી ડિજીટલ અને કમ્પ્યુટરાઇઝ્ડ માહિતીના ઉપભોગ તરફ વળ્યાં. દા.ત. દુકાનમાંથી ખરીદાતી વસ્તુનું ઈ-વેચાણ શરૂ થયું — મેળવતા મહિનાઓ લાગતા કે ક્યારેક ના જ મેળવી શકાતાં પુસ્તકો ઝટપટ ઘરઆંગણે પહોંચતાં થઈ ગયાં, પણ સાથે એ પણ થયું કે પુસ્તક commodity બની ગયું. પરિણામે પુસ્તકની sanctity જોખમાઈ. આ વિષે અંત તરફ  બે કિસ્સાની વાત કરી છે. પહેલાં જ્ઞાનના યુગ તરફ વળીએ.

જ્ઞાનનો યુગ એટલે સાદા શબ્દોમાં એવો યુગ જેમાં માનવજ્ઞાનને એ.આઈ. — આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ સશક્ત કરે છે, વધારે છે અને સુગમ બનાવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનું પરિબળ ઉમેરાયું એટલે માનવી સામે અને માનવીય વ્યવહારો સામે મોટા પડકારો ઊભા થયા. પરિણામે  જ્ઞાનના અર્થમાં પણ પરિવર્તન આવ્યું. જ્ઞાનને તજ્જ્ઞોના મગજની ઉપજ અને એમના મગજમાં સંગ્રહિત, પુસ્તકોમાં મુદ્રિત, વિદ્યાશાખાઓમાં વર્ગીકૃત, વગેરે ને બદલે ઉર્જાના એક પ્રકાર, નેટવર્કના તંત્ર તરીકે જોવાવા લાગ્યું. એ જે છે એના માટે નહીં પરંતુ એ શું કરી શકે છે એ સંદર્ભે જ્ઞાનના યુગની વ્યાખ્યા અને મૂલ્ય કરવામાં આવવા લાગ્યું. સ્થિરતાનું સ્થાન પરિવર્તશીલતાએ લીધું છે. માટે ૨૧મી સદીમાં તમામ વ્યવહારોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે, જેવાં કે શિક્ષણ, વ્યવસાય, વેપાર, મનોરંજન, સાહિત્ય, વગેરે. મૅન્યુઅલ કામગીરી ઑટૉમેટેડ થઈ અને લાઇબ્રેરીઓ ઈલૅક્ટ્રૉનિકમાંથી ડિજીટલ અને વર્ચ્યુઅલ —library without walls બની. એમાં વળી આજે ગુગલ ટ્રાન્સલેટ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકે છે. આવનાર સમયમાં ઍપલાઈડ એ.આઈ. શું નહીં કરી શકે?

જ્ઞાનના યુગમાં જ્ઞાનનો સમાજ રચાયો અને જ્ઞાનના સમુદાયો અસ્તિત્વમાં આવ્યાં. અગાઉ કહ્યું એમ સાઈબર અવકાશને લીધે પારંપરિક રાષ્ટ્રની સીમાઓ જેવું કંઇ રહ્યું જ નહીં ને? વિશ્વ ‘ગ્લોબલ વિલૅજ’ બની ગયું. ધરમૂળનું પરિવર્તન તો આ થયું. જ્ઞાનનો સમાજ સીમાવિહોણો સમાજ બન્યો. જ્ઞાનના સ્રોતો તરલ, મુક્તપણે વહેતા થયાં, કોઇ પણ ક્યાંયથી પણ access કરી શકે. આ સુલભતાને લીધે જ્ઞાનની શાખાઓના ચુસ્ત વાડાઓ એકમેકમાં ભળવા લાગ્યા.

આ સમગ્ર પ્રક્રિયામાં ડિજીટાઇઝેશને જબ્બર ક્રાંતિ સર્જી. તમે list of digital archives in the world અથવા India એવું google search કરશો તો ચકિત થઈ જશો. સાહિત્ય ક્ષેત્રની વાત કરીએ તો મોટા ફેરફારો એ આવ્યાં કે જૂનાં આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકો અને ફોટા-ધ્વનિમુદ્રિત પૂરક સામગ્રીનું ડિજીટાઇઝેશન થવા લાગ્યું. આ ડિજીટલ આર્‌કાઇવ્સ વાચકો, સંશોધકો માટે મોટા આશીર્વાદ સાબિત થયા. જો વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતે ન કરી શકે તો એમની પાસેથી દુર્લભ પુસ્તકો અને સામયિકો મેળવી ડિજીટાઇઝ કેવી રીતે કરી શકાય એની ગંભીર અને વ્યાપક ચર્ચા કરી પગલાં લેવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં કેટલા ય ગુજરાતી સામયિકો બંધ થઈ ગયાં. દુ:ખદ બાબત છે પરંતુ જો એ ડિજીટાઈઝ ન થાય તો ઔર મોટું નુકશાન થાય! મને યાદ છે એક પુસ્તકાલયના reference વિભાગમાં સામગ્રી refer કરવા ગયેલી ત્યારે એક કબાટમાં પુરાણા ચૂરચૂર થઈ ગયેલાં પુસ્તકોને પારદર્શક પ્લાસ્ટિક બૅગમાં બાંધી હારબંધ મુકેલાં. સ્કૂલની લૅબૉરૅટરીમાં કાચની બરણીઓમાં સચવાયેલા માનવ ભ્રૂણ, મગજ, કાચિંડો વગેરે જોઈ હૃદય ધબકાર ચૂકી જતું એવું થયેલું. It was a painful sight. ડિજીટાઇઝેશન અહીં આશીર્વાદ સાબિત થાય છે. માન્યું કે આ જેટલું બોલવું સહેલું છે એટલું કરવું સહેલું નથી પણ અશક્ય તો નથી જ. નાણાં, સમય, ક્ષમતાના પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે સૌ સમજીએ છીએ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આવી ઘણી પહેલો થઇ રહી છે. આપણે બધાં યથાશક્તિ પ્રમાણે એમને સહયોગ આપીએ તો એનો વધુ વિસ્તાર થઈ શકે!

મુદ્રણની વાત કરીએ તો પૅજથી સ્ક્રીનનું રૂપાંતર બાળકો અને યુવાનો માટે અનુકૂળ ને કેટલાક પીઢ વાચકો માટે પ્રતિકૂળ સાબિત થયું છે. આજે પુસ્તક પ્રકાશનમાં પ્રિન્ટ સ્વરૂપ જેટલું જ ઈ-બુક લોકપ્રિય બન્યું છે. પહેલા કમ્પ્યુટર પર વંચાતાં તે પુસ્તકો કિન્ડલ જેવાં ખાસ ઈ-રીડર્સ પર, મોબાઇલ પર પણ વંચાવાં લાગ્યાં છે. ને હવે તો ઓડિયો બુક્સ ખૂબ લોકપ્રિય છે. બાળકો અને યુવાનોને સાહિત્ય તરફ આકર્ષવા માટે આ સારો રસ્તો છે. પુસ્તક પ્રેમીઓ તરીકે આપણે પુસ્તકનો હાથમાં સ્પર્શ, એના કાગળની સુગંધના લહાવાની વાત કરીએ છીએ એ કબૂલ પરંતુ એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથા Wings of Fireને ગિરીષ કાર્નાડના અવાજમાં સાંભળવાનો લાહવો પણ લેવા જેવો છે. વાંચન સામગ્રીના ફોરમૅટમાં પરિવર્તનની સાથેસાથે reader mindsetમાં પણ પરિવર્તન થતું ગયું. તજ્જ્ઞોનું કહેવું છે કે આવનાર સમયની ભાષા હાલ વપરાતી ભાષાઓ જેવી નહીં હોય — વિઝયુઅલ હશે. જુઓને જે હદે નવી પેઢીને ઈમોટીકૉન દ્વારા અભિવ્યક્તિ કરવી સરળ લાગે છે! આવા અનેક પરિવર્તનોએ કાગળ-કલમવાળી પેઢીને પજવ્યાં પરંતુ યુવાન પેઢી સ્વાભાવિકપણે as fish take to water એ રીતે અનુકૂળ થઈ ગઈ. આ સંદર્ભે વાત આવે છે સમય-સંજોગના બદલાતા પ્રવાહો સાથે સંતુલન સાધવાની. સાહિત્ય પ્રકાશન, પ્રસારણ, વિતરણને બદલાતા સમયની માંગ મુજબ આયોજિત કરવાં જ પડશે.

આજના વિષયની ચર્ચામાં કોરોનાકાળના overlapને પણ લક્ષમાં લેવો રહ્યો. હાલની વૈશ્વિક મહામારીએ વિશ્વનું સ્વરૂપ બદલી નાખ્યું છે. માનવ ઇતિહાસમાં આ કોરોનાકાળને એક માર્કર તરીકે યાદ રખાશે. ઇ.સ.પૂર્વે અને ઇ.સ. બાદની માફક કોરોનાકાળ પૂર્વે અને કોરોનાકાળ બાદ. ગયા વર્ષનાં લૉકડાઉન દરમ્યાન આ અનુભવ આપણને બધાંને સારી રીતે થઈ ગયો. યુનિકોડ અને 4Gનો જય હો! ટપાલથી ઘરે આવતાં સામયિકો, દૈનિકો બધું ડિજીટલ ફૉરમૅટમાં વાંચતાં નહોતાં થઈ ગયાં? થોકબંધ વાંચન સામગ્રી — આખા ને આખા સાહિત્યના e-collections લોકોએ એકબીજા જોડે શેર કર્યા.  યુ-ટ્યુબ પર ઑડિયો બુક્સનો પણ રાફડો ફાટ્યો, પણ મોટાભાગે અંગ્રેજીમાં. જે વડીલોને આંખની તકલીફને કારણે વાંચનમાં તકલીફ પડતી હોય અને એમનાં ગમતાં પુસ્તકો એમને વાંચી સંભળાવવા કોઈ નવરું ન હોય એમના માટે ઑડિયો બુક્સ ખૂબ જ સગવડભરી રહે. ઘણા વડીલોની વાત પરથી જાણવા મળ્યું. આ દિશામાં આપણે સૌ મળીને કંઈક કરીશું તો બહુ મોટી સેવાનું કાર્ય થશે.

સમયે એવી કરવટ બદલી છે કે ધરતીકંપ બાદ જેમ ભૌગોલિક રચના ફરી જાય એવી રીતે માનવજીવનમાં ધરખમ પરિવર્તનો આવી ગયા છે. ‘New normal’ શબ્દ દૈનિક વપરાશમાં આવી ગયો છે ને અંગ્રેજીમાં કહે છે એમ everything turned topsy-turvy. અગાઉ પરિવર્તન અને સંતુલનનો ઉલ્લેખ કર્યો એમાં હવે અનિશ્ચિતતાનું પાસું ઉમેરાય છે. શૈક્ષણિક, વ્યાવસાયિક, સામાજિક-સાંસ્કૃતિક પ્રસંગોમાં આવ્યાં એમ સાહિત્યિક અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં પણ ન ધારેલા ફેરફારો સ્વીકારવાના આવ્યા. યુવલ નોઆ હરારી ઑનલાઇન શિક્ષણ સંદર્ભે કહે છે કે વિશ્વ સ્તરે સમય સાથે કદમ મિલાવવા આ પગલું ભરવાનું જ હતું પણ એમાં ઢીલ થતી હતી. લૉકડાઉનને કારણે એને રાતોરાત અપનાવવાની ફરજ પડી. સ્વપ્ને ય નહીં વિચારેલું એમ ફિલ્મો ઓ.ટી.ટી. પર રીલીઝ કરવાની ફરજ પડી ને વૅબ સીરીઝ લોકપ્રિયતાની ટોચે પહોંચી. મોટા-નાના પડદાના ભેદ ભૂંસાઈ ગયા. આવું સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે અધિવેશનો, વ્યાખ્યાનો, ગોષ્ટીઓ, સેમિનારો, પુસ્તક વિમોચનો, નાટકો-વાર્તાઓના વાચીકમ્‌, કવિ સંમેલનો વગેરે સાથે પણ બન્યું. બધું ઑફ-લાઈનમાંથી ઑનલાઈન થઈ ગયું. એની પણ મજા છે. ટેકનોલોજીએ આપણને ઘેર બેઠા આ સગવડ કરી આપી છે એટલે લૉકડાઉનમાં પણ સાહિત્યિક પ્રવૃત્તિઓ ઠપ ના થઈ ગઈ. આ પણ મોટો આશીર્વાદ રહ્યો.

સામાન્ય રીતે સામયિકો સામગ્રીની, લવાજમની અછતની ફરિયાદ કરતાં હોય છે. પ્રિન્ટ ફૉરમૅટમાં સામયિકોમાં ખાસ કરીને પાનાંની મર્યાદા, મુદ્રણ-વિતરણની સમસ્યાઓ અથવા સીમિત વિષયોનો બાધ હોય છે. ડિજીટલ ક્રાંતિને લીધે જ્ઞાન કે સાહિત્યિક સામગ્રીની માલિકી, એનું નાણાકીય મૂલ્ય, વગેરે પરિમાણોમાં ખૂબ બદલાવો આવ્યાં છે. જ્યારે મોબાઈલ વડે ફોટો પાડી કે સ્કૅન કરીને સામગ્રી મિનિટોમાં વૉટ્સઍપ થઈ શકતી હોય ત્યાં પરંપરાગત રીતે લવાજમ ભરનારાને જ અંક મોકલવો એનો અર્થ રહેતો નથી. મુદ્રિત પુસ્તકોના કિસ્સામાં પણ એવું છે. પાઈરૅટૅડ નકલો તો દસકાઓથી ગ્રૅ માર્કેટમાં વેચાય છે. આ થયું ઘોર વ્યાપારીકરણનું પરિણામ. પણ સાહિત્ય પ્રત્યેના આદર અને સંવેદનશીલતાના અભાવના એથી ય ચોંકાવનારા કિસ્સા સાંભળવા જેવા છે. એક ગુજરાતી સાહિત્યકારે એક પ્રકાશકને ફોન કરી એક પુસ્તક મોકલી આપવા કહ્યું. બીજી જ મિનિટે ઉમેર્યું કે “આમ તો એક વાર્તાની જ જરૂર છે. એવું હોય તો એટલાં પાનાનાં ફોટા પાડી વૉટ્સઍપ કરી દેશો તોય ચાલશે.” આ શ્રીમાનને કોઈ મિત્ર પાસેથી જોઈતા પાનાંનો ફોટો મળી ગયો હોત તો પ્રકાશક સુધી ય ન જાત. ઍમૅઝૉન પર પુસ્તકની નકલ ઑર્ડર કરીને જોઈતાં પાનાં વૉટ્સઍપ પર મળી જતાં ઑર્ડર કૅન્સલ કર્યાનો પણ કિસ્સો બનેલો છે. ૩૦૦ નકલ વેચવા મથતાં પ્રકાશકોની શી દશા થઈ હશે? સિક્કાની આ બીજી બાજુ છે. આ બધાંની વચ્ચે આગળ વધવાનો સકારાત્મક માર્ગ હોય તો કેવો?

