ચાર મહિના પૂર્વે, ગયા એપ્રિલમાં, સુપ્રીમ કોર્ટે પી.એમ. કેર્સની કાયદેસરતા સામેની રિટ નકારીને આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમ છતાં પ્રશાંત ભૂષણની સંસ્થા સેન્ટર ફેર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને કેટલાક નવા મુદ્દાઓ સાથે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી હતી. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં તેની વિરુદ્ધમાં ચુકાદો આપીને તેના અગાઉના વલણની પુષ્ટિ કરી તેનાથી કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ.
કુદરતી આફ્તો, અકસ્માત, દુર્ઘટના વગેરેમાં દેશવાસીઓને મદદ કરવા ૧૯૪૮થી વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતકોશ અમલમાં છે. વર્તમાન સરકાર પણ અત્યાર સુધી તેનો જ ઉપયોગ કરતી હતી, પરંતુ કોરોના મહામારીના આરંભે જ નવું ફ્ંડ ઊભું કરવામાં આવ્યું. પી.એમ. કેર્સ અર્થાત્ ‘પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન’ નામક આ ફ્ંડનું રજિસ્ટ્રેશન ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ એક જાહેર ધર્માદા ટ્રસ્ટ તરીકે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ઉપરાંત ગૃહ, નાણાં અને સંરક્ષણ મંત્રાલયના કેબિનેટ મંત્રીઓ તેના ટ્રસ્ટ્રીઓ છે. દેશમાં જ્યારે આ પ્રકારનો રાષ્ટ્રીય રાહતકોશ પહેલાંથી જ હોવા છતાં નવાની જરૂર કેમ ઊભી થઈ તે બાબતે ભારે ઊહાપોહ થયો. સ્થાપનાના પાંચ જ દિવસમાં પી.એમ કેર્સને રૂ. ૩૦૭૬.૬૨ કરોડનું માતબર ફ્ંડ મળ્યું અને તેમાં દેશના જાહેર ક્ષેત્રના ૩૮ ઉપક્રમોનો ફળો રૂ. ૨૧૦૫ કરોડ જેટલો મોટો હતો. પી.એમ. કેર્સનો સમાવેશ માહિતી અધિકારના કાયદામાં થતો નથી અને તેનું ઓડિટ ‘કેગ’મારફ્ત કરી શકાતું નથી તેથી તેની ગોપનીયતા અને પારદર્શિતા અંગે સવાલો ઊઠયા.
સર્વોચ્ચ અદાલતે પી.એમ. કેર્સની વૈદ્યતા સામેની રિટ કાઢી નાંખી તે પછી પી.એમ. કેર્સમાં જમા ફ્ંડ એન.ડી.આર.એફ.માં તબદીલ કરવા દાદ માંગવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ ૪૬(૧)માં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફ્ંડ(એન.ડી.આર.એફ.)ની રચનાની જોગવાઈ છે. આ એક સરકારી ફ્ંડ હોવાથી તેમાં થયેલી આવક-જાવકની આર.ટી.આઈ. હેઠળ માહિતી માંગી શકાય છે અને તેનું ઓડિટ પણ ‘કેગ’ કરે છે. આ કારણથી આ ફ્ંડ વધુ વિશ્વસનીય છે. તેના હિસાબોની માહિતી જાહેર કરવી પડે છે અને સરકારી ઓડિટના નિયમો તેને લાગુ પડે છે. તેથી પી.એમ. કેર્સ જેવા અપારદર્શી નિધિ કરતાં એન.ડી.આર.એફ. વધુ યોગ્ય છે. જ્યારે આવી માંગ ઊઠી ત્યારે જ દેશને જાણવા મળ્યું કે પંદર વરસ પહેલાં રચના થયા છતાં કેન્દ્રની યુ.પી.એ. અને એન.ડી.એ. સરકારોએ એન.ડી.આર.એફ.ની કોઈ વિધિવત્ રચના જ કરી નથી! તેને થોડું સરકારી ફ્ંડ મળતું હતું પરંતુ લોકો પાસેથી કોઈ ડોનેશન મળે તેવી વ્યવસ્થા જ સરકારોએ આટલાં વરસોથી ઊભી થવા દીધી નહોતી. હવે છેક જૂન મહિનામાં ભારત સરકારે એન.ડી.આર.એફ.નું બજેટ હેડ માંગ્યું છે અને દાનની પ્રક્રિયાને મંજૂરી આપી છે.
જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ખંડપીઠે તેના પંચોતેર પાનાંના ચુકાદામાં પી.એ.મ કેર્સનાં નાણાં એન.ડી.આર.એફ.માં ટ્રાન્સફર કરવાની માંગણી ફ્ગાવી દીધી છે. અદાલતે કહ્યું છે કે આ બંને ફ્ંડ અલગ છે. પી.એમ. કેર્સ એક સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ છે એટલે તેમાં એકત્ર થયેલી રકમ સરકારી ફ્ંડ એવા એન.ડી.આર.એફ.માં તબદીલ થઈ શકે નહીં. સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટને આર.ટી.આઈ.ના દાયરામાં પણ લાવી શકાય નહીં કે તેનું ‘કેગ’ મારફ્ત ઓડિટ પણ થઈ શકે નહીં. અદાલતના આ ચુકાદાને પી.એમ. કેર્સના તરફ્દારો અને ખુદ સરકાર મોટો વિજય ગણે છે ૧૮મી ઓગસ્ટના રોજ ચુકાદો જાહેર થયો કે તુરત જ કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જાહેર કર્યું હતું કે પી.એ.મ કેર્સમાંથી રૂ. ૨,૦૦૦ કરોડ ૫૦,૦૦૦ વેન્ટિલેટર્સ માટે, રૂ. ૧,૦૦૦ કરોડ સ્થળાંતરિત કામદારો માટે અને રૂ. ૧૦૦ કરોડ કોવિડ-૧૯ની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે. જો કે રૂ.૩,૧૦૦ કરોડની આ ફાળવણીની વિગતવાર માહિતી આપવામાં આવતી નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પી.એમ. કેર્સ વિરુદ્ધનો સઘળો વિવાદ હવે સમાપ્ત થઈ જશે એમ લાગતું નથી. હા, હવે તેની સામેનો અદાલતી ન્યાયનો માર્ગ કદાચ બંધ થઈ ગયો છે. અદાલત કહે છે, અને તે સાચું પણ છે કે પી.એમ. કેર્સ એક ચેરિટેબલ ટ્રસ્ટ્ર છે અને તેને સરકાર સાથે કોઈ સંબંધ નથી. પરંતુ શું કોઈ ટ્રસ્ટનું સરનામું દિલ્હીના પ્રધાનમંત્રી કાર્યાલયનું હોઈ શકે? આટલો વિશેષાધિકાર કોઈ અન્ય ટ્રસ્ટને મળી શકે ખરો? જો પી.એમ. કેર્સને સરકાર સાથે સંબંધ ન હોત તો તેની રચનાની જાણ કરતી પ્રેસનોટ સરકારી સંસ્થા પ્રેસ ઈન્ફેર્મેશન બ્યૂરો દ્વારા માધ્યમોને મળી શકે ખરી? દેશનાં કેટલાં ટ્રસ્ટોને આવી સગવડો મળે છે? જો પી.એમ. કેર્સમાં કશું છુપાવવા જેવું નથી તો તેની કાર્યપ્રણાલીમાં આટલી ગોપનીયતા શા માટે છે? પી.એમ. કેર્સને જે ઝડપે આવકવેરામાંથી મુક્તિ અને એફ.સી.આર.એ. નંબર મળ્યો છે તે જ દર્શાવે છે કે તેને સરકાર સાથે સીધો સંબંધ છે.
વડાપ્રધાન રાષ્ટ્રીય રાહતકોશ પણ અપારદર્શી અને ગોપનીય છે પરંતુ જ્યારે ઉત્તરાખંડમાં પૂરથી ભારે તબાહી થઈ ત્યારે જે ખર્ચ થયો તેના હિસાબોના સરકારી ઓડિટનો તેણે સ્વીકાર કર્યો હતો. એન.ડી.આર.એફ. જેવું સંપૂર્ણ પારદર્શી અને જવાબદેહ સરકારી રાષ્ટ્રીય ફ્ંડ દેશમાં ઉપલબ્ધ હોય ત્યારે તેને બાજુ પર મૂકીને નવું પી.એમ. કેર્સ ફ્ંડ ઊભું થાય તે શંકા અને વિવાદ જન્માવે જ. હાલ તો પી.એમ. કેર્સનું ઓડિટ અન્ય ટ્રસ્ટોની જેમ ખાનગીરાહે કરાવવાનું છે પણ ટ્રસ્ટે વિવાદ કે શંકામુક્તિ માટે નહીં પોતાની જવાબદેહિતા અને પારદર્શિતા પુરવાર કરવા માટે કેગના ઓડિટ અને માહિતી અધિકાર કાયદાનો દાયરો સ્વીકારી લેવો જોઈએ કે પછી એન.ડી.આર.એફ.ના હેતુઓમાં સુધારા કરીને તેને મજબૂત કરવું જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 09 સપ્ટેમ્બર 2020