Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|18 February 2021

હૈયાને દરબાર

થોડાંક વર્ષો પહેલાં ફેબ્રુઆરી-માર્ચમાં અમે મધ્ય પ્રદેશના પ્રવાસે ગયા હતાં. રોડ ટ્રિપ કરી હતી. ચોખ્ખાચણાક રસ્તાની આજુબાજુ વસંત ઋતુનો વૈભવ ચોતરફ છલકાતો હતો. કારના સ્પીકરમાં હિન્દી ફિલ્મના રોમેન્ટિક ગીતો બજી રહ્યાં હતાં, પરંતુ આસપાસ કેસૂડાની જાહોજલાલી જોતાં મારા મનમાં હંસા દવેએ ગાયેલું લાજવાબ ગુજરાતી ગીત રમી રહ્યું હતું; અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ …! ક્ષેમુ દિવેટિયાનું મજેદાર સ્વરાંકન અને હંસાબહેનનો મીઠો અવાજ. આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. કેસૂડાની રંગીનિયત જોઈને આ ગીતે મન પર પ્રભુત્વ મેળવી લીધું હતું. ઓહો, શું વૈભવ હતો રસ્તાની બન્ને તરફ એ કેસરિયાળા યજમાનનો! ઝૂકી ઝૂકીને એવું રંગીન અભિવાદન કરતાં હતાં કે આખા રસ્તે વાસંતી ગીતોનો પમરાટ જ મઘમઘી રહ્યો હતો. તડકભડક કેસૂડાને જોઈને આ ગીતનો અર્થ પણ એ જ વખતે સમજાયો હતો. એક સખી તેની બીજી મૈત્રિણીને કહે છે કે તારું હૈયું કેસૂડાના ફૂલ જેવું રંગીન છે, વાઈબ્રન્ટ છે જેમાં કોઈ વિષાદ નથી, વિરહ નથી કે નથી કોઈ ફરિયાદ. પ્રીતની પાંદડીએ લાગેલો કેસૂડાનો રંગ છે. રંગીન અને ચિત્તાકર્ષક. એનો સુંવાળો સ્પર્શ પણ મખમલ જેવો મુલાયમ. વસંત ઋતુમાં કેસૂડાનાં વૃક્ષો કેસરિયાળો સાફો પહેરીને ઉન્નત મસ્તકે ઊભેલાં દેખાય છે. અંગ્રેજોએ આ વૃક્ષને 'ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ' નામ આપ્યું છે જેનો અર્થ થાય છે વનમાં ભભૂકતો દાવાગ્નિ. વસંત ઋતુમાં લચી પડતાં સુંદર વૃક્ષોમાં પલાશ એટલે કે કેસૂડાનું સ્થાન આમ્રમંજરી જેવું જ મોખરાનું કહી શકાય. આ ત્રિપંખી પુષ્પો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ મનાય છે. કિંશૂક તરીકે પણ ઓળખાતા કેસૂડાનો રંગ રોગનાશક હોવાથી હોળી-ધૂળેટીમાં કેસૂડાના જલથી સ્નાન કરવાનો મહિમા છે.

આ ગીત સિવાય પણ ગુજરાતી ભાષામાં વસંત ઋતુના અઢળક ગીતો છે એનો પરિચય પ્રણય વસાવડા, સંજય રાઠોડ જેવા અઠંગ સુગમસંગીત પ્રેમીઓ પાસેથી મળ્યો. આપણી ભાષામાં કેટલાં સુંદર વાસંતી ગીતો લખાયાં છે અને સ્વરબદ્ધ થયાં છે. ઉત્તમ કાવ્યત્વ ધરાવતાં થોડાં કાવ્યો-ગીતો અહીં રજૂ કર્યા છે. ઈન્ટરનેટના માધ્યમથી સાંભળવા મળે તો જરૂર સાંભળજો.

*****

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર કશું દેખાતું નહોતું
ફ્લાવર વાઝમાં ગોઠવાયેલાં ફૂલો કને જઇને પૂછ્યું:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

                                                        – સુરેશ દલાલ

*****

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,

વસંત આવ્યો વનવેલ ફૂલી;

મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,

કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,

ક્યારની કહું છું જે ચાલ ઊઠી;

રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,

આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,

કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;

નરસૈયો રંગમાં અંગ ઉન્મત થયો,

ખોયેલા દિવસનો ખંગ વળશે.

•   કવિ : નરસિંહ મહેતા   •   સંગીતકાર: આશિત દેસાઈ   •   ગાયકો : હેમા દેસાઈ-સોલી કાપડિયા

*****

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.
મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.
મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજી, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.
એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

•   કવિ : તુષાર શુક્લ   •   સ્વર : કવિતા કૃષ્ણમુર્તિ

****

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

•   કવિ :  ઉમાશંકર જોશી   •   સંગીત : અજિત શેઠ   •   સ્વર : નિરૂપમા શેઠ

*****

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

•   કવિ : સુન્દરમ્   •   સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

*****

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

•   કવિ: મનોજ ખંડેરિયા   •   સ્વરકાર-ગાયક: અમર ભટ્ટ

2009માં માર્ચ મહિનામાં રાસભાઈએ 'સંગીતિ'ના ઉપક્રમે 'ચતુ:અંગ વસંત' એ નામે વસંતનો સાહિત્યિક અને સાંગીતિક વૈભવ વહેંચવાનો કાર્યક્રમ યોજેલો. એ નિમિત્તે આ રચના અમર ભટ્ટે ગાયેલી. દરેક શેરમાં વસંત ને હોળી સમયે ગવાતા રાગો કે રાગ વસંતના પ્રકાર ઉપયોગમાં લેવાયા હોવાથી આ ગઝલની અસર કંઈક જુદી જ છે. અમર ભટ્ટ કહે છે, "પ્રથમ શેરમાં શુદ્ધ વસંત (વસંત રાગ છે તેમ શુદ્ધ વસંત રાગ પણ છે), બીજામાં માંજ ખમાજ  અને બનારસી લોકઢાળ પર આધારિત દાદરા, ત્રીજામાં મધ્યમ (મ) સ્વરને ષડ્જ (સા) બનાવીને મારૂ બિહાગ, ચોથામાં લલિત બસંત, પાંચમામાં ફરીથી મારૂ બિહાગ અને છેલ્લે ફરીથી માંજખમાજ. મનોજ ખંડેરિયાની આ ગઝલ વિના આપણી વસંત ઋતુ પસાર થઇ શકે ખરી?"

આ તો વાસંતી ગીતોની  વાત થઈ. ફાગણનાં ગીતો ય અનેક રચાયાં છે એની વાત ફરી ક્યારેક.  ત્યાં સુધી ઋતુઓના રાજા વસંતનો વૈભવ માણીએ.

*****

અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
હેજી … વ્હાલપને ને વગડે શું ઝબકયું ગોકુળ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયુ કેસૂડાંનું ફૂલ
ફાગણિયા ને ફેંટે દીઠું કેસૂડાનું ફૂલ
હેજી … આંટે આંટે અટવાતું હૈયું થાતું ડૂલ
ઓલ્યું કેસૂડાનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ
પ્રીતિની પાંદડીને કેસૂડાનો રંગ
હેજી ….. ફોરમ એની ફરકંતી, નાહોલિયાની સંગ
હેજી ….. જોબનિયું જાગ્યું રે એનું વણમાગ્યું લો મૂલ
ઓલ્યું કેસૂડાંનું ફૂલ
અલી તારું હૈયું કેસૂડાનું ફૂલ.

•   કવિ : ભાસ્કર વોરા   •   સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા   •   સ્વર : હંસા દવે

http://gujaratigazal.com/6745/

પ્રગટ : ‘ઇન્ટરવલ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 18 ફેબ્રુઆરી 2021

Loading

18 February 2021 admin
← આ મુશ્કેલ સમયમાં (50)
બેંકોનું ખાનગીકરણ કે વિલીનીકરણ ખાતર પર દિવેલ જ સાબિત થશે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved