આ લખી રહ્યો છું ત્યારે ઓગણીસ દિવસથી અણથંભ્યો કિસાન ઉઠાવ બરકરાર છે અને કેન્દ્ર સરકારની ભરચક કોશિશ છતાં તે સમેટાવાનું નામ લેતો નથી. આ કોશિશમાં જેમ ખાસો મોડો પડેલ વિનયઅનુનય છે તેમ ખાલિસ્તાની, પાકિસ્તાની, દેશદ્રોહી ને નક્સલ તરેહના આળકારણનો રાબેતો પણ છે. અહીં બહુ ગવાયેલ ત્રણ કાયદાની કે ખેડૂતોની માંગની ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે સરકારે અભદ્ર અધીરાઈ અને અણઘડ ઉતાવળથી હંકારવાનો રવૈયો લેતાં શું લીધો પણ હવે એ એનો ભાર વેંઢારી રહી છે.
હમણાં આળકારણની જિકર કરી તે બાબતે અહીં બે શબ્દો કહેવા લાજિમ છે. મુક્ત ચર્ચાની પૂરા કદની ગુંજાશ વિનાની લોકશાહી એક પા રાજમહેલાતી રાજકારણને સારુ તો બીજી પા ભોમભીતર હિલચાલ સારુ સુવાણ સરજતી હોય છે. માનવ અધિકારને અનુલક્ષીને બંધારણીય મોકળાશમાં ચાલવી જોઈતી ચર્ચા અને ચર્યા પરત્વે વળતા આળકારણની રીતે સત્તાવાર પેશ આવવું એ શોભીતું જ નહીં સલાહભર્યું પણ નથી. ‘રુલ ઑફ લૉ’ની ધોરણસરની બાલાશ જાણવી અને બ્રાન્ડિંગની ગેરધોરણી રૂખ અપનાવવી એમાં લોકતંત્રને હિસાબે પથ્યાપથ્યવિવેક અપેક્ષિત છે. રણોદ્યત કિસાન જમાવડાને પોતા પૈકી કેટલાકથી (કેમ કે એમણે માનવ અધિકાર દિવસે સંદિગ્ધ શૈલીએ જેલમાં નખાયેલાઓ વિશે નિસબત પ્રગટ કરી) કિનારો કરવાનું સૂઝી રહ્યું એ આ બ્રાન્ડિંગથી બચવા સારુ હશે એમ સમજાય છે. પરંતુ, એક પછી એક પકડાતા ગયા ત્યારે હું ન બોલ્યો; પણ છેવટે જ્યારે મને પકડવા આવ્યા ત્યારે મારે વિશે બોલવા કોઈ ન બચ્યું એ યુગબોધ હાલના પ્રભાવક ઉઠાવને હોવો જોઈશે.
ગમે તેમ પણ, આવતીકાલે માનો કે ખરું ખોટું પણ સમાધાન થઈ ગયું કે ઉઠાવવીરો થાક્યા અને સરકારની જિત જેવો દેખાવ થયો તો પણ સુધરે નહીં એ હદે વાસ્તવિક શાસન અને પ્રશાસન-પ્રજાજન પરત્વે અપેક્ષિત પારસ્પર્યનું ટાંચું પડ્યું તે પડ્યું એવા હાલ છે.
જે તે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નના મૂળમાં વ્યક્તિશઃ નહીં જતાં પારસ્પર્યના મુદ્દે કુંઠા અને પ્રતિઘાતનું આ જે ચિત્ર ઉપસે છે એમાં સર્વાધિક બહાર આવતું કોઈ એક વાનું હોય તો તે એ છે કે આ સરકાર જે તે સમુદાય સહિત વ્યાપક પ્રજાવર્ગ સાથે સંવાદમાં માનતી નથી. એની આ સંવાદશૂન્ય ‘મન કી બાત’ની તરાહ ને તાસીરનો કોઈ એક જ નાદર નમૂનો ટાંકવો હોય તો મે ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન એકવાર પણ વડા પ્રધાને સત્તાવાર પત્રકાર પરિષદ યોજવાપણું જોયું નથી. પ્રસંગે એ લાંબીલચ તકરીર કરી શરૂશરૂમાં હેરતઅંગેજ પેશ આવ્યા એ ખરું; પણ એક તરફી વક્તવ્યચર્ચા એ એમનો સિગ્નેચર ટ્યુન બની રહી છે. ચીનના મામલે જવાહરલાલ નહેરુની ગૃહમાં હાજરી અને ચર્ચામાં દરમિયાનગીરી સાથે નમોની હાજરી અને દરમિયાનગીરી સરખાવી જુઓ એટલે લોકશાહીમાં સરકાર અને પ્રજા વચ્ચે ચાલવો જોઈતો સંવાદ કઈ હદે બાષ્પીભૂત થઈ ગયો છે તે સમજાઈ રહેશે.
જવાહરલાલ સાથેનો આ પેરેલલ અહીં શૂળ પેઠે સાંભરી આવ્યો તે એટલા વાસ્તે કે નવા સંસદભવનનું ભૂમિપૂજન કરતાં નમોએ બોલવું ને સાંભળવું એ લોકશાહીના કાળજાની કોર છે એવું વિધાન ઘટતા આવર્તનભેર કર્યું હતું – અને તે પણ આ જ દિવસો અને આ જ કલાકોમાં ! સંકેલાતે અઠવાડિયે ઉદ્યોગધંધાના ફિક્કી જમાવડામાં એમણે કોર્પોરેટ થેલીશાહોને કૃષિવિભાગમાં વધુ ને વધુ રોકાણ કરી સરકારને (અને કિસાનોને) સહાયરૂપ થવા કહ્યું, કેમ કે ‘નીતિસે ઔર નિયતસે’ અમે કિસાન કલ્યાણને વરેલા છીએ. પણ, પૂરતી ચર્ચા વિના પરબારા લદાયેલા કૃષિકાયદા બાબતે ખેડૂત છેડેથી ફરિયાદ છે કે તમે અમને કોર્પોરેટ પરિબળોને હવાલે કરી રહ્યા છો. હવે સરકાર આ જ કોર્પોરેટ મંડળીને કહે છે કે તમે કૃષિક્ષેત્રે રોકાણમાં ઓર આગે બઢો!
