= = = = સાહિત્ય-કલાને વરેલા સર્જકનો, એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે … એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર, પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે = = = =
= = = = જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યકલાનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે = = = =
આજે મને ૮૧ પૂરાં થયાં ને ૮૨-મું બેઠું છે. અનેકો તરફથી હૅપિ બર્થડેની વિશિઝ અને શુભેચ્છા-સંદેશ મળી રહ્યા છે. સૌનો આભારી છું.
મારા ૭૫-મા વર્ષે ‘અમૃતપર્વ’ ઉજવણી રૂપે તારીખ ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ ‘સુમન શાહ–સર્જકપ્રતિભાવિશેષ’ શીર્ષકથી એક પરિ સંવાદનું આયોજન કરવામાં આવેલું.
તે સમયના મારા અને અન્યોના એ સંયુક્ત ભાવજગતની આજે ૬ વર્ષે ભરપૂર યાદ આવી રહી છે.
એ પ્રસંગે, મેં ’૭૫-મે મારી મનોભાવના’ શીર્ષકથી એક વક્તવ્ય આપેલું. વક્તવ્યના કેન્દ્રમાં મુદ્દો હતો, ’સાહિત્યમાં સહભાગીતા’. એ મેં એ મિત્રો આગળ રમતો મૂકેલો એમ એને આજે અહીં FB-ના મિત્રો સામે મૂકવાનું મને ગમ્યું છે, સમુચિત લાગ્યું છે :
= = = એકલતા અને સહભાગીતા = = =
નમસ્કાર. મિત્રો, મારી તમારી સાથે અને તમારી મારી સાથે પહેલવહેલી ઓળખાણ જે થયેલી તે શબ્દથી થયેલી. રાજુ ( રાજેન્દ્ર પટેલ), જયેશ (ભોગાયતા), પારુલ (કંદર્પ દેસાઈ) કે વિનોદથી (જોશી) માંડીને આ સભામાં બેઠેલાં ઘણાં સાથેનો એ પહેલો શબ્દ-પ્રસંગ મને બરાબર યાદ છે. એમને પણ યાદ આવશે. એ દરેક પ્રસંગ વિશે કહેવા બેસું તો બહુ સમય જાય. કોઈની સાથેનો રહી પણ જાય –એ ઠીક નહીં.
પણ કહું કે આપણી ઓળખાણ કરાવનાર એ શબ્દ મારો તો હતો જ પણ તમારો પણ હતો. એ બોલાયેલો હતો, લિખિત કે પ્રકાશિત હતો, પણ સાહિત્યવિષયક હતો, સાહિત્યપરક હતો, સાહિત્યિક હતો. મોટી વાત એ છે કે એવા શબ્દથી થયેલી આપણી ઓળખાણ વર્ષોથી ટકી છે, વિકસી છે. એથી ઊભો થયેલો આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે. એમાં કશું ઇદમ્ તૃતીયમ્ નથી ઘૂસી શક્યું. એવાં આપણે મારા-તમારા શબ્દ સાથે જોડાવાને આજે ભેગાં મળ્યાં છીએ એ વાતનો મને અનેરો આનન્દ છે.
હું ૫૫ (હવે ૬૦) વર્ષથી લખું છું. ૨૦ વર્ષની ઉમ્મરથી. ૭૫-થી (હવે આશરે ૮૦) વધુ પુસ્તકો થયાં છે. પણ જેને “છેલ્લું નૉંધપાત્ર” પુસ્તક કહી શકાય એ હજી નથી થયું. એ નહીં થાય. કેમ કે હું છેલ્લે લગી લખતો રહેવાનો છું.
જુઓ, આ લખવાની કે વાંચવાની વાતને અન્ત નથી. ન હોવો જોઇએ. પણ જે લખાય તેમાંથી એક સમજ જરૂર ઊભી થાય છે; થવી જોઈએ. જે વંચાય તેમાંથી પણ એક સમજ હમેશાં ઊભી થાય છે; થવી જોઈએ. ધ્યાનથી જોઈશું તો દેખાશે કે આ સમજને આદિ મધ્ય ને અન્ત પણ છે – અ સૉર્ટ ઑવ કમ્પ્લીટનેસ ! વધારે ધ્યાનથી જોઇશું તો જણાશે કે આ સમજથી માંહ્યલાને, કહો કે સમગ્ર અસ્તિત્વને, સારું લાગતું હોય છે. કહેવાનો મતલબ, જો લેખન અને વાચન કીમતી વસ્તુઓ છે, તો એમાંથી ઊભી થયેલી સમજો પણ એટલી જ કીમતી છે. એટલે, જો આપણે આપણી સમજોની આપ-લે કરીએ, આપણી સમજોનાં સહભાગી થઈએ, તો મને લાગે છે, સાહિત્યની આખી વાતને ઘણી જ ઘણી દમદાર અને અર્થપૂર્ણ બનાવી શકીએ.
