અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ૪૦ લાખ મતની સરસાઈથી જો બાઈડન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમેરિકાની પ્રજાએ ચાર વર્ષ પછી ટ્રમ્પ અને તેના રાજકીય સરકસને જાકારો આપ્યો છે એ.બી.સી. ન્યૂઝના મુખ્ય ઍંકરમેનના શબ્દોમાં કહું તો “અમેરિકા અને ખાસ તો અમે મીડિયાના માણસોને હાશકારો અનુભવાયો છે; વાસ્તવમાં તો સમગ્ર વિશ્વે હાશકારો અનુભવ્યો છે. ટ્રમ્પના રોજ નીતનવા આધારવિહીન ષડ્યંત્રોનાં ગતકડાં, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની ધમકીઓ, પોતાની જ સરકારનાં ખાતાંઓના વડાઓને છુટ્ટા કરી દેવા, સન્માનીય જીવતા કે મૃત નેતાઓ વિશે હલકા શબ્દો વાપરવા, લશ્કરી નેતાઓનું અપમાન કરવું, મુખ્યધારાની મીડિયાને રોજરોજ “ફેઇક મીડિયા”નું નામ આપી પોતાના ગપ્પા ચલાવવાં. આ બધાંથી કંટાળેલી અને ત્રાસેલી પ્રજાએ ટ્રમ્પને ફાયર કર્યા છે. જો કે આ લખું છું ત્યારે પણ હજુ ટ્રમ્પનું રાજકીય સરકસ ચાલુ છે. વીસમી જાન્યુઆરીએ બાઈડન પ્રમુખ તરીકેના શપથ લેશે, ત્યાં સુધીમાં તો ટ્રમ્પ હજુ કાંઈ ખેલ પાડશે.
જો બાઈડન ને કમલા હેરિસ સામે ખાસ્સા મોટા પડકારો છે. દેશને અસાધારણ સ્થિતિમાંથી સામાન્ય-નૉર્મલ બનાવવો, શિષ્ટતા ને શાલીનતાને રાજકારણમાં પાછી આણવી. દેશને સંગઠિત કરી એકતા લાવવી, કોવિડ-૧૯ને અંકુશમાં લાવવો. કથળતી અર્થવ્યવસ્થાની ગાડી પાછી પાટે ચડાવવી, જાતિગત ભેદભાવ સામે લડવું, પર્યાવરણ સુધારવું. રિપબ્લિકન પડકારોને ડેમોક્રેટિક પાર્ટીના અંદરુની પડકારો ઉકેલવા આમ અનેક પડકારો છે.
અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં ૨,૩૭,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. હજુ આજનો આંકડો છે કે એક જ દિવસમાં વધુ ૧,૨૭,૦૦૦ લોકો સંક્રમિત થયાં છે. કેટલાંક રાજ્યોમાં હૉસ્પિટલમાં પથારીઓ ભરાઈ ગઈ છે. અંદાજ છે કે આવતા બે મહિનામાં મૃત્યુઆંક ત્રણ લાખે પહોંચશે. કોરોનાને નાથવામાં ટ્રમ્પની અણઆવડતને બાઈડનને મુખ્ય મુદ્દો બનાવેલો. પેન્ડેમિક શરૂ થયાને એક વર્ષ થવા આવ્યું, છતાં ટ્રમ્પ પાસે તેને નાથવા માટે કોઈ યોજના નથી. કોરોના ટાસ્કફોર્સનું સંચાલન કોણ કરે છે, તે પણ નક્કી નથી થઈ શકતું. ક્યારેક ઉપપ્રમુખ પેન્સ ક્યારેક ટ્રમ્પના જમાઈ તો ક્યારેક ટ્રમ્પ પોતે તે અંગે અવૈજ્ઞાનિક માહિતી આપે છે. અમેરિકા પાસે વિશ્વના ઉત્તમ ડૉક્ટર્સ હોવા છતાં કોઈની સલાહ નથી લેવાતી. નિષ્ણાતોની સતત અવગણના, એટલું જ નહિ, તેમને જાહેરમાં ઉતારી પાડવા સિવાય ટ્રમ્પની કોઈ યોજના નથી.
બાઈડને ચૂંટણીપ્રચાર શરૂ કર્યો તે દરમ્યાન જ ઓબામા સરકારના સર્જન જનરલ વિવેકમૂર્તિને સલાહકાર બનાવી અમેરિકાની જાણીતી યુનિવર્સિટીઓના નિષ્ણાત ડૉક્ટર્સની સમિતિ બનાવેલી. ચૂંટાયા પછીની સભામાં ભાષણ આપવા તેમણે જાહેરાત કરી કે તેઓ ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકોને આરોગ્યનીતિના નિષ્ણાતોને બોલાવીને કોવિડ સામે લડવાનો પ્લાન બનાવશે. ૨૦મી જાન્યુઆરીથી જ આ પ્લાન અમલમાં આવશે.
ટ્રમ્પ કોરોનાને ડેમોક્રેટિક રાજ્યોને રિપબ્લિકન રાજ્યોનાં ચશ્માંથી જોતા માસ્ક પહેરે તે ડેમોક્રેટિક રાજ્યને ના પહેરે તે રિપબ્લિકન!! બાઈડને જાહેર કર્યું છે કે તેમનો પ્લાન રાષ્ટ્રીય હશે ને તે માટે તે સૌ ગવર્નર્સ સાથે કામ કરશે અને જો કોઈ રાજ્યના ગવર્નરને વાંધો હશે. તો જે-તે શહેરના-ગામના સત્તાધીશો સાથે સીધો સંપર્ક કરીને પ્લાન અમલમાં મૂકશે. સૌથી પહેલાં જે વૅક્સિન સફળ થશે. તેને સમગ્ર અમેરિકામાં પહોંચાડવાનું આયોજન પણ હાથ ધરાયું છે.
પેન્ડેમિકને પરિણામે કથળેલી અર્થવ્યવસ્થા બીજી મોટી સમસ્યા છે. છેલ્લાં વર્ષમાં કોરોનાને કારણે ૧૧૦ લાખ નોકરીઓ જતી રહી છે. લાખો લોકો એવા છે જેમની નોકરીઓ છે પણ પગાર ૩૦થી ૫૦ ટકા કપાઈ ગયો છે. લગભગ વાર્ષિક ૬૦૦ બિલિયનની જી.ડી.પી. ગુમાવાઈ છે. ટ્રમ્પ સરકારનું ઊજળું પાસું એ હતું કે તેમની આર્થિક નીતિઓને કારણે શૅર બજાર ખાસ્સું ઉપર રહેલું. છેલ્લા કેટલાક સમયથી માર્કેટ ઊંચકાયું છે, પણ બેરોજગારીમાં નહિવત્ ફેર પડ્યો છે. ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા વધી છે.
બાઈડન માટે આર્થિક ક્ષેત્રે તત્કાલ બે પડકારો છે એક તો કૉંગ્રેસનાં બંને ગૃહોને સાથે રાખી નવું સ્ટિમ્યુલસ પૅકેજ લોકો સુધી પહોંચાડવું. બીજું રોજગારી વધારવી. બાઈડને જાન્યુઆરીના અંત સુધીમાં બંને ગૃહોને પૅકેજ પર સંમતિ સાધી પૅકેજ તૈયાર કરવાનો અનુરોધ કર્યો છે. છેલ્લા બે દિવસમાં બાઈડનની આર્થિક યોજનાની વધુ વિગતો બહાર આવી છે. મૂડીના જણાવ્યા પ્રમાણે જો રિપબ્લિકન પાર્ટી સેનેટમાં બહુમતી રાખશે. તો તેમની યોજના પ્રમાણે અમેરિકાનો સરેરાશ વૃદ્ધિદર ૩.૫ ટકાને ૧૧૬ લાખ નોકરીની તકો ઊભી થશે. આ ઉપરાંત તેમણે પેન્ડેમિક રોજગારી યોજનાને પેન્ડેમિક બેરોજગારી વીમા યોજના બનાવવાની જાહેરાત કરી છે.
જાતિભેદ એ બાઈડન સરકાર સામેનો ત્રીજો મોટો પડકાર છે. બાઈડનની જીતમાં અશ્વેત મતદારોનો મોટો હિસ્સો છે. પેન્સિલવેનિયા મિશિગન, વિસ્કોન્સિન, નેવાડા, એરિઝોના ને જ્યૉર્જિયાના ફિલાડેલ્ફિયા, ડિટ્રોઇટ ને એટલાન્ટા જેવાં શહેરોમાં જ્યાં અશ્વેતોની વસતી ૩૦-૪૦ ટકા છે તેમણે મોટા પાયે બાઈડેનની તરફેણમાં મતદાન કર્યું. એક મોજણી પ્રમાણે ૮૭ ટકા અશ્વેત મતદારોએ બાઈડનને અને ૧૩ ટકાએ ટ્રમ્પને મત આપ્યા. વિશેષ કરીને અશ્વેત યુવા મતદારોએ બાઈડનને મત આપ્યા.
છેલ્લા ચાર મહિનાથી જ્યોર્જ ફ્લોઈડની પોલીસ દ્વારા હત્યા પછી બ્લેક લાઈવ્સ મેટર આંદોલન ચાલ્યુ તેણે અશ્વેત મતદારોને ઉદ્યુક્ત કર્યા. વિશેષ કરીને યુવા અશ્વેત મતદારોને.
બાઈડન ચૂંટાયા પછીના પોતાના પ્રવચનમાં અશ્વેત સમર્થનનો વિશેષ ઉલ્લેખ કર્યોને ઉમેર્યું કે અમેરિકામાંથી સ્ટ્રક્ચરલ રેસિઝમને નાબૂદ કરવું પડશે. અમેરિકી ન્યાયતંત્રે જાતિવાદને પોસવાનું કામ કર્યું છે. દસકાઓથી અશ્વેત પ્રજા તેનો શિકાર બની છે. ૧૯૯૪માં ગુનાખોરી ડામવાનો જે કાયદો બનાવાયો તેણે જાતિવાદને વકરાવ્યો છે, નોંધવું રહ્યું કે ૯૪ના બાઈડને તે કાયદાને ટેકો આપેલો. જ્યૉર્જ ફ્લોઇડ અને બ્રોઓના ટેલરની પોલીસ દ્વારા હત્યા થઈ તે અમેરિકી ન્યાયપ્રથામાં રહેલા જાતિવાદનાં ઉદાહરણો છે. અમેરિકાની જેલોમાં અન્ય કોઈ લોકતાંત્રિક દેશો કરતાં વધુ કેદીઓ છે. તેમાં મોટા ભાગના કેદીઓ અશ્વેત છે, ન્યાયાધીશો પણ શ્વેતની સરખામણીમાં અશ્વેતને વધુ સજા કરે છે. માનવાધિકારની વાતો કરતાં દેશમાં જ માનવાધિકારનું હનન થાય છે. સ્ટ્રકચરલ રેસિઝમનું આ એક પાસું છે.
અમેરિકાની અશ્વેત પ્રજાએ બ્રીધ ઍક્ટ ઘડવાની માંગ કરી છે. આ કાયદા હેઠળ પોલીસદળનું લશ્કરીકરણ અટકાવાશે. જંગી કારાગૃહોને સ્થાને સામુદાયિક જાહેર સલામતી સંસ્થાઓ રચવામાં આવશે. અત્યારે અમેરિકાના ૬૦ લાખ લોકો મતાધિકારથી વંચિત કરાયા છે, કેમ કે તેમના પર કોઈ અપરાધ સર ખટલો ચાલ્યો છે ને સજા થઈ છે. આવા લોકો મતાધિકાર ગુમાવે છે.
આટલું પૂરતું ના હોય તેમ જો મતાધિકાર પાછો જોઈતો હોય, તો દંડની રકમ ભરવી પડે છે. બ્રીધ ઍક્ટ મતાધિકાર પાછો અપાવશે. બ્રાઈડન સરકાર સામે અશ્વેત પ્રજાની આ મોટી માંગ છે. જો અશ્વેત પ્રજા નિરાશ થશે, તો આવતી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને તેમનો સાથ લેવો મુશ્કેલ પડશે.
બાઈડને અશ્વેત નાના વેપારીઓને ઓછા વ્યાજે લોન આપવાની ને પોતાનું ઘર વસાવવા માટે સહાય આપવાની યોજના જાહેર કરી છે. અશ્વેત કૉલેજ અને યુનિવર્સિટીઓને અનુદાન આપવાની પણ જાહેરાત કરી છે.
બાઈડન સામે ચોથો મોટો પડકાર પર્યાવરણનો છે. ટ્રમ્પે છેલ્લાં ચાર વર્ષમાં ઓબામાએ પર્યાવરણ-જાળવણીના જે કાર્યક્રમો, યોજનાઓ ને કાયદાઓ બનાવેલા તેને વિઘટિત કરી નાંખ્યા છે. તોડીફોડી નાંખ્યા છે. ૨૦૧૭ની પહેલી જૂને ટ્રમ્પે જાહેરાત કરેલી કે અમેરિકા પૅરિસ-સમજૂતીમાંથી નીકળી જાય છે. ‘વૉશિંગ્ટન પોસ્ટે’ ચૂંટણીપૂર્વે આપેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે પર્યાવરણને લગતા ૧૨૫ કાયદાઓને કાં તો હટાવી નાંખ્યા છે કે બુઠ્ઠા કરી નાંખ્યા છે. ટ્રમ્પે અલાસ્કના જંગલના ૯૩ લાખ એકરમાં વૃક્ષછેદનની છૂટ આપી છે. આ જંગલનાં કેટલાંક વૃક્ષો હજાર વર્ષ જૂનાં છે. છેલ્લા થોડા મહિનાઓમાં ટ્રમ્પે ઍન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીને સૂચના આપી છે કે જાન્યુઆરી ૨૦૨૧ પહેલાં પર્યાવરણના કાયદા એટલી હદે બદલી નાંખે કે આવનારી ડેમોક્રેટિક સરકારને તેને સુધારતાં વર્ષો લાગે.
બાઈડને જાહેરાત કરી છે કે જાન્યુઆરીની વીસમી તારીખે પ્રમુખપદ સંભાળ્યા પછી પ્રથમ દિવસે જ તે અમેરિકાના પુનઃપ્રવેશ માટે અરજી કરશે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રગતિશીલ જૂથનો, ગ્રીન ન્યૂડીલનો મુસદ્દો બ્રાઈડને નથી સ્વીકાર્યો પણ જાહેરાત કરી છે કે ૨૦૫૦ સુધીમાં અમેરિકા ૧૦૦ ટકા સ્વચ્છ ઊર્જાવાળું અર્થતંત્ર બનશે. બાઈડન ઓબામા સમયના જે કાયદાઓ ટ્રમ્પે રદ્દબાતલ કરાવ્યા છે, તેને ઍક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા પુનઃ અમલી બનાવશે.
પાંચમો મોટો પડકાર રિપબ્લિકનની પાર્ટી સાથે કામ કરવાનો છે. ગયા શનિવારના ‘હિન્દુસ્તાન ટાઇમ્સે’ અમેરિકાની આજની રાજકીય સ્થિતિને દર્શાવતું પહેલે પાને મથાળું મારેલું ડિવાઈડેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા!! બાઈડનને ચૂંટણી જીત્યાનો આજે ત્રીજો દિવસ છે. પણ હજુ ગણ્યાગાંઠ્યા રિપબ્લિકન નેતાઓ સિવાય અન્ય રિપબ્લિકન નેતાઓએ અભિનંદન આપવાનું ટાળ્યું છે. સેનેટના બહુમતી નેતા મીચ મેક્કોનલ અને નીચલા ગૃહના લઘુમતી નેતા કેવિન મેકકાર્થી મૌન છે. સૌ ટ્રમ્પના કેસની રાહ જોઈને બેઠા છે, ટ્રમ્પના સમર્થકોના દેખાવો હજુ ચાલુ છે. આ ચૂંટણી પછી સેનેટમાં બંને પક્ષો પાસે ૪૮-૪૮ બેઠકો છે. જ્યૉર્જિયા રાજ્યની બે બેઠકો પર ફેરચૂંટણી થશે ને સેનેટમાં કયો પક્ષ બહુમત મેળવશે તેના પર બાઈડનનો એજન્ડા આધાર રાખે છે. સેનેટમાં અત્યારે રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. બાઈડનના કૅબિનેટના સભ્યોને બહાલી આપવાનું કામ સેનેટ કરશે.
જો સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી રહેશે, તો બાઈડને સેનેટ સાથે સમાયોજિત થઈને કામ કરવું પડશે. છેલ્લા એક દસકાથી આ સમાયોજન જોજન દૂર છે. ઓબામા ચૂંટાયા ત્યારે મેક્કોનલે કહેલું કે હું તેમને કેવળ એક ટર્મના પ્રમુખ રાખીશ. બાઈડનની એકતા માટેની અનેક હાકલ છતાં ખંધા રાજકારણી તરીકે જાણીતા મેક્કોનલે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
બાઈડનનો રાજકીય પડકાર કેવળ રિપબ્લિકન પાર્ટી પૂરતો સીમિત નથી. તેમના પોતાના પક્ષ ડેમોક્રેટિક પાર્ટીમાં બોલકા ડાબેરી પ્રગતિશીલ જૂથ સાથે તેમણે કામ પાડવાનું છે. પ્રમુખપદના પૂર્વઉમેદવાર બર્ની સેન્ડર્સ જૂથના એક યુવાસભ્ય બહેને ચૂંટણીના બીજા જ દિવસે ‘ન્યુયૉર્ક ટાઇમ્સ'ને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે અમે કેવળ ચૂંટણી સાથે શાંત હતા. અમારી માંગ છે કે કૅબિનેટમાં ઉચ્ચ હોદ્દાઓ પર અમારા માણસ હોય ને જો તેમ નહીં થાય, તો ૨૦૨૨ની મધ્યસત્ર ચૂંટણીનું પરિણામ અલગ હશે. બાઈડને ડેમોક્રેટિક અધિવેશનમાં તેમને સમર્થન આપતા રિપબ્લિકન નેતાઓને બોલવા દીધાં તે સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે. બાઈડને આ જૂથને સાચવીને ચાલવું મુશ્કેલ એટલા માટે પડશે કે તેમણે સેનેટ સાથે કામ પાર પાડવા રિપબ્લિકન પાર્ટી સાથે સમજૂતિ કરવી પડશે ને આ જૂથ સમજૂતિના મૂડમાં નથી.
‘ટાઈમ’ સામયિકના એડિટર એટ લાર્જ, ઇયાન બ્રેમરે પાંચમી નવેમ્બરે પોતાના લેખમાં લખ્યું છે કે અમેરિકા અત્યારે એટલું વિભાજિત છે કે વિશ્વતખતા પર પોતાનું સ્થાન પુનઃ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે વિશ્વના ઔદ્યોગિક લોકતાંત્રિક દેશોમાં ક્યાં ય અમેરિકા જેટલું રાજકીય વિભાજન નથી. ચૂંટણીનાં સ્પષ્ટ પરિણામ પછી પણ હારેલ ઉમેદવાર કે તેમનો પક્ષ હાર કબૂલ ના કરે તે કેવળ વ્યક્તિગત નબળાઈ નથી. તે અમેરિકી રાજ્યપ્રથાની માળખાકીય-સ્ટ્રક્ચરલ નબળાઈ છે. એનો અર્થ એ નથી કે અમેરિકા સરમુખત્યારશાહી ભણી જઈ રહ્યું છે. તેની રાજકીય સંસ્થાઓમા છેલ્લાં ચાર વર્ષોમાં એટલી નબળી બની ગઈ છે કે તે એક સાચી કાર્યરત પ્રતિનિધિત્વ ધરાવતી લોકશાહીનું એક મૉડેલ નથી રહી, જે અર્થમાં કૅનેડા કે જર્મની છે. કાંઈક અંશે તે અત્યારના હંગેરી કે ટર્કી જેવું છે. તેમનો દાવો છે આ નબળાઈને કારણે અમેરિકા વિશ્વમાં પર્યાવરણના મુદ્દે કે આંતરરાષ્ટ્રીય વાણિજ્યના મુદ્દે ચીન સામે ઊભું રહી શકે તેમ નથી બાઈડન ચૂંટાયા પછી પણ આ મુશ્કેલી રહેવાની કેમ કે ઘરઆંગણે રિપબ્લિકન પક્ષ તેમના આંતરરાષ્ટ્રીય એજન્ડાને કેટલી હદે કારગત થવા દેશે. તે નક્કી નથી. આવતાં ચાર વર્ષ કદાચ આ અર્થમાં ગયાં ચાર વર્ષ જેવાં હશે ગયાં ૫૦ વર્ષ જેવાં નહિ – ધ્યાન બ્રેયરનું લખાણ નજર અંદાજ કરીએ તો પણ એક વાત નક્કી છે કે છેલ્લાં ચાર વર્ષમાં ટ્રમ્પે જે રીતે અમેરિકાના મિત્રદેશો સાથે વ્યવહાર કર્યો તે તો તે સૌને અમેરિકા વિશે ફેરવિચારણા કરતાં કરી મૂક્યાં છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને તો જાહેરમાં કહ્યું છે કે યુરોપે હવે અમેરિકાની સાથે અને જરૂર પડે, તો અમેરિકાની સામે રહીને જીવતા શીખવું પડશે. યુરોપીય મિત્રરાજ્યોને ભીતિ છે કે ટ્રમ્પ ગયા છે પણ ‘ટ્રમ્પવાદ’ રહ્યો છે અને અમેરિકામાં એ ફરી ક્યારે કયા સ્વરૂપમાં બહાર આવશે, તે નક્કી નથી.
ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’નીતિને કારણે યુરોપીય સંઘ ને નાટો રાજ્યો દૂર થતાં ગયાં. પેન્ડેમિકને કારણે તે આ દેશો વિશેષ દૂર ગયા.
વૈશ્વિક મંદી દરમિયાન ઓબામાએ બધાં રાષ્ટ્રોને સાથે રાખીને વૈશ્વિક માર્ગ કાઢવાનો પ્રયત્ન કરેલો. ટ્રમ્પમાં ન તો એવી સમજ હતી કે ન તો દાનત. અમેરિકા અગ્રેસર બની વૈશ્વિક રસ્તો બનાવવામાં નિષ્ફળ ગયું ને શૂન્યાવકાશમાં ચીનને પ્રવેશવાનો માર્ગ સરળ બની ગયો. આજે ટર્કી ને ગ્રીસની સમસ્યા વખતે અમેરિકા મૌન છે. યુરોપીય મિત્રરાજ્યોને બીજો ડર એ છે કે ૭૭ વર્ષના બાઈડન વચગાળાના પ્રમુખ છે. ૨૦૨૧માં કોણ આવશે તે નક્કી નથી. જો કે બાઈડને કહ્યું છે કે તેઓ અમેરિકાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સઘળાં લોકતાંત્રિક રાષ્ટ્ર સાથે કામ કરશે.
છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાંમાં ભારતીય મીડિયામાં બાઈડનના અમેરિકા અને ભારત વિશે ઘણું લખાયું છે. ચીન પર અંકુશ રાખવા બંને રાષ્ટ્રોને એકબીજાંની જરૂર છે. ભારતીય વડા પ્રધાન અને ટ્રમ્પ બંને જમણેરી નેતાઓ છે ને બંને માટે પોતપોતાના દેશની લોકશાહી પોતાથી મહત્ત્વની નથી. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન અમેરિકાના ભારતીય મીડિયામાં ટ્રમ્પ સાથેની પોતાની મૈત્રીનો ભરપૂર ઉપયોગ કર્યો. એક જાહેરાતમાં તમે ફ્લોરિડાના એક ભાઈ બંદૂક સાથે ઊભા રહીને ટ્રમ્પને ટેકો જાહેર કરતા હતા. ને પ્રશ્વાદભૂમાં ‘હાઉડી મોદી’માં વડા પ્રધાનનું વિવાદસ્પદ વિધાન બોલાતું હતું ‘અબકી બાર, ટ્રમ્પસરકાર’, ધ્યાન રહે કે અમેરિકી ધરતી પર અન્ય રાજકીય પક્ષના નેતાઓની હાજરીમાં વડા પ્રધાને સઘળા પ્રોટોકોલ કોરાણે મૂકી જાહેરાત કરેલી કે ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’, ડેમોક્રેટિક પાર્ટી આ ભૂલી નથી. બાઈડન સામે અત્યારે એટલા બીજા પડકારો છે કે ભારત-અમેરિકા મૈત્રી થોડા મહિના પાછળ રહેશે પણ એ નક્કી છે કે આ બંને દેશોના સંબંધોમાં બાઈડન સરકાર માટે માનવાધિકાર ને લઘુમતીનો મુદ્દો મહત્ત્વનો રહેશે.
અમેરિકી લોકતંત્ર સામેના પડકારો અને આવતાં મહિનાઓમાં અને વર્ષોમાં બંને પક્ષો કેવા હશે, તેની ચર્ચા હવે પછી.
નવેમ્બર ૯, ૨૦૨૦
તા.ક.
પ્રમુખ ટ્રમ્પે છેલ્લા બે દિવસમાં અમેરિકામાં સંરક્ષણ મંત્રાલયમાં જે રીતે ફેરફારો કર્યા છે તેથી અનેક અટકળો શરૂ થઈ છે. પહેલાં તો સંરક્ષણ મંત્રીને બરતરફ કર્યાને આજે અન્ય હાઉરેજિંગ અધિકારીઓને કાઢ્યા અને એવા લોકોને બેસાડ્યા જે તેમને અંગત રીતે વફાદાર હોય.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2020; પૃ. 06-08