આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હોય તેવી સખત ગરમી હતી. સાથી પ્રવાસીઓ સૌ પોતપોતાનાં એ.સી. રૂમમાં આરામ કરવા છૂટા પડ્યાં.
સુરેન્દ્રનગરથી શિવ હૉટેલનાં રિસેપ્શન લાઉન્જમાં હારબંધ ગોઠવેલાં અખબારોમાંથી એક અખબાર લઈ હું સેટી ઉપર બેઠી. હૉટેલ બોયે ઇલેકટૃિક પંખો ચાલુ કરી મારી સામે ગોઠવી દીધો. લાઉન્જના કાચમાંથી બહારની અવરજવર દેખાતી હતી. પંખાનાં ચલન સાથે અખબારનાં પાનાં આમતેમ ઊડવાં લાગ્યાં. મારી અાંખો પણ ઘેરાવા લાગી.
અખબાર વાંચવાનો વિચાર મેં માંડી વાળ્યો. બાજુમાં રાખેલાં ઠંડા પીણાંની ચૂસકી લેતાં મારી નજર વારંવાર બહારની અવરજવર ઉપર પડતી હતી. સવારની ફેરી પતાવી પરસેવે રેબઝેબ ખાલી લારીવાળો વારંવાર ખભ્ભો ઊંચો કરી પરસેવાનાં રેલાને ખમીસથી લૂછતો હતો.
કંઈક ખાવાનું મળવાની અાશાએ એક દૂબળું કૂતરું કચરાના ઢગલાને આમતેમ ફેંદી રહ્યું હતું. અાવા ધોમ તડકામાં બે ભૂલકાંઓ હાથ ઝાલી ક્યાંક જઈ રહ્યાં હતાં. એમને જોતાં, મેં તેઓ ભાઈબહેન હોવાનું અનુમાન કર્યું. ભાઈ નાનો હતો. તેણે પગમાં બે પટ્ટીનાં પોતાના માપ કરતાં બે સાઇઝ મોટાં ચપ્પલ પહેર્યાં હોવાથી તે વારંવાર પાછળ રહી જતો હતો. બહેને ઘૂંટણ સુધીનું લાંબું કધોણું ફરાક પહેર્યું હતું, જેની અાછી અાછી ભાત અહીં તહીં ડોકિયા કરતી હતી. તેના લાલ માટીની રજોટી ભરેલા ધાકોર વાળ સૂકા ઘાસ જેવા સજ્જડ ઊભા હતા.
બળીને ભડથું થઈ જાય તેવા અાકરા તાપમાં તે ઉઘાડા પગે ક્યાં જતી હશે ? મારી સમક્ષ તડકો નીકળતાની સાથે જ ‘સન સ્ક્રીન લૉશન’નાં લપેડાનું બખ્તર, ‘સન ગ્લાસીસ, સૉ હેટ, સમર સેન્ડલ્સ’ અને ‘સમર ડૃેસ’ અથવા ‘શૉર્ટ્સ’માં સજ્જ થયેલાં બ્રિટનનાં બાળકો તરી અાવ્યાં. અાપણાં દેશની ગરીબી અને અા માસૂમ બાળકોની દયાજનક હાલત જોઈ મારું હૃદય હચમચી ગયું.
હવે તો મને એ ભાઈબહેનની પીઠ જ દેખાતી હતી. હજુ કેટલે દૂર જવાનું હશે ? મારી વ્યાકુળતા વધતી જતી હતી; પણ … અા શું ?
બન્ને બાળકો થંભી ગયાં. ભાઈએ તેના પગની ચપ્પલ કાઢી, બહેને તે પહેરી લીધી. ભાઈને તેડીને કેડામાં લઈ તે એ જ ઝડપે ચાલવા લાગી. હું અાગળ કંઈ જ જોઈ ન શકી.
ક્ષોભ અને સહાનુભૂતિની લાગણીઓએ મારા હૃદય ઉપર ભયંકર ભરડો લીધો હતો. મને લાગ્યું કે મારા પગ નીચેથી ધરતી સરકી રહી છે. માથા ઉપર હાથ મૂકી હું સેટી ઉપર બેસી પડી.
હૉટેલ બોયે પૂછ્યું, ‘મેમ, કંઈ લઈ અાવું ?’
હું માત્ર એટલું જ બોલી, ‘આ પંખો બંધ કરી નાંખો.’