તો એ માટે શું કરવું જોઇએ? આપણે એકબીજાંની ‘નજીક’ આવવું જોઇએ — જેમ આજે આવ્યાં છીએ ! હું મારી સમજ લઇને આવું, તમે તમારી સમજ લઇને આવો. બન્ને વચ્ચે આપણે સામંજસ્ય ઊભું કરીએ. એવું સામંજસ્ય જેથી આપણી વચ્ચે સહભાગીતા નામનો સેતુ રચાય. એવો સેતુ જેનો વારંવાર ઉપયોગ કરવાથી નિરન્તરની સહભાગીતાની સંરચના કરી શકાય. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સર્વસામાન્ય સ્વરૂપની સહભાગીતા-ભૂમિકા નથી એમ નથી. પણ આજે આપણે એને મારે નિમિત્તે આપણી રીતે વિધિવત્ પ્રગટાવવાને એકત્ર થયાં છીએ.
જુઓ, મને સૌથી વધુ આનન્દ આવ્યો છે જ્યારે તમે કે કોઇએ પણ મારી સાથે મારા કોઈ લેખન અંગે વાત કરી છે — ભલે વખાણ કે ટીકા. પણ ત્યારે એમાં તમારી કે એ કોઈની સમજ વ્યક્ત થઈ હોય. સામે મેં જે કંઇ કહ્યું હોય તેથી મારી સમજ વ્યક્ત થઈ હોય. એક ‘સંવાદ’ ચાલુ થઈ ગયો હોય. એવી સહભાગીતાથી એક સંભાષા પ્રગટી હોય — એક ઇન્ટરઍક્શન. આ મને બહુ ગમ્યું છે. કેમ કે એથી બન્નેને સુધારાવધારાની ખબરો પડવા લાગે છે – એમ કે, એનું એને અને મારું મારે શું બદલવાજોગ છે, શું નવું દાખલ કરવાજોગ છે.
આજે હું મારા પહેલા વાર્તાસંગ્રહ ‘અવરશુકેલુબ’— કાળનો વાર્તાકાર નથી રહ્યો. પાંચમા સંગ્રહ લગીમાં — ‘નો આઇડીઆ? ગેટ આઇડીઆ’ લગીમાં — (હવે છઠ્ઠા ‘ઢીસૂમ્ ઢીસૂમ’ લગીમાં) હું ઘણો જ ઘણો બદલાયો છું. મારાં વિવેચનો સરળથી સરળ બનવા માંડ્યાં છે — બીજાઓને પણ એમ લાગે છે. મારાં વ્યાખ્યાનો વધારે આસ્વાદ્ય બન્યાં છે. આ તમામ પરિવર્તનોનાં અનેક કારણોમાંનું એક કારણ સહભાગીતા છે. જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યકલાનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે.
બાકી, જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો, એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એ એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે. એવી ઓળખથી મને નવું લખવાનું — નવું એટલે કે સુધરેલું લખવાનું — વધારાનું બળ મળે છે. એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે. એટલે આજે તમે મારે વિશે જે કંઈ કહેશો એને હું એવા સહભાગ રૂપે વધાવી લઈશ.
