ગાંધીજી ભારત આવ્યા એ પછી સાત પગલાંની સપ્તપદી વિકસવા લાગી અને કૉન્ગ્રેસે અપનાવવા માંડી. એના વિષે વ્યાપક ચર્ચા થવા લાગી અને સામન્ય પ્રજા તેને સ્વીકારવા પણ લાગી. એકંદરે અત્યારે જે બંધારણપ્રણિત ભારત આકાર પામ્યું છે તેનો સ્વીકાર થવા લાગ્યો હતો. એ સાત પગલાંમાં નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ, લોકતંત્ર, સેક્યુલરિઝમ, સમાનતા, નાગરિકના મૂળભૂત અધિકાર, સ્વતંત્ર ન્યાયતંત્ર અને લેખિત બંધારણનો સમાવેશ થતો હતો.
પણ આનો અર્થ એવો નહોતો કે તેની સામે કોઈનો વિરોધ નહોતો. વિરોધ મુખ્યત્વે બે વર્ગનો હતો. એક ગયા અઠવાડિયે કહ્યું હતું એમ મૂળભૂતવાદી મુસલમાનોનો હતો. આ બધાં તત્ત્વો ગેર-ઇસ્લામિક છે અને ઇસ્લામ સ્વયંસંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોએ બહારથી કાંઈ અપનાવવાનું રહેતું નથી. જો નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ આધુનિક ભારતીય રાજ્યના પાયામાં હોય અને બધા જ અધિકારો તેને આપવામાં આવ્યા હોય તો મુસલમાન તરીકેની ઓળખ ગૌણ અથવા દ્વિતીય થઈ જાય.
બીજો વાંધો સનાતની હિંદુઓને હતો. તેમની સામે પણ એ જ સમસ્યા હતી. જો નાગરિક તરીકેની એકમેવ અને અદ્વિતીય ઓળખ ભારતીય રાજ્યના પાયામાં હોય અને બધા જ અધિકારો નાગરિકને આપવામાં આવ્યા હોય તો વર્ણવ્યવસ્થા માટે કોઈ જગ્યા જ ન બચે. આમ મૂળભૂતવાદી મુસલમાનો અને રૂઢિચુસ્ત સનાતની હિંદુઓ એકબીજાની સામે હોવા છતાં આધુનિક ભારતીય રાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી એક જ ભૂમિકાએ હતા. એકને મુસલમાનની અને ઇસ્લામની સર્વોપરિતા જોખમાતી હોય એમ લાગતું હતું અને બીજાને વર્ણભેદને માન્યતા આપનારી બ્રાહ્મણોની અને સનાતન ધર્મની સર્વોપરિતા જોખમાતી હોય એમ લાગતું હતું. બન્નેને ગાંધી-કૉન્ગ્રેસ દ્વારા વિકસાવવામાં આવેલું અને બંધારણમાં પરિણત થનારું ભારતીય રાષ્ટ્ર સ્વીકાર્ય નહોતું.
એમ તો વાંધો સામ્યવાદીઓને પણ હતો. તેઓ સામ્યવાદી રશિયા જેવા ભારતની કલ્પના કરતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી ભારતમાં શ્રમિકોને સાચી આઝાદી નહીં મળે ત્યાં સુધી અંગ્રેજો પાસેથી મળનારી રાજકીય આઝાદી અધૂરી હોવાની. એને માટે શ્રમિકોની સરમુખત્યારશાહી જરૂરી છે.
જો મૂળભૂતવાદી મુસલમાનોને, સનાતની હિંદુઓને અને સામ્યવાદીઓને આધુનિક ભારતીય રાજ્ય સામે વાંધો હતો તો આધુનિક મુસલમાનોને અને બહુજન સમાજના હિંદુઓને આવું રાજ્ય ખરેખર અસ્તિત્વમાં આવશે કે કેમ અને જો આવશે તો ટકી રહેશે કે કેમ એ બાબતે શંકા હતી. શંકા માટે અને ડરવા માટે તેમની પાસે કારણો પણ હતાં. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ કેટલાક કૉન્ગ્રેસીઓ ઢોંગ કરતા હતા. તેમના જાહેરજીવન અને અંગત જીવન વચ્ચે અંતર હતું. આ સિવાય મૂળભૂતવાદી મુસલમાનો અને સનાતની હિંદુઓ રાજકીય રીતે સક્રિય હતા અને તેઓ શંકા પેદા થાય તેવાં નિવેદનો કરતા હતા. મુસલમાનો અને સનાતની હિંદુઓ આધુનિક રાજ્યનો સ્વીકાર કરે એ તેમને ગળે જ નહોતું ઊતરતું. તેમને એમ લાગતું હતું કે ગાંધીજીના પ્રભાવને પરિણામે એવું બંધારણ ઘડાશે તો પણ આ લોકો એ બંધારણ આધારિત રાજ્યને ટકવા નહીં દે.
આમ છતાં ય ગાંધીજીએ અને કૉન્ગ્રેસે આઝાદી પછીના ભારતીય રાજ્યની સંકલ્પના વિષે પોતાની વાત કહેવાનું ચાલુ રાખ્યું હતું. થાક્યા વિના વારંવાર અને ઠરાવો કરીને તેને માટેની પ્રતિબદ્ધતા પણ જાહેર કરી હતી. ૧૯૩૫માં ઘડાયેલા કાયદા હેઠળ ૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી યોજાઈ અને કૉન્ગ્રેસે બ્રિટિશ ભારતના કેટલાક પ્રાંતોમાં સરકાર રચી. એ અંગ્રેજી ભાષામાં કહીએ તો શો કેસિંગનો અવસર હતો. બ્રિટિશ સરકાર સ્વાયતતાની ખાતરી ન આપે ત્યાં સુધી કૉન્ગ્રેસે પ્રાંતોમાં સરકારો ન રચવી જોઈએ એવો સમાજવાદીઓનો અને કેટલાક કૉન્ગ્રેસી નેતાઓનો મત હતો. ગાંધીજીએ અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એ અભિપ્રાયની વિરુદ્ધ જઇને સરકારો રચવાનો નિર્ણય લીધો હતો તેની પાછળનું મુખ્ય કારણ શંકા કરનારાઓની શંકાનું નિરાકરણ કરવાનું હતું. તેઓ બતાવવા માગતા હતા કે જુઓ, સ્વતંત્ર ભારત આવું હશે. પેલી સપ્તપદીનાં સાતેય પગલાંનો પ્રાપ્ત પરિસ્થિતિમાં શક્ય એટલા પ્રમાણમાં અમલ કરવામાં આવ્યો હતો. બંધારણ ઘડાયું ન હોવા છતાં.
એને કારણે એટલું બન્યું હતું કે શંકા કરનારાઓની શંકા મોળી પડી હતી. હા, ભવિષ્ય વિશેનો ડર તેમના મનમાં કાયમ હતો. આઝાદી પછીનાં તરતનાં વરસોમાં જમ્મુ અને કાશ્મીરના વડા પ્રધાન (ત્યારે રાજ્યોના મુખ્ય પ્રધાન વડા પ્રધાન તરીકે ઓળખાતા હતા) શેખ અબ્દુલ્લાએ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર પણ લખ્યો હતો કે તમારી હયાતિમાં અને કૉન્ગ્રેસનો જ્યારે સૂર્ય તપે છે ત્યારે બંધારણનિર્મિત ભારતનો વિરોધ કરનારાઓ આટલા ઉધમ મચાવી રહ્યા છે તો ભવિષ્યમાં જ્યારે તમે નહીં હો અને કૉન્ગ્રેસ નબળી પડી હશે ત્યારે તેઓ શું નહીં કરે? આવો જ અભિપ્રાય હિંદુ કોડ બિલનો જ્યારે સનાતની હિંદુઓએ અને રૂઢિચુસ્ત કૉન્ગ્રેસીઓએ વિરોધ કર્યો ત્યારે ડૉ. આંબેડકરે વ્યક્ત કર્યો હતો.
તો વાતનો સાર એટલો કે ભારતની આઝાદી ક્ષિતિજ ઉપર જ્યારે નજરે પડવા લાગી ત્યારે સપ્તપદી આધારિત ભારતનો વિરોધ કરનારાઓ હાંસિયામાં હતા અને તેમનું કોઈ સાંભળતું નહોતું. જે લોકો શંકા કરતા હતા તેઓ પણ હાંસિયામાં હતા અને એ સિવાય પ્રાંતીય સરકારો અને કૉન્ગ્રેસના સંકલ્પો જોઇને તેમની શંકા મોળી પણ પડી હતી. મૂળભૂતવાદી મુસલમાનો અને સનાતની હિંદુઓથી ઊલટું શંકા કરનારાઓએ ભારતનાં બંધારણમાં રસ લેવા માંડ્યો હતો અને જરૂરી સૂચનો કરવા માંડ્યા હતા. બ્રિટી=ટિશ રાજ હજુ કેટલાંક વરસ ટકી રહે એવું ઈચ્છનારા ડૉ. આંબેડકર અને બીજાઓને ખાતરી થઈ ગઈ હતી કે હવે ભારતની આઝાદી રોકી શકાય એમ નથી.
ભારતનું બંધારણ ઘડવામાં બે જણે પાયાનું કામ કર્યું હતું જેને આપણે નગુણા થઈને આજે સાવ ભૂલી ગયા છીએ. એક હતા કનૈયાલાલ મુનશી અને બીજા હતા સર બેનેગલ નરસિંગ રાવ. મુનશી ખ્યાતનામ વકીલ હતા અને કૉન્ગ્રેસના ભલે આવ-જા કરનારા પણ વરિષ્ઠ નેતા હતા. બી. એન. રાવ સનદી અધિકારી હતા અને વિલક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. મુનશીને ગાંધીજીએ કહ્યું હતું કે તમે અંગ્રેજોએ કરેલા રાજકીય સુધારાઓનો તેમ જ તેમણે ઘડેલા કાયદાઓનો અભ્યાસ કરીને, જગતના લોકતાંત્રિક દેશોના બંધારણનો તુલનાત્મક અભ્યાસ કરીને અને ભારતની સામાજિક-રાજકીય વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એનો એક મુસદ્દો તૈયાર કરો. એ મુસદ્દો કૉન્ગ્રેસની બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને બંધારણ ઘડવાના શ્રીગણેશ થશે.
સર બેનેગલ રાવને ૧૯૪૬ના જુલાઈ મહિનામાં ભારતના એ સમયના વાઇસરોય લોર્ડ વેવેલે ભારતનાં બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. (Constitutional Adviser to the Constituent Assembly) તમે મુનશી અને બી.એન. રાવે કરેલી અથાક મહેનતનું વિવરણ વાંચશો ત્યારે નતમસ્તક થઈ જશો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 ઍપ્રિલ 2021