ગાંધીજીનું ૧૯૧૫માં ભારતમાં આગમન થયું અને માત્ર ચાર જ વર્ષમાં, ૧૯૧૯-૧૯૨૦માં અપવાદ વિના ભારતના પ્રત્યેક નેતાને નિર્ણય લેવાનો વારો આવ્યો કે આ માણસનું કરવું શું? એમની સાથે જવું? એમનો વિરોધ કરવો? એમનાથી જુદા પડીને પોતાને રસ્તે ચાલવું કે પછી રાજકારણને રામરામ કરવા? વિકલ્પ આ ચાર જ હતા, પાંચમો કોઈ વિકલ્પ નહોતો. ભારતના દરેકે દરેક નેતાએ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડે એમ હતો. ભારતીય રાજકારણમાં આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું.
કનૈયાલાલ મુનશીએ તેમની આત્મકથામાં અને ‘આય ફૉલો ધ મહાત્મા’ નામના અંગ્રેજી પુસ્તકમાં એક પ્રસંગ નોંધ્યો છે. એની બેસન્ટે ૧૯૧૬માં ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’ નામના પક્ષની સ્થાપના કરી હતી. એ જમાનામાં કૉંગ્રેસની સમાંતરે અને કૉંગ્રેસ અંતર્ગત રાજકીય પક્ષો સ્થપાતા હતા અને વિલીન થતા હતા. ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’ આવો એક પક્ષ હતો જેમાં એની બેસન્ટ અને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી મહમદઅલી ઝીણા સર્વેસર્વા હતાં. ટૂંકમાં લીગનું નેતૃત્વ વિનીતોના હાથમાં હતું. એ દરમિયાન ગાંધીજીએ સતત ભારતભ્રમણ કર્યું, બનારસનું ભાષણ થયું, ચંપારણનો સત્યાગ્રહ થયો, ખેડાનો સત્યાગ્રહ થયો, અમદાવાદમાં મિલ કામદારોની હડતાળનું ગાંધીજીએ નેતૃત્વ કર્યું (જેમાં સારાભાઈ પરિવારનાં ભાઈ-બહેન સામસામે આવી ગયાં), સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ, ભારતની પ્રજાને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિર્વૈરતાનો પરિચય થયો અને ૧૯૧૯ના ડિસેમ્બરમાં કૉંગ્રેસના અમૃતસર અધિવેશનમાં ગાંધીજીએ ભાષણ કરીને ઠરાવ ઊલટાવ્યો હતો, એમ ઘણું બધું બન્યું હતું.
કનૈયાલાલ મુનશી લખે છે કે ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’નું નેતૃત્વ ગાંધીજીને સોંપવું જોઈએ એવું દબાણ નીચેથી કાર્યકર્તાઓ તરફથી આવવા લાગ્યું અને તેને ખાળવાની શક્તિ ઝીણા સહિત કોઈનામાં નહોતી. આ સિવાય લીગની હવે કોઈ ખાસ પ્રાસંગિકતા જ બચી નહોતી. ગાંધીજી પાસે લીગનું નેતૃત્વ સ્વીકારવાની વિનંતી લઈને જે નેતાઓ ગયા એમાં કનૈયાલાલ મુનશી પણ હતા. મદ માટે જાણીતા મહમદઅલી ઝીણા દેખીતી રીતે વિનંતી લઈને જનારાઓમાં નહોતા, પરંતુ તેમણે પણ સંમતિ આપવી પડી હતી. મુનશી લખે છે કે ગાંધીજીએ લીગનું નેતૃત્વ કરવાની તેમની વિનંતી માન્ય રાખીને લીગની કાયાપલટ કરવાની જે રૂપરેખા રજૂ કરી એ જોઇને સમજાઈ ગયું કે આ પ્રેમ અને કરુણાની મૂર્તિ શક્તિનો ધોધ છે, અને એનાથી તણાયા વિના ટકી રહેવું અશક્ય છે. મારી પાસે બે જ વિકલ્પ હતા; કાં પ્રવાહમાં પ્રવાહપતિત બનવું અને કાં વકીલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. મેં બીજો રસ્તો અપનાવ્યો. પ્રવાહની તાકાત સામે ટકી રહેવું આસાન નહોતું.
મુનશીએ આવો નિર્ણય લીધો એમાં અમૃતસરની ઘટનાએ પણ ભાગ ભજવ્યો હતો જેનો અછડતો ઉલ્લેખ આગળ કરવામાં આવ્યો છે. જલિયાંવાલા બાગની ઘટના પછી અમૃતસરમાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. એ અધિવેશનમાં એક ઠરાવ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બર્બર હિંસા કરીને પ્રજાનું દમન કરવા માટે સરકારની તો નિંદા કરવામાં આવી હતી, પરંતુ દેખાવો કરતી વખતે સંયમ નહીં જાળવવા માટે લોકોની પણ નિંદા કરવામાં આવી હતી. એ ઠરાવ પરની ચર્ચામાં એક વક્તાએ સુધારો સૂચવ્યો કે ઠરાવમાં ભારતીય પ્રજાની નિંદા કરવામાં આવી છે એ હિસ્સો હટાવી દેવો જોઈએ. એ પ્રભાવી વક્તાના એક વાક્યે શ્રોતાઓ ઉપર જાદુઈ અસર કરી હતી. તેણે કહ્યું હતું કે જે માણસે ભારતીય માતાનું દૂધ પીધું હોય એ ભારતમાતાના સંતાનની નિંદા કરી જ ન શકે. એ ઉદ્ગાર પછી મૂળ ઠરાવમાંનો ભારતીય પ્રજાની સંયમ નહીં જાળવવા માટેની નિંદાનો હિસ્સો ઉડાવી દેવાનો સુધારો મંજૂર રાખવામાં આવ્યો. સભામંડપમાં રાષ્ટ્રવાદનું જાણે કે તુફાન આવ્યું હતું.
બીજા દિવસની બેઠકમાં પ્રમુખ મોતીલાલ નેહરુએ કહ્યું કે ગઈકાલના ઠરાવ વિષે ગાંધીજી કાંઈક કહેવા માગે છે. ગાંધીજીની તબિયત સારી નહોતી એટલે બેસીને બોલ્યા. તેમણે કહ્યું કે તેઓ ગઈ આખી રાત સૂઈ નહોતા શક્યા. એક તો એ કે ભારતીય માનું દૂધ પીધેલો કોઈ ભારતીય ભારતીય પ્રજાની નિંદા કરતું કથન લખી જ ન શકે, એમ કહીને ગઈકાલના વક્તાએ એની બેસન્ટને અન્યાય કર્યો છે. ઘણા લોકોએ એમ માની લીધું હશે કે ઠરાવનો મુસદ્દો મિસીસ બેસન્ટે ઘડ્યો હોવો જોઈએ, કારણ કે તેઓ ભારતીય નથી વિદેશી છે. આ મિસીસ બેસન્ટનું અપમાન છે. રાતે સૂઈ નહીં શકવાનું બીજું કારણ એ કે શું ભારતીય માતાનું દૂધ પીધેલો પુત્ર ભારતમાતાના સંતાનોએ કરેલી ભૂલની નિંદા કરી જ ન શકે? એ પછી ગાંધીજીએ કહ્યું કે મને તો એમ લાગે છે કે જેણે ભારતીય માતાનું ધાવણ ધાવ્યું હોય એ જ પોતાની અને પોતાનાઓની નિંદા કરી શકે. સાચી બહાદુરી સત્યનો અસ્વીકાર કરવામાં નથી, સ્વીકાર કરવામાં છે. સાચો દેશપ્રેમ અને સાચો રાષ્ટ્રવાદ આમાં રહેલો છે. આ મુસદ્દો મેં ઘડ્યો, કારણ કે મેં ભારતીય માતાનું દૂધ પીધું છે અને મારી અરજ છે કે આપણી પોતાની નિંદા સહિતનો ઠરાવ પસાર કરવામાં આવે.
કહેવાની જરૂર નથી કે મૂળ ઠરાવ એના એ સ્વરૂપમાં પસાર થઈ ગયો હતો. મુનશી તેમનાં પુસ્તક Pilgrimage to Freedom’ લખે છે; “For a best part of an hour, he kept us spell-bound. The magic influence of his words and his presence swept us off our feet. When he stopped, we were at his feet.”
કનૈયાલાલ મુનશીને બે સમસ્યા હતી. એક તો તેમની જીવનશૈલી એવી હતી કે તેમને પ્રજાની વચ્ચે જીવવાનું, રગદોળાવાનું અને સંઘર્ષ કરીને જેલમાં જવાનું ગાંધીપ્રણિત નવું રાજકારણ માફક આવે એમ નહોતું. હવે એ દિવસો ગયા જેમાં અંગ્રેજીમાં બોલનારા, સુવિધાયુક્ત જિંદગી જીવનારા, નાતાલના વેકેશનમાં કૉંગ્રેસના અધિવેશનો બોલાવનારા અને તેમાં ઠરાવો કરનારા વિનીત વકીલોની બોલબાલા હતી. હવે તો ચોવીસે કલાક અને બારે માસ આમ આદમીની વચ્ચે રહીને આમ આદમીની ભાષામાં રાજકારણ કરવું પડે એમ હતું. મુનશી, ઝીણા અને એમના જેવા બીજા અનેક લોકો હતા જેમણે જાહેરજીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને અદાલતમાં પાછા જતા રહ્યા હતા. ઝીણા લંડનમાં વકીલાત કરતા હતા અને ૧૬ વરસ પછી ભારત પાછા ફર્યા હતા અને એ પણ ત્યારે જ્યારે મુસ્લિમ બનીને રાજકારણ કરવાની અનુકૂળતા નજરે પડી હતી.
કનૈયાલાલ મુનશીને બીજી સમસ્યા એ નડતી હતી કે તેઓ હિંદુ ઐશ્વર્યજન્ય ભારતીય રાષ્ટ્રવાદ માટે આકર્ષણ ધરાવતા હતા અને તેનો રોમાંચ હતો, પણ સામે ગાંધીનો રાષ્ટ્રવાદ સત્યનિષ્ઠ હતો. ભારતીય (કે હિંદુ) માનું ધાવણ ધાવેલા ઐશ્વર્યવાન હિંદુની સ્વપ્નરંજકતા ગાંધીજીના સત્યનિષ્ઠ નરવા રાષ્ટ્રવાદ સામે અથડાતી હતી. મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો હતા જેઓ ઐશ્વર્યની સ્વપ્નરંજકતા છોડી નહોતા શકતા, તેમને માટે ગાંધીજીને છોડવા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો રહ્યો. જો કે હકીકત એ પણ છે કે કેટલાક હિંદુ ઐશ્વર્યજન્ય સ્વપ્નરંજક રાષ્ટ્રવાદીઓમાંથી જે લોકો સાદગી અને સંઘર્ષમય જીવન અપનાવી શકતા હતા એ લોકો ગાંધીજી પાસે આવી ગયા હતા. ગાંધીજીથી દૂર રહીને જાહેરજીવન અશક્ય નહીં તો અઘરું તો હતું જ. હું અહીં એમ નહીં કહું કે એ બધા ઢોંગી હતા, પરંતુ વિસંગતિ તો હતી જેણે ગાંધીજીને પરાજીત કરવામાં ફાળો આપ્યો હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 27 ડિસેમ્બર 2020