મેં કહ્યું કે આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે, એ વાતનો મને આનન્દ છે. કોઈ વી.સી. હતા, છો કે હશો. એનો આનન્દ ઑર છે. મોટા ભાગનાં, મારાં વિદ્યાર્થીઓ હતાં. આજે અધ્યાપક, આચાર્ય કે ડિરેક્ટર છો એનો આનન્દ એથીયે ઑર છે. હું ગુરુ-શિષ્ય પરમ્પરામાં જરૂર માનું છું. પણ એ સમ્બન્ધને આ રીતે ઘટાવું છું : હું ચેલા ન મૂડું. પાલખી ઊંચકવા કે ધજા ફરકાવવા ન કહું. મારો વિદ્યાર્થી કાયમ મારી આંગળી પકડીને ચાલે એ મને બિલકુલ ગમ્યું નથી. કોઇ ખભે ચડીને ગાજે એ જરૂર ગમે. પણ કોઇ માથે ચડી વાગે એ ન ગમે. એવો એ જો બે વાત પૂછતો આવે તો એની સાથે જ્ઞાનવારતા જરૂર કરું, હેતથી કરું. મેં તો હમેશાં કહ્યું છે, મારામાં તમને તમારા-જોગું કંઈ દેખાતું હોય, તો તેને લૂંટી લો. એવું પણ ખરું કે હું એને સમોવડિયો ગણું છું બલકે ગુરુ ગણું છું. એની પાસેથી પણ શીખવાની હૉંશ રાખું છું. ઘણા પાસેથી કંઈ ને કંઈ શીખ્યો પણ છું. ટૂંકમાં, મારી સમજમાં જો હું એક વ્યક્તિ છું તો મારો વિદ્યાર્થી પણ એક વ્યક્તિ છે. ગુરુ-શિષ્ય—સમ્બન્ધની ભૂમિકા, મારી નજરમાં, જેટલી આદરની નથી એટલી પરસ્પરના સ્વીકાર અને પ્રેમની છે.
વિદ્યાર્થી સિવાયનાં જે મિત્રો છે તેમની પાસે પણ મેં જેટલો આદર નથી માગ્યો એટલો પ્રેમ માગ્યો છે. ક્યારે ય મેં કોઇ ગ્રૂપ નથી બનાવ્યું કેમ કે હું પોતે કોઇના ગ્રૂપમાં નથી. ક્યારે ય મેં મુખિયા બનીને વડપણ નથી દાખવ્યું કેમ કે એવું વડપણ, હું બહુ પહેલેથી માનું છું કે, સાહિત્યના વિકાસમાં બાધા બને છે. મારા વિચારો કે મન્તવ્યો બાબતે હું મારી જાત સાથે ભારે આગ્રહી છું પણ ક્યારે ય મેં એને બીજાંઓ પર થોપ્યાં નથી. ક્યારે ય મેં કોઈને મારું પુસ્તક વાંચવા કે એ વિશે બે શબ્દ લખવા કહ્યું નથી.
હું માનું છું કે આપણે સૌ આજે પણ એ સ્વસ્થ સમ્બન્ધની ભૂમિકાએ ઊભેલાં છીએ. એ સ્વસ્થતાએ જ તમને આ પ્રેમપ્રસંગ રચવાને પ્રેર્યાં છે. આ કોઇ સંસ્થાકીય કાર્યક્રમ નથી. આ તો તમારા સૌના અન્તરમાં સ્વયં સ્ફુરેલી પ્રેરણાનું પરિણામ છે. એ હકીકતનું મારે મન ભારે મૂલ્ય છે અને બીજાં બધાંને પણ હોવું ઘટે છે. તમે સૌ દૂર દૂરથી આવ્યાં છો, મારે વિશે વક્તવ્ય કરવાનું અને સંવાદ કરવાનું સ્વીકાર્યું છે. આખો દિવસ કાર્યક્રમ ચાલવાનો છે. એ સઘળી વાત માટે હું તમારા સૌનો ખૂબ અહેસાનમંદ છું.
જાણ્યું ત્યારથી લાગ્યા કર્યું છે કે આ મારે વિશેનો નહીં પણ સુમન શાહ નામના કોઇ શખ્સને વિશેનો ખટલો છે, ટ્રાયલ, અને હું એમાં વિટનેસ કે ઑબ્ઝર્વર છું, સાક્ષી છું. મને પૂછવામાં આવે ત્યારે મારે હકીકતો કહેવાની છે. જુબાની રૂપે જે બોલાય એ બોલવાનું છે. હું ખૂબ ખૂબ ખુશ છું. થૅન્ક્યુ વૅરિ મચ. આભાર.
+++++
આ પરિસંવાદ યોજેલો મારાં વિદ્યાર્થી-અધ્યાપકો, વિદ્યાર્થી-આચાર્યો, વાર્તાકારમિત્રો અને સાહિત્યકારમિત્રોના સહયોગમાં રાજેન્દ્ર પટેલ, જયેશ ભોગાયતા અને પારુલ કંદર્પ દેસાઇએ.
Photo collage: Courtesy: Nisarg Ahir
સવારના ૯.૩૦થી સાંજના ૬.૧૫ સુધી ચાલેલા આ પરિસંવાદમાં મિત્રો ચિનુ મોદી, ભાગ્યેશ જ્હા, રતિલાલ બોરીસાગર ઉપસ્થિત રહેલા.
અજય ઓઝા, ગંભીરસિંહ ગોહીલ, ઉષા ઉપાધ્યાય, લતા હીરાણિ મિત્રોએ શુભેચ્છાસંદેશ મોકલેલા. સંજોગવશાત્ વક્તાઓ હસિત મહેતા, દક્ષેશ ઠાકર અને દીપક રાવલ ન્હૉતા આવી શક્યા.
અમદાવાદ ઉપરાન્ત વડોદરા, રાજકોટ, સૂરતથી મિત્રો આવેલા. માય ડીયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ વ્યાસ, અભિમન્યુ આચાર્ય, હસમુખ રાવલ, દીવાન ઠાકોર, સંજય ચૌહાણ, સંજય ચૌધરી કે જયશ્રી જોષી સહિત ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાકારમિત્રો આવેલા.
કિરીટ દૂધાત, કનુભાઈ આચાર્ય, સલીમ, કિશોરી ચંદારાણા, દીનાબેન, અજિત મકવાણા, હરીશ ધોબી, નરેશ વાઘેલા, પ્રેમજી, કનુ ખડદિયા, સંજય મકવાણા, વિપુલ પુરોહિત, હિમ્મત ભાલોડિયા, ભાવેશ જેઠવા કે લાભુ આવ્યા પણ જેમને ચહેરેથી ઓળખું પણ નામથી ન જાણું એવા અનેક સાહિત્યરસિકો પણ આવેલા.
વક્તાઓ રાજેન્દ્ર પટેલ, વિનોદ જોશી, અજય રાવલ, જયેશ ભોગાયતા, પારુલ કંદર્પ દેસાઇ, જગદીશ ગુર્જર, નરેશ શુક્લ, મણિલાલ હ. પટેલ, બળવંત જાની, કિશોર વ્યાસ, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને જિતેન્દ્ર મૅકવાને મારા સાહિત્યમાંથી જુદા જુદા મુદ્દા લઇ વ્યાખ્યાનો કરેલાં.
દરેક વક્તાએ તેમ જ પી.જે. પટેલ, દીપક પણ્ડ્યા, ભરત મહેતા અને ઉમા ચૌધરીએ મારી સાથેનાં સંસ્મરણો રજૂ કરેલાં. જિતેન્દ્ર મૅક્વાન, નિ સર્ગ આહીર, ભરત સોલંકી, અજય રાવલ અને જયેશ ભોગાયતાએ બેઠકોનું સંચાલન કરેલું.
મારી સાથેના ‘સંવાદ’ની બેઠકમાં મણિલાલ હ. પટેલ, અજય રાવલ, અજયસિંહ ચૌહાણ, દલપત ચૌહાણ, રામ મોરી, નરેશ શુક્લ, કપડવણજથી આવેલા ભાઈ (નામ યાદ નથી રહ્યું ), ભરત સોલંકી, માય ડીયર જયુ, જયેશ ભોગાયતા અને ભાષા-સાહિત્ય ભવનનાં મારાં કુલિગ મિત્ર રંજના હરીશ –સૌએ મને પ્રશ્નો પૂછીને મારી સાથે સંવાદ કરેલો.
મૉડેથી પણ સંભારીને આવેલા મિત્ર રઘુવીર ચૌધરીએ શુભેચ્છા-વક્તવ્ય કરેલું.
મારી ‘સોમપ્રસાદ, મંગળપ્રસાદ, બુદ્ધિપ્રસાદ’ વાર્તાનું નિ સર્ગ આહીર, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, સાગર શાહ અને છાયા ત્રિવેદીએ ‘વાચિકમ્’ કરેલું. ‘ગુર્જરી ગિરાતીર્થ’ શીર્ષકથી નિસર્ગ આહીરે મારી સમગ્ર કારકિર્દીના અનુલક્ષમાં લેખ કરેલો, ઉપરાન્ત, મારા જાહેર અને પારિવારિક અનેક ફોટોગ્રાફ્સની દૃશ્યાવલિ રજૂ કરેલી. પાર્શ્વ પ્રકાશનના માલિક, મારા આજીવન પ્રકાશક અને ભાઈ સમા બાબુભાઈ શાહે મારાં પુસ્તકોનું પ્રદર્શન કરેલું.
આ સૌ મિત્રોનો મેં આભાર માનેલો. આજે એમનો તેમ જ તમારા સૌનો પણ આભારી છું.
= = =
(November 1, 2020: Peoria, IL, USA)