આ આગેકૂચમાં નડે છે શું. પૂછો નીતિ આયોગને. આયોજન પંચનો વીંટો વાળી દેવાયો અને અંતરીક્ષેથી સહસા નીતિ આયોગે ઉતરાણ કીધું ત્યારે દેશજનતાને વિધિવત્ જે કહેવાયું હતું તે યાદ છે? આપણને કહેવામાં આવ્યું હતું કે નીતિ આયોગ આ દેશની સર્વાગ્ર વિચારમજૂસ (પ્રિમિયર પૉલિસી થિંક ટૅંક) છે, અને તે જોશે કે રાષ્ટ્રીય વિકાસનું એક સહિયારું દર્શન ઉત્ક્રાન્ત થતું ચાલે અને દેશમાં સહયોગી સમવાયતંત્ર ખીલતું આવે.
આ સહિયારું દર્શન આજે સમુક્રાન્તિના કિયે તબક્કે છે, વારુ. તમે અને હું વિમાસણની વનરામાં રખે ને ભૂલા પડીએ એની દાઝ જાણીને હોય કે અન્યથા પણ નીતિ આયોગના વહીવટી વડા અમિતાભ કાન્ત એક પ્રેમશૌર્યસિક્ત (શિવલરસ) વીરની પેઠે સહસા પડમાં પધાર્યા છે અને એમણે કહ્યું છે કે આપણે ત્યાં લોકશાહીનો અતિ પ્રવર્તે છે … વાલામૂઈ એ સુધારાને ભરખી જાય છે. કેન્દ્ર સરકારે અને સત્તાપક્ષે રાજ્યે રાજ્યે આ ત્રણ કાયદાની સમજૂત આપતા સંવાદો યોજવાનો અભિગમ રહીરહીને હાથ ધર્યો છે ત્યારે બિલકુલ એ જ ટાંકણે સરકારી નીતિ આયોગે વ્યક્ત કરેલ આ માનસિકતામાં શું વાંચવું, સિવાય કે લોકો આપણને સૂંડલામોંઢે મત આપે તે પૂરતું છે. જનતાએ તો આપણને ચૂંટી કાઢીને પોતાનું અવતારકાર્ય કરી નાખ્યું છે … દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે!
આ માનસિકતા અને આ અભિગમ કથિત ખેડૂતહિતૈષી સુધારા સુધ્ધાંના હિતમાં નથી. એટલું જ નહીં, છેલ્લાં છ વરસમાં એવા સંખ્યાબંધ કાયદા ને નીતિવિષયક નિર્ણયો થયા છે જેમાં સત્તાપક્ષે ન તો વિપક્ષ સાથે વિગતે વિચારવિનિમય કર્યો છે, ન તો નાગરિક સમાજ સાથે વિમર્શની દરકાર કરી છે.
યુ.પી.એ. શાસનમાં જે બે મોટી વાત બની આવી તે માહિતી અધિકાર અને મનરેગાની હતી. સત્તાના મેદ અને કાટની પરિસ્થિતિમાં મુકાયેલા કૉંગ્રેસ કાર્યકરોએ આ બે જ મુદ્દે ખરેખાત મચી પડવાપણું જોયું હોત તો એકંદર સમાજમાં ચયાપચય અને રુધિરાભિસરણની રચનાત્મક રાજનીતિમાં એમનું નિર્ણાયક યોગદાન હોત અને સ્વરાજની વડી પાર્ટીને છાજતું જીવનદાન બલકે નવજીવન પણ તે બની રહ્યું હોત.
કૉંગ્રેસનું તો જે થવાનું હશે તે થશે, પણ અભૂતપૂર્વ સંખ્યામાં સ્વયંસેવી કાર્યકરોનો દાવો કરતા ભા.જ.પે. સીધા લોકસંપર્કની શૈલીને સ્થાને જે કેન્દ્રીય કન્ટ્રોલ તળેની લગભગ મોનોલોગી શૈલી વિકસાવી છે તે વસ્તુતઃ એની અભૂતપૂર્વ જેવી સંસદીય બહુમતીયે અહેવાલનારૂપ છે. કૉંગ્રેસમુક્ત ભારત અને કૉંગ્રેસયુક્ત ભા.જ.પ.નો એનો વર્તમાન વ્યૂહ હાલપૂરતો એને ફળતો લાગે તો પણ સરવાળે આપણી લોકશાહી માટે અને વડા લોકશાહી પક્ષ તરીકે એને ખુદને માટે વિપરીતપરિણામી પુરવાર થશે.
નમો ભા.જ.પ.ની બીજી પારીની શરૂઆતના ગાળામાં શાહીનબાગ અને કિસાન ઉઠાવ એ બે ચાલુ પક્ષોથી ઉફરી મોટી ઘટનાઓ બની. બંનેને વિધાયક પ્રતિસાદ આપી શકાયો હોત તો ભા.જ.પ. અને ભારત બેઉને ફળી શકે, પણ …
ડિસેમ્બર ૧૪, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 01-02