૧૯૯૦માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ'માં પોલીસ કમિશનર ગાયતોંડે સાથે નાયક વિજયના ટકરાવનું એક દ્રશ્ય છે, જેમાં ગાયતોંડે વિજયને દિલનો ભલો માણસ સમજીને તેના બોસ લોકોથી ચેતતા રહેવા સલાહ આપે છે. જવાબમાં વિજય એક પાવરફુલ સંવાદ બોલે છે, "કહેના ક્યા ચાહતા હૈ તુમ, હાંય? કે વો લોગ આજ મેરી મોત કા દિન મુક્કરર કિયા હૈ, હાંય? લેકિન મુજેકો માલુમ હૈ વો કોનસા વક્ત મુક્કરર કિયા હૈ. યે દેખો, આજ શામ છે બજે મોત કે સાથ અપના એપોઇન્ટમેન્ટ હૈ … એપોઇન્ટમેન્ટ. ઇંગ્લિશ બોલતા હૈં."
ભારતીય ઇંગ્લિશ પત્રકારત્વમાં એક જમાનાના શેરદિલ એડિટર અને અટલ બિહારી વાજપેયી સરકારમાં અગ્રણી મંત્રી, ૭૮ વર્ષના અરુણ શૌરીએ, ‘અગ્નિપથ’ના વિજય દીનાનાથ ચૌહાણની જેમ, મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરી હોય તેમ, ‘પ્રિપેરિંગ ફોર ડેથ’ (મૃત્યુની તૈયારી) નામનું એક પુસ્તક લખ્યું છે. બૌદ્ધિકતાની નિશાની એ નથી કે તમે કેવાં અને કેટલાં ભાષણો આપો છો, ખાસ કરીને જ્યારે તમે તાળીઓ પડાવવાના વ્યવસાયમાં હો. બૌદ્ધિકતા એ છે કે તમે તમારું અને આસપાસનું જીવન કેટલું સમજો છો અને આવનારી પેઢી માટે તેમાંથી શું બોધપાઠ મૂકીને જાવ છો. શૌરીનું આ પુસ્તક એ અર્થમાં એક અસાધારણ પ્રયાસ છે. શૌરી આ પુસ્તકમાં જીવનની નહીં પણ મૃત્યુની વાત કરે છે.

નેવુંના દાયકાના હિંદુ રાષ્ટ્રવાદીઓમાં જેમની ગણના થતી હતી તે શૌરી, સેરેબ્રલ પાલ્સીથી પીડાતા તેમના એક માત્ર પુત્ર આદિત્ય અને પાર્કિન્સનના રોગથી પીડાતી તેમની પત્ની અનિતાની સારવાર માટે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્ત થઇ ગયા છે, એટલું જ નહીં, જીવન અને જીવન સાથે જોડાયેલી અનેક બાબતોને ચિંતનાત્મક દ્રષ્ટિકોણથી જોતા થયા છે. મૃત્યુ એમાંથી એક છે. મૃત્યુનું આ ચિંતન અંગત જીવનના અગ્નિપથ પર ચાલીને આવ્યું છે.
શૌરી એક ઇન્ટરવ્યુમાં કહે છે, “મૃત્યુ એક શાશ્વત વિષય છે, અને હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં માત્ર ૧૦ જ મહિનામાં દસ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા હોય, ત્યારે તો તે ઔર પ્રાસંગિક બની જાય છે. પુસ્તકમાં એવાં તથ્યો છે જેને આપણામાંથી બહુ લોકો જાણતા નહીં હોય. અમુક એવી વ્યાખ્યાઓ છે જે નવી છે, ઉદાહરણ તરીકે ‘ધ તિબેટિયન બૂક ઓફ ડેડ’ વાસ્તવમાં આપણા જેવા જીવતા લોકો માટે છે. તેમાં દરેક અધ્યાય, દરેક ઘટનામાં વ્યવહારિક બોધ છે. થોડા મહિના પહેલાં હું આઈ.સી.યૂ.માં હતો, ત્યારે મને ધ્યાન કામમાં આવ્યું હતું, તેની વાતો પણ લખી છે.”
‘પ્રિપેરિંગ ફોર ડેથ’ કેવી રીતે શાંતિથી જીવનને અલવિદા કેવી રીતે ફરમાવવી તેની ગાઈડ બૂક છે. તેમાં શૌરીએ વસિયતનામું કેવી રીતે બનાવવું તેની ખુદના ઉદાહરણ સાથે સમજણ આપી છે. તે લખે છે, “શાંતિથી મૃત્યુને પામવા માટે લૌકિક કામો પૂરાં કરવાની સ્પષ્ટતા હોવી જરૂરી છે. મેં (વસિયતમાં) ઉમેર્યું છે કે (૧) મારું મગજ જો કામ કરતુ બંધ થઇ જાય અને મારા પાછા સ્વતંત્ર સભાનાવસ્થામાં આવવાની સંભવાના ન હોય, તો મને લાઈફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં ન આવે (૨) મારા અંગોને કોઈને જરૂર હોય તો આપવામાં આવે (૩) અને મારા શરીરને કોઈ ક્રિયાક્રમ વગર બાળવામાં આવે. છેલ્લે, મેં સ્પષ્ટતા કરી છે કે અનિતા કે બીજા કોઈને અગવડ ના પડે તે માટે બેસણું કે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં ન આવે.”
કોઈની મદદ વગર રહી ન શકતા દીકરા આદિત્યનું શું? શૌરીએ દીકરાની દેખભાળ માટે એક વકીલ મિત્રની મદદથી ટ્રસ્ટ ઊભું કર્યું છે. શૌરીની બચતનો મોટો હિસ્સો ટ્રસ્ટમાં જશે. અમુક હિસ્સો કટોકટી માટે પતિ-પત્નીના નામે રહેશે. પત્ની અનિતાની બહેન, ભાઈ, ભાઈની પત્ની અને એક ઘનિષ્ઠ મિત્ર ટ્રસ્ટનું સંચાલન કરશે.
પુસ્તકમાં તેમણે બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના છેલ્લા દિવસોની ઘટનાઓ અને મૃત્યુ અંગે ધાર્મિક શાસ્ત્રો તેમ જ ગુરુઓનાં ચિંતનને જોડીને ‘શાંતિપૂર્ણ રીતે મનના વિલય’નો માર્ગ તૈયાર કર્યો છે. પુસ્તકમાં મૃત્યુ અંગે શૌરીનું ચિંતન જાણે એક લાઈવ ફિલ્મ જેવું છે. એક અંશ:
“આપણો અંત નજીક આવે છે, અને એક ચક્રવાત બધું જ ખેંચી જાય છે, આપણને પણ. આપણે તીવ્ર શારીરિક પીડાની ગિરફતમાં હોઈશું. શ્વાસ રૂંધાતો હશે, આપણા હાથ-પગ ઠંડા પડતા જશે, એ ઠંડક ધડ તરફ અને પછી હૃદય તરફ આગળ વધશે. લાગણીઓનું એક તોફાન પણ સર્જાશે. આપણે જો સભાન હોઈએ, તો આપણને એ પણ અંદાજ આવશે કે જેને આપણે ચાહતા હતા અને જે આપણા માટે બહુમૂલ્ય હતું, તેનાથી આપણો વિચ્છેદ સંપૂર્ણ હશે, છેલ્લી વારનો હશે. આપણે ગમે એટલા સંબંધીઓને અલવિદા ફરમાવી હોય, આપણો વારો આવે, ત્યારે તે તદ્દન અનપેક્ષિત હશે. આ કરવાનું રહી ગયું અને તે કરવાનું રહી ગયું તેનો સમય નથી રહેતો. જે થઇ ગયું છે, તેને પાછું વાળવાનો પણ સમય નથી રહેતો. આ બધી વાતોનું શું મહત્ત્વ છે? એનો કોઈ મતલબ પણ હતો ખરો? આપણે હજારો વખત વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે યમનો દૂત આપણા પર આંગળી નહીં મૂકે. આપણો જે દિવસ નક્કી હશે ત્યારે બીજા ૧,૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લોકો પણ અલવિદા ફરમાવી જવાના હશે, અને આપણને અન્યાયની લાગણી થશે; “મને જ કેમ? આજે જ કેમ?” હજુ તો કેટલું કરવાનું છે, કેટલાં અધૂરાં કામો પૂરાં કરવાનાં છે, આપણા વગર એ કામો લટકી જશે. એમાં પાછી આગળની ચિંતા. હું કોઈક સ્વરૂપમાં જીવતો રહીશ? જે મારા પહેલાં ગયા છે અને જે મને ચાહતા હતા, મારી સંભાળ રાખતા હતા, તેમને હું જોઈ શકીશ? હું અહીં જેમને પ્રેમ કરું છું, તેમનો મને ફરી ક્યારે ય ભેટો થશે?”
મોત એક અનિવાર્યતા છે અને છતાં આપણે તેનાથી આંખઆડા કાન કરતા રહીએ છે. શૌરીએ આ સર્વસાધારણ અભીગમને સુંદર રીતે ઝીલ્યો છે, “જીવનની એક નિશ્ચિતતા મૃત્યુ છે, અને આપણે તેનાથી અંતર કેળવી રાખીએ છીએ. આજુબાજુમાં અનેક મોત જોયાં છે અને આપણે દર વખતે જાતને કહીએ છીએ – હું નહીં, આજે તો નહીં જ. આપણામાં જીવતા રહેવાની ડાર્વિનિયન વૃત્તિ છે એટલે બાજુમાં મોત હોય તો પણ આપણી આંખો બંધ કરાવી દે છે.”
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020
![]()