બદલાતા સમયમાં જો સામયિકો કે વિચારપત્રોની વાત કરીએ તો ઓપિનિયનનો જ case study કરીએ તો ખૂબ ઉપયોગી સાબિત થાય એમ છે. ઓપિનિયન વૅબસાઈટ અવતારમાં પ્રસ્તુત થયું તે પ્રસંગે અપાયેલા પ્રતિભાવોમાંથી જે મુદ્દા અહીં તારવ્યાં છે એ ઘણાં દિશાસૂચક છે :

૧) સમય સાથે જ નહીં બલકે સમયથી આગળ ચાલતું

૨) સાઈબર વિશ્વનો પહેરેદાર બનતું

૩) સાચી દિશામાં જતું

૪) ઇન્ટરનૅટના યુગમાં આધુનિક અભિગમ રાખતું

૫) વિશ્વમાં ક્યાંયથી પણ વાંચી શકાતું, ઍરપોર્ટ પરથી પણ.

૬)  ઑનલાઈન અવતારમાં ચાલું રહેતું

ઉપરના મુદ્દા પરથી તારવી શકાય કે behind the success story of Opinion is its evolutionary, all-encompassing, inclusive, sustainable character. It is an online  repository of knowledge with high quality standards. આપણે જાણીએ છીએ કે ઓપિનિયનમાં પ્રકાશિત કરવા મોકલેલી સામગ્રી જ નહીં, પરંતુ અન્ય સ્રોતોમાંથી પણ ઉત્તમ સામગ્રીનો સમાવેશ ઓપિનિયન કરે છે. આટલા વિશાળ ફલક પર કાર્યરત રહેવાની ક્ષમતા ધરાવતું આ પ્લૅટફોર્મ અને ખાસ કરીને વિપુલભાઈએ ડિજીટાઇઝેશનનો યત્ન આદર્યો છે ત્યારે બંધ થઈ ગયેલા ગુજરાતી ભાષાનાં નાનાં સામયિકો, જૂનાં અલભ્ય પુસ્તકોને ડિજીટાઇઝ્ડ ફૉરમૅટમાં જાળવવા, ગુજરાતી સમાજની જાણીતી હસ્તીઓના ઑડિયો ઇન્ટરવ્યુ, ગુજરાતી કવિઓના અવાજમાં એમની કવિતાના પઠનનાં રૅકૉર્ડિંગ, વગેરે કંઈક કેટલી ય બાબતે ઓપિનિયન nodal agency બની શકે એમ છે. આ માટે આપણે સૌ ઓપિનિયનને સાથ આપીશું તો આપણા સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને આપણે યોગ્ય રીતે ભાવિ પેઢીઓ માટે સાચવી શકીશું. પેલું હિન્દી ફિલ્મનું ગીત છે ને …સાથી હાથ બઢાના! … આવો .. ઓપિનિયન સાથે મળીને આપણી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના પ્રકાશન, પ્રસારણ અને સંવર્ધનની પ્રક્રિયામાં સહકાર આપીએ. આભાર.

~

e.mail : rupaleeburke@yahoo.co.in

24 એપ્રિલ, 2021

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે અવકાશી બેઠકમાં “જ્ઞાનના યુગમાં  સાહિત્ય અને સંલગ્ન  પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકા” વિષય પર રજૂઆત; શનિવાર, 24 એપ્રિલ, 2021)

Loading

26 April 2021 admin
← મહામારીનો એપ્રિલ
કેટલાંક ટેકે જ મનનું મકાન ટકી જાય છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved