Opinion Magazine
Number of visits: 9449339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ

આશા બૂચ|Opinion - Opinion|21 April 2021

‘ઓપિનિયન’ દોઢ દાયકા સુધી મુદ્રિત રૂપે, ત્રણ વર્ષ ડિજિટલ અવતારે અને છેલ્લાં સાત વર્ષથી ઓનલાઇન સામાયિક રૂપે સતત પ્રગટ થતું રહ્યું. તેની સર્વસમાવેશી નીતિ અને લેખકોની સ્વાયત્તતા જાળવી રાખવાનું ધ્યેય દાદ માગી લે તેવું ખરું. નિબંધો, લેખો, કાવ્યો અને વાર્તાઓનાં માધ્યમથી ડાયસ્પોરિક સાહિત્યને સંગોપીને સુરક્ષિત રાખવાનું કાર્ય પા સદીથી ચાલ્યું આવે એ નાની સૂની સિદ્ધિ નથી. તે માટે તેના સંસ્થાપક અને સંચાલક તેમ જ તેને ધબકતું રાખનારા સહુ ધન્યવાદને પાત્ર ઠરે.

સાહિત્ય, પત્રકારત્વ અને સામૂહિક પ્રસાર માધ્યમો વિચારોને અભિવ્યક્ત કરવાનાં  સબળાં  માધ્યમો. કુદરતે વિચારશક્તિ અને તેને વ્યક્ત કરવા વાચાની બક્ષિસ આપીને માનવીને પોતાની જરૂરિયાતો, લાગણીઓ અને મંતવ્યોની અભિવ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર આપી જ દીધો છે. હા, એક સામાજિક પ્રાણી હોવાને કારણે દરેક વ્યક્તિ બાળક મટી કિશોર અને પુખ્ત વયનો થાય ત્યાં સુધીમાં બીજાના અધિકારોની સુરક્ષા કરતા શીખે, જેને આપણે સંસ્કાર ઘડતર કહીએ છીએ. વિચાર અને વાણીને સંયત કરવાની પ્રક્રિયા સ્વૈચ્છિક હોય તેને મુક્ત જીવન કહેવાય. કેટલાક રૂઢિગ્રસ્ત કુટુંબો અને સમાજ વ્યવસ્થામાં વ્યક્તિગત અભિવ્યક્તિને પણ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાને નામે રૂંધી નાખવામાં આવે છે. તેવે વખતે વ્યક્તિઓ કે સમાજ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવે અને આંદોલનો કરે તેની ગવાહી ઇતિહાસના પાને નોંધાયેલી છે.

રહી વાત જાહેરમાં પોતાના વિચારો અને મંતવ્યોને અભિવ્યક્ત કરવાના સ્વાતંત્ર્યની. લોકશાહી શાસન ધરાવતા દેશોના નાગરિકોને મન મુક્તપણે વિચારો ધરાવવાના અને વ્યક્ત કરવાના અધિકારોનું મૂલ્ય અત્યાધિક હોય છે. આ અધિકારની સુરક્ષાની જોગવાઈ ભારતના બંધારણ તેમ જ આંતરરાષ્ટ્રીય કરારો, કે જેનું ભારત ભાગીદાર છે તેમાં છે જ.

આથી જ તો સ્વતંત્રતા બાદ રાજકારણીઓ, કર્મશીલો અને આમ જનતા પણ કોઈ પણ લાગતા વળગતા મુદ્દાઓ ઉપર સમાચારપત્રો, રેડિયો, ટેલિવિઝન અને હવે તો ઈન્ટરનેટ તેમ જ સોશ્યલ મીડિયા મારફત છૂટથી ચર્ચા કરે છે. છેલ્લાં 70 વર્ષથી મોટા ભાગની સરકારોએ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવાના અધિકારોની જાળવણીનો આપેલ કોલ અકબંધ સાચવ્યો છે; સિવાય કે એક બે અપવાદો બાદ કરતાં. ખાસ કરીને તાજેતરની રાજ્ય અને કેન્દ્ર સરકારો આ મૂલ્યોને જાળવવા વચનબદ્ધ નથી રહી તે એક હકીકત છે. પ્રજા જ્યારે પોતાના અધિકારોની માગ શાંતિપૂર્ણ માર્ગે કરતી હોય ત્યારે તેને અટકાવવા દમનકારી પગલાં ભરવાં, કઠોર કાયદાઓ બિનબંધારણીય રીતે ઘડવા, અને નાગરિકોના અસંતોષને વ્યક્ત કરતા અવાજને દબાવી દેવા માટે મધ્યયુગીન વિચારો પર આધારિત દેશદ્રોહ અને બદનક્ષીના દાવાઓ ઉપયોગમાં લેવા, તે વિચાર અને વાણી સ્વાતંત્ર્યને રૂંધીને પ્રજાને અવાચક બનાવી દેવાની જ યુક્તિ છે.

વિચાર અને વાણી સ્વાતંત્ર્ય બંધારણીય માર્ગે ઘડાયેલા કાયદાની દેણગી હોવાને કારણે તેને રાજકારણીય રંગ તો ચડવાનો જ. સાહિત્ય સર્જન, પત્રકારત્વ અને અને પ્રસાર માધ્યમોનાં ક્ષેત્રોમાં વ્યવસાય કરનારાઓને અભિવ્યક્તિની રૂકાવટની સહુથી વધુ ઘેરી અસર થાય. સાહિત્ય સર્જન ક્ષેત્રે તેની સ્વાયત્તતા પર થયેલ દખલગીરી પર નજર કરીએ.

1981માં ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઇ. મૂળે તો સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનનો હેતુ. અકાદમી સ્વાયત્ત સંગઠન હોવાથી તેના અધ્યક્ષની ચૂંટણી સામાન્ય સભાના સભ્યોના મતદાનથી થતી. અનેક નામાંકિત સાહિત્યકારોએ અકાદમીનું અધ્યક્ષ પદ શોભાવેલું. 1991માં સ્વ. મનુભાઈ પંચોલીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી. દર્શક બીજી મુદ્દત માટે બિનહરીફ ચૂંટાઈ આવેલા અને તેમના પછી પણ અકાદમીને ચૂંટાયેલા પ્રમુખો મળેલા. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અન્ય સાહિત્યકારોનો સાથ લઈને સ્વાયત્ત અકાદમીનું બંધારણ ઘડ્યું, જે મંજૂર પણ થયું. મુશ્કેલી એ થઇ કે બંધારણ ધારાસભામાં પસાર થયેલું ન હોવાથી તેને સરકાર બદલી શકે તેમ હતું; અને થયું પણ તેમ જ. મનુભાઇના કાર્યકાળ દરમ્યાન અર્જિત થયેલી મહત્તમ કક્ષાએ પહોંચેલી સ્વાયત્તત હાથમાંથી સરી ગઈ. 2003થી 2015 સુધી સરકારે ચૂંટણીનું આયોજન ન કર્યું હોવાને લીધે કામ ચાલુ રજિસ્ટ્રાર અને ખેલકૂદ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સેક્રેટરી દ્વારા અકાદમીનું સંચાલન થતું રહ્યું. 2015માં ગુજરાતીના લેખક અને નિવૃત્ત આઈ.એ.એસ. ઓફિસર ભાગ્યેશ ઝ્હાની ચૂંટણી યોજ્યા વિના નિમણૂંક થઇ. તેના પ્રતિભાવ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજા નામાંકિત સાહિત્યકારોની આગેવાની હેઠળ Autonomous Academy Agitation – સ્વાયત્ત અકાદમી આંદોલન શરૂ થયું.

ગુજરાતી સાહિત્ય પરિષદે વિરોધ નોંધાવવા અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો 2016માં કવિ હર્ષ બ્રહ્મભટ્ટે અકાદમીએ આપેલ પુરસ્કાર સ્વીકારવાનો ઇન્કાર કર્યો તથા અન્ય લેખકોએ પણ પોતાને મળેલ પુરસ્કારો પરત કર્યા. ધીરુ પરીખ અને બીજા લેખકોએ ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશનની અરજી દાખલ કરી. બિપિન પટેલે અકાદમીની સ્વાયત્તતાને પુનઃ સ્થાપિત કરવા વિશેની સરકારની નિષ્ક્રિયતાને કારણભૂત ગણાવીને પોતાના વાર્તા સંગ્રહ ‘વાંસના ફૂલ’ માટે મળનાર પુરસ્કારનો અસ્વીકાર કર્યો. એક બળૂકી સાહિત્ય સંસ્થાની સ્વાયત્તતા ઝુંટવી લેવાના સરકારના પ્રયાસો સામે લેખક સમુદાયે અસરકારક જવાબ વાળ્યો.

જેમ એક સાહિત્ય સંગઠનની સ્વાયત્તતા જોખમાઈ તે રીતે એક કરતાં વધુ લેખકો અને પત્રકારોની સત્યદર્શી પરંતુ ધારદાર કલમે તેમના જાન લીધાના બનાવો પણ બન્યા, જે એક લોકશાહી દેશ માટે અત્યંત શરમજનક ઘટના કહેવાય. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતનાં લેખકો, કર્મશીલો અને પત્રકારોને ધાર્મિક અને રાજકીય અસહિષ્ણુતા સામે લડાઈ આપવી પડે છે. અંતિમવાદી વિચારો ધરાવતા સમૂહોની અસહિષ્ણુતા અને વાણી સ્વાતંત્ર્ય ઉપરની તરાપ સામે વિરોધ નોંધાવવા 40થી વધુ સર્જકોએ સાહિત્ય પુરસ્કારો પરત કર્યા એ જાણીએ છીએ.

ડૉ. કાલબુર્ગી કર્ણાટકના ઉદાર અને મુક્ત મત ધરાવનાર લેખક

તેમની વિદ્વત્તા હકીકતો સાથે તડજોડ ન કરનારી હોવાને લીધે લિંગાયત જ્ઞાતિના સભ્યોને તેમની કલમ દુભવી જતી. 2014માં તેઓએ હિન્દુ ધર્મમાં પ્રચલિત અંધશ્રદ્ધા વિરુદ્ધ મત દર્શાવ્યો, જેનો અનર્થ કરીને તેમને મૂર્તિપૂજા વિરોધી ગણવામાં આવ્યા. પોતાના વક્તવ્યને પાછું ખેંચી લીધા બાદ કાલબુર્ગીએ કહેલું, “મેં મારા પરિવારની સુરક્ષા ખાતર આમ કહેલું, પરંતુ તે જ દિવસે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી.” જ્યારે કોઈ વિદ્વાનને પોતાના વિચારો વ્યક્ત કરવા આવી યાતના સહન કરવી પડે અને આખરે જિંદગીનો સોદો કરવો પડે એ તો વાણી સ્વાતંત્ર્યનું ગળું ઘૂંટવા બરાબર છે તે નિઃશંક છે. અલબત્ત, કાલબુર્ગીની હત્યા બાદ ઘણા રાજકીય નેતાઓ, કર્મશીલો અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવેલો. તે ઉપરાંત ઉદય પ્રકાશ, નયનતારા સહગલ અને ચંદ્રશેખર પાટિલ જેવાં માનનીય લેખકોએ પોતાના સાહિત્ય પુરસ્કારો પરત કરવાના કારણમાં જણાવેલું કે જે લોકો શાસન કરનારા પક્ષના આદર્શો સાથે સહમત ન થાય તેમની હત્યા કરવામાં આવે છે. આ વિધાન તેમની વેદનાને ઘનીભૂત કરે છે. આ ઉપરાંત અકાદમીના ઉચ્ચ પદાધિકારીઓએ રાજીનામાં આપીને વાણી સ્વાતંત્ર્યની મહત્તાનું માન જાળવ્યું. 77 વર્ષીય નિર્ભય અને સિદ્ધહસ્ત લેખકનું સર્જન જમણેરી વિચારધારા ધરાવતા હિંદુઓ સહન ન કરી શક્યા માટે તેમના જ ઘરમાં તેમની હત્યા કરવામાં આવી.

ડૉ. કાલબુર્ગીની હત્યા બાદ સાહિત્ય અકાદમી સામે વિરોધ નોંધાવવા દેશના અનેક લેખકો એકજૂટ થઇ ગયેલા. પંજાબના પ્રિય કવિ દુજીત પત્તરે પોતાનો પુરસ્કાર પાછો વળતા કહ્યું, “લેખકોની હત્યા કરવી એ આપણા જેવા બહુભાષી, બહુસાંસ્કૃતિક અને વિવિધ ધર્મોને સંગોપનાર દેશ માટે અત્યંત દુઃખદ બાબત છે.” હિન્દી કવિ રાજેશ જોશીએ તો પોતાનો ફાસિઝમ સામેનો સંઘર્ષ વધુ બળવત્તર બનતો રહેશે તેવી ઘોષણા હિંમતપૂર્વક કરી જ છે. તેમણે દુઃખી હૃદય સાથે ઉમેર્યું કે “સાહિત્ય સર્જક માટે શ્વાસ લેવાની અને અભિવ્યક્તિની કોઈ ગુંજાઈશ નથી. જાણે અમે લેખકો છીએ માટે અમને પ્રાણવાયુ નથી મળતો. મારે જીવિત રહેવા માટે પુરસ્કારો રૂપી પ્રાણવાયુના સિલિન્ડરની જરૂર નથી.” લેખકો પર આવી પડેલા આવા પ્રતિબંધોના જવાબ રૂપે ધર્માંધ અને ઝનૂની કહી શકાય તેવા ભારતના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને વિધાન કર્યું, ‘જો એ લોકો લખી ન શકે તો ભલે લખતા બંધ થઇ જાય.” વાણી સ્વાતંત્ર્યના હનનનો આથી મોટો પુરાવો કયો હોઈ શકે? 

વાચકોને યાદ હશે કે ડૉ. કાલબુર્ગીની હત્યા પહેલાં ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા કરવામાં આવી હતી.

બિમાર લોકોને તાંત્રિક વિધિઓ દ્વારા સજા કરી આપવાના અંધવિશ્વાસ ભર્યા દાવાઓ કરનારાઓના નિર્મૂલનની ચળવળમાં જોડાવાને કારણે અને દલિતોને સમાન દરજ્જો આપવાની તરફેણમાં હોવાના ‘ગુના’ હેઠળ તેમની હત્યા એક મંદિર પાસે કરવામાં આવી. દાભોલકરે શરૂ કરેલ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનું કાર્ય આવા વિપરીત સંયોગોમાં પણ તેમની હત્યા બાદ વધુ ઊંડા મૂળ જમાવતી જાય છે. મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં તેની શાખાઓ છે. પાંચેક હજાર જેટલા કાર્યકરો એ જ્યોત જલતી રાખી રહ્યા છે. અંધશ્રદ્ધા દૂર કરવા કટિબદ્ધ થનારના આત્માને રૂંધી નાખવા બદલ આ હતો જનતાનો પ્રતિસાદ.

જ્યારે કહેવાતા ધર્મોનો આધાર લઈને આર્થિક અને રાજકીય પરિબળો સમાજમાં વર્ચસ્વ જમાવવા લાગ્યા હોય ત્યારે ભારતના બુદ્ધિજીવી વર્ગને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ એક મોટો પડકાર છે. વર્તમાન સમયમાં દરેક નાગરિકે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો, માનવતાવાદી વલણ અપનાવવું અને દરેક કાર્ય પાછળનો તર્ક જાણીને અયોગ્ય અને અન્યાયી કર્મો થતા ટકાવવા અને દરેક ક્ષેત્રમાં સુધારા લાવવા એ તેની ફરજ થઇ પડે છે.

સ્વતંત્ર વિચારો ધરાવતા હજુ એક બીજા વિરલાનો ભોગ ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા બાદ તુરંત લેવાયો. ગોવિંદ પાનસરે.

સામ્યવાદી પક્ષના સભ્ય. આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપનાર. પુત્ર કામયેષ્ટી યજ્ઞોને વખોડનાર. ગોડસેની મહિમા ગાનારાઓની ટીકા કરનાર. તેમણે સામાજિક દૂષણો પર વિવેચન કરતાં 21 પુસ્તકો લખ્યા. શિવાજી કોણ હતા? એ પુસ્તકમાં તેમણે દર્શાવ્યું કે શિવાજી હકીકતમાં ધર્મ નિરપેક્ષ હતા. તેમના લશ્કરી વડાઓમાં મુસ્લિમો પણ હતા. તેઓ મહિલાઓનો આદર કરતા. તેમણે ખેત ગુલામી પ્રથા નાબૂદ કરી. આ પુસ્તક હિન્દી, ઇંગ્લિશ, કન્નડ, ઉર્દૂ અને ગુજરાતીમાં અનુવાદિત થયું. આ વાત હિંદુત્વવાદના પ્રચારકોની માન્યતા વિરુદ્ધ હોવાને કારણે ગોવિદ પાનસરેની હત્યા કરાઈ. અંતિમવાદી વિચાર ધરાવનારાઓ સામે સત્ય હકીકત રજૂ કરવાની આ સજા. લોકોએ આ ક્રૂરતાનો જવાબ પાનસરેના પુસ્તકો વધુ સંખ્યામાં ખરીદીને વાળ્યો.

પત્રકારત્વ અને લેખનના દાયરામાં નામના મેળવી ચૂકેલાઓની હત્યાની શૃંખલામાં હજુ એક મણકો સખેદ ઉમેરવો રહ્યો. લંકેશ પત્રિકાના સંપાદક બેંગ્લોરનાં ગૌરી લંકેશ. 

ગૌરી લંકેશના ઘરની બહાર જ તેમની હત્યા કરાઈ. કારણ? જમણેરી અંતિમવાદી હિન્દુ વિચારોનું ખંડન કરવાની હિંમત દાખવવી, જેને માટે તેમને Anna Politkovskaya પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ મહિલાઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવતાં અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ ચળવળ કરતાં. સંઘ પરિવારના સૂફી પવિત્ર સ્થાનને હિન્દુ સ્થાનકમાં ફેરવી નાખવાના પ્રયાસને તેઓએ વખોડેલો. જ્ઞાતિ અને લિંગભેદના સંદર્ભમાં તેમણે કહેલું, હિન્દુઈઝમ એ કોઈ ધર્મ નથી, એ તો સમાજની સ્તરીકરણની વ્યવસ્થા છે. ભારતીય જનતા પક્ષના ત્રણ સભ્યો સામે ઝવેરીઓને છેતરવા બદલ કેઈસ કરવા માટે તેમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવેલ.

સમાજ, ધર્મ અને રાજકારણમાં કોઈ પણ ત્રુટિ જણાય તો જવાબદાર નાગરિક પોતાનો મત અને હકીકત જાહેરમાં વ્યક્ત કરી શકે એ વાત જ જાણે વિસરાઈ ગઈ. ડૉ. કાલબુર્ગી, દાભોલકર, પાનસરે અને ગૌરી લંકેશ જેવાં લેખકો, પત્રકારો અને કર્મશીલોની હત્યા કોણે કરી એ સવાલ હજુ નિરુત્તર જ રહ્યો છે.

સમાચાર અને સંચારમાધ્યમોની સ્વતંત્રતાની જોગવાઈ આપણા બંધારણમાં છે આમ છતાં બદનક્ષીના દાવાના કાયદાની જોગવાઈ ચેતવણી આપનારાઓ માટે સુરક્ષાનો અભાવ, પ્રજાને સત્ય હકીકત મેળવવા પર મુકાતા અંકુશો અને તટસ્થ પત્રકારો પ્રત્યે જનતા અને સરકરની વેરભાવના જેવા અડચણોનો સામનો કરવો પડે છે. ચોંકાવનારી હકીકત એ છે કે 2020ની સાલમાં કુલ 180 દેશોની યાદીમાં ભારતનું સંચાર માધ્યમોની સ્વતંત્રતાનું સ્થાન 142મી ક્ષમા પર ગબડી ગયું છે! કેટલાક પત્રકારોની થયેલ હત્યા, સંચાર પ્રસારણ કરતી ટેલિવિઝન ચેનલો પર મુકાયેલ અંકુશો, જમ્મુ-કશ્મીરના મુદ્દે સમાચાર આપવા પર લદાયેલા પ્રતિબંધો અને ભારત-પાકિસ્તાન સમસ્યા વિષે સેવેલી ચુપકીદીએ દુનિયામાં ભારતને નીચાજોણું કરાવ્યું. દેશમાં ક્યાં ય પણ મુસ્લિમો ઉપર હિન્દુ ટોળાંઓએ હિંસક હુમલાઓ કર્યા હોય તેના સમાચાર અપાય, કે સરકારી નીતિઓને પડકારતા પ્રશ્નો ઉઠાવવામાં આવે, કે પછી જમ્મુ-કશ્મીરના ફરી સળગી ઊઠેલા વિવાદને પ્રકાશમાં લાવવાની કોશિશ કરવામાં આવે તો એવા પત્રકારોની પૂછતાછ કરવી, તેમના પર બદનક્ષીનો દાવો માંડવો અને દેશની સુરક્ષાને તેઓ જોખમમાં મૂકે છે તેમ ઠરાવીને તેમની ધરપકડ કરવી એ સામાન્ય ઘટના બની રહી છે. સ્થાનિક સમાચાર પ્રસારણ કરતી સંસ્થાઓ માત્ર સરકારી તરફદારી કરતા સમાચારો જ પ્રસારિત કરે તેની કાળજી રખાય છે; અને ભૂલે ચૂકે પણ દેશની આર્થિક કે રાજકીય સમસ્યાઓનો ઉલ્લેખ કરે તો તેમને સરકાર દ્વારા ચેતવણી અપાય છે, તેના આપણે સાક્ષી છીએ. મુદ્રિત અને ધ્વનિ પ્રસારિત સમાચારો માત્ર લોકોની લાગણીઓને ઉશ્કેરે અને શાસક પક્ષના સમર્થનને જ બહાલી આપે એવો તાલ આજે જોવા મળે છે.

ભારતીય સરકારની સત્યનિષ્ઠાનો અભાવ અને અન્યોના મત પ્રત્યેની અસહિષ્ણુતા દિવસો દિવસ વધુ પ્રગટ થતી જાય છે. સરકારે ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન, અલ જઝીરા, વોશિંગટન ટાઈમ્સ અને બી.બી.સી. જેવા વિશ્વસનીય સમાચાર સ્રોતને ભારતની પ્રતિમાને હાનિ પહોંચાડવાના તહોમત હેઠળ ચેતવણી આપી, એ શું સૂચવે છે? રેમોન મેગ્સેસે પુરસ્કાર વિજેતા રવીશ કુમારે ભારતની સમાચાર ચેનલો પરથી સમાચાર ન જોવા ભલામણ કરી એ સૂચવે છે કે નિષ્પક્ષ રહીને સરકારને આયનો દેખાડનારના અવાજને રૂંધી નાખવામાં આવશે અને તેની આ ચેતવણી છે.

થોડાં વર્ષોમાં ભારત લોકશાહી શાસનનું પાલન કરનારો દેશ કહેવડાવવાને લાયક નહીં રહે કે શું તેવી વિમાસણ થાય. જ્યાં દેશની મુખ્ય સાત ટેલિવિઝન ચેનલોની માલિકી રાજકારણીઓના હાથમાં હોય ત્યાં વાડ ચીભડાં ગળે તેવો ન્યાય જ હોય. સરકાર તરફ પક્ષપાતી વલણ રાખવું, જુઠ્ઠા અને પ્રચારત્મક સૂત્રોથી ભરપૂર સમાચારો વહેતા મુકવા વગેરે આથી જ તો સુગમ બને. આમ થવાથી દુનિયામાં ભારતની પ્રતિમા ઝાંખી પડી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાણે જમણેરી વિચારો ધરાવતા શિકારીઓનું ટોળું છુટ્ટું ફરતું થયું છે, જે બીભત્સ ભાષા વાપરીને અને તેવું જ આચરણ કરીને આતંક ફેલાવવામાં અચકાતું નથી. મહિલા પત્રકારોને પણ તેમાંથી બાકાત નથી રખાતી. પરિસ્થિતિ એવી કક્ષાએ પહોંચી છે કે વિદેશોમાં મોટા ભાગના લોકો ભારતીય સંચાર અને સંચાર માધ્યમોને વિશ્વસનીય નથી માનતા.

ગુજરાતી સાહિત્યનું રખોપુ કરતી સંસ્થા હોય, લેખકો કે પત્રકારો હોય, વકીલ કે ન્યાયધીશ હોય, જો તેમાંની કોઈ વ્યક્તિ કે સમૂહ પોતાના અધિકારોની માગ કરે કે પોતાને થતા અન્યાયો સામે આંગળી ચીંધે તો તેમની અભિવ્યક્તિને રૂંધી નાખવામા આવે છે. એની સામે લેખકો, સાહિત્યકારો, વકીલો, મહિલાઓ અને લઘુમતી કોમના સભ્યો એવા માનવ અધિકારોથી વંચિત થયેલા તમામ નાગરિકો સંપૂર્ણપણે અહિંસક રીતે પોતાનો વિરોધ દર્શાવતા રહ્યા છે.

હવે, આ અને આવી નાગરિક હિલચાલોને ગણનામાં લઈને તે વિષે ન્યાયી પગલાં ભરવામાં નહીં આવે તો ભારત એક લોકશાહી શાસનમાં માનવ અધિકારોની રક્ષા કરનાર તંત્રને બદલે આપખુદ તંત્ર બનશે, અને તે માટે માત્ર અને માત્ર તેની પ્રજા જવાબદાર ગણાશે.

ચાઈનીઝ કલાકાર અને કર્મશીલ આઈ વેઇવેઇનું આ વિધાન અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ જીવનના મક્સદને એક જુદા જ પરિપેક્ષ્યમાં મૂકી આપે છે.

e.mail : 71abuch@gmail.com

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 11 ઍપ્રિલ 2021)

Loading

21 April 2021 admin
← સ્ત્રીને ડાકણ ઠેરવી મારી નાંખવાની માનસિકતાનો અર્થ
આગમની ગાન: ગિરિ, ગણેશ છે શુભકારી! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved