કેવડિયા ખાતે, સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન બે દિવસ મહેમાન રહ્યા અને જુદા જુદા સત્તર પ્રોજેક્ટ્સનું એમણે લોકાર્પણ કર્યું. બધી રીતે ભવ્ય આયોજનો થયાં. આમ પણ વડાપ્રધાનને ભવ્યથી ઓછું બહુ ખપતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ભવ્ય ઉદાહરણ છે. વડાપ્રધાન પોતે કરકસર કરીને આટલે સુધી આવ્યા છે. સરદાર પોતે બીજી અનેક જિંદગીમાં ન ખર્ચે એટલો ખર્ચ માત્ર એમના સ્ટેચ્યુ માટે થયો છે. એ રીતે એ એક ભવ્ય અંજલિ છે એની ના પાડી શકાશે નહીં.
આપણે જયંતીશૂરી પ્રજા છીએ. મહાનુભાવોની જયંતી પૂરતું શૂર આપણને છૂટે છે ને પછી સૂરસૂરિયું થઈ જાય છે. સરદાર જયંતી આવે છે એટલે એકદમ એમને વડા પ્રધાન નહોતા બનવા દેવાયા એ મુદ્દો ચર્ચામાં આવે છે. આવું વર્ષે વર્ષે વિશ્લેષકોને, ચેનલોને, છાપાંઓને યાદ આવે છે. એમાં નહેરુની વિરુદ્ધ પણ વાતો વાગોળાય છે. આની ટેવ પડી ગઈ છે ને કૉન્ગ્રેસને એની સામે ઘણું કહેવાનું હોય છે. સરદાર વડા પ્રધાન હોત તો આ દેશની તાસીર જુદી જ હોત, પણ જે બન્યું જ નથી ને જે હવે બને એમ જ નથી એનું કૂટ્યા કરવાથી દેશને શું લાભ છે તે સમજાતું નથી. સરદાર કે નહેરુએ જે કૈં કર્યું એને સંભારીને આગળ શું થઈ શકે એમ છે એ જ વિચારવાનું દેશને વધુ ઉપકારક થઈ પડે એવું નહીં?
વડાપ્રધાને કેવડિયાને વૈશ્વિક નકશા પર મૂકી દીધું છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકીને વિશ્વને કેવડિયા તરફ જોવાની બારી ખોલી આપી છે. એનાથી દેશના અને વિદેશના પ્રવાસીઓ કેવડિયા સુધી આવશે અને આ સ્થળ મોટું પ્રવાસન કેન્દ્ર બનશે એવી અપેક્ષા અસ્થાને નથી. આમ થશે તો સહેલાણીઓ માટે એક નવું સ્થળ હાથવગું થશે અને તેની આસપાસ હોટેલ ઉદ્યોગ ને અન્ય ઉદ્યોગો વિકસશે, અન્ય રહેવા-જમવાના કેન્દ્રોનો વિકાસ થશે તો રોજગારીની તકો વધશે ને કોરોના કાળમાં એમ થતું હોય તો તે અંતે તો દેશ હિતનાં ખાનામાં જ જશે.
રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક જુદો જ અર્થ મળ્યો છે. સરદારને આમ તો કોઈ સ્થાપનાની જરૂર નથી, પણ પુન: સ્થાપનનો આ પ્રયોગ હોય તો પણ તે આવકાર્ય છે. વડાપ્રધાને સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું અને પોતે કેવડિયાથી સાબરમતી રિવર ફ્રન્ટ સુધી, 45 મિનિટની મુસાફરી કરી પહોંચ્યા અને ત્યાં વોટર એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ સેવા એક સાથે 19 જણને પૂરી પડાશે. આવવા-જવાની મુસાફરીનો વ્યક્તિ દીઠ ખર્ચ 3,000 રૂપિયાનો હશે એમાં પણ શરતો લાગુ થાય તો ખર્ચ વ્યક્તિ દીઠ 5,000 સુધીનો પણ થઈ શકે.
આ ઉપરાંત જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે પણ ફી નક્કી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નાનાંની ફી 90 અને મોટાની 150 રૂપિયા છે. વ્યૂઇંગ ગેલરી માટે મોટાની ફી 380 તો નાનાની 230 જ્યારે એકતા ક્રૂઝ માટે 200 રૂપિયાની ફી રખાઇ છે. બટરફલાય ગાર્ડનમાં મોટા માટે 50 અને નાના માટે 40 રૂપિયા ફી છે. કેકટસ ગાર્ડનમાં નાના માટે 40 અને મોટા માટેની ફી 60 રૂપિયા છે. રિવર રાફટિંગમાં ફી 1,000 રૂપિયા છે, એકતા નર્સરીમાં મોટા માટે 30 અને નાના માટે 20ની ફી નક્કી કરાઈ છે. એ જ ફી વિશ્વ વનમાં અને આરોગ્ય વનમાં પણ પ્રવેશ માટેની છે. ચિલ્ડ્રન પાર્કમાં મોટા માટે 200 અને નાના માટે 125 નક્કી થયા છે. ઇકો બસની ફી 300 અને 250 નક્કી કરાઈ છે. યુનિટી ગાર્ડનની ફી હજુ નક્કી નથી ને અહીં જે ફી દર્શાવાઈ છે એમાં પણ સુધારાને અવકાશ છે.
આ બધું જોતાં બે બાળકોને લઈને પતિ-પત્ની અમદાવાદથી કેવડિયા આવવાનું નક્કી કરે તો માત્ર મુસાફરીનો અને જુદી જુદી જગ્યાની મુલાકાતનો ખર્ચ, તથા રહેવા જમવાનો ખર્ચ લગભગ 30 હજારનો થાય. મધયમવર્ગના કુટુંબ માટે આ ખર્ચ ઓછો નથી. એની સામે, સામે પક્ષે ક્યાં ય રૂપિયાની પણ રાહતની કોઈ જોગવાઈ નથી. કમસે કમ બાળકોને તમામ ફીમાંથી મુક્તિ આપી શકાય. શિક્ષણથી માંડીને રમતગમત કે આવાં પ્રવાસન સ્થળોમાં બાળકોને માટે, નાની નાની બાબતો માટે પૈસાની જે ઉઘરાણી ચાલે છે એમાં હેતુ તો માત્ર કમાવાનો જ જણાય છે. એ ખાનગી સંસ્થાઓ પૂરતું સીમિત હોય ત્યાં સુધી તો કૈંકે સમજાય, પણ સરકાર પણ એમાં કોઈ રાહત ન આપે એ ઠીક નથી. બીજા તો લૂંટે, પણ સરકારે એમાં ભાગીદારી ન કરવી જોઈએ.
આખા દેશમાં વિકાસને નામે જે ચાલે છે તે અનેક રીતે પુનર્વિચારણાને પાત્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ દાખલો લઈએ તો કેવડિયામાં જે વિકાસ થયો છે ને હવે 17 પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકાતાં થવાનો છે તે કોનો અને કેવો વિકાસ છે તે વિચારવાનું રહે છે. એમાં વિકાસ સરકારનો દેખાય છે ને સાથે જ પ્રોજેક્ટ્સ તૈયાર કરનારનો કે તેની ફી ઉઘરાવનારનો છે. એક મધ્યમ વર્ગના કુટુંબનો દાખલો ઉપર જોયો, જેમાં અમદાવાદથી કેવડિયા આવનાર પતિપત્ની અને બે બાળકોને અંદાજે 30,000નો ખર્ચ થાય. આ સાધારણ કુટુંબને કેટલું પરવડે એ વિચારવાનું રહે. એક જ રાજ્યમાં 300 કિલોમીટરના વિસ્તારમાં આટલો ખર્ચ કરવા ગુજરાતીઓ તો કદાચને તૈયાર થાય, પણ અન્ય રાજ્યો કે દેશમાંથી પ્રવાસીઓ કેટલા આકર્ષાય તે પ્રશ્ન રહે. શરૂઆતમાં ધસારો થાય પણ ખરો, પણ આવનારા સમય સંદર્ભે આખી વાતને જોવાની રહે.
એમ લાગે છે કે આપણી વિકાસની પરિભાષામાં સાધારણ માણસોને બહુ જ ઓછું સ્થાન છે. જે વિકાસ થાય છે તે ગણ્યાગાંઠયા મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓનો જ થાય છે. કંપનીઓ વિકાસ કરે છે ને બદલામાં સાધારણ માણસો ચૂકવણું કરે છે. એટલું છે કે સાધારણ માણસને સગવડો મળે છે, પણ તેની પાસેથી જે વસૂલાય છે તે ઓછું હોય તો પણ એટલું તો લાંબાગાળાનું હોય છે કે સરવાળે તો તે લૂંટાય જ છે. વધારે ન વિચારવું હોય તો ટોલટેક્સને જ યાદ કરી લેવો.
વિકાસથી સ્થાનિકોને ઓછામાં ઓછો લાભ થાય છે ને ગરીબોને તો આમ પણ સ્થાન હોતું નથી. હા, થોડા ભિખારીઓ કૈંક પામવામાં સફળ થાય એમ બને. કેવડિયામાં આસપાસના આદિવાસીઓ આ પ્રોજેક્ટ્સથી શું અને કેટલું પામશે એની રાહ જોવાની રહે.
આમ તો કોઈ પણ મોટા પ્રોજેકટો પ્રજાના હિતમાં સક્રિય થતા દેખાય છે, પણ સરવાળે તો હેતુ વધુને વધુ કમાણીનો જ હોય છે. કમાણીનો પણ વાંધો ન હોય, પણ કોઈ રાષ્ટ્રીય સ્મારક ઊભું કરીને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કેવળ નફાકારક ધંધાની રીતે જ જોવાય તો પેલું સ્મારક પણ ધંધાનો જ ભાગ થઈને રહી જાય છે એ ભૂલવા જેવું નથી.
કોઈ રાષ્ટ્રીય સ્મારક, પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસ પામે તો મુલાકાતીઓ વધે અને તેને અનુષંગે નાના મોટા ધંધાઉદ્યોગો વિકસે તો પ્રવાસીને જ એનાથી લાભ થવાનો છે ને એની યોગ્ય ફી લેવાય તો તેનો ય વાંધો ન હોય, પણ ઉદ્દેશ આવનારની લાચારીનો લાભ ઉઠાવવાનો જ હોય ને એવું પાછું સરકારની રહેમ નજરથી ચાલતું હોય તો પ્રશ્ન આખા ય પ્રોજેક્ટની વિશ્વસનીયતાનો ઊભો થાય.
વડા પ્રધાન ગુજરાતના છે. અહીંની ભૂમિમાં ઊછર્યા છે. અહીં મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 17 જેટલા પ્રોજેકટ ખુલ્લા મૂકે અને આખી વિધિમાં કેવળ ત્રાહિત માણસની તટસ્થતાથી બધું પાર પાડતા દેખાય ત્યારે વડા પ્રધાન હોય તો તેણે આત્મીયતાનો ભોગ આપવો જ પડે એમ ગુજરાતી પ્રજાએ સ્વીકારી લેવું પડે. કમસેકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારના ઉપયોગ માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે તમામ ફીમાં રાહત કરવી જોઈએ. સરદાર રાષ્ટ્રના હતા એ સાચું, પણ સર્વપ્રથમ તો એ ગુજરાતના હતા, તે પણ ત્યારથી, જ્યારે ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વ પણ ન હતું.
ઇચ્છીએ કે સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી પ્રજા હિતમાં કોઈ નિર્ણય લે.
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર” દૈનિક, 02 નવેમ્બર